કળશ ૧૦

વિશ્રામ ૧૯

પૂર્વછાયો

કથા ભૂમાનંદજી કહે, સુણો વાઘજીભાઈ સુજાણ;

વાત કહું વરતાલની, જે છે જાણવા જોગ્ય પ્રમાણ. ૧

ચોપાઈ

ગામ વરતાલમાં જ્યારે જ્યારે, આવતા હતા શ્રીહરિ ત્યારે;

ભક્ત વાસણ સુતાર ઘેર, પ્રભુ ઊતરતા શુભ પેર. ૨

એક ઓરડિમાં વાસ કરી, દેતા દર્શન સર્વને હરી;

થઈ જગ્યા તે પરમ પવિત્ર, એનું માહાત્મ્ય તો છે વિચિત્ર. ૩

પ્રભુને લાગિ જગ્યા તે પ્યારી, વાત એક દિન એવી ઉચ્ચારી;

હવેલી એહ જગ્યાયે થાશે, એનું માહાત્મ્ય મોટું મનાશે. ૪

પૂર્વછાયો

વાઘજીભાઈ પછી વદે, ભલા સાંભળો ભૂમાનંદ;

ક્યારે હવેલી ત્યાં થઈ, કથા તેહ કહો સુખકંદ. ૫

ચોપાઈ

ભૂમાનંદ કહે સુણો ભાઈ, કથા એહ કહું સુખદાઈ;

આચારજ થયા વિહારીલાલ, તેણે વાત જાણી કોઇ કાળ. ૬

ઘર વાસણ સુતાર કેરું, પ્રસાદીનું પવિત્ર ઘણેરું;

દિશા પૂર્વમાં મંદિર થકી, હવેલી કરવા લીધું નકી. ૭

આસપાસ પ્રસાદિનાં ઘર, લિધાં તે પણ આપિને જર;

પછે પુછવા વાત વિચાર, તેડાવ્યાં પંચ જણ તેહ ઠાર. ૮

કોઠારીજિ ગોવરધનદાસ, તથા શ્રીકૃષ્ણદાસજી પાસ;

જગન્નાથાનંદ બ્રહ્મચારી, જે છે નૈષ્ઠિક વ્રત શુભ ધારી. ૯

નારાયણવર્ણિના શિષ્ય સારા, જેને પ્રગટ પ્રભુ બહુ પ્યારા;

અંબૈદાસ ને જગજીવન, પાસે તેડાવિયા પાંચ જન. ૧૦

રુડા વચનથી લાલ વિહારી, પંચ આગળ વાત ઉચ્ચારી;

પ્રસાદિનું આ સ્થાન છે સારું, માટે ઇચ્છા કરે મન મારું. ૧૧

આંહિ મોટી હવેલી કરાવું, પ્રતિમા ચિત્રની પધરાવું;

દેશોદેશના આવશે જન, જાણિ મહિમા કરે દરશન. ૧૨

સુણી રાજિ થયા પંચ જ્યારે, વદે વર્ણિ જગન્નાથ ત્યારે;

અહો ધર્મધુરંધર ધીર, સુણો કહું છું નમાવિને શીર. ૧૩

શિખરિણી

અહો ધર્માચારી ધરમધુરધારી દૃઢ મતી,

દિસે ઇચ્છા સારી સ્વજનસુખકારી શુભ મતી;

સુસંતો સંસારી સકળ નરનારી જન વદે,

તમે તીર્થોદ્ધારી કિરતિ વિસતારી ગુરુપદે. ૧૪

  સ્વતીર્થો ઉદ્ધારે ધરમગુરુનો તે ધરમ છે,

  રચાવે સદ્‌ગ્રંથો ધરમકુળનું તે કરમ છે;

  મળી ગાદી મોટી પણ કદિ ન એવું કૃત કર્યું,

  અહો તે આચાર્યો પરધન લઈ પેટ જ ભર્યું. ૧૫

સ્વતીર્થોદ્ધાર્યાથી સ્વમત સદગ્રંથો બહુ થકી,

પુરી પાસે પુષ્ટી સ્વમત જગમાં નિશ્ચળ નકી;

સદાચારો પાળે પણ વળિ પળાવે સ્વજનને,

તજે તીખી તૃષ્ણા સતત વશ રાખે સ્વમનને. ૧૬

  રઘૂવીરે ધીરે સ્વમત તણિ પુષ્ટી બહુ થવા,

  રચાવ્યાં છે તીર્થો વળિ રચિત ગ્રંથો બહુ નવા;

  રચાવ્યા તે રીતે ભગવતપ્રસાદે પણ ભલાં,

  તમે તેવી રીતે ત્વરિત સજશો તીર્થ નવલાં. ૧૭

રચાવ્યા છે ગ્રંથો નિજમત તણા ઉત્તમ તમે,

રચાવો આ જગ્યા અતિ હરખ લૈયે ઉર અમે;

તથા બીજાં કામો જરુર કરવા લાયક અતી,

સુણો તેનાં નામો શુભકરમકારી શુભમતી. ૧૮

  રચાવ્યા છે ઘાટો તવ પુરવજે ગોમતિ તણા,

  કરાવો પાષાણે સુભગ1 તટ તે તો દૃઢ2 ઘણા;

  પિતા રાજી થાશે વળિ તવ પિતાના પણ પિતા,

  તથા તેના તાત પ્રભુ મુદિત થાશે જનહિતા. ૧૯

વખાણે વિદ્વાનો ભલિ થકિ ભલી ભાગવતની,

કરી છે જે ટીકા ભગવતપ્રસાદે સ્વમતની;

છપાવો તે છાપે3 ધન ખરચિ આપે ધિર ધરી,

જનો રાજી થાશે તવ જશ ગવાશે ફરિ ફરી. ૨૦

  સદા જો સદ્ધર્મે ધન ખરચ આચારજ કરે,

  રહી રાજી રાજી પરમ કરુણા શ્રીપ્રભુ ધરે;

  નહીં લક્ષ્મી ખૂટે નવનિધિ સદા હાજર રહે,

  વધે કીર્તી વિશ્વે સતકરમકારી સહુ કહે. ૨૧

સ્વશિષ્યો સંસારી રતિ4 હૃદય ધારી અતિ ઘણી,

ધરે ભાવે ભેટો ધરમગુરુને તે ધન તણી;

કદી ખોટે રસ્તે ધન ખરચ આચારજ કરે,

નહીં શિષ્યો તેને ધન અરપવા ઊલટ5 ધરે. ૨૨

  તમે મૂર્તિ સ્થાપી સુરજપુર6 આદી સુનગરે,

  રમાબાગે7 રૂડી મુરતિ જઇ થાપો ગઢપુરે;

  ખરું નાણું ખર્ચી અતિ સરસ જગ્યા અહિં કરો,

  પ્રસાદીની વસ્તૂ દરશન નિમિત્તે તહિં ધરો. ૨૩

તમારી ઇચ્છાઓ પરમ પ્રભુજી પૂરિ કરશે,

હૃદે રાજી થૈને ધરમસુત આશીષ ધરશે;

જુગોમાં જ્યાં સુધી અવનિ અહિરાજા8 શિર ઠરે,

તમારું ત્યાં સૂધી સ્મરણ જન સૌ સ્નેહથિ કરે. ૨૪

  સુણી એવી વાણી જનસુખદ જાણી ગુરુવરે,

  પ્રતિજ્ઞાનું પાણી ધરિ અધિક આણી રુચિ ઉરે;

  કહ્યું શિલ્પી સારા હરિજન અમારા કહિં વસ,

  કહાવો તેડાવો સુફળ શુભ કૃત્યો સહુ થશે. ૨૫

પૂર્વછાયો

ત્યારે ગોવરધનદાસજિયે, કર જોડિ કહ્યો ઇતિહાસ,

વલ્લભ નામે સુતારનો, હતો વડોદરામાં નિવાસ.૨૬

ચોપાઈ

વ્રત એણે ધર્યું હતું આવું, પ્રતિપુનમે ડાકોર જાવું;

બોલે રણછોડજી મુખે જ્યારે, વ્રત પૂર્ણ થયું ગણું ત્યારે. ૨૭

એમ વર્ષ વીત્યાં દશ બાર, તોય કૃષ્ણ કર્યો ન ઉચ્ચાર;

ત્યારે આતુરતા અતિ ધરી, દાસ વલ્લભે વિનતિ કરી. ૨૮

વળી નેણથી વરસિયું નીર, સ્નેહે થરથર ધ્રૂજ્યું શરીર;

જદુનાથે ભલો ભક્ત જાણી, વદ્યા વ્યોમ9 વિષે રહિ વાણી. ૨૯

કરવાં હોય મુજ દરશન, વરતાલે જજો હરિજન;

દૈશ દરશન ને ઉપદેશ, કોટિ જન્મનો કાપિશ ક્લેશ. ૩૦

સારિ વાણિ સુણી એવિ પેર, ગયા વલ્લભ તો નિજ ઘેર;

દિઠું રાત્રિમાં તેજ અપાર, દિઠિ મૂર્તિ દ્વિભુજ તે ઠાર. ૩૧

પ્રેમે પ્રભુપદ કરિને પ્રણામ, દાસ વલ્લભ ઉચ્ચર્યા આમ;

દિઠા ડાકોરમાં દેવ જેવા, તમે નથી ચતુર્ભુજ તેવા. ૩૨

ત્યારે બોલિયા પુરુષ પુરાણ, મારું મૂળ સ્વરૂપ આ જાણ;

ચાહું તો હું ચતુર્ભુજ કરું, ક્યારે હસ્ત સહસ્ર10 હું ધરું. ૩૩

વળિ વાત કહું સુખદાઈ, ઇચ્છા કલ્યાણની હોય ભાઈ;

કહું તે તમે અંતરે ધરો, કરવાનું છે તે તમે કરો. ૩૪

અહો આ વટપત્તન માંય, નાથભક્તની ઓરડિ જ્યાંય;

ગોપાળાનંદસ્વામિ રહે છે, મહામુક્ત સાચા સંત જે છે. ૩૫

તમે જૈ તેનાં દરશન કરજો, કહે વાત તે ચિત્તમાં ધરજો:

એમ કહી થયા કૃષ્ણ અદર્શ, હૈયે વલ્લભને વધ્યો હર્ષ.૩૬

સૂર્યદેવ ઉદય જ્યારે થયા, સ્વામિ પાસે તે વલ્લભ ગયા;

ત્યારે સ્વામિયે રાતની વાત, કહિ વલ્લભને સાક્ષાત. ૩૭

સુણિ અચરજ અંતર આણ્યું, સ્વામિનું પણ સામર્થ્ય જાણ્યું;

ધરી નિયમ થયા સતસંગી, વરતાલે આવ્યા તે ઉમંગી. ૩૮

જોયો પ્રગટ પ્રભુનો પ્રતાપ, થયા ભક્ત અનન્ય તે આપ;

નામે ડાકોરિયા વલ્લભ, સર્વે જનમાં પડ્યું સુલભ. ૩૯

તેના પુત્ર ગંગારામ નામે, વસે છે વટપત્તન ધામે;

શિલ્પશાસ્ત્રનું તેહને જ્ઞાન, સારું છે નિજ તાત સમાન. ૪૦

કર્યાં મંદિરનાં કામ બહુ, સતસંગિયો ઓળખે સહુ;

અહો આચાર્ય તેડાવો એને, સોંપો કામ હવેલિનું તેને. ૪૧

સુણિ બોલિયા લાલ વિહારી, તમે વાત કહી ઘણિ સારી;

મારે તો સતસંગમાં ફરવું, ધર્મરક્ષણનું કામ કરવું. ૪૨

માટે આ હવેલી તણું કામ, તમે તે તો કરાવો તમામ;

કહે કોઠારિ તે હું કરીશ, આજ્ઞા આપનિ માથે ધરીશ. ૪૩

પછિ તેમણે શિલ્પી તેડાવ્યા, શુભ મુહુરતે પાયા રોપાવ્યા;

હવેલી કરિ તેણે તૈયાર, દિસે તેહનું પૂરવ દ્વાર. ૪૪

શોભા તેમાં સજી શુભ કેવી, જોતાં શ્રીજિને વસવા જેવી;

બિરાજ્યા હતા જ્યાં ઘનશ્યામ, સિંહાસન તો સજ્યું તેહ ઠામ. ૪૫

હરિપ્રસાદ વિપ્ર તેડાવ્યા, વાસ્તુના શુભ દિન જોવરાવ્યા;

પ્રતિષ્ઠાવિધિ વેદ પ્રમાણે, કરિ આચારજે એહ ટાણે. ૪૬

પ્રભુ કેરિ પ્રસાદીની લાવી, પાદુકાઓ તહાં પધરાવી;

વિરજ્યા રઘુવીરનિ નારી, પૂજતાં ચરણ જે પ્રેમ ધારી. ૪૭

તેહ ચરણ તહાં પધરાવ્યાં, ભાળિ સૌ હરિભક્તને ભાવ્યાં;

ચિત્રમૂર્તિ મહાપ્રભુ કેરી, પધરાવી તે શોભે ઘણેરી. ૪૮

એહ સ્થાન તણો મહિમાય, મુખે બોલ્યા સહુ મુનિરાય;

એહ સ્થાન પ્રસાદિનું જાણી, કરે દર્શન જે ભાવ આણી. ૪૯

તેનાં પાપ પ્રલય11 થઈ જાય, પ્રભુના પદમાં પ્રેમ થાય;

જપ તપ પુરશ્ચરણ કરાવે, અગણિત ફળ એહને આવે. ૫૦

અતિ પાવન આખ્યાન એહ, પ્રતિદિવસ કરે પાઠ જેહ;

તેનાં વિઘ્ન સરવ દુર વામે, ધન ધાન્ય ને પુત્ર તે પામે. ૫૧

અહો શ્રોતા સુણો એક વાર, બોલો શ્રીજીનો જયજયકાર;

કથા એહ ભૂમાનંદે ભાખી, હૃદયે વાઘજીભાઇયે રાખી. ૫૨

પુષ્પિતાગ્રાવૃત્ત

કહિ હતિ કરવાનિ જ્યાં કૃપાળે, કૃત શુભ હર્મ્ય12 તહાં વિહારિલાલે;

પરમ પુનિત તે કથા સુણાવી, સુણિ હરિભક્ત દિલે ભલી જ ભાવી. ૫૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે

વૃત્તાલયે સૂત્રધારવાસણ-ગૃહસ્થાનેનવીનહર્મ્યપાદુકાદિસ્થાપનામૈકોનવિંશો વિશ્રામઃ ॥૧૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે