કળશ ૧૦

વિશ્રામ ૧૬

પૂર્વછાયો

સદ્‌ગુણિ વિપ્ર સજોદરા, રુડું રામેશ્વરભાઈ નામ;

વાસ વસે વટપુર વિષે, તેને વાલા ઘણા ઘનશ્યામ. ૧

ચોપાઈ

વિદ્યાવંત પ્રમાણિક પૂરા, નહિ અક્કલ માંહિ અધૂરા;

ગુણ ગાયકવાડને ભાવ્યા, દાનાધ્યક્ષ તો તેથિ ઠરાવ્યા. ૨

મહારાજા રિઝ જ્યારે જ્યારે, ધન અઢળક આપે તે વારે;

રુપૈયા મળ્યા એથિ અનેક, પણ પુત્ર ન પામિયા એક. ૩

જમનાબાઇ તો તેની નારી, થઈ તે પણ સત્સંગિ સારી;

મહાલક્ષ્મી પુત્રી થઈ એક, એ તો સદ્‌ગુણ પામિ અનેક. ૪

ધર્મવંત જે ધીરજરામ, કરે એ પણ ઉત્તમ કામ;

તેની સાથે તેને પરણાવી, આપિ પેરામણી મનભાવી. ૫

એક દિવસ રામેશ્વરભાઈ, ઘરુણીની1 સાથે ઘર માંઈ;

બેસિ બે જણે કીધો વિચાર, ધન છે પણ કોણ ખાનાર? ૬

પુત્ર આપ્યો નહીં પરમેશે, કોણ જાણે આ ધન કોણ લેશે;

માટે વાવરિએ નિજ હાથે, કર્યું હાથે તે આવશે સાથે. ૭

દેવ અર્થે જો ધન ખરચાય, તો જ ધન તે સુફળ કહેવાય;

કાગડા કુતરા જેવા જન, ખાઈ જાય તે નિષ્ફળ ધન. ૮

સંત ગોપાળાનંદજિ જેવા, મેં તો સેવ્યા છે સદ્‌ગુરુ એવા;

માટે વ્યર્થ ઉડાવું ન નાણું, સારે મારગે ખર્ચિ હું જાણું. ૯

શ્રમ ઝાઝો કરી સંપડાવ્યું,2 કેમ જાય તે વ્યર્થ ઉડાવ્યું;

સુણિ બાઇ બોલ્યાં જોડિ હાથ, તમે સાચું કહ્યું સ્વામિનાથ. ૧૦

તન મન ધન આપણાં જેહ, કૃષ્ણ અર્પણ કીધાં છે તેહ;

સહજાનંદ આપણા ઇષ્ટ, અન્ય દેવ તો સર્વે અનિષ્ટ. ૧૧

ઇષ્ટ મંદિર છે એહ ઠામ, દેવ લક્ષ્મીનારાયણ નામ;

ત્યાં છે ગોટકો પરસાદિ તણો, મહિમા એનો ઉત્તમ ઘણો. ૧૨

માટે મંદિર તે સ્થળે મોટું, કરિયે તો તે કામ ન છોટું;

રાજિ થાશે શ્રીજીમહારાજ, રાજિ આચાર્ય સંત સમાજ. ૧૩

એવું દંપતિને દિલે ભાવ્યું, સ્વામિએ સંતને સંભળાવ્યું;

પવિત્રાનંદ ને પ્રજ્ઞાનંદ, અતિ પામિયા એ તો આનંદ. ૧૪

વળિ મુકુંદપ્રિયાનંદ વરણી, કહે એ તો અતી ભલિ કરણી;

તથા મુકુંદચરણ દાસ, જેને પુરાણનો છે અભ્યાસ. ૧૫

તેણે પણ વેણ એવું ઉચ્ચાર્યું, એ તો કામ છે સર્વથિ સારું;

પણ સૌ સતસંગિ સહાય, કરે તો મોટું મંદિર થાય. ૧૬

સુણિ બોલ્યા રામેશ્વરભાઈ, સંતનાં વેણ છે સુખદાઈ;

ભલે સત્સંગિયોને બોલાવો, ઇચ્છા સૌ હરિજનનિ પુછાવો. ૧૭

મુખ્ય સત્સંગિયોને બોલાવ્યા, તે તો મંદિરમાં તર્ત આવ્યા;

તેનાં નામ કહું સુણો આપ, નામ લેતાં ટળિ જાય પાપ. ૧૮

દવે વિપ્ર ચતુર્ભુજભાઈ, જેની રાજમાં લાજ મનાઈ;

બાપુભાઈ રુડા વૈદરાજ, તેની પણ ઘણિ રાજમાં લાજ. ૧૯

તેના તાત તો લક્ષમીરામ, કરે તે પણ વૈદનું કામ;

સારા શાસ્ત્રિ કૃષ્ણરામ જાણો, શાસ્ત્રિ પુરપતિના તે પ્રમાણો. ૨૦

વૈદ આવ્યા વળી રામનાથ, આપા પૂરાણિ પણ તેહ સાથ;

પઢિ જાણે પુરાણ તે કેવા, જાણો સાક્ષાત વ્યાસજિ જેવા. ૨૧

શાસ્ત્રિ ત્રંબક પણ ગુણવાન, તે તો ત્રંબકદેવ સમાન;

બદરીનાથ પુત્ર પ્રમાણો, તાત તુલ્ય તે વિદ્વાન જાણો. ૨૨

દયાશંકર ને વિષ્ણુરામ, મૂળજી ત્રણે વૈદ્યનાં નામ;

દવેજી રુડા લક્ષમીરામ, સારા સત્સંગિ સદ્‌ગુણધામ. ૨૩

કિલાભાઈ ને કેશવલાલ, દામોદર દ્વિજ સદ્ધર્મપાળ;

ગુણના નિધિ ગણપતરામ, સારા શુક્લ પ્રેમાનંદ નામ. ૨૪

રામચંદ્ર સુબા મતિમંત, ભલા ભક્ત ભજે ભગવંત;

રુડા રાજેશ્રિ જીવંતરાવ, ભાળ્યો તેનો તો અદ્‌ભુત ભાવ. ૨૫

રાવસાહેબ મહિરાલ ભાઉ, જેનિ કીર્તિ ગઈ ઘણા ગાઉ;

જનો જોઈ જેના ગુણસાર, કહે ગણપતિનો અવતાર. ૨૬

શાસ્ત્રિ ધર્મિષ્ઠ ધીરજરામ, ભલા ભક્ત લલ્લુ ભટ નામ;

પ્રભાશંકર નાગર નાતે, ભજે ભગવાનને ભલિ ભાતે. ૨૭

શિવશંકર પુરુષોત્તમ, જેને સત્સંગની પડી ગમ;

ભુરોભાઈ તો વિપ્ર શ્રીગોડ, જેને કૃષ્ણ ભજ્યાના છે કોડ. ૨૮

પ્રભાશંકર વિપ્ર પવિત્ર, વિવેકી જેનિ બુદ્ધિ વિચિત્ર;

દાજિબા દક્ષણી દયાવંત, ભોજાજી ભજે શ્રીભગવંત. ૨૯

નારુપંતના સત્પુત્ર બાપુ, એને તો ઉપમા કેની આપું;

જેના તાતે સેવ્યા ઘનશ્યામ, જાણે સૌ હરિજન તેનું નામ. ૩૦

છોટાલાલ તો કાયસ્થ કહું, હેત હરિપદમાં તેને બહુ;

વળિ ઉત્તમ નામે વકીલ, દયાવંત દિસે તેનું દીલ. ૩૧

સુત તેના ભલા દલસુખ, કહું વાણિયા ભક્ત જે મુખ્ય;

બાપુજી તથા ગિરધર ગાંધી, જેણે પ્રીતિ પ્રભુપદે સાંધી. ૩૨

કહિયે નથુ ભક્ત કંદોઈ, સત્ય માર્ગ લિધો જેણે જોઈ;

નથુ હરજી ને કૂબેરભાઈ, તેનિ ભક્તિ ભલી વખણાઈ. ૩૩

મથુર ગોકળ ને હરિલાલ, વાવરી જેણે બુદ્ધિ વિશાળ;

બીજા કૂબેર ને બાપુભાઈ, જેમાં છે ગુણ ગંભીરતાઈ. ૩૪

શિવલાલ ને શામળ નામ, ત્રીજા ત્રીકમ પણ ગુણધામ;

સોનિ દલસુખ ને નરોત્તમ, દામોદર સોનિ પણ તેહ સમ. ૩૫

તંબોળી ઇચ્છો જેઠો કુબેર, ભજે તે પ્રભુને રુડિ પેર;

હરગોવિંદ હરિગોવિંદ, પ્રભુનાં પૂજે ચરણારવિંદ. ૩૬

આવ્યા સુતાર ભક્ત તે ઠામ, પીતાંબર હરગોવિંદ નામ;

ગંગારામ તથા બાપુભાઈ, જેને રીત રુડી સમઝાઈ. ૩૭

બાપુભાઈ બીજા તે ખુશાલ, થયા હરિ ભજિને તે નિહાલ;

પ્રેમાનંદ ને જીવણ જેહ, તર્યા ભવ પ્રભુને ભજિ તેહ. ૩૮

સૂત્રધર3 જગજીવન આદી, ભક્ત ઈશ્વર એ તો ખરાદી;4

કાછિયા કહું હરજીવન, હરગોવન પણ હરિજન. ૩૯

છોટો કરસન ને જિવરામ, સેવે શ્રીહરિને આઠે જામ;

કહું લુહાર જે હરિજન, લલ્લુ ત્રીકમ ને વૃંદાવન. ૪૦

ભક્ત શીરોઇયા મારવાડી, તેનાં નામ કહું છું અગાડી;

પનોજી નરસિંહ ગોવિંદ, પ્રભુનાં પૂજે ચરણારવિંદ. ૪૧

આશો ખારવો ભક્ત તે કેવો, ગૂહ રામનો ભક્ત તે જેવો;

એહ આદિકને જે બોલાવ્યા, અતિ ઉમંગથી સહુ આવ્યા. ૪૨

સંતે વાત કહી સંભળાવી, રામેશ્વરભાઇની રુચિ આવી;

સારું રચવું શિખરબંધ ધામ, ખૂબ ખરચવા તે માંહિ દામ. ૪૩

રુચિ સૌ સતસંગિનિ કેવી, અમે ધાર્યું એ તો પુછિ લેવી;

તે માટે તેડાવિયા તમને, હોય ઇચ્છા એવી કહો અમને. ૪૪

સુણિ સત્સંગિયોયે ઉચ્ચાર્યું, એ તો કામ અતી ઘણું સારું;

જર પ્રાપ્ત થયું હોય જેને, એવું કરવું તે યોગ્ય છે તેને. ૪૫

ધનવંત રામેશ્વરભાઈ, તેનિ બુદ્ધિ પવિત્ર જણાઈ;

તેથિ થૈ એવિ સારિ ઇચ્છાય, નહિ તો એવિ ઇચ્છા ન થાય. ૪૬

અમે સૌ નિજ શક્તિ પ્રમાણે, આપશું ધન જે એહ ટાણે;

કૃપા લાવિ કરો અંગિકાર, કહ્યો એહ અમારો વિચાર. ૪૭

સુણિ બોલ્યા રામેશ્વરભાઈ, સાચિ સતસંગની છે સગાઈ;

રાજિ સત્સંગિયો થાય જેમ, તન મનથિ કરીશ હું તેમ. ૪૮

કાંઇ સતસંગિએ ધન દીધું, મોટા મંદિર અર્થે તે લીધું;

પછિ શિલ્પિયો સુજ્ઞ તેડાવ્યા, પાયા મંદિર કેરા નખાવ્યા. ૪૯

વટપુરમાં પછી થયું ધામ, સારું શિખર સહિત તે ઠામ;

હતી સાલ બત્રીશનિ ખાસી, શુદિ તેરશ વૈશાખ માસી. ૫૦

જૈને ભગવતપ્રસાદે ત્યારે, સમૈયો કર્યો વટપુર ભારે;

પ્રતિષ્ઠા પ્રતિમાઓનિ કરવા, તેને અંગે હોમાદિ આદરવા. ૫૧

બેસાર્યા તહાં વિહારીલાલ, પુત્ર તુલ્ય ગણી તેહ કાળ;

મધ્યે લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ સ્થાપ્યા તતખેવ. ૫૨

રાધિકા સાથે કુંજવિહારી, મૂર્તિ દક્ષિણ ખંડમાં ધારી;

શજ્યા ઉત્તર ખંડમાં સ્થાપી, જેનાં દર્શનથી તરે પાપી. ૫૩

ભાઇ રામેશ્વરે ત્યાં અત્યંત, જમાડ્યા ભલા બ્રાહ્મણ સંત;

દક્ષિણા દ્વિજને પણ દીધી, વેદમંત્રનિ આશિષ લીધી.૫૪

પૂજ્યા આચાર્યને પુરિ પ્રીતે, વસ્ત્ર ભૂષણ અર્પ્યાં સુરીતે;

હતું મૂર્તિમાં જેહનું મન, થયાં શ્રીજિ તણાં દરશન. ૫૫

કહ્યું સંતે સહુ જન પાસે, આંહિ તો મોટું ધામ ગણાશે;

જાત્રા સત્સંગિયો આવી કરશે, મનમાં મહિમા એનો ધરશે. ૫૬

શાર્દૂલવિક્રીડિત

તે રામેશ્વરભાઇ બાઈ જમના જનમ્યાં ભલે જાણિએ,

જેનાં નામ પ્રભાતમાં જ ઉઠિને ઉચ્ચારમાં આણિએ;

કીધું ઉત્તમ કામ ધામ હરિનું શોભીત સારું કર્યું,

રીઝે અક્ષરધામના અધિપતિ છે ઠીક એવું ઠર્યું. ૫૭

વાસી શ્રીવટપૂરના હરિજનો છે પુણ્યશાળી સહુ,

જેણે સારિ સહાયતા કરિ કર્યું મંદિર મોટું બહુ;

એ તો અક્ષય પુણ્ય એહ જનનું વીતે ન વર્ષો જતાં,

તે તો પુણ્ય ન જાય જાય જુગ તો જાશે ન મેરુ જતાં. ૧૮

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિસુતસુત મૂર્તિ સ્થાપિ જેહ, સ્મરણ કરી છબિ નામ ધામ તેહ;

સુખકર તમને કથા સુણાવી, મુજ મનની સ્મૃતિ માંહિ જેહ આવી. ૫૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે

આચાર્યકૃતપ્રતિષ્ઠાનિરૂપણનામ ષોડશો વિશ્રામઃ ॥૧૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે