કળશ ૧૦

વિશ્રામ ૧૫

પૂર્વછાયો

તે પછિ આવ્યો નેવાશિયો, ત્યારે શ્રીપુરમાં તતખેવ;

સ્થાપ્યા આથમણા ખંડમાં, ભક્તિ ધર્મ હરિકૃષ્ણદેવ. ૧

પૂરવ ખંડ વિષે વળી, સ્થાપ્યા ગોલોકવિહારીલાલ;

એ તો અયોધ્યાપ્રસાદજી, કરનાર ક્રિયા તેહ કાળ. ૨

એકાણુંવા તણિ સાલમાં, રઘુવીરજિએ રુડિ રીત;

ભાવ સહિત ભૃગુક્ષેત્રમાં,1 પ્રતિમા પધરાવી પુનીત. ૩

ચોપાઈ

બળદેવ ને રેવતિ કેરી, હરિકૃષ્ણનિ રૂડિ ઘણેરી;

વૈશાખી દશમે પધરાવી, શુદમાં સારું ધામ રચાવી. ૪

બાણુંવાનિ આવી સાલ જ્યારે, ભક્ત સૂરતના મળિ ત્યારે;

કર્યો એમ વિચાર સહૂએ, દિધિ છે પ્રતિમાઓ પ્રભુએ. ૫

તે સ્થપાવિએ મંદિર માંહી, રઘુવીર તેડાવિયે આંહીં;

પછિ તેઓને તરત તેડાવ્યા, સાથે ગોપાળાનંદજી આવ્યા. ૬

નિત્યાનંદ આદિ ઘણા સંત, ગયા સૂરતે સદ્‌ગુણવંત;

હતું મંદિર શિખર વિનાનું, તોય દીસતું સારિ શોભાનું. ૭

શુદિ પંચમિ વૈશાખ કરી, જોશીએ કહિ શુદ્ધ ઘણેરી;

સ્થાપ્યા તે દિન રાધાવિહારી, નારાયણમુનિની છબી સારી. ૮

વદિ પાંચમે એ મહિનામાં, અયોધ્યાપ્રસાદે ધોળકામાં;

દેવ મોરલીમનોહર નામે, પધરાવ્યા શિખરબંધ ધામે. ૯

હરિકૃષ્ણની મૂર્તિ તે પાસ, પધરાવિ ધરીને હુલાસ;

ઇષ્ટદેવ એ તો હરિજનના, પૂરે સર્વ મનોરથ મનના. ૧૦

ઓગણીશમેં છવીશા માંય, ધામ શિખરબંધી કર્યું ત્યાંય;

સ્વામિ શૂન્યાતીતાનંદ સંગે, હતો હું ભૂમાનંદ ઉમંગે. ૧૧

પૂર્વછાયો

શિખરબંધ મંદિર થયું, શુભ સુરત શહેર મોઝાર;

તે વિગતેથી વરણવું, સુણો હરિકથા સુણનાર. ૧૨

ચોપાઈ

લક્ષ્મિચંદ ભલા હરિભક્ત, એ તો અક્ષરધામના મુક્ત;

તેના પુત્ર ગંગાદાસ નામ, ધન ઝાઝું થયું તેને ધામ. ૧૩

નહિ પુત્ર તથા પરિવાર, ત્યારે ચિત્તમાં કીધો વિચાર;

ઘણા શ્રમથી મળ્યું ધન જેહ, કોણ જાણે ખાશે કોણ તેહ. ૧૪

સારું કામ કરું મારે હાથે, કરું હાથે તે આવશે સાથે;

વડા દેવ છે રાધાવિહારી, કરુણાનિધિ કલ્યાણકારી. ૧૫

મનોહર તેનિ મૂર્તિયો જે છે, શ્રીહરિની પ્રસાદિની તે છે;

રઘુવીરજી અવતાર જેવા, ગોપાળાનંદ પણ મુનિ એવા. ૧૬

નિત્યાનંદ મળિ પધરાવી, હરિમંદિર સારું કરાવી;

કરાવું તે શિખરબંધ ધામ, રહે નિશ્ચળ તો મારું નામ. ૧૭

પ્રભુ પ્રગટ પધાર્યા છે આંહીં, નાયા છે તે તાપી નદિ માંહી;

ઘણિ લીલા કરી ઘનશ્યામ, માટે તીર્થભૂમિ છે આ ઠામ. ૧૮

ઘણા હરિજન જાત્રાએ આવે, લીલા સાંભળિ તે મન લાવે;

મોટા મુક્ત ધરી દિવ્ય દેહ, તીર્થ જાણિ આવે આંહિ તેહ. ૧૯

એહ માટે જરૂર આ ઠામ, જોઇએ જ શિખરબંધ ધામ;

એવું ધારિ અતી હરખાઈ, ઘેલાભાઈ પોતાના જે ભાઈ. ૨૦

તેના પાંચ પવિત્ર સુપુત્ર, તેઓ સૌને બોલાવિયા તત્ર;

તમે સાંભળો તેહનાં નામ, દામોદર ને બિજા મંછારામ. ૨૧

સારા સાકરલાલ પ્રમાણો, આત્મારામ ઇચ્છારામ જાણો;

પાંચે ધર્મધુરંધર કેવા, પ્રભુના ભક્ત પાંડવો જેવા. ૨૨

ગંગાદાસ તણી ધિંગિ2 ઢાલ, બીજો ભાઈ તો માણકલાલ;

સુત અમૃતલાલ સુનામ, તેઓ પણ આવિયા તેહ ઠામ. ૨૩

સૌને બોલાવિને એ જ પાસે, બધિ વાત કહી ગંગાદાસે;

મારા મનમાં મેં ધાર્યું છે આવું, દેવમંદિર મોટું કરાવું. ૨૪

ઉપજે એથિ પુણ્ય અથાગ, તેમાં સૌનો તમારો છે ભાગ;

બોલ્યા સૌ કરો મંદિર તમે, તેમાં સર્વ રાજી છૈયે અમે. ૨૫

અમે પણ નિજ શક્તિ પ્રમાણે, એમાં આપશું ધન એહ ટાણે;

નિત્યાનંદ તણા શિષ્ય જેહ, સાધુ શૂન્યાતીતાનંદ તેહ. ૨૬

હરિમંદિરમાં તેનિ પાસ, ગયા સૌ મળિને હરિદાસ;

સર્વ વાત કહી સંભળાવી, ભલા સંતને પણ મન ભાવી. ૨૭

હતા ત્યાં કૃષ્ણજીવનદાસ, તેની પાસે કરી તે પ્રકાશ;

સંત બે મળિ પત્ર લખાવી, આજ્ઞા આચાર્યજિની મંગાવી. ૨૮

આચારજજી ભગવત્પ્રસાદે, આજ્ઞા આપિ અધીક આહ્લાદે;

ગંગાદાસે જ્યારે જાણિ લીધું, ત્યારે સર્વસ્વ અર્પણ કીધું. ૨૯

કર્યું કૃષ્ણજીવને ઉઘરાણું, ભર્યું સૌ સતસંગિયે નાણું;

શ્રદ્ધા સર્વનિ તો એવિ ભાળી, આપતાં ન જુવે પાછું વાળી. ૩૦

પણ તેહનિ શક્તિ પ્રમાણે, યથાયોગ્ય લીધું તેહ ટાણે;

ત્યાંના પ્રેમિજનો તણો પ્રેમ, તે તો કોઇ કહી શકે કેમ. ૩૧

વરતાલથિ સંતો તેડાવ્યા, પવિત્રાનંદ આદિક આવ્યા;

અમે પાસે રહીને કરાવ્યું, ધામ તે હરિભક્તોને ભાવ્યું. ૩૨

સાલ ઓગણચાલિશ જ્યારે, ભક્તિ ધર્મ હરીકૃષ્ણ ત્યારે;

સ્થાપવા તેહ મંદિર માંય, આચારજને તેડાવિયા ત્યાંય. ૩૩

વિહારીલાલજી મહારાજ, ગયા તે છબિ સ્થાપવા કાજ;

દ્વિતીયા શુદિ ફાગણ માસી, ત્યારે સ્થાપિ છબી સુખરાશી. ૩૪

ત્રાણુની સાથે જેતલપુરમાં, અતિ આનંદ લાવિને ઉરમાં;

સ્થાપ્યા કૃષ્ણ રેવતી બળદેવ, અયોધ્યાપ્રસાદે સ્વયમેવ. ૩૫

હરિકૃષ્ણનિ મૂર્તિ તે પાસ, પધરાવિ ધરીને હુલ્લાસ;

સાલ ઓગણીસેં પર સાત, છપૈયા પુર માંહિ પ્રખ્યાત. ૩૬

સ્થાપ્યા અવધપ્રસાદે વિચારી, વાસુદેવ ને કુંજવિહારી;

આવિ વીશનિ સાલ તે જ્યારે, ત્રણ શિખર કરાવિયાં ત્યારે. ૩૭

ધારિ મૂર્તિયો જે ત્રણ ઠામ, કહું સાંભળો તેહનાં નામ;

વચલા ખંડમાં ધરિ જેહ, ધર્મ ભક્તિ ને ઘનશ્યામ તેહ. ૩૮

સ્થાપિ પોતાનિ મૂર્તિ તે પાસ, જેમ હોય હરિ પાસે દાસ;

સ્થાપ્યા દક્ષિણખંડ મોઝાર, રેવતી બળદેવ ઉદાર. ૩૯

હરિકૃષ્ણ છબિ તેહ પાસ, સ્થાપિ હૈયામાં ધારિ હુલ્લાસ;

છબી ઉત્તર ખંડમાં સારી, વાસુદેવ ને કુંજવિહારી. ૪૦

ઓગણીસેં સત્તાવીસનિ સાલ, કહું બૂરાનપુરમાં તે કાળ;

હરિભક્તોનો આગ્રહ જાણી, દયા અંતરમાં અતિ આણી. ૪૧

ભગવતપ્રસાદે તે ઠામ, સાધુ મોકલ્યા તે કહું નામ;

ગોપાળાનંદના શિષ્ય જેહ, બાલમુકુંદ દાસજી તેહ. ૪૨

તેણે જૈને રચાવ્યું રુપાળું, સારું મંદિર શીખરવાળું;

એ જ આચારજે ત્યાં સિધાવી, હરિકૃષ્ણ છબી પધરાવી. ૪૩

શુદિ સાતમ ને માઘ માસ, કર્યો તે દિન મૂર્તિનો વાસ;

અતિ હરખથી ઉત્સવ કીધો, લાભ સૌ હરિજનોએ લીધો. ૪૪

પંદરા તણી સાલ જ્યાં થઈ, ત્યારે માંડવી બંદરે જઈ;

સ્થાપ્યા અવધપ્રસાદે એ ઠામે, રાધાકૃષ્ણ હરિકૃષ્ણ નામે. ૪૫

દ્વિતીયા શુદિ ફાગણિ હતી, ત્યારે કામ થયું શુભ અતી;

જયાબાઇએ શ્રીગઢપુરથી, લખાવ્યો પત્ર હરખીને ઉરથી. ૪૬

રઘુવીરજીને મોકલાવ્યો, એમાં અર્થ કહું તે લખાવ્યો;

મુરતી હરિકૃષ્ણને નામે, સ્થાપવી ગોપિનાથને ધામે. ૪૭

આજ્ઞા શ્રીજિએ કીધિ છે એવી, વાત તે હવે મન પર લેવી;

વાંચ્યો આચારજે એહ પત્ર, નારાયણજિને તેડાવ્યા તત્ર. ૪૮

કહ્યું વચન તમે ઉર ધરો, હરિકૃષ્ણની મુર્તિયો કરો;

એક ગઢપુરમાં પધરાવા, બીજિ જીર્ણગઢ લઇ જાવા. ૪૯

પછિ માંડિ તે મૂર્તિયો કરવા, આચારજનું વચન અનુસરવા;

સાધુ રઘુનાથચરણદાસ, મુક્યા તેઓને તેહનિ પાસ. ૫૦

શિષ્ય મોટા જોગાનંદ કેરા, સાધુ તે તો સુજાણ ઘણેરા;

જ્યારે મૂર્તિયો થૈ તે તૈયાર, પધરાવાનો કીધો વિચાર. ૫૧

ઓગણીસેં ને સોળનિ સાલ, ગયા દુર્ગપુરે તેહ કાળ;

પંચમી શુદિ ફાગણ કેરી, કહી જોશિએ સારિ ઘણેરી. ૫૨

તે દિને ગોપિનાથનિ પાસે, સ્થાપવા હરિકૃષ્ણ હુલાસે;

રઘુવીરજી એમ ઉચ્ચરે, ક્રિયા ભગવત્પ્રસાદજી કરે. ૫૩

પ્રતિષ્ઠાનું જે વેદવિધાન, કર્યું તેણે થઈ સાવધાન;

પ્રતિમા ગોપિનાથની જોડે, સ્થાપિ શ્રીહરિકૃષ્ણની કોડે. ૫૪

પૂર્વ ખંડે સ્થાપ્યા તતખેવ, કૃષ્ણ રેવતિ ને બળદેવ;

ગોપિનાથને સ્થાપતાં જેવો, સમૈયો થયો એ પણ એવો. ૫૫

ધામધૂમ કરી બધિ તેમ, આખું ગામ જમાડિયું એમ;

હરિભક્ત ભલી ભેટ ધરી, કહું તે કાંઇ સંક્ષેપે કરી. ૫૬

જયાબાઇ ને ખાચર બાવો, અમરે પણ લેવાને લાવો;

ભેટમાં ભૂમિ અર્પણ કીધી, વસ્તુ ભૂષણ આદિક દીધી. ૫૭

અમૂલાબાઇએ પણ એમ, આપિ ભૂમિ ને ભૂષણ તેમ;

રાણિંગ ખાચર ખાચર દાનો, પુજો દેહો નથી કાંઇ છાનો. ૫૮

તેણે ભેટ ભલી ધરિ એવી, ભૂમિ ભૂષણ આદિક તેવી;

ભગો દોશિ બોટાદના શેઠ, ભલાં ભૂષણાદિ કર્યાં ભેટ. ૫૯

શાર્દૂલવિક્રીડિત

સુજ્ઞાની શિવલાલ જે સપુત તો દોશી ભગાનો ભલો,

મોટો મુક્ત નિવાસિ અક્ષર તણો જન્મ્યો દિસે જે વલો;3

ભાસે ભક્ત ભલો અનન્ય હરિનો સદ્‌બુદ્ધિનો તે નિધી,

જાણે શ્રીહરિનો અપાર મહિમા સદ્‌ભક્તિ તેવી કિધી. ૬૦

ચોપાઈ

શિવલાલ આવ્યા એહ ટાણે, જેનિ સમજણ સંતો વખાણે;

તેણે વસ્ત્ર આભૂષણ ભારી, ધન આદિકની ભેટ ધારી. ૬૧

દ્વિતીયા વદિ ફાલ્ગુણિ આવી, જુનેગઢ રઘુવીરે સિધાવી;

હરિકૃષ્ણ તણી છબિ ત્યાંય, પધરાવિ તે મંદિર માંય. ૬૨

પ્રતિષ્ઠાની ક્રિયા હોમ આદે, કરી ત્યાં ભગવતપ્રસાદે;

રઘુવીરજીએ જે ઉચાર્યું, તેહ વચન તેણે શિર ધાર્યું. ૬૩

વર્ષ એકવિશા તણું આવ્યું, સિદ્ધપુર રુડું ધામ રચાવ્યું;

જેઠ શુક્લ એકાદશિ જ્યારે, પોતે અવધપ્રસાદે તે વારે. ૬૪

ભક્તિ ધર્મ હરિકૃષ્ણ કેરી, સ્થાપિ મુરતીયો સરસ ઘણેરી;

ત્રેવિશામાં જઈ ભુજમાંય, હરિકૃષ્ણ છબી સ્થાપિ ત્યાંય. ૬૫

ચોવિશા માંહિ મુંબઇ ધારું, થયું શિખર વિના ધામ સારું;

શુદિ દ્વાદશી વૈશાખ માસી, રવિવારિ ભલી તિથિ ભાસી. ૬૬

આચારજ ભગવતપ્રસાદ, તેણે જેવિ રીતે વેદવાદ;

સ્થાપિ મૂર્તિયો જનસુખકારી, હરિકૃષ્ણ ગોલોકવિહારી. ૬૭

તે તો રાધા ને રાધિકાપતિ, છબિ શ્રીજિપ્રસાદિનિ હતી;

હતી ગઢપુર ત્યાંથિ મગાવી, પ્રીતે મુંબઈમાં પધરાવી. ૬૮

અઠાવીશામાં ગોંડળ ગામ, થયું શિખરવાળું સારું ધામ;

માઘ શુક્લ ત્રયોદશિ થઈ, ત્યારે આચારજે તહાં જઈ. ૬૯

મધ્યખંડે સ્થાપ્યા સ્વયમેવ, ભક્તિ ધર્મ હરિકૃષ્ણદેવ;

રાધિકા કૃષ્ણ દક્ષિણ ખંડે, સજ્યા ઉત્તર ખંડ અખંડે. ૭૦

પુષ્પિતાગ્રાવૃત્ત

ગુણનિધિ પુર ગોંડળે પધારી, પ્રભુ જન કેરિ પ્રસન્નતા વધારી;

ભલિ વિધિ ભગવત્પ્રસાદજીએ, પ્રભુપ્રતિમા પધરાવિ સદ્વિધીએ. ૭૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે

આચાર્યકૃતપ્રતિષ્ઠાનિરૂપણનામ પંચદશો વિશ્રામઃ ॥૧૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે