કળશ ૧૦

વિશ્રામ ૧૩

પૂર્વછાયો

પ્રગટ ચિહ્ન પ્રભાતનાં, થવા લાગ્યાં તેહ કાળ;

જ્યોત દિવાનિ ઝાંખી પડી, પડી ઝાંખી તે નક્ષત્રમાળ. ૧

ચોપાઈ

એવિ રીતથિ વિનતી ઉચરતાં, રાગ રાગનાં કીર્તન કરતાં;

વેગે વીતિ ગઈ બધિ રાત, પછિ તો થવા લાગ્યું પ્રભાત. ૨

લાગ્યા કુર્કટ1 બહુ ધ્વનિ કરવા, ભક્તો લાગ્યા પ્રભાતિ ઉચરવા;

આસપાસ વલોણાં તે વાગ્યાં, જતાં જામનિ માણસો જાગ્યાં. ૩

મુનિ બ્રહ્મ તો મનમાં મુંઝાય, કેમ કૃષ્ણે ન કીધિ સહાય;

વળિ વિનવિ હરીને રિઝાવા, લાગ્યા રાગ પ્રભાતિ તે ગાવા. ૪

રાગ પ્રભાતી

પદ – ૧

આવો રે આવે અવસરે સંતના ઈશ, વાલમ વહેલા આવો રે. ટેક

જ્યારે જ્યારે નિજજનને પડે છે, સંકટ શ્રીમહારાજ;

  ત્યારે તમે તતકાળ આવો છો, કષ્ટનિવારણ કાજ. વાલમ꠶ ૫

સાગરમાં સતસંગીનું જ્યારે, બૂડવા લાગ્યું વહાણ;

  અહો પ્રભુ તમે જઈને ઉગાર્યો, તે પ્રેમી જનનો પ્રાણ. વાલમ꠶ ૬

ત્યાગિ વેરાગિ ને તપસિયો રુઠ્યા, ગોપાળદાસને શીશ;

  એ અવસર તમે એને ઉગાર્યા, જાણી સ્વજન જગદીશ. વાલમ꠶ ૭

અસુર જને અવતાર ધરીને, સંતોને દીધાં દુખ;

  કૃષ્ણ હરિ તમે રક્ષણ કીધું, સર્વથા દીધું સુખ. વાલમ꠶ ૮

ભક્તિધરમનો પણ ભય ટાળ્યો, વારે વારે બહુ વાર;

  આ અવસર કેમ આળસ અંગે, ધારી છે ધર્મકુમાર. વાલમ꠶ ૯

શાપ જ્યારે દુરવાસાયે દીધો, વિકળ2 થયા મુનિવૃંદ;

  એ અવસર તમે ધીરજ આપી, સર્વને હે સુખકંદ. વાલમ꠶ ૧૦

ભક્તજનો જ્યારે ભૂલા પડ્યા, અને ઉપજ્યા ચિત ઉચાટ,

  તે અવસર તમે જઈને બતાવી,વસ્તીમાં જાવાની વાટ. વાલમ꠶ ૧૧

કામ એવાં એવાં કોટિક કીધાં, ગણતાં ગણી ન શકાય;

  લ્યો સુધ મારી લાલવિહારી, દિલમાં ધરીને દયાય. વાલમ꠶ ૧૨

પદ – ૨

જાણો રે મારું સંકટ શ્રીજગદીશ, શ્રીજી સંકટ જાણો રે... ટેક

વાત બધી આ વ્યર્થ જશે તો, થાશે અધિક ઉપહાસ;3

  સત્સંગી સર્વ ઉદાસ થશે બહુ, નિશ્ચય થઈને નિરાશ. શ્રીજી꠶ ૧૩

મૂળી વિષે મોટું મંદિર કરવું, આજ્ઞા કરી છે આપ;

  તૂટશે તે આજ્ઞા જો તમારી, પ્રૌઢ ગણું છું પાપ. શ્રીજી꠶ ૧૪

મંદિર લાયક પથ્થર ન મળે, એક સ્થળે આ ઠામ;

  દૂરથી લાવતાં દુઃખ ઘણું પડે, દેવાને ન મળે દામ. શ્રીજી꠶ ૧૫

નહિ હોય તોય નવા ઉપજાવો, પાષાણ હે પરમેશ;

  કોટિ બ્રહ્માંડ કરો એક પળમાં, એવા છો આપ અજેશ.4 શ્રીજી꠶ ૧૬

દુષ્ટે દીધું ઝેર મુક્તમુનીને, તમે ઉગાર્યા તે ઠામ;

  તો તમે કેમ નહીં કરો મારી, સહાયતા ઘનશ્યામ. શ્રીજી꠶ ૧૭

પર્વત નવલખે નવ લાખ રૂપે, સૌ જોગીને મળ્યા સાથ;

  તો એકરૂપે મને કેમ ન મળો, ન ગણ્યો જોગી મને નાથ. શ્રીજી꠶ ૧૮

મૂળિમાં નહિ થાય મોટું મંદિર તો, જનમાં હું નહિ વસું વાસ;

  વાસ વસીશ વીશાળા વિષે જઈ, બદરીપતિની પાસ. શ્રીજી꠶ ૧૯

દુઃખિયો કોઈને દેખી શકો નહીં, એવા છો દેવ દયાળ;

  કેમ આ અવસરે કરતા નથી દયા, વિશ્વવિહારીલાલ. શ્રીજી꠶ ૨૦

પદ – ૩

ભાંગો રે મારી ચિંતા તમે ભગવાન, ભૂધર ચિંતા ભાંગો રે... ટેક

ધ્યાન ધરી ધરી વિનતિ કરી કરી, પ્રણમું ફરી ફરી પાય;

  આવી વેળાયે ઉતાવળા આવીને, શ્યામ કરોને સહાય. ભૂધર꠶ ૨૧

ખારું હતું તે કર્યું જળ મીઠું, નિષ્કુળાનંદને કાજ;

  કાચા પથ્થર કેમ પાકા થશે નહિ, તો તમથી મહારાજ. ભૂધર꠶ ૨૨

મચ્છકચ્છાદિક રૂપે મહાપ્રભુ, ભક્તોનાં ભાંગ્યાં દુઃખ;

  આજ સુધી અમને પણ આપ્યાં, સર્વ પ્રકારે સુખ. ભૂધર꠶ ૨૩

હસી હસી મુખમાં લાડુ મૂક્યા, શિર પર સિંચ્યાં દૂધ;

  લાડ લડાવિયાં લાખ પ્રકારે, સ્વામિ ભૂલ્યા હવે સૂધ. ભૂધર꠶ ૨૪

ખળખળિયામાં ખેંચીને લેતા, અમને તમે અલબેલ;

  ઉન્મત્તગંગા વિષે અમ સંગે, ખાંતથી5 કરતા ખેલ. ભૂધર꠶ ૨૫

સંતની સાથે વસંત ઋતુમાં, રંગ ઉડાડતા રાજ;

  લક્ષધા લાવ અલૌકિક લેતાં, સૌ મળી સંતસમાજ. ભૂધર꠶ ૨૬

સંત સહુ મને પ્રાણથી પ્યારા, આપ ઉચ્ચરતા એમ;

  આ અવસર નથી આવીને કરતા, કષ્ટ નિવારણ કેમ. ભૂધર꠶ ૨૭

ચાખડિયે ચડી ચટકતા આવો, કર ધરી રૂડો રૂમાલ;

  ઉત્તમ અમને ઉપાય બતાવો, વિશ્વવિહારીલાલ. ભૂધર꠶ ૨૮

પદ – ૪

દેજો રે હવે દર્શન દેવના દેવ, અમને દર્શન દેજો રે. ટેક

વિનવતાં બધી રાત વિતી ગઈ, નાખ્યા બહુ નિઃશ્વાસ;

  કૃષ્ણ હરિ મને શિદ કકળાવો, આવો હવે અવિનાશ. અમને꠶ ૨૯

માગ્યા વિના પણ મનની ઇચ્છાઓ, પૂરતા પૂરણકામ;

  ક્યાં ગયું એવું કૃપાળુપણું, હવે નિર્દય ધાર્યું નામ. અમને꠶ ૩૦

વારણ6 દુઃખ નિવારણ કીધું, ગ્રાહે7 ગ્રહ્યો જે વાર;

  અર્ધું જ નામ ઉચ્ચાર કર્યું ત્યાં, તર્ત થયા તૈયાર. અમને꠶ ૩૧

ભરી સભામાં દ્રુપદીની પણ, તરત જ રાખી લાજ;

  વાલમ કેમ વિલંબ કરો છો, આવતાં વારે8 આજ. અમને꠶ ૩૨

અજ હરિ હર ઉત્પત્તિ સ્થિતિ લય, જે જે કરે છે કામ;

  તે સહુને છે તમારી સહાયતા, તેથિ જ થાય તમામ. અમને꠶ ૩૩

વરતાલનું ને જૂનાગઢનું કર્યું, મંદિર મેં મહારાજ;

  એ પણ આપની એક સહાયથી, તે વિના થાય ન કાજ. અમને꠶ ૩૪

મૂળીનું મંદિર પણ બહુ મોટું, કરવા મને કહ્યું નાથ;

  પણ જશ પામવો તે વિષે તે તો, હે હરિ આપને હાથ. અમને꠶૩૫

કોઈ સમે બહુ પ્રીત દેખાડો, કોઈ સમે નહિ પ્રીત;

  વિશ્વવિહારી કૌતકકારી,9 ન્યારી તમારી રીત. અમને꠶ ૩૬

રાગ કેદારો

પદ – ૧

ધર્મના નંદ ધીરજ ધરું ક્યાં લગી, શ્યામળા કેમ નથી સાર લેતા;

  કરગરી કરગરી કોટિ વિનતી કરી,

    તોય દરશન નથી કેમ દેતા. ધર્મ꠶ ટેક

કૈકને સ્મરણ કરતાં જ દરશન દિયો, કૈકના ઉર તણી આશ પૂરો;

  કૈકને પ્રગટ પરચા પૂરો આપ તો,

    કેમ સંકલ્પ મુજ રે’ અધૂરો. ધર્મ꠶ ૩૭

ખારું જળ મિષ્ટ કરનાર હરિ છો તમે, છો તમે રંકને રાય કર્તા;

  છો તમે સર્વ સંકષ્ટ હરનાર તો,

    કેમ નથી કષ્ટ મુજ કાન ધર્તા. ધર્મ꠶ ૩૮

મહીનદી માંહિ રઘુવીરજીને તમે, બૂડતાં બાંહિ ગ્રહી બાર લીધા;

  તુર્ત જૈ તારિયા શોક નીવારિયા,

    દાસને એમ આનંદ દીધા. ધર્મ꠶ ૩૯

ભક્ત નાજા શિરે કષ્ટ ભારે થયું, તે તમે ત્યાં જઈ તુર્ત ટાળ્યું;

  નિરખિને નાજો નિજનાથ નિધડક થયો,

    એમ બહુનામી નિજ બરદ10 પાળ્યું. ધર્મ꠶ ૪૦

જેમ જોબન પગીને જણાયા તમે, જૈ ઘનશ્યામ ઝટ ઘોડે ઘોડે;

  તેમ અહિયાં તમે કેમ નથી આવતા,

    ભાવ અભાવ શો મારી જોડે. ધર્મ꠶ ૪૧

આવિયું કષ્ટ જિવરામને જે સમે, નાવથી નાખિયો સિંધુનીરે;

  ત્યાં નહિ નાથ વિલંબ મૂદલ કર્યો,

    એ સમે આ૫ આવ્યા અચીરે.11 ધર્મ꠶ ૪૨

આજ અગણીત જનને જ ઉદ્વારિયા,આજ બહુ કાજ કરિયાં અલોકી;

  આજ મહારાજ મુજ કાજ કરતા નથી,

    આજ રહ્યું આપને કોણ રોકી. ધર્મ꠶ ૪૩

શ્યામ ધીરજ હવે ચિત્તમાં નૈ રહે, જો નહીં આ સમે આવો હાલ;

  દાસ વિશ્વાસ પછી કોણ કરશે પ્રભુ,

    વિશ્વમાં વિશ્વવિહારીલાલ. ધર્મ꠶ ૪૪

પદ – ૨

દેવના દેવ દરશન તમે નૈ દીયો, તો પ્રભુ કેમ ચિત્ત શાન્તિ થાશે;

  આજ અકળાઈ અલબેલ અંતર થકી,

    હિમત હૈયા તણી સર્વ જાશે. દેવ꠶ ટેક

જે મુનિ બ્રહ્મ હું ભક્ત ખાચર સુરો, બે સખા આપના નિત્ય પાસે;

  મુખ્ય માન્યા તમે દાસ પોતા તણા,

    મુખ્ય તે માનિયા સર્વ દાસે. દેવ꠶ ૪૫

હાસ્યરસથી તમે ખૂબ ખુશી કરી, દાસને ખાસ આનંદ આપ્યો;

  એ સમો આજ કહો ક્યાં ગયો શ્રીહરિ,

    જેમને શોક સંપૂર્ણ વ્યાપ્યો. દેવ꠶ ૪૬

દુર્ગપુરમાં મને રાજ રાજી થઈ, શીઘ્ર12 પદ13 શ્યામ કરવા કહેતા;

  આ સમે આવીને તેમ શ્રીજી તમે,

    શીઘ્ર નથી કેમ સંભાળ લેતા. દેવ꠶ ૪૭

હેત ને હરખમાં ખૂબ આનંદ દૌ, આજ મૂંઝવણ અતિ આપી પાકી;

  શોકસાગર વિષે માવ નાખ્યો મને,

    બોલવાનું નથી કાંઈ બાકી. દેવ꠶ ૪૮

દૂરથી દેખતા દેવ મુજને તમે, ત્યાં અતિ ઉર આનંદ થાતો;

  સ્નેહ એ આજ કહોને પ્રભુ ક્યાં ગયો,

    ક્યાં ગયો સ્નેહનો સર્વ નાતો. દેવ꠶ ૪૯

દાસને પાસ રહિ રાસ લેતા તમે, તે સમે મુખ્ય મુજને જ કીધો;

  શ્રીહરિ તે તમે છેક ભુલી ગયા,

    આ સમે કેમ વીસારી દીધો. દેવ꠶ ૫૦

આપ ઉદાસમાં હો અતી જે સમે, તે સમે આપને હું હસાવું;

  આજ ઊદાસ અતિશે થયો હું હરિ,

    કષ્ટ તે દૂર શાથી ખસાવું. દેવ꠶ ૫૧

જો કૃપાળુ કૃપા આપને આવશે, તો જ આ કષ્ટ તે દૂર થાશે;

  વિશ્વવિહારી આ વિશ્વમાં આપના,

    શ્રેષ્ઠ નિર્મળ ગુણો સર્વ ગાશે. દેવા꠶ ૫૨

પદ – ૩

આજ અક્ષરપતિ આવશો આપ તો, રૈ જશે વિશ્વવિખ્યાત વાતુ;

  અન્ય ઉપાયથી એહ અલબેલડા,

    તમ વિના કષ્ટ નથી દૂર થાતું. આજ꠶ ટેક

ક્લેશ કોઈ સમે આવતો અંતરે, આપના સ્મરણથી તે તજાતો;

  આ સમે આપના સ્મરણથી શ્રીહરિ,

    ક્લેશ આ કેમ નથી દૂર જાતો. આજ꠶ ૫૩

વૃત્તપુરમાંહિ શુભ મેં જ મંદિર કર્યું, મેં જ મંદિર કર્યું જૈ જુનાણે,

  શ્રીહરિ એહ સહાયતા આપની,

    જગતનાં લોક એ સર્વ જાણે. આજ꠶ ૫૪

વૃત્તપુરમાંહિ પ્રભુ આપ આગળ હતા, આગળે આપ જીર્ણદુર્ગમાંહી;

  એમ આ સમયમાં દેવ દરશન દિયો,

    આગળ આવીને સદ્ય આંહીં. આજ꠶ ૫૫

આપને કાજ મેં ભેખ લીધો ભલો, રમુજ કરી ખૂબ તમને રિઝાવા;

  રાજિપો તો પ્રભુ ક્યાં રમવા ગયો,

    થૈ ગયા કેમ અતિ કઠણ આવા. આજ꠶ ૫૬

છે દયાસિંધુ જે નામ શુભ આપનું, તે દયા આ સમે ક્યાં વળાવી;

  નાથ નિધડક થયા છેક નિર્દય તમે,

    એ દયા આજ કેને ભળાવી. આજ꠶ ૫૭

પ્રાણજીવન તમે પૂર્ણ પ્રસન્ન થૈ, આજ અરજી સુણો ચિત્ત ધારી;

  દાસને ઘોર સંકટ થકી આ સમે,

    વાર કરી વીઠલા લ્યો ઉગારી. આજ꠶ ૫૮

અરજી ઈશ્વરજી આ વરજી નહિ મુકશો, ગર્જિ હું શામ સુરજી કૌ છું;

  મરજી ભુધરજી અણસરજી કરી દર્શ દ્યો,

    એજ સુખ કરજી મુખ માગી લૌ છું. આજ꠶ ૫૯

જો કહો તો હું જળ અન્ન ત્યાગું હરિ, જો કહો તો હું બધી રાત જાગું,

  એક ધરી ટેક દર્શન દ્રગે આપનાં,

    વિશ્વવિહારી હું સદ્ય માગું. આજ꠶ ૬૦

પદ – ૪

પૂર્ણ પ્રીતી કરી તે પછી પરહરી, શામળા કેમ છેટે રહો છો;

  આજ દરશન મને કેમ નથી આપતા,

    દૂર રહિ કેમ દિલને દહો છો. પૂર્ણ꠶ ટેક

આગન્યા શ્રીહરિ જે તમે છે કરી, તે ધરી મસ્તકે મેં જ લીધી;

  મુળીમાં શ્રેષ્ઠ મંદિર કરવા તણી,

    તુરત મેં નાથ તૈયારી કીધી. પૂર્ણ꠶ ૬૧

આદર્યું મંદિર આંહિ મોટું અમે, ક્યાંઈ પથ્થર મળે નૈ જ પાકા;

  ગોતવા નિસર્યા સીમ સઘળી ફર્યા,

    ગોતી ગોતી અમે ખૂબ થાકા. પૂર્ણ꠶ ૬૨

ક્યાંઈ નિપજાવો હરિ ખાણ હીરાતણી, ક્યાંઈ નિપજાવો મણિરત્ન ભારે;

  ક્યાંઇ નિપજાવો આરસ અતિ ઊજળા,

    તો ન નિપજે શું પથ્થર અતારે. પૂર્ણ꠶ ૬૩

હિમત હૈયે ધરી શિખર સરવોપરી, સરસ કારીગરીથી કરાવું;

  દેવ પધરાવી ડંકા દઉં દેશમાં,

    સરસ હું ધામ સૌથી ઠરાવું. પૂર્ણ꠶ ૬૪

જો કદી આજ આ અરથ સરશે નહીં, તો પછી કોણ વિશ્વાસ કરશે;

  દીન જે દાસ થૈ આપના ચરણમાં,

    મસ્તક સોંપશે તે જ મરશે. પૂર્ણ꠶ ૬૫

બ્રહ્મમુનિ વેગમાં વાક્ય જે ઉચ્ચરે, તે સુણી શ્રીજિને મિષ્ટ લાગે;

  પ્રગટ પુરુષોત્તમ પ્રગટ થઈ એ સમે,

    આવી ઉભા રહ્યા નેત્ર આગે. પૂર્ણ꠶ ૬૬

વાહ રે વાહ મુનિ વાક્ય જે તમ તણાં, છે અતિશે જ આનંદકારી;

  સ્નેહમાં ચિત્ત આકર્ષ મારું થયું,

    એમ ઉમંગી ઉચર્યા અઘારી. પૂર્ણ꠶ ૬૭

ભાળી ભગવાનને તુરત પગમાં પડ્યા, ભાવથી બ્રહ્મમુનિ એ જ ટાણે;

  વિશ્વવિહારીને વિનય વળતી કર્યો,

    છંદ પ્રબંધથી મિષ્ટ વાણે. પૂર્ણ꠶ ૬૮

પ્રમાણિકા છંદ

અહો વિહારિલાલજી, દિસો તમે દયાલજી;

દુખાય દાસ જે સમે, કરો સહાય તે સમે. ૬૯

પ્રભૂ કૃપાનિધાન છો, અમીત શક્તિમાન છો;

શું શેષ શારદાય છે, ગુણો સદૈવ ગાય છે. ૭૦

તમારિ આગન્યા વિષે, દિનેશ ચંદ્ર આ દિસે;

સમુદ્ર છે રહ્યો ટકી, તમારિ આગન્યા થકી. ૭૧

ઘટીત વાયુ વાય છે, ઘટીત વૃષ્ટિ થાય છે;

વિનાશ કાળ જે કરે, તમારિ આગન્યા ધરે. ૭૨

તમે જ સર્વશીશ છો, સમસ્તના અધીશ છો;

અનંતકોટિ અંડના, અધિપતી અખંડના. ૭૩

સુખેલ વિશ્વનો ખરો, કટાક્ષમાત્રમાં કરો;

સ્વભક્તકાજ તે તમે, સુજન્મ લ્યો સમે સમે. ૭૪

પિતા પતી સુપુત્ર થૈ, સખા સગા સ્વરૂપ લૈ;

ધરી અનેક નામના, પુરો સ્વભક્ત કામના. ૭૫

કૃપાળુ છો કૃપા કરી, ભલે પધારિયા હરી;

કહ્યાં કુવેણ મેં અતી, ક્ષમા કરો ક્ષમાપતી. ૭૬

પુષ્પિતાગ્રાવૃત્ત

કુવચન શિશુનાં સુણી સુમાતા, નિજમન ક્રોધ કદી નથી ભરાતા;

મતિહિણ મુજને કુપુત્ર જાણી, સહન કરો મુજ ઇષ્ટ મારિ વાણી. ૭૭

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે

શ્રીહરિપ્રાર્થનાનિરૂપણનામ ત્રયોદશો વિશ્રામઃ ॥૧૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે