વિશ્રામ ૧૨
પૂર્વછાયો
આચારજોએ જે વળી, સ્થાપિ મુરતિયો સુખદાઈ;
તેહ કથા તમને કહું, ભલા સાંભળો વાઘજિભાઈ. ૧૧
ચોપાઈ
દેવ વટપુરમાં પધરાવ્યા, રઘુવીરજી વરતાલ આવ્યા;
વીત્યા વાસર જ્યારે છ સાત, બનિ એવે સમે બિજી વાત. ૨
કહું તેની કથા સુખદાઇ, સ્નેહે સાંભળો વાઘજિભાઈ;
સર્વે ખંભાતના હરિજને, મળિને વિચાર્યું નિજ મને. ૩
રઘુવીરજીને લખ્યો પત્ર, સ્થાપવી છે જે મૂર્તિયો અત્ર;
આપેલી છે શ્રીજીમહારાજે, લૈને આવજો સ્થાપવા કાજે. ૪
હરિમંદિર કીધું તૈયાર, માટે કરશો નહીં હવે વાર;
હતિ સત્યાશિયા તણી સાલ, હરિભક્તે તેડાવ્યા તે કાળ. ૫
ત્યારે આચાર્ય શ્રી રઘુવીર, નિત્યાનંદ મુની દૃઢ ધીર;
હરિભક્તનિ વિનતિ વિચારી, જવા ખંભાત કીધી તૈયારી. ૬
સાધુ પાળા સહિત સજ્જ થયા, લૈને મૂર્તિ તે ખંભાત ગયા;
હરિકૃષ્ણ છબી શ્યામ રંગે, હતિ તે લીધિ સાથે ઉમંગે. ૭
જૈને મુહૂર્ત શુભ જોવરાવ્યું, તે તો ફાગણ શુદિ બીજે આવ્યું;
સ્થાપિ મૂર્તિ તે મંદિરમાંય, વિધિ વેદોક્ત તે કરી ત્યાંય. ૮
વળિ નેવાશિયો1 આવ્યો જ્યારે, જેઠ શુક્લ પાંચમ શુક્રવારે;
રઘુવીરજિએ તેની સાથે, રાધાકૃષ્ણ થાપ્યા નિજ હાથે. ૯
વળિ મૂળિમાં મંદિર જેહ, થયું તેનિ કથા કહું તેહ;
જ્યારે શ્રીજિ સ્વધામ સિધાવ્યા, તેના કાર્ય2 ઉપર જન આવ્યા. ૧૦
જોશિ ઘેલો મુળિના નિવાસી, આવ્યા ગઢપુર તે ગુણરાશી;
આજ્ઞા શ્રીજિ તણી હતી જેહ, બ્રહ્માનંદે કહી તેને તેહ. ૧૧
મૂળિયે મોટું મંદિર કરવું, એવું વચન છે તે ઉર ધરવું;
ત્યાંના રાજાને જૈ સમજાવો, ધામ કરવાને જગ્યા અપાવો. ૧૨
કહે જોશિ તે આજ્ઞા ધરીશ, એ તો કામ જરૂર કરીશ;
પછિ તે મુળીયે ગયા જ્યારે, મળ્યા રાજા ને રાણિને ત્યારે. ૧૩
પરમાર રામા ભાઈ નામ, તેનું રાજ રુડું તેહ ઠામ;
બાઇબા ને રાજુબા બે રાણી, સતસંગમાં જે વખણાણી. ૧૪
રાજા પણ હરિભક્ત અનન્ય, જેનાં ભાગ્ય અહો ધન્ય ધન્ય;
ઘેલા જોશિયે વાત પ્રકાશી, તે તો ભૂપતિને ભલી ભાસી. ૧૫
સુણિ રાણિયોયે પણ ધાર્યું, આંહિ ધામ જો થાય તો સારું;
કહે જોશિને એમ ભૂપાળ, અમે આપશું જગ્યા વિશાળ. ૧૬
આંહિ શ્રીજી તણું ધામ થાય, ભલું ભાગ્ય અમારું ગણાય;
પછિ આવી પ્રબોધિનિ જ્યારે, સમૈયો થયો શ્રીપુર ત્યારે. ૧૭
ઝાલાવાડના હરિજન આવ્યા, ઘેલો જોશી તે સાથે સિધાવ્યા;
ઝાલાવાડના જે હરિદાસ, બોલ્યા અવધપ્રસાદજી પાસ. ૧૮
ગામ મુખ્ય શિયાણિ પ્રમાણ, તાવિ દેવળીયું ને મેથાણ;
કરિ આગ્રહ સર્વ ઉચ્ચારે, કરો મંદિર ગામ અમારે. ૧૯
સુણિ બોલ્યા બ્રહ્માનંદસ્વામી, સહુ સાંભળો સંતોષ પામી;
એમ બોલ્યા છે શ્રી ઘનશ્યામ, મૂળિયે કરવું મોટું ધામ. ૨૦
સુણિ બોલિયા અવધ્યપ્રસાદ, તે તો છે મુજને પણ યાદ;
હતા બોલ્યા સુંદરવર શ્યામ, મૂળિમાં કરવું મોટું ધામ. ૨૧
માટે આજ્ઞા પ્રમાણે જ કરવું, ધામ ઉત્તમ ત્યાં જ આદરવું;
હરિ આજ્ઞા ઉલંઘન થાય, સુખ એમાં નહીં ઉપજાય. ૨૨
ઝાલાવાડ તણું મધ્ય તે છે, માટે ઉત્તમ પક્ષ તો એ છે;
ઘેલો જોશી બોલ્યા તતકાલ, ભૂમિ આપશે ભૂપ વિશાળ. ૨૩
મારિ સાથે છે એવું કહાવ્યું, પછિ સૌ મળિ ત્યાં જ ઠરાવ્યું;
પછિ બ્રહ્મમુની તહાં ગયા, રાજા રામાભાઇ રાજિ થયા. ૨૪
જગ્યા જોઇએ તેટલિ દીધી, વળિ સારી સહાયતા કીધી;
કહ્યું જોઇએ તે માગિ લેજો, અમ લાયક કામ કહેજો. ૨૫
બ્રહ્માનંદે પુછ્યું પછિ ત્યાંય, સારા પથ્થર નીકળે ક્યાંય?
રામોભાઈ બોલ્યા તેહ ટાણે, મળે હલકા પથ્થર આ ઠેકાણે. ૨૬
જેને ઉત્તમ પથરાનું કામ, લાવે જૈ ધરાંગધરે ગામ;
બ્રહ્માનંદે અંતર માંહિ આણ્યું, નથિ લાવિયો હું ઝાઝું નાણું. ૨૭
ધરાંગધરેથિ પથરા લવાય, ખૂબ ખરચ નાણાં તણું થાય;
માટે મૂળિનિ સીમ મોઝાર, શોધિ કાઢવા પથ્થર સાર. ૨૮
સારો દિવસ તે સીમમાં ફરે, સારા પથ્થરની શોધ કરે;
દિન એમ વિત્યા દસબાર, પણ પથરા મળ્યા નહિ સાર. ૨૯
પથ્થરા કાચા વઢવાણ કેરા, મુળિમાં પણ એવા ઘણેરા;
મુનિ બ્રહ્મે વિચારીયું એમ, કૃષ્ણઆજ્ઞા પળાશે આ કેમ. ૩૦
પાકા પથ્થર ક્યાંથિ લવાશે, મોટું મંદિર શી રીતે થાશે;
સ્તુતિ કર જોડિ કૃષ્ણની કરે, આંખ્યોમાંથિ આંસુ બહુ ઝરે. ૩૧
એમ દિવસ પંદર વહિ ગયા, પણ શ્યામ સહાય ન થયા;
રાતે સૂતા પથારિ બિછાવી, પણ નેણમાં નિદ્રા ન આવી. ૩૨
સ્તુતિ કરવા લાગ્યા કર જોડી, હરી મેં હવે હિંમત છોડી;
કરશો જો સહાયતા શ્યામ, થાશે મોટા મંદિર તણું કામ. ૩૩
રાગ બિહાગ
પદ: ૧
સહાયતા ઘનશ્યામ, સદ્ય કરો સહાયતા ઘનશ્યામ;
કૃપાનિધી તમે કરવા કહ્યું છે, મૂળી વિષે મોટું ધામ સદ્ય. ૩૪
એકે ઉપાય સુજે નહિ અમને, કેમ થશે એહ કામ;
પાકા પથ્થર પ્રભુ આ સ્થળે ન મળે, ગોતી વળ્યો બધું ગામ સદ્ય. ૩૫
ભક્તવત્સલ કૃપાસાગર કહિયે, નાથ તમારું નામ;
કૃપા તજી અતિ કઠોર થાવું, આપને ન ઘટે આમ સદ્ય. ૩૬
હૃદય તો બળી રાખ થયું છે, ચરચર દાઝે ચામ;
દિવસ તો જેમ દુઃખથી વીત્યો, જામનીના3 જશે જામ4 સદ્ય. ૩૭
અમારે તો પ્રભુ એક જ છો તમે, મન ઠરવાનું ઠામ;
તે તો તમે તિરોધાન થયા વળી, દાઝ્યા ઉપર દ્યો છો ડામ સદ્ય. ૩૮
તમ અરથે અમે સંસાર તજિયો, તજ્યાં છે સુખ તો તમામ;
તે તમે અમને તજી ગયા છો, હે પ્રભુ પૂરણકામ સદ્ય. ૩૯
વચન થકી અમે વનમાં વસીને, સહન કર્યાં શીત ઘામ;5
તે તપનું ફળ તો ત્રિકમા અમે, પામિયા આ પરિણામ સદ્ય. ૪૦
આ અવસર હવે આપ પધારો, કહિયે કરીને પ્રણામ;
વિશ્વવિહારી છો વિશ્વંભર, વાલમ જનવિશ્રામ સદ્ય. ૪૧
પદ: ૨
પ્રકટ પ્રાણઆધાર, આવો પ્રભુ પ્રગટ પ્રાણઆધાર;
હે ઘનશ્યામ હવે તો ઘણી થઈ, વાલાજી કરોને વિચાર આવો. ૪૨
પ્રથમ સુખ સંપૂરણ આપ્યાં, ગણતાં ન પામિયે પાર;
હવે હળાહળ6 પાઓ છો પ્રીતમ, અમૃત દઈને આહાર આવો. ૪૩
સંકટમાં તમે સહાયતા પણ, કીધી અનેક પ્રકાર;
આ અવસરે કેમ અળગા રહ્યા છો, ભૂધર ગુણભંડાર આવો. ૪૪
જો નહિ આવો તો હવે નહિ રહે, લોકમાં લાજ લગાર;
પ્રભુ નહીં પણ પૂરા પાખંડી, કુસંગી જન કહેનાર આવો. ૪૫
મંદિર જો નહિ થાય મૂળીમાં, હસશે લોક હજાર;
માણસમાં પછી ઉંચે મુખે અમે, એકે ન થાય ઉચ્ચાર આવો. ૪૬
કૃપાનિધિ નથી સહાય કરતા, મહાસંક્ટ મોઝાર;
કૃષ્ણ હરિ તમે કેમ ઉતારશો, પાપીને ભવજળ પાર આવો. ૪૭
આપ વિના ત્રિભુવનમાં અમારે, અન્યનો નથી આધાર;
ભાર બીજા કોઈ દેવદેવીનો, ભાસે નહીં તલભાર આવો. ૪૮
ભાવ સહિત તમને જ ભજે નહિ, જે ગુણહીણ ગમાર;
વિશ્વવિહારીલાલ વિસારીને, કરે પામર પર પ્યાર આવો. ૪૯
પુષ્પિતાગ્રાવૃત્ત
વિનતિ ઉચરતાં જ વીતિ રાતે, દરશન તોય દિધાં ન ભક્તિજાતે;
મુનિવર મુનિબ્રહ્મ પ્રેમ આણી, વળિ વિનતી કરિ ખૂબ રાગ તાણી. ૫૦
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે
ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે
મૂળિગ્રામે મંદિરારંભનામદ્વાદશો વિશ્રામઃ ॥૧૨॥