કળશ ૧૦

વિશ્રામ ૧૭

પૂર્વછાયો

ભાખે ભૂમાનંદજી ભલા, સ્નેહે સાંભળી વાઘજિ ભ્રાત;

સારંગપુરની શુભ કથા, વદું તમ આગે વિખ્યાત. ૧

ચોપાઈ

કષ્ટભંજન શ્રીહનુમાન, તેનું સારંગપુર થયું સ્થાન;

પ્રસર્યો જેનો પ્રૌઢ પ્રતાપ, કથા તેનિ સુણો હવે આપ. ૨

ગઢપુરમાં વસંતને ટાણે, સમય થયો સૌ જન જાણે;

આવ્યા શ્રીરઘુવીરજિ આપ, આવ્યો સંતસમાજ અમાપ. ૩

આવ્યા સૌ દેશના સતસંગી, આવ્યા સારંગપુરના ઉમંગી;

મળ્યા હરિજન ત્યાં તો હજારો, સમૈયો થયો તે ઘણો સારો. ૪

ગયા સૌ નિજ દેશ હુલાસી, ત્યારે સારંગપુરના નિવાસી;

વાઘા ખાચર આદિકે આવી, રઘુવીરને વિનતિ સુણાવી. ૫

સુણો શ્રીહરિના સુત વાત, તમે જાણો છો સૌ રીતભાત;

જ્યારે સારંગપુર ઘનશ્યામ, પધાર્યા હતા કરવાને ધામ. ૬

ત્યારે અમને આપ્યું વરદાન, થાશે આ સ્થળે દેવનું સ્થાન;

તેમાં દેવ ચમત્કારિ થાશે, દેશોદેશમાં તે તો મનાશે. ૭

ક્યારે તે ફળશે વરદાન, ક્યારે થાશે એવું દેવસ્થાન;

તમે છો ભગવાનના પુત્ર, માટે તેવું કરો ધામ તત્ર. ૮

એવું સાંભળિ શ્રીરઘુવીરે, ગોપાળાનંદને કહ્યું ધીરે;

તમે સારંગપુરમાં વિચરજો, દેવસ્થાન ચમત્કારિ કરજો. ૯

દેશોદેશમાં દેવ મનાય, ત્યાંના સત્સંગિ સૌ રાજિ થાય;

આજ્ઞા સ્વામિયે શીશ ચડાવી, ગયા બોટાદ ત્યાંથિ સિધાવી. ૧૦

સાથે સારંગપુરના નિવાસી, ગયા બોટાદ હૈયે હુલાસી;

સ્વામિયે ત્યાં હરિકૃષ્ણદાસ, બોલાવ્યા ગોવિંદાનંદ પાસ. ૧૧

બેયને કહ્યું લૈને સમાજ, જાઓ સારંગપુર તમે આજ;

શિલાની સારિ દેરિ કરાવો, હનુમાનની મૂર્તિ ઘડાવો. ૧૨

કહે સ્વામિ કાના કડિયાને, તેનિ સંગાથે તું પણ જાને;

હનુમાનનિ મૂર્તિ રૂપાળી, ઘડજે સારી રીતે સંભાળી. ૧૩

વિનતી કાને કડિયે ઉચ્ચારી, મને આવડતી નથિ સારી;

કહે સ્વામિ તે સારી ઘડાશે, મારું વચન ફળીભૂત થાશે. ૧૪

સ્વામિએ કર્યું ચિત્ર વિચિત્ર, હનુમાનનું પરમ પવિત્ર;

કાના કડિયાને આપ્યું તે વાર, કહ્યું કરજે તું આવો આકાર. ૧૫

પછિ સત્સંગિ સાથે સિધાવી, સાધુયે જઈ દેરિ કરાવી;

માસ પાંચ વિત્યા જેહ વાર, કડિયે કરી મૂર્તિ તૈયાર. ૧૬

જનોયે મુહુરત જોવરાવ્યું, વદિ પાંચમ આસોયે આવ્યું

ઓગણીસેં ને પાંચની સાલ, બુધવાર હતો તેહ કાળ. ૧૭

મોટા મોટા મળી હરિદાસ, ગયા બોટાદ સ્વામિનિ પાસ;

કહ્યું વિનતિ સુણીને અમારી, સ્થાપો દેવ તે પુરમાં પધારી. ૧૮

બસેં સાધુનું મંડળ લૈને, ગોપાળાનંદજી તહાં જૈને;

વિદવાન ત્યાં વિપ્ર તેડાવ્યા, વરુણીમાં વિશેષ વરાવ્યા. ૧૯

હોમ આદિકની ક્રિયા જેહ, વાઘા ખાચરે ત્યાં કિધિ તેહ;

પ્રતિષ્ઠામંત્ર વિપ્રે ઉચ્ચાર્યા, સ્વામિયે હનુમાન સંભાર્યા. ૨૦

ત્યાં તો આવ્યા ઘણા હનુમાન, તેનાં નામ સુણો ધરિ કાન;

એક તો કહેવાય છે દાસ, સદા જે રહે રામનિ પાસ. ૨૧

વૈતાળાદિક બાવન વીર, તે માંહિ વીર હનુમાન ધીર;

તે તો કૈલાસ માંહિ વસે છે, સદાશિવના સેવક તે છે. ૨૨

ત્રીજા પંચમુખી હનુમાન, તે તો ભમતા રહે સહુ સ્થાન;

ભૂત પ્રેત હજારો હજાર, તેહ સર્વના તે સરદાર. ૨૩

ચોથા છે જે શનિશ્ચર રૂપે, નવ ગ્રહમાં ગણ્યા કવિભૂપે;

એહ આદિ ઘણા હનુમાન, આવિ ઊભા રહ્યા એહ સ્થાન. ૨૪

આશા રાખીને એ સૌ હુલ્લાસે, જાણે સ્થાપના આ સ્થળે થાશે;

નિત્ય સંત-સમાગમ થાય, અંતે અક્ષરધામ પમાય. ૨૫

હરિભક્તોનું રક્ષણ કીજે, પુરુષોત્તમ તે થકિ રીઝે;

કહે સ્વામિને તે દયા ધરો, મારિ સ્થાપના આ સ્થળે કરો. ૨૬

ત્યારે સ્વામિયે કીધો વિચાર, કેનિ કરવી પ્રતિષ્ઠા આ ઠાર;

કહ્યું કેશવદાસને ત્યારે, સમાધી કરિ જાવું તમારે. ૨૭

શ્રીજિને જઇ પૂછવું ત્યાંહી, કીયા હનુમાન સ્થાપિયે આંહીં;

સમાધી કરિ કેશવદાસે, જૈને પુછ્યું મહાપ્રભુ પાસે. ૨૮

ત્યારે શ્રીજિયે વાણિ ઉચ્ચારી, જેણે સેવા સજી છે અમારી;

જેણે સીતા તણી શુદ્ધ લીધી, જેણે કૃત્યા નિકંદન1 કીધી. ૨૯

ભક્તિધર્મને વન માંહિ મળ્યા, તેને શાંતિ પમાડિને વળ્યા;

વનમાં બહુ વાર વિચરી, એણે સેવા અમારી છે કરી. ૩૦

એ તો છે અમારા કુળદેવ, તેને સ્થાપો તહાં તતખેવ;

તેનિ જે કોઈ માનતા કરશે, તેનાં સંકટ સર્વ તે હરશે. ૩૧

એને પ્રેમથિ પૂજવા જાશે, તેના સિદ્ધ મનોરથ થાશે;

ભૂત પ્રેતનાં નડતર ભારી, તે તો કાઢશે પોતે પ્રહારી.2 ૩૨

દેશોદેશમાં વિખ્યાત થાશે, જનના સંઘ આવશે પાસે;

અમે ધાર્યું’તું કરવાનું ધામ, તેવું ધામ થશે તેહ ઠામ. ૩૩

સંતમંડળ રહેશે સદાય, ધન્યભાગ્ય તે પુરનાં ગણાય;

અમે લીલા ઘણી કરી ત્યાંય, માટે તીર્થ તે શ્રેષ્ઠ મનાય. ૩૪

જન તીર્થ અમારાં જે કરશે, તે તો સારંગપુરમાં વિચરશે;

એવિ વાત કહી અવિનાશે, તે તો સાંભળિ કેશવદાસે. ૩૫

પછિ ત્યાં થકિ દેહમાં આવી, વાત સર્વ સહૂને સુણાવી;

સુણિ શ્રીમુખ કેરાં વચન, હરખ્યા સરવે હરિજન. ૩૬

દાસ હનુમાન બોલિયા વાણી, સીતાની સુધ તો મેં જ આણી;

વળિ શ્રીજિનિ સેવા મોઝાર, હતો સરવત્ર હું જ તૈયાર. ૩૭

સુણી રાજી થયા સહુ સંત, કહ્યું સ્થાપવા આ હનુમંત;

એણે શ્રીજિનિ સેવા કરી છે, એ જ કાળભૈરવના અરી3 છે. ૩૮

પછિ તેનિ પ્રતિષ્ઠા ત્યાં કરી, ગયા બીજા નિરાશ તે ફરી;

કષ્ટભંજન નામ ઠરાવ્યું, ગોપાળાનંદને મન ભાવ્યું. ૩૯

મૂર્તિ સ્વામિયે જોઇ વિશેષ, હનુમાને ત્યાં કીધો પ્રવેશ;

દૃષ્ટે દૃષ્ટિ મળિ અનુરાગી, ત્યાં તો મૂર્તિ તે ધ્રૂજવા લાગી. ૪૦

જાણ્યું બોલશે હમણાં જ બોલ, સૌને અચરજ ઉપજ્યું અતોલ;

શુકાનંદ ને ગોવિંદાનંદ, તેઓને કહે ગોપાળાનંદ. ૪૧

તમે નૈષ્ઠિક છો બ્રહ્મચારી, તમે બેમાંથિ એક વિચારી;

પૂજા પ્રથમ તો કરવિ તમારે, સારા સોળ સજી ઉપચારે. ૪૨

શુકાનંદે વાણી સુણિ લીધી, પૂજા ષોડશ ઉપચારે કીધી;

ધૂપ દીપ ને નૈવેદ્ય ધરિયાં, ત્યારે હરિજન થાળ ઉચરિયા. ૪૩

અથ થાળ

(‘દુર્ગપુરે હરિ આવિયા એક સમે અલબેલ’ એ રાગ છે)

કર જોડી વિનતી કરું, હે હનુમંતા વીર;

કનકકળશ લાવી ધરું, ભરીને નિર્મળ નીર. ૪૪

બેસવા બાજઠ લાવિને, આંહીં ઢાળ્યો છે આજ;

એ ઉપર આપ આવીને, બેસો જમવા કાજ. ૪૫

થાળ ભલો લાવું ભરી, વિધવિધનાં પકવાન;

આરોગો કરુણા કરી, મેવા અને મિષ્ટાન. ૪૬

ભાવે તમને જે ભલું, તે જમજો તતખેવ;

અરજ કરી કહું એટલું, હે હનુમંતા દેવ. ૪૭

જમો જલેબી ને લાડવા, પેંડા પુરી દૂધપાક;

મનને શાંતિ પમાડવા, સારાં સારાં જમો શાક. ૪૮

બાસુંદી ખીરવડાં4 બાકળા,5 જમો કરો જળપાન;

આરોગતાં કાંઈ આકળા, થશો નહીં આ સ્થાન. ૪૯

સેવો અને સુંવાળિયો, શીરી સારો કંસાર;

ઘારી પૂરી છે રસાળિયો, તાજી કરી તૈયાર. ૫૦

કેળાં કેરી રસ પોળિયો, છે વળિ છૂટી દાળ;

ઝાઝા ઘીમાં ઝબોળિયો, રોટલી ઝીણી રસાળ. ૫૧

છે ખાજાં ને ખૂરમાં,6 બરફી બદામપાક;

ચોળીને પીરસ્યાં ચૂરમાં, એમાં સ્વાદ અથાક. ૫૨

ટોપરાપાક તલસાંકળી, મગદળ મોહનઠાર;

ગળપાપડી7 પણ છે ગળી, ભજીયાં સજીયાં સાર. ૫૩

પુડલા જમજો પ્રીતથી, પાપડ પૂનમચંદ;

રચ્યા છે રુડી રીતથી, ઉપજે જોઈ આનંદ. ૫૪

માલપુડા મનમાનતા, પુરણપોળી પાસ;

રખે હૃદયમાં જાણતા, એમાં ઓછી મીઠાશ. ૫૫

ગુંદવડાં8 ને ગાંઠિયા, ફાફડા ફરસા9 હોય;

મેવા જમો મહિકાંઠિયા,10 સરસ કહે સહુ કોય. ૫૬

જમો સીતાફળ જામફળ, સીંગો તથા સેતુર;

રુડાં રસીલાં રામફળ, ખારેક દ્રાક્ષ ખજૂર.૫૭

દાડમના દાણા જમો, રાયણ છે રસદાર;

તે તો જમનારા તમો, વિધવિધ વનમોઝાર. ૫૮

રુડાં કર્યાં છે રાઇતાં, જમો અથાણાં આપ;

છે તે સર્વ સુહાઇતાં,11 નિર્મળ ને નિષ્પાપ. ૫૯

સાકર સારી મેળવી, પીયો કઢેલાં દુધ;

ભલી ઇલાયચી ભેળવી, સુરભિનાં12 છે શુદ્ધ. ૬૦

જમો બિરંજ બહુ ભલો, કડી વડી ને દાળ;

ભાત ભલો છે ઉજળો, જમજો દીનદયાળ. ૬૧

તૃપ્ત થઈને ચળું કરો, મુખમાં લ્યો મુખવાસ;

કરુણાનાથ કૃપા કરો, માગે પ્રસાદી દાસ. ૬૨

થાળ ગાયો સ્થિર થૈ અમે, સુણો કપીશ13 કૃપાળ;

સેવ્યા છે સ્નેહે તમે, વિશ્વવિહારીલાલ. ૬૩

ચોપાઈ

આરતી શુકાનંદે ઉતારી, થયો એ સમે ઉત્સવ ભારી;

વાજાં વાગિયાં વિવિધ પ્રકાર, બોલે જન સહુ જયજયકાર. ૬૪

મુરતીમાં ભલું તેજ ભાસે, જાણે કોટિક ચંદ્ર પ્રકાશે;

સંત હરિજન આરતિ ગાય, સૌને અંગ ઉમંગ ન માય. ૬૫

અથ આરતી

જય દેવ જય દેવ, જય જતિ હનુમંતા જય જતિ હનુમંતા;

  પ્રભુપદ ધ્યાન ધરંતા, બહુવિધ બળવંતા. જય꠶ ટેક

જય સારંગપુરવાસી, નિજજન સુખરાશી;

  શ્રીરઘુવીર ઉપાસી, રણજય અભ્યાસી. જય꠶ ૬૬

જયજય કષ્ટવિભંજન, જનમનરંજન છો;

  રંજિત દેવ નિરંજન, ખળબળગંજન છો. જય꠶ ૬૭

જય જય અંજનીનંદન, સુરનરવંદન છો;

  ચર્ચિત સિંદુર ચંદન, કલુષનિકંદન છો. જય꠶ ૬૮

જય નૈષ્ઠિક વ્રત ધારી, કપિવર કૃત્યારી;

  ભૂતાદિક ભયહારી, રાક્ષસ ક્ષયકારી. જય꠶ ૬૯

જય નિગમાગમ જ્ઞાતા, સુખસંપત દાતા;

  વિશ્વ વિષે વિખ્યાતા, ત્રિભુવનના ત્રાતા.14 જય꠶ ૭૦

જય બાળા બજરંગી,15 સંત તણા સંગી;

  કરી હરિભક્તિ અભંગી, અંતર ઉમંગી. જય꠶ ૭૧

જય હનુમાન હઠીલા, કરિ અદભુત લીલા;

  થઈ રણરંગ રસીલા, તોડ્યા કંઈ કિલ્લા. જય꠶ ૭૨

બુદ્ધિ વિચારિ તમારી, જઇયે બલિહારી;

  ભજી વ્રજલાલવિહારી, કરિ કરણી સારી. જય꠶ ૭૩

પૂર્વછાયો

એમ ઉતારી આરતી, પુષ્પ અંજલી કરિ ભલિભાત;

સ્તુતિ ઉચ્ચારી તે કહું, સુણો વાઘજીભાઈ વિખ્યાત. ૭૪

વસંતતિલકા (અથ સ્તુતિ)

સારંગ નામ પુરવાસિ સદા વિલાસી,

અભ્યાસિ જોગકળના જગથી ઉદાસી;

સ્નેહે કરો સ્વજનની પરિપૂર્ણ આશ,

હે કષ્ટભંજન કપીશ્વર કૃષ્ણદાસ. ૭૫

  જે ભૂત પ્રેત જનને ભયભીત કારી,

  તેને તમે દુર કરો પળમાં વિદારી;

  છે તીવ્ર ઉગ્ર અતિશે તનનો પ્રકાશ,

  હે કષ્ટભંજન કપીશ્વર કૃષ્ણદાસ. ૭૬

વૈતાલ16 વ્યંતર17 પિશાચણિ18 ડાકિણીયો,19

કૂષ્માંડ20 ભૈરવ નિશાચર શાકિણીયો;21

જે મૂઠ-ચોટ22 વળગાડ કરો વિનાશ,

હે કષ્ટભંજન કપીશ્વર કૃષ્ણદાસ. ૭૭

  જે હોય બીકણ જનો ડરિ ભાગનાર,

  તેને તમે અધિક હીંમત આપનાર;

  કાઢો સદા જન તણા મનની કચાશ,

  હે કષ્ટભંજન કપીશ્વર કૃષ્ણદાસ. ૭૮

જે શુદ્ધ બુદ્ધિથિ જપે તવ મંત્રજાપો,

તેને વિશેષ ધન પુત્ર કળત્ર23 આપો;

થાપો વળી વદન વાણિ વિષે મિઠાશ,

હે કષ્ટભંજન કપીશ્વર કૃષ્ણદાસ. ૭૯

  દેશાંતરેથિ જનના બહુ સંઘ આવે,

  પૂજા કરે પરમ ભેટ ભલી ધરાવે;

  આવી નમે અમર ને નર આપ પાસ,

  હે કષ્ટભંજન કપીશ્વર કૃષ્ણદાસ. ૮૦

છો આપ નિત્ય સુખસંપતિ આપનાર,

કર્મે લખ્યાં અસુખને પણ કાપનાર;

આપ પ્રતાપથિ કરે વિબુધો24 વિલાસ,

હે કષ્ટભંજન કપીશ્વર કૃષ્ણદાસ. ૮૧

  સેવો તમે પ્રભુ તણા પદ સર્વકાળ,

  વાલા ગણી અધિક વિશ્વવિહારિલાલ;

  જે પૂજનાર તમને ન રહે નિરાશ,

  હે કષ્ટભંજન કપીશ્વર કૃષ્ણદાસ. ૮૨

પૂર્વછાયો

ખાંત ધરી વાઘા ખાચરે, કરિ પૂર્ણાહુતિ રુડિ પેર;

આપિ દ્વિજોને દક્ષિણા, ઘણિ વાત ચાલી ઘેર ઘેર. ૮૩

વિપ્રને સંત જમીડિયા, જમ્યું સારંગપુર બધું ગામ;

માણસ સૌ હનુમાનને, ધરિ ભેટ કરે છે પ્રણામ. ૮૪

કષ્ટભંજન દેવની કને, વળિ રાત્રિએ ઉત્સવ થાય;

પોઢણને સમે પ્રેમથી, જન પોઢણનું પદ ગાય. ૮૫

અથ પોઢણનું પદ (રાગ બિહાગ)

(‘પોઢે પ્રભુ સકલ મુનીકે શ્યામ’ - એ રાગ છે)

પવનપુત્ર ઉદાર, પોઢો પ્રભુ પવનપુત્ર ઉદાર;

  ભક્તરંજન કષ્ટભંજન, ગંજન25 અસુર અપાર. પોઢો꠶ ટેક

કદળિપત્રની26 કોમળ સુંદર સેજ બિછાવી છે સાર;

  ચંપા ચંબેલી ને જાઈ જઈનાં, કુસુમ છે સુખકાર. પોઢો꠶ ૮૬

આસોપાલવનાં તોરણો તણો સેજે દિસે શણગાર;

  પવન પુષ્પનો પંખવો લઈ, કિંકર27 છે કરનાર. પોઢો꠶ ૮૭

રાગ બિહાગ આલાપિને કરે અમર મળી ઉચ્ચાર;

  અવર નર વર આપની આગળ, હાજર રહેશે હજાર. પોઢો꠶ ૮૮

આપ તણા જશ ઉચ્ચરે છે બહુ જન ઠારોઠાર;

  ચારે વેદ ને શાસ્ત્ર ખટ વળિ, ગાય પુરાણ અઢાર. પોઢો꠶ ૮૯

ભાવ થકી તમને ભજે સહુ ભૂમિ તણા ભરતાર;

  છો તમે નાથ અનાથના વળિ, નિરાધારઆધાર. પોઢો꠶ ૯૦

આપ જેવા શુચિ28 સંતની જેઓ માને શિખામણ સાર;

  તે તો પ્રગટ પ્રભુને ભજીને, પામશે ભવજળ પાર. પોઢો꠶ ૯૧

અંજનીના તમે એક છો કપિવર કોડીલા કુમાર;

  કર ઉપર ગિરિવર ધર્યો પણ, ભાસે ન તમને ભાર. પોઢો꠶ ૯૨

સાગર કુદીને સંચર્યા તમે કરિ સીતાની વાર;

  વિશ્વવિહારીલાલના તમે, સેવક સુખભંડાર. પોઢો꠶ ૯૩

પૂર્વછાયો

સેવક જે હનુમાનના, જ્યારે જામનિ વીતી જાય;

જગાડે જૈ હનુમાનને, રુડો રાગ પ્રભાતી ગાય. ૯૪

અથ પ્રભાતી

(‘લોચન લોભાણાં રે બેની મારાં લોચન લોભાણાં’ - એ રાગ છે)

જાગો રે કષ્ટભંજનકારી જાગો રે જાગો;

  સેવક જનનાં સંક્ટ સરવે ભાંગો રે ભાંગો. ટેક

અંજનિમાતા આવિ જગાડે મધુર વદી વાણી;

  ઉઠો રે મારા કુંવર આપું દાતણ ને પાણી. જાગો રે꠶ ૯૫

અંગદ ને સુગ્રીવ આવ્યા છે મળવાને માટે;

  લાડકડા જો લોક ફરે છે વાટે ને ઘાટે. જાગો રે꠶ ૯૬

વેગળા ઢુકડા કુકડા બોલ્યા શુકડા29 સૌ જાગ્યા;

  ભક્ત હરીના ભાવે પ્રભાતી ગાવાને લાગ્યા. જાગો રે꠶ ૯૭

સુરજ ઉગ્યો ને સરસિજ30 ફુલ્યાં રાત ગઈ વીતી;

  વેદના પાઠી વેદ ભણે છે પૂર્ણ ધરી પ્રીતી. જાગો રે꠶ ૯૮

સતી સીતાયે વનફળ વીણી રાખ્યાં તુજ કાજે;

  કહે છે જો હનુમાન આવે તો આ આખું આજે. જાગો રે꠶ ૯૯

સંત હરીજન શ્રીહરિ કેરું ધ્યાન ધરી બેઠા;

  તીરથવાસી તીરથ જળમાં નાવાને પેઠા. જાગો રે꠶ ૧૦૦

વજ્રકછોટો વેગથી વાળો ધારો ગદા હાથે;

  સીધાવવાને તતપર થાઓ શ્રીરઘુવર સાથે. જાગો રે꠶ ૧૦૧

લાડકડા તને લક્ષ્મણ તેડે સ્નેહે સંભારી;

  વનમાં દશરથલાલવિહારી વાટ જુવે તારી. જાગો રે꠶ ૧૦૨

પૂર્વછાયો

ભાખે ભૂમાનંદજી ભલા, સ્નેહે સાંભળો વાઘજીભાઈ;

તે હનુમાનનિ માનતા, પછિ ચાલિ ઘણા દેશમાંઇ. ૧૦૩

રોગ મટાડ્યા કૈકના, કાઢ્યા કૈક તણા વળગાડ;

સંતાન કૈકને સાંપડ્યા, જીત્યા રાજકચેરિયે રાડ.31 ૧૦૪

લાભ લીધો ધનની ઘણો, કર્યો માનતા કરિને વેપાર;

મૂરખ પણ વિદ્યા ભણ્યા, કષ્ટભંજનનો ઉપકાર. ૧૦૫

કુસંગિ પણ દેશોદેશથી, કરે માનતા આવિ અનેક;

કહે સહુ કળિકાળમાં, કષ્ટભંજન દેવ છે એક. ૧૦૬

માને ઘણી ઘણિ માનતા, સહુ હિંદુ ને મૂસલમાન;

ચમતકારનિ વાતો ચાલી, તે જાણે સકળ જહાન.32 ૧૦૭

સો સો મણ સુધિ તેલ ત્યાં, કોઇ આવિ ચડાવે આપ;

તોરણ ચંદરવા33 ચડે, જરિયાનના મૂલ અમાપ. ૧૦૮

સોના રુપાનાં છત્ર ત્યાં, કોઈ ચાહિ ચડાવા જાય;

ફળ મનોરથ જેહના, કહો તેનાથિ શું ન કરાય. ૧૦૯

પછિ ગોપાળાનંદજી, ગયા બોટાદ સંત સહીત;

ત્યાં સતસંગિ મળી સહુ, કરિ વિનતિ ધરિ ઉર પ્રીત. ૧૧૦

આંહીં શ્રીહરિ બેઠા હતા, સાથે લઇને સંતસમાજ;

ચરણ આરસપાણનાં, પધરાવો આંહીં મુનિરાજ. ૧૧૧

પછિ ચરણ પધરાવિયાં, ચારુ ઓટો ચણાવી ત્યાંય;

બહુ હરિજન બોટાદના, પામ્યા આનંદ અંતરમાંય. ૧૧૨

કષ્ટભંજનની આ કથા, જન સુણે સુણાવે જેહ;

કષ્ટ સકળ તેનાં ટળે, સુખસંપત્તિ પામે તેહ. ૧૧૩

પરત34 આ આખ્યાનની, વહેંચે જન માંહિ વિશેષ;

પાઠ કરે પ્રતિદિવસ તો, રિઝે શ્રીહનુમાન હમેશ. ૧૧૪

પુષ્પિતાગ્રાવૃત્ત

જય હનુમત કષ્ટભંજનાખ્ય, જનસુખકારિ શઠારિ35 છો સદાખ્ય;

તવ ગુણ સુણનાર જે સુધર્મી, સુખમય તેહ સદા થજો સુકર્મી. ૧૧૫

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે

સારંગપુરે ગોપાળાનંદમુનિ શ્રી કષ્ટભંજન-હનુમાનસ્થાપનનામ સપ્તદશો વિશ્રામઃ ॥૧૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે