વિશ્રામ ૧૮
પૂર્વછાયો
વાઘજિભાઇ સુણો વળી, ભૂમાનંદમુની મુખ ગાય;
કથા કહું વિષ્ણુયાગની, જે છે સુણવા યોગ્ય સદાય. ૧
ચોપાઈ
ચરોતરમાં છે માણજ ગામ, પાટિદાર રહે તેહ ઠામ;
ગુણસાગર ગોવિંદદાસ, જેણે ઓળખ્યા શ્રી અવિનાશ. ૨
તેના બે પુત્ર પામ્યા ભલાઈ,1 દેશાઈભાઈ મથુરભાઈ;
દેશાઈભાઈના પુત્ર ચાર, તેમાં મૂળજિ મોટા ઉદાર. ૩
પ્રભુદાસ ભગુ રણછોડ, ચારે ભાઇનિ ઉત્તમ જોડ;
કાકા મથુર સહિત તે પંચ, સંપ છોડે નહીં કદિ રંચ.૪
અખંડાનંદનો ઉપદેશ, લાગ્યો પાંચને પરમ વિશેષ;
તેથિ સત્સંગિ તે થયા સારા, પ્રેમે પ્રગટ પ્રભુ ભજનારા. ૫
દેવ લક્ષ્મીનારાયણ અર્થે, તેણે વાવર્યું અગણિત ગર્થે;2
ભેટ ભૂષણ વસ્ત્રનિ દીધી, પૃથિવી પણ અર્પણ કીધી. ૬
વળિ દાગિના આપિને એવા, રઘુવીર આચારજ સેવ્યા;
તેનું ભક્તપણું ભલું જોઈ, વખાણે સહુ વિસ્મિત હોઈ. ૭
શુકાનંદ તણો ઉપદેશ, વળિ સાંભળ્યો તેણે વિશેષ;
મૂળજિભાઇની સ્થિતિ કેવી, વિદેહી દિસે જનકના જેવી. ૮
જેમ કમળ રહે જળ માંય, પણ જળમાં ન તેહ લેપાય;
તેમ સંસારમાં વસિ વાસ, રહે સંસારથી તે ઉદાસ. ૯
પછિ ભગવત્પ્રસાદજી જ્યારે, પામ્યા આચાર્યનું પદ ત્યારે;
તેનિ પણ સજિ તેવિ જ સેવા, નરજન્મ તણું ફળ લેવા. ૧૦
મોટા સંતોને કીધા પ્રસન્ન, તેનિ સમજણ તો ધન્ય ધન્ય;
પછિ કાંઇ જતાં વળિ કાળ, થયા આચાર્ય વિહારીલાલ. ૧૧
ત્યારે મૂળજિભાઈએ આવી, કર જોડીને વિનતિ સુણાવી;
શિક્ષાપત્રીમાં શ્રીમહારાજે કહ્યું છે ધનવંતને કાજે. ૧૨
જઈ તીરથમાં રુડિ રીતે, પુરશ્ચરણ કરાવવાં પ્રીતે;
માટે આપ કહો મને જેહ, પુરશ્ચરણ કરાવું હું તેહ. ૧૩
જેથિ શ્રીહરિ થાય પ્રસન્ન, નથી ઇચ્છા મારે મન અન્ય;
સુણિ બોલિયા વિહારીલાલ, ધન્ય બુદ્ધિ તમારી વિશાળ. ૧૪
ઇચ્છો છો પ્રભુ કરવા પ્રસન્ન, ત્યારે સાંભળો મારું વચન;
શાસ્ત્ર સત્સંગિજીવન જેહ, સતસંગનું જીવન તેહ. ૧૫
જેમાં પ્રગટ પ્રભુનાં ચરિત્ર, કહ્યાં છે અતિ પરમ પવિત્ર;
જેમ સર્વોપરી અવતાર, તેમ સર્વોપરી શાસ્ત્રસાર. ૧૬
તે તો સત્સંગિજીવન જાણો, ઇષ્ટ આપણાનું તે પ્રમાણો;
પુરશ્ચરણ તો તેનું કરાવો, વરુણે વિપ્ર વર્ણિ વરાવો. ૧૭
પુણ્ય મોટું નથી એથિ અન્ય, થાશે શ્રીહરિ તેથિ પ્રસન્ન;
શાણા આચાર્યે વાત સુણાવી, મૂળજીભાઈને મન ભાવી. ૧૮
વળી બોલ્યા તે મૂળજીભાઈ, સુણો સત્સંગિના સુખદાઈ;
ધન ખર્ચવું તે તો અમારે, ક્રિયા સર્વ તો કરવી તમારે. ૧૯
જેથી હોમ આદિ જે જે થાય, તે તો વેદોક્ત સર્વ કરાય;
ત્યારે બોલિયા લાલ વિહારી, કરશું જેવી ઇચ્છા તમારી. ૨૦
તેડાવ્યા વરણી મતિમાન, વિપ્ર તેડાવિયા વિદવાન;
મહાતીર્થ વૃત્તાત્ય વાસે, દેવી લક્ષ્મીનારાયણ પાસે. ૨૧
ધર્મવાન ને વિદ્વાન ધાર્યા, કરવા પુરશ્ચરણ બેસાર્યા;
સતસંગિજીવન તણા પાઠ, કરાવ્યા એકસો અને આઠ. ૨૨
નૈમિષારણ્યમાં મુનિ જેમ, વેદપાઠ કરે મળિ તેમ;
કરે પાઠ મુની નિરદોષ, થાય મંદિરમાં ઘણો ઘોષ.3 ૨૩
પછિ હોમ આદિ ક્રિયા કરવા, કુંડ મંડપ આદિ આદરવા;
વિપ્ર હરિપ્રસાદ તેડાવ્યા, ઉમરેઠ થકી એહ આવ્યા. ૨૪
તેડાવ્યા તહાં શિલ્પિ સુજાણ, કર્યો મંડપ શાસ્ત્ર પ્રમાણ;
નારાયણમોલ4 આગળ જ્યાંય, બિરાજેલા મહાપ્રભુ ત્યાંય. ૨૫
વૃદ્ધ સંત જનો એમ કહે, મુળજીભાઇના પિતામહે;
શ્રીજી પાસે લિધાં વર્તમાન, કર્યો મંડપ કુંડ તે સ્થાન. ૨૬
આચાર્ય શ્રીવિહારિજિલાલ, હોમ કરવા બેઠા તેહ કાળ;
રામનવમીએ હોમ આદર્યો, પૂર્ણમાસિએ પૂરણ કર્યો. ૨૭
વર્ષ વિક્રમ કેરું કહીશ, ઓગણીશમેં ને બેતાળીશ;
સમૈયો હતો તે સમે સારો, હરિભક્ત મળેલા હજારો. ૨૮
ક્રિયા કીધિ વેદોક્ત પ્રમાણે, શોભા સારિ થઇ તે ટાણે;
ચારે વેદના વિપ્ર વરેલા, જેણે વેદ તો પાઠ કરેલા. ૨૯
પરનાળે હોમ્યું ઘણું ઘૃત, દ્રવ્ય સુફળ કર્યું પ્રભુદત્ત;5
કરિ પૂર્ણાહુતી રુડિ રીતે, દ્વિજને દીધિ દક્ષિણા પ્રીતે. ૩૦
વર્ણિયોને તો પુસ્તક આપ્યાં, હતાં તે તો લખેલાં કે છાપ્યાં;
વસ્ત્ર ભૂષણથી તતખેવ, પૂજ્યા લક્ષ્મીનારાયણ દેવ. ૩૧
પૂજા આચાર્યની પણ કરી, વસ્ત્ર ભૂષણની ભેટ ધરી;
સર્વ સંતોને વસ્ત્ર ઓઢાડ્યાં, ભલાં ભોજન સૌને જમાડ્યાં. ૩૨
જમ્યા વિપ્ર હજારોહજાર, દ્રવ્ય વાવર્યું એમ અપાર;
ઘણા રાજિ કર્યા ઘનશ્યામ, રાખ્યું આ જગમાં પણ નામ. ૩૩
ધન્ય ધન્ય તે મૂળજીભાઈ, જેની સમઝણ સારિ ગણાઈ;
એના યજ્ઞનો સાંભળિ સાર, કરશે એમ કોઈ ઉદાર. ૩૪
પૂર્વછાયો
જજ્ઞ કર્યા થકિ જશ વધ્યો, મૂળજીભાઇનો જગમાંય;
કાકા મથુરના મન વિષે, એ જ માસમાં ઉપજિ ઇચ્છા. ૩૫
ચોપાઈ
તેણે વિચરીને વરતાલ, કહ્યું સુણો વિહારિજિલાલ;
મને આજ્ઞા આપો જો તમારી, જજ્ઞ કરવાની ઇચ્છા છે મારી. ૩૬
માટે જજ્ઞ તમે કહો જેવો, અતિ હર્ષથિ હું કરું એવો;
ત્યારે ઉત્તર આચાર્યે કહ્યો, એક યજ્ઞ તો આ સ્થળે થયો. ૩૭
તમે તો કરો ગામ તમારે, તહાં આવવું નક્કી અમારે;
સંત વર્ણિ ને પાર્ષદ સંગે, અમે આવશું લૈને ઉમંગે. ૩૮
વેદમૂર્તિ છે હરિપ્રસાદ, તે તો જાણે છે વેદના વાદ;
તેને સાથે લઈને સિધાવો, કુંડ મંડપ જૈને કરાવો. ૩૯
ગયા તે સુણી માણજ ગામ, જોવરાવ્યું મુહૂર્ત તે ઠામ;
દિન અક્ષયતૃતીયાનો આવ્યો, કુંડ મંડપ સારો કરાવ્યો. ૪૦
આચારજજિ લઈને સમાજ, ગયા માણજમાં મહારાજ;
શાસ્ત્રિ વટપુરના બદ્રિનાથ, તેને પણ તહાં લઈ ગયા સાથ. ૪૧
સપ્તમી સુધિ યજ્ઞનું કામ, થયું સારી રીતે તેહ ઠામ;
થયું યજ્ઞ-સમાપન જ્યારે, સારું રૂપાનું પારણું ત્યારે. ૪૨
દેવ અર્થે તે અર્પણ કીધું, લક્ષ્મીનારાયણાર્થે તે લીધું;
આચારજની પૂજા ભલી કરી, વસ્ત્ર ભૂષણની ભેટ ધરી. ૪૩
દ્વિજને દીધાં દક્ષિણાદાન, જેને જેમ ઘટે તે સમાન;
સર્વ સંતને વસ્ત્ર ઓઢાડ્યાં, ભલાં ભોજન સૌને જમાડ્યાં. ૪૪
જમાડ્યું તહાં તો આખું ગામ, પરદેશિ સહિત તમામ;
વખણાયો જગન એહ વાર, થયો જગતમાં જયજયકાર. ૪૫
જજ્ઞ ઊપર આવેલા જેહ, ગયા તે સહુને સ્થળ તેહ;
વિષ્ણુયાગ તણી તેહ વાત, ગામોગામ થઈ જ વિખ્યાત. ૪૬
ભૂમાનંદ ભણે સુખદાઈ, સ્નેહે સાંભળો વાઘજીભાઈ;
કથા સાંભળવા જોગ્ય જાણી, કહિ મેં તમ પાસ વખાણી. ૪૭
વળિ એક કથા કહું બીજી, તમે સાંભળો અંતરે રીઝી;
ગામ માણજના રહેનાર, ધોરિભાઈ ભલા પાટીદાર. ૪૮
તેના પુત્રનું મૂળજી નામ, સારા તે પણ સદગુણધામ;
શુકાનંદ તણો ઉપદેશ, સુણિ સત્સંગ કીધો વિશેષ. ૪૯
અખંડાનંદ વર્ણિની વાત, વળિ સાંભળી એણે અઘાત;
પ્રભુ પ્રગટનો નિશ્ચય થયો, લવલેશ ન સંશય રહ્યો. ૫૦
એણે પણ વરતાલમાં આવી, આચારજજીને અરજ સુણાવી;
પ્રભુઅરથે જે ધન વવરાય, એ જ જાણું છું સાર્થક થાય. ૫૧
માટે આપ બતાવો જે રીતે, કરું તે મનમાં ધરિ પ્રીતે;
ત્યારે બોલ્યા આચારજ આમ, તમે કીધાં છે પુણ્યનાં કામ. ૫૨
દેવ અર્થે થઈ સાવધાન, દીધું છે તમે ભૂમિનું દાન;
સતસંગના ધર્મ ધર્યા છે, મોટા સંતને રાજી કર્યા છે. ૫૩
તોય ઇચ્છા જો હોય તમારી, કરો હું કહું તેહ વિચારી;
હરિકૃષ્ણનું મંદિર એ છે, તેની પાછળનો ચોક જે છે. ૫૪
શ્રીજિ બેઠા છે ત્યાં ઘણિ વાર, કરિ લીલા અનેક પ્રકાર;
સ્થાપ્યા બેય આચારજ જ્યારે, કરિ સ્થાપના એ સ્થળે ત્યારે. ૫૫
મહિમા છે તે ભૂમિનો મોટો, માટે એક કરાવો ત્યાં ઓટો;
થાય આરસ પાણનો સારો, વધશે જશ તથિ તમારો. ૫૬
રાજિ થાશે સહુ હરિજન, થાશે શ્રીહરિ પૂર્ણ પ્રસન્ન;
મુળજીભાઈને ગમિ વાત, સુણિ હૃદયે થયા રળિયાત. ૫૭
દ્રવ્ય ખર્ચિને ઓટો કરાવ્યો, ભલો સૌ હરિભક્તને ભાવ્યો;
પુણ્ય સ્થાન થયું એહ ઠામ, કરે છે જન સર્વ પ્રણામ. ૫૮
કર્યાં એવાં એવાં કામ જેણે, જનજન્મ સુફળ કર્યો તેણે;
સુણે જો એવા જનનિ કથાય, સુણનારનું મન શુદ્ધ થાય. ૫૯
પુષ્પિતાગ્રાવૃત્ત
હરિજનકૃત વિષ્ણુયાગ જેહ, પરમ પવિત્ર કથા ગણાય તેહ;
જનમન સુણતાં પવિત્ર થાય, પરમ પ્રભૂનિ કૃપાથિ પાપ જાય. ૬૦
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે
ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે
માણજગ્રામનિવાસી હરિજનકૃતવિષ્ણુયાગાદિવર્ણનનામ અષ્ટાદશો વિશ્રામઃ ॥૧૮॥