કળશ ૧૦

વિશ્રામ ૨

પૂર્વછાયો

સ્વધામમાં સીધાવવા, દૃઢ નિશ્ચે કરી મહારાજ;

સ્નેહિમંડળ બોલાવિયું, અભિપ્રાય જણાવા કાજ. ૧

ચોપાઈ

મુકુંદાનંદ વર્ણિને કહી, જે જે તેડાવિયા જન તહીં;

કહું છું હવે તેહનાં નામ, રામપ્રતાપ ને ઇચ્છારામ. ૨

અયોધ્યાપ્રસાદ રઘુવીર, પાંડે ગોપાળજી દૃઢ ધીર;

મુક્તાનંદ ને ગોપાલાનંદ, બ્રહ્માનંદ મુનિજનવંદ્ય. ૩

નિત્યાનંદ શુકાનંદ સ્વામી, નિષ્કુલાનંદ મુનિ નિષ્કામી;

આનંદાનંદ નિર્ગુણાનંદ, ભજનાનંદ ચૈતન્યાનંદ. ૪

અખંડાનંદજી બ્રહ્મચારી, વાસુદેવ નૈષ્ઠિક વ્રતધારી;

વૈકુંઠાનંદ વૈષ્ણવાનંદ, વર્ણિ નામ નારાયણાનંદ. ૫

ભગુજી રત્નજી ને મિયાંજી, આવ્યા પાર્ષદ સૌ મળિ ત્યાંજી;

દાદા ખાચર સોમ ને સૂર, આવ્યા એહ હરીનિ હજૂર. ૬

દીનાનાથ મયારામ ભટ્ટ, આવ્યા બેચર લાલજી ઝટ્ટ;

આવ્યા વિપ્ર જાગેશ્વર આદી, જેઓ પ્રગટ સ્વરૂપના વાદી.1

લાધો પુજો તેજો અને હરજી, આવ્યા ઇત્યાદિ ભક્ત ઠકરજી;

લવજી ને ભગો સુરચંદ, આવ્યા શેઠિયા સદ્‌ગુણવંદ. ૮

બાઈ સુવાસિની વરિયાળી, ભાઇની ભારજા ધર્મવાળી;

જયા લલિતા અમર રાજબાઈ, અમુલાં ખિમબા આવ્યાં ધાઈ. ૯

સૌએ કીધા પ્રભુને પ્રણામ, બેઠાં જેમ ઘટે જેહ ઠામ;

કૃપાદૃષ્ટિએ સૌને નિહાળી, બોલ્યા મધુર વચન વનમાળી. ૧૦

અહો ભક્તો સુણો કહું તમને, તમે જાણો છો ઈશ્વર અમને;

મને કરવા જો ઇચ્છો પ્રસન્ન, તો આ સાંભળો મારું વચન. ૧૧

મારિ ઇચ્છાથી મેં ધર્યો દેહ, કરવાનાં કર્યાં કામ તેહ;

હવે ઇચ્છા સ્વધામ જવાની, થઈ અંતરધાન થવાની. ૧૨

મૃત્યુલોક આ છે નાશવંત, તેમાં ક્લેશ દિસે છે અત્યંત;

મને ગમતું નથી હવે આંહીં, માટે જાવું અક્ષરધામ માંહી. ૧૩

વળિ અક્ષરધામના મુક્ત, અમ પાસે આવ્યા પ્રેમયુક્ત;

કહ્યું તેણે કરિને પ્રણામ, હવે તો ચાલો નાથ સ્વધામ. ૧૪

હું તો અજર અમર છું સદાય, કરું સ્વેચ્છા પ્રમાણે લિલાય;

માટે જાઉં હું ધામમાં જ્યારે, કોઇ કરશો નહિ ક્લેશ ત્યારે. ૧૫

જન પ્રાકૃત કોઇ મરે છે, સગા સ્નેહિ કલેશ કરે છે;

કુટે છાતિ મરે રોઈ જેમ, મારિ પાછળ કરશો ન તેમ. ૧૬

કોઇ આતમઘાત જો કરશે, ગુરુદ્વોહી વચનદ્રોહી ઠરશે;

મારિ આજ્ઞાને માનશે જેહ, સુખશાંતિ તો પામશે તેહ. ૧૭

તેના ઉપર પ્રસન્ન હું થૈશ, દિલમાં તેને દર્શન દૈશ;

લક્ષ્મીનારાયણાદિક રૂપ, સ્થાપ્યાં મંદિરોમાં છે અનુપ. ૧૮

સુખ આપવા એમાં રહીશ, પૂજા કરશો તે ગ્રહણ કરીશ;

જન્મકર્મ તો દિવ્ય છે મારાં, સર્વે પ્રાકૃત જીવથી ન્યારાં. ૧૯

સુખ ભક્તોને દેવા અનૂપ, દેખાડું છું હું માનવ રૂપ;

માટે ધામમાં રહીને હુંય, રક્ષા કરવાને સમરથ છુંય. ૨૦

તમે ચિંતા ન કરશો લગાર, તમને સુખ હું આપનાર;

ગોપાળાનંદજી કહે જેમ, તમે સૌ મળી વર્તજો તેમ. ૨૧

વજ્રપાત જેવાં એવાં વેણ, લાગ્યાં સર્વને દિલ દુઃખદેણ;

અતિ આકુળવ્યાકુળ થયાં, કૈક ધરણી ઉપર ઢળિ ગયાં. ૨૨

વહે નેણમાંથી બહુ નીર, વળિ થરથર ધ્રૂજે શરીર;

કોઈ તો થયાં મૂર્છિત એવાં, જાણે પ્રાણ વગર હોય જેવાં. ૨૩

જાણે આવ્યો મહાપ્રલેકાળ, કોપિ દૈવ થયો વિકરાળ;

દીઠાં દિલગીર એ રીતે જ્યારે, દીધી ધીરજ શ્રીજિએ ત્યારે. ૨૪

કહ્યું જ્યારે રજા દેશો તમે, જશું ત્યારે જ ધામમાં અમે;

એવું સાંભળિ ધીરજ આણી, બોલ્યા ગદગદ કંઠથી વાણી. ૨૫

અહો નાથ આંહીં તજિ અમને, જાવું ધામમાં નવ ઘટે તમને;

તમે જીવનપ્રાણ અમારા, કેમ તમ વિના જીવિયે પ્યારા. ૨૬

વિના જળ મીન તરફડે જેમ, અમે પણ પ્રભુ તમ વિના તેમ;

જેમ ચંદ્ર-વિજોગે ચકોર, દુખી મેઘ વિજોગથી મોર. ૨૭

લીધી હાલરે લાકડી હાથ, છૂટે તો તે જીવે નહિ નાથ;

કાયા પ્રાણ વગર રહે કેમ, તમ વગર અમે પણ એમ. ૨૮

અમને સુખ આપ્યાં અનંત, હવે દુઃખ ન દ્યો ભગવંત;

બ્રહ્મા આદિને દુર્લભ જેહ, અમને દીધાં દર્શન તેહ. ૨૯

મુખ મધુર વચનથી બોલાવ્યાં, વળિ હેતે હસીને હસાવ્યાં;

તમે નેણના થઈ રહ્યા તારા, ઝાઝા દિવસ રહ્યા નથિ ન્યારા. ૩૦

આપ્યા હેતે પ્રસાદિના હાર, આપ્યા થાળ કરી બહુ પ્યાર;

ફુલદોલે બિરાજિને સ્વામી, આપ્યાં સુખ બહુ અંતરજામી. ૩૧

રંગખેલ કર્યા અમ સાથે, દીધાં ચરણ છાતીમાં ને માથે;

લીલા નિત્ય નવી નવી કરી, લીધાં ચિત્ત અમારાં તો હરી. ૩૨

મોટાં ઐશ્વર્ય અપરમપાર, દેખાડ્યાં અમને ઘણિ વાર;

જળક્રીડા કરી અમ સંગે, ફર્યા રાસમંડળમાં ઉમંગે. ૩૩

ભુજા ભીડિ ભેટ્યા ભગવાન, દીધાં એવાં મહા સુખદાન;

તમ અરથે તજ્યાં ઘર બાર, તજ્યાં સગાં કુટુંબ પરિવાર. ૩૪

નિત્ય આપનાં દર્શન કાજ, તજી દીધી અમે લોકલાજ;

ઘરકામ તજીને અમારું, નેહે નિરખિયે વદન તમારું. ૩૫

નાથ નિરખવા આપનાં નેણાં, અમે સહન કર્યાં બહુ મેણાં;

અતિ સહન કરીને ઉપાધી, પ્રીતિ પૂરણ તમ સંગ બાંધી. ૩૬

ઉંડા કૂપમાં અમને ઉતારી, કેમ વરત2 વાઢો છો મુરારી?

નથિ તમ વિના આધાર કોઈ, જીવિયે કેના સન્મુખ જોઈ? ૩૭

તમે લાડ લડાવિયાં લાખ, પૂર્યા અંતરના અભિલાખ;3

સમાધીમાં સ્વધામ દેખાડ્યાં, પહોંચાય ન ત્યાં પહોંચાડ્યા. ૩૮

સુખસાગરમાં ધરિ શ્યામ, દુઃખદરિયે ધરો નહિ આમ;

અભિલાખ હજી છે અધૂરો, અમે લાવો લિધો નથી પૂરો. ૩૯

નિજધામ સિધાવો જો નાથ, અમને પણ લ્યો તમ સાથ;

કહો તો તપ ઉગ્ર આદરિયે, કહો તો અન્ન જળ પરહરિયે. ૪૦

હજિ જો તપમાં હોય ખામી, પૂરિ કરિયે તે અંતરજામી;

રહિયે આપ પાસ હમેશ, આપો એ વરદાન દિનેશ. ૪૧

જવાનું કહો શ્યામ સુજાણ, તે તો બોલ લાગે તિખા બાણ;

દયાળુ છો તમે ચિતચોર, થવા બેઠા છો કેમ કઠોર. ૪૨

તમે ભક્તવત્સલ ભગવાન, કેમ દેશો હવે દુઃખદાન;

નાથ જો થશો અમ થકિ ન્યારા, આંસુ લૂછશે કોણ અમારાં. ૪૩

રણવગડા વિષે જશો મેલી, બીજો કોણ અમારો છે બેલી;

ભરદરિયે જતાં વાણ ભાંગે, ત્યારે આશા જિવ્યાનિ શિ લાગે. ૪૪

એવાં વચન સુણ્યાં જેહ વાર, હરિએ કર્યો ચિત્ત વિચાર;

અસાધારણ પ્રેમિ છે એહ, મુજ વિરહે નહીં જિવે તેહ. ૪૫

માટે ધીરજ હમણાં ધરાવું, ધીમે ધીમે પછી સમજાવું;

એવું ધારિ બોલ્યા સુખકંદ, મારિ નાડિ જુઓ મુક્તાનંદ. ૪૬

મારા તનમાં હવે નથિ વ્યાધી, મટી ગૈ હવે સરવે ઉપાધી;

મુક્તાનંદ બોલ્યા નાડિ જોઇ, નથિ વ્યાધિ પ્રકારની કોઇ. ૪૭

સુણિ રાજિ થયાં જન સહૂ, પ્રણમ્યાં પ્રભુને પગે બહૂ;

રજા આપી પછી ભગવાને, તેથિ સર્વે ગયાં નિજ સ્થાને. ૪૮

પ્રભુએ નિજ ધામ જવાને, આંહિ અંતરધાન થવાને;

રાખ્યો ચિત્તમાં ગુપ્ત વિચાર, રહે જગથી ઉદાસ અપાર. ૪૯

ત્યાગમાર્ગ શિખવવાને કાજ, લાગ્યા વર્તવા જેમ જોગીરાજ;

રસકસ તો જમે ન લગાર, કરે અન્નનો પણ મિતાહાર. ૫૦

ઉપવાસ એકાંતરે કરે, મુખે વાણિ તો અલ્પ ઉચ્ચરે;

કરે ક્યારેક તો ફળાહાર, નિરાહાર કરે કોઇ વાર. ૫૧

ક્યારે પૃથ્વિ ઉપર પોઢિ રહે, નાશવંત છે તન એમ કહે;

ગ્રામ્ય વાત બોલે મુખમાંથી, તેને ઉઠાડિ મૂકે તહાંથી. ૫૨

દીસે સર્વ સાથે પ્રીતિ તોડી, વૃત્તિ સ્વાત્મસ્વરૂપમાં જોડી;

વ્યવહારિક કામ મોઝાર, ચિત્ત ઘાલે નહીં જ લગાર. ૫૩

સારાં વસ્ત્ર ભૂષણ નવ ગમે, જાણિ જોઈને દેહને દમે;

પાનબીડિ કે પુષ્પનો હાર, ન કરે કદિયે અંગિકાર. ૫૪

પુષ્પિતાગ્રાવૃત્ત

નરતન ધરિને લીલા વિચિત્ર, જનહિત કાજ કરે પ્રભૂ પવિત્ર;

સ્મરણ કરણ યોગ્ય સર્વ તેહ, અજ હર આદિક ગાય નિત્ય એહ. ૫૫

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિતિરોધાનાર્થે-ઉદાસીત્વગ્રહણનામ દ્વિતીયો વિશ્રામઃ ॥૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે