વિશ્રામ ૧૪
પૂર્વછાયો
બ્રહ્મમુનીના ભાવના, શબ્દ સાંભળિને ઘનશ્યામ;
હૃદયમાં રાજી થયા, પછિ બોલિયા પૂરણકામ. ૧
ચોપાઈ
બોલ્યા શ્રીહરિ હે મુનિરાજ, તમે જે જે કથન કહ્યાં આજ;
તેમાં જૂઠું નથી તલભાર, સાચે સાચા છે સર્વ ઉચ્ચાર. ૨
તમે સંભારિયો મને જ્યારે, આવ્યો છું હું તો તરત જ ત્યારે;
લાગ્યાં મુખથિ વચન જે નિકળવા, હું તો ઉભો અદર્શ1 સાંભળવા. ૩
મીઠાં લાગ્યાં તમારાં વચન, સુણિ મગન થયું મારું મન;
કહ્યું આટલું ને શું કહેશે, ઇચ્છું સાંભળવા હું વિશેષે. ૪
સુતને ગાળ દે સગી માય, પણ ચિત્તમાં હીત ચહાય;
જોયું મેં તમારું મન તેમ, પૂરો અંતરમાં દિઠો પ્રેમ. ૫
માગો માગો જે મુખથિ તે આપું, કષ્ટ હોય તે સર્વથા કાપું;
મુનિ બ્રહ્મ કહે મહારાજ, કાંઈ બીજું નથી મારે કાજ. ૬
દયા દિલમાં જો મુજ પર લાવો, પાકા પથ્થર આંહીં બતાવો;
કહે શ્રીજી ચાલો સજ્જ થૈને, સાથે ઝાઝા સલાટોને લૈને. ૭
ગાઉ બે નદીને પેલે પાર, પાકા પથ્થર છે તે ઠાર;
પછિ સૌ મળિને ગયા ત્યાંય, ખાણ પથ્થરની હતિ જ્યાંય. ૮
પ્રભુને બીજા કોઇ ન પેખે, એકલા મુનિ બ્રહ્મ જ દેખે;
કહે શ્રીજી ખોદાવો આ ઠાર, પાકા પથ્થર મળશે અપાર. ૯
એમ કહિ થયા અંતરધાન, લાગી વાત તે સ્વપન સમાન;
પછિ ખોદાવતાં મળિ ખાણ, પાકા નીકળ્યા પ્રૌઢ2 પાષાણ. ૧૦
ધરાંગધરાના પથ્થર જેવા, એ થકી પણ ઉત્તમ એવા;
મંડ્યા કામે સલાટ અપાર, કરે કામ બોલે જેજેકાર. ૧૧
દીસે સર્વ પ્રકારનું સૂખ, પણ ત્યાં પડ્યું પાણિનું દુઃખ;
તેડ્યા વગર આવ્યા તેહ સ્થાન, ભરવાડ વેષે ભગવાન. ૧૨
એંશિ વરસની ઉમ્મર ભાસે, કાળો કાંબળો3 ને ડાંગ પાસે;
વદ્યા સંત પ્રત્યે પ્રભુ વાણી, ક્યાંથિ લાવો છો પિવાને પાણી? ૧૩
કહે સંત છે ખાટડિ ગામ, ત્યાંથિ લાવિયે નીર આ ઠામ;
કાં તો જ્યાં છે મલાકું તળાવ, ત્યાંથિ નીર લાવ્યાનો ઠરાવ. ૧૪
પણ તે બેય છે બહુ દૂર, તેથિ જળનું છે દુઃખ જરૂર;
કહે ભરવાડ આ સ્થળ માંય, હતિ વાવ પુરાતનિ ક્યાંય. ૧૫
આંહિ ખોદો તો એહ નિકળશે, મીઠું પાણિ ઘણું ઘણું મળશે;
કહિ એમ એ તો પળ્યો4 ગયો, જતાં આગે અંતરધાન થયો. ૧૬
સર્વ સંતે વિચારિયું આમ, કૃપાનાથ તણું એ તો કામ;
પછિ ત્યાં ખોદિને જોયું જ્યારે, મિઠા જળની જડી વાવ ત્યારે. ૧૭
એમ જે સમે સંકટ આવે, શ્રીજિ આવીને કષ્ટ સમાવે;
ઘણા જન મળિ કામ ચલાવે, પણ કોઈને આળ5 ન આવે. ૧૮
મળિ ચારણ ખટ6 એક વારે, આવ્યા બ્રહ્મ મુનીને ઉતારે;
પુછ્યું પ્રશ્ન તે કવિયો અકેકે, સમજાવિયા ઉત્તર એકે. ૧૯
રાજિ થઇને થયા તે વિદાય, તેમાં શ્રીહરિની જ સહાય;
પ્રશ્ન ઉત્તરની ચતુરાઈ, કહું સાંભળો વાઘજિભાઈ. ૨૦
પ્રશ્નોત્તર સવૈયો
કોણ સુતા7 શુભ સાગરની, કહિં વાસ8 વસે જિવ અંતરજામી?
તીરથ કારણ જાઉં ન જાઉંજ,9 ગોપપતી10 કોણ ગોકુળગામી?
કોણ કહો સતિને અતિ વલ્લભ,11 કોણ12 કરે જનને નિષ્કામી?
પ્રશ્ન સુણી મુનિ બ્રહ્મ કહે શુભ, ઉત્તર શ્રીસહજાનંદ સ્વામી. ૨૧
ચોપાઈ
હવે મંદિરની કહું વાત, જેથિ થાય હૃદય રળિયાત;
માંડ્યું મોટું કરાવાને ધામ, ચાલ્યું ઝડપથિ ત્યાં તે તો કામ. ૨૨
ગોપાળાનંદને નિષ્પાપ, કહે અવધપ્રસાદજિ આપ;
મૂળિયે પધરાવાને માટે, મૂર્તિયો જોઇએ રુડા ઘાટે. ૨૩
તેમાં પાષાણની જે થપાશે, તે તો ડુંગરપુરથી લવાશે;
ધાતુમૂર્તિ હરિકૃષ્ણ કેરી, રચાવો તમે રૂડિ ઘણેરી. ૨૪
વળિ થાપવા શ્રીપુર ધામે, ધર્મ ભક્તિ હરિકૃષ્ણ નામે;
તમે ધાતુનિ તે તો કરાવો, નારાયણજિ સુતાર તેડાવો. ૨૫
પછિ પાષાણ મુર્તિયો લેવા, મોકલ્યા સંત સદ્ગુરુ જેવા;
નારાયણજિ સુતાર તેડાવ્યા, ગોપાળાનંદ પાસે રખાવ્યા. ૨૬
વરતાલ ગયા સ્વામિ જ્યારે, રઘુવીરજિએ કહ્યું ત્યારે;
ધોલેરે પધરાવાને માટે, હરિકૃષ્ણ છબી રુડે ઘાટે. ૨૭
ધાતુ કેરિ કરાવજો તમે, જૈને ત્યાં પધરાવશું અમે;
સ્વામિએ પ્રતિમાઓ કરાવી, ભગુજીને સમક્ષ રખાવી. ૨૮
થઇ મૂર્તિયો તે તો રુપાળી, સોંપિ આચારજોને સંભાળી;
ગોપાળાનંદ ગઢપુર ગયા, ઘણા માસ તે ત્યાં સ્થિર થયા. ૨૯
મૂળિયે થયું ધામ તૈયાર, આવ્યા શ્રીપુર તે સમાચાર;
મૂર્તિયો લઈ ડુંગરપુરથી, આવ્યા સંત રાજી થઈ ઉરથી. ૩૦
અયોધ્યાપ્રસાદે જોવરાવ્યું, મુહૂર્ત મહા શુદી પાંચમે આવ્યું;
સાલ અઠ્યાશિયા તણિ સારી, મૂળિયે પ્રતિષ્ઠા નિરધારી. ૩૧
ધોલેરા માટે શ્રી રઘુવીરે, ધાર્યું એ જ મુરત દૃઢ ધીરે;
ગોપાળાનંદને લખ્યો પત્ર, તમે આવજો ધોલેરે તત્ર. ૩૨
મૂળિયેથિ માનુભાવાનંદ, ગયા ગઢપુર સદ્ગુણવૃંદ;
વિનતી ગોપાળાનંદ કેરી, કરિ ત્યાં જઇ તેણે ઘણેરી. ૩૩
કહ્યું મૂળિયે આપ પધારો, દેશ બેય તમે તુલ્ય ધારો;
ગોપાળાનંદ બોલિયા ત્યારે, ધોલેરે જ જવું છે અમારે. ૩૪
કર્યો આગ્રહ પણ નવ આવ્યા, ત્યારે મૂળિયે પાછા સિધાવ્યા;
ત્યાંથિ બ્રહ્મ મુની તતકાળ, ગઢડે ગયા બુદ્ધિ વિશાળ. ૩૫
ગોપાળાનંદને શિર નામી, કહ્યું મૂળિયે સંચરો સ્વામી;
બેય દેશમાં મુખ્ય છો તમે, માટે આવવું પડશે આ સમે. ૩૬
તમે મૂર્તિયો તે છે કરાવી, કંકોતરિયે પ્રથમ ત્યાંની આવી;
માટે પ્રથમ પધારવું આંહીં, પછિ જાજો ધવલપુર માંહી. ૩૭
બહુ વિનય તણા બોલ કહ્યા, ગોપાળાનંદ મૂળિયે ગયા;
સજ્જ અવધપ્રસાદજિ થઈ, ગયા મૂળિયે મૂર્તિયો લઈ. ૩૮
રઘુવીર ધોલેરે પધાર્યા, સમૈયા થયા બે સ્થળે સારા;
કહું મૂળિની વાત વિસ્તારી, પ્રતિષ્ઠા તણિ કીધિ તૈયારી. ૩૯
રામાભાઇ રાજા તેહ ઠામ, તેના પુત્ર વખતસિંહ નામ;
કાકા ભૂપતિના રઘાભાઈ, થયા સ્નેહથી સર્વ સહાયી. ૪૦
સતસંગી બીજા પણ સહુ, સરસામાન લાવિયા બહુ;
ઘેલા ગોરે જે રીતે બતાવ્યો, કુંડ મંડપ સારો કરાવ્યો. ૪૧
રામકૃષ્ણ મેતા તેહ ઠામ, પુરુષોત્તમ ને દયારામ;
હળવદના વાસી શિવ જાની, તથા શીયાણિના સારા જ્ઞાની. ૪૨
એહ આદિ વરુણીમાં વર્યા, જપ પાઠ જથાવિધિ કર્યા;
પત્ની સહિત અવધપ્રસાદ, બેઠા જેમ રહે મરજાદ. ૪૩
સ્વસ્તિવાચન સાંભળિ લીધું, ગ્રહપૂજન આદિક કીધું;
વિધિ વેદોક્ત કીધિ તે ઠામ, સ્થાપિ મૂર્તિયો તે કહું નામ. ૪૪
દિસે મંદિર પશ્ચિમ દ્વારે, શિખરો ત્રણ છે એક હારે;
રાધાકૃષ્ણ હરિકૃષ્ણ જેહ, મધ્ય ખંડમાં સ્થાપિયા તેહ. ૪૫
વળી દક્ષણાદા ખંડ માંય, સ્થાપ્યા રણછોડ ત્રીકમરાય;
ભક્તિધર્મ તો ઉત્તર ખંડે, સ્થાપ્યા તે પણ પ્રેમ અખંડે. ૪૬
પછિ સંત ને વિપ્ર જમાડ્યા, દૈને દાન સંતોષ પમાડ્યા;
ધોલેરે પણ શ્રી રઘુવીરે, એ જ દિવસે મહામતિ ધીરે. ૪૭
મુરતી હરિકૃષ્ણની થાપી, રૂપ પ્રગટ પ્રભુનું પ્રતાપી;
સંત વિપ્ર જમાડ્યા તે સ્થાન, દ્વિજને દિધાં દક્ષિણાદાન. ૪૮
મૂળિથી પછિ ગોપાળાનંદ, ધોલેરે ગયા લૈ નિજ વૃંદ;
તહાં દેવનાં દર્શન કરિયાં, પછી ગઢપુર જૈ સ્થિર ઠરિયા. ૪૯
પુષ્પિતાગ્રાવૃત્ત
ધવળનગર માંય મૂળિ માંય, હરિસુત બે જઈ એક દિન ત્યાંય;
વચન વૃષ જ કેરું પાળવાને, શુભ મુરતી પધરાવિ તેહ સ્થાને. ૫૦
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે
ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે
મુળી તથા ધવલપુરે મૂર્તિપ્રતિષ્ઠાપનનામ ચતુર્દશો વિશ્રામઃ ॥૧૪॥