કળશ ૧૦

વિશ્રામ ૨૦

પૂર્વછાયો

વાઘજિભાઇ સુણો વળી, ભૂમાનંદ કહે ભલિ ભાત;

હરિલીલામૃત ગ્રંથની, સમાપ્તિની કહું હવે વાત. ૧

ચોપાઈ

મને પૂછિ હતી તમે જેહ, કહિ ગ્રંથનિ ઉત્પત્તિ તેહ;

હરિભક્તોએ પ્રાર્થના કીધી, વિહારીલાલે સાંભળિ લીધી. ૨

રચ્યો હરિલીલામૃત ગ્રંથ, જેમાં પ્રગટ છે મોક્ષનો પંથ;

બીજા ગ્રંથોમાં છે બહુ વાત, પણ તેમાં નથી જે પ્રખ્યાત. ૩

રઘુવીરજિના મુખ થકી, કેટલીએક સાંભળી નકી;

વળિ ગોપાળજી મહારાજ, વાત કરતા હતા જન કાજ. ૪

સદ્‌ગુરુ જે ગુણાતીતાનંદ, વાતો કરતા લીલાની સ્વછંદ;

તેના મુખ થકિ સાંભળિ જેહ, ધારિ રાખી અંતરમાંહિ એહ. ૫

ચૈતન્યાનંદસ્વામિના ચેલા, ધર્મવલ્લભદાસ મળેલા;

કેટલીક લીલા તેણે કહી, તેહ સાંભળિ અંતરે રહી. ૬

મોનો ભક્ત છે પાર્ષદ સારા, જૂનિ લીલા ઘણી જાણનારા;

ભક્ત અમરો ખાચર નામ, એણે લીલા સુણી ઠામઠામ. ૭

એહ આદિકે વાતો જે કહી, વિહારીલાલને મન રહી;

તેથિ ગ્રંથ રચ્યો એહ સારો, હરિભક્તને હરખ દેનારો. ૮

ભૂમાનંદ કહે સુણો ભાઈ, ધન્ય આચાર્ય તે સુખદાઈ;

ગ્રંથ રચવા એવા અભિરામ, એ તો આચાર્યનું જ છે કામ. ૯

જેના ગ્રંથ અનેક ગણાય, એહ આચાર્ય મોટા મનાય;

જ્યાં સુધી કર્યું ગ્રંથરચન, વ્યવહારમાં નવ ધર્યું મન. ૧૦

રાત દિન મન લીલા વિચારે, સુખે નિદ્રા કરી નહિ ક્યારે;

માયાયે ઘણિ અડચણ કીધી, પણ મન પર લેશ ન લીધી. ૧૧

જો આ ગ્રંથ રુડો ન રચાત, વીસરી જાત કેટલિ વાત;

ગ્રંથનો શુભ મર્મ જે જાણે, એવા સમઝુ તો ગ્રંથ વખાણે. ૧૨

કદિ દેશ તો ઉજડ થાય, કદિ મંદિરો તો પડિ જાય;

પણ ગ્રંથ અચલ રહેનાર, સંપ્રદાયનો એ છે આધાર. ૧૩

માટે આચારજે ગ્રંથ કરવા, સંપ્રદાય વિશેષ વિસ્તરવા;

શ્રીહરી તણિ આજ્ઞા છે એવી, સમજી મનમાં ધરિ લેવી. ૧૪

એમ સમજ્યા શ્રીવિહારીલાલ, તેથી ગ્રંથ રચ્યો આ વિશાળ;

સુણિ સત્સંગિ સૌ રાજિ થાશે, તેથિ કૃષ્ણ પ્રસન્ન જણાશે. ૧૫

અલંકારનિ યુક્તિયો સારી લાગે પંડિતને બહુ પ્યારી;

માટે યુક્તિયો એવિ ધરી છે, તે તો કોવિદ1 કાજે કરી છે. ૧૬

દેહનો ન દિસે નિરધાર, ચિત્તમાં કરિ એવો વિચાર;

ગ્રંથ રચતાં ઉતાવળ કરી, કાવ્યયુક્તિ ઝાઝી નથિ ધરી. ૧૭

ગ્રંથ કરતાં સમાપન એહ, સ્તુતિ આચારજે કરી જેહ;

તેહ હું તમને સંભળાવું, ઉરમાં અતિ મુદ ઉપજાવું. ૧૮

શિખરિણી

અહો શ્રીજી સ્વામી શુભ અચળધામી પ્રભુ તમે,

કૃપાના હે સિંધૂ તવ ચરણના સેવક અમે;

તમારી લીલાનું સ્મરણ સુખદાતાર કરિએ,

તમારી મૂર્તીનું ચિતવન ચિરં ચિત્ત ધરિયે. ૧૯

તમારી લીલાનું વરણન રુડી રીત કરવા,

તમે બુદ્ધિ પ્રેરી તતપર રહ્યા વિઘ્ન હરવા;

ઘણાં વિઘ્નો આવ્યાં પણ તવ કૃપા ધીરજ ધરી,

કર્યો પૂરો ગ્રંથ પ્રભુ તવ પ્રતાપે મુદ ભરી. ૨૦

રઘુવીરાચાર્યે ભગવતપ્રસાદે પણ વળી,

રચ્યા રૂડા ગ્રંથો મુનિજનનિ સાથે હળિમળી;

તમે તેનાં વિઘ્નો વિષમ સમયે વારણ2 કર્યાં,

મહાવિઘ્નો મારાં હરિવર તમે તેમ જ હર્યાં. ૨૧

પગે લાગું માગું વરદ તવ પાસે વર સદા,

તમારી માયાથી મન નવ થશો ક્ષોભિત કદા;

અહંતા આ લોકે તનધન વિષે તો નવ થશો,

તમારા અંઘ્રીમાં3 મુજમન સુખે સંતત4 વસો. ૨૨

તમારા ભક્તોનો અવગુણ ન આવે ઉર વિષે,

તમારી આજ્ઞાઓ કદિ પણ ઉલંઘી નવ દિસે;

તમારા સંતોનું સતત મુજથી સેવન થજો,

તમારા ભક્તોમાં હરિવર સદા હેત જ હજો. ૨૩

સહૂ સત્સંગીને સુખદ સુખ દેજો સહુ સમે,

પડે જ્યાં આપત્તિ તરત હરિ આવો તહિં તમે;

દયાળૂ દૃષ્ટીથી વિઘન સઘળાં વારણ કરો,

મરીચ્યાદી કેરી હરકત હરી તેમ જ હરો. ૨૪

ચોપાઈ

સ્તુતિ એ રીતે સારી ઉચારી, ગ્રંથ પૂર્ણ કર્યો સુખકારી;

કર્યું ઉત્તમ કામ વિશાળ, ધન્ય ધન્ય વિહારિજીલાલ. ૨૫

ભૂમાનંદ કહે સુણો ભાઈ, મહિમા કહું ગ્રંથનો ગાઈ;

ગ્રંથ સ્નેહથિ સાંભળે જેહ, પામે પ્રભુ પર પૂરણ નેહ. ૨૬

સતસંગ ખરો સમજાય, સર્વથા તેના સંશય જાય;

રિઝે તેહને શ્રીઘનશ્યામ, અંતે આપે તે અક્ષરધામ. ૨૭

ઘણો શું મહિમા એનો કહું, જાણનાર તો જાણશે બહુ;

એવિ વાત ભૂમાનંદે કરી, વાઘજીભાઇયે ઉર ધરી. ૨૮

કથા શ્રવણ કરી એહ ઠામ, મુનિને કર્યા પ્રેમે પ્રણામ;

વળિ પૂજા કરી રુડિ પેર, દાન પુણ્ય કરી ગયા ઘેર. ૨૯

ધન્ય ધન્ય તે વાઘજીભાઈ, જેની ભક્તિ ભલી વખણાઈ;

લખાયા ગુણ ગ્રંથમાં આમ, રહેશે એનું અવિચળ નામ. ૩૦

રાજા જનક ને અમરિષ જેહ, ગ્રંથ માંહી લખાયા છે તેહ;

તેથિ સર્વ સંભારે છે જેમ, નામ તેનું સંભારશે તેમ. ૩૧

ભક્તચિંતામણિ આદિ જાણો, લખ્યાં તેમાં જે નામ પ્રમાણો;

જહાં સુધી તે ગ્રંથ રહેશે, લોકો નામ પ્રભાતમાં લેશે. ૩૨

શાર્દૂલવિક્રીડિત (દશ કળશ નામ)

ગ્રંથોત્પત્તિ શિશૂચરિત્ર વન ને દીક્ષા સુરાષ્ટ્રે5 ફર્યા,

લીલા દુર્ગપુરીનિ ચારુતરની પ્રાસાદ6 મોટા કર્યા;

તેડાવ્યા થકિ રાજદુર્ગ7 વિચર્યા ને ઉત્તરાખ્યાન8 છે,

તે લીલામૃતના દશે કળશમાં પીયૂષનું9 પાન છે. ૩૩

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિવર ગુણ ગ્રંથ પંથ એહ, પુરણ થયો પ્રભુની કૃપાથિ તેહ;

સકળ જન કહો સ્વશીશ નામી, જયજય શ્રીસહજાખ્ય નંદસ્વામી. ૩૪

સ્રગ્વિણીવૃત્ત

વિશ્વના કારણં વિશ્વઉદ્ધારણં, સૌખ્યવિસ્તારમાં દુઃખવીદારણં;

દુષ્ટતાખંડનં શુદ્ધતામંડનં, ધર્મના નંદનં હું કરું વંદનં. ૩૫

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે

ગ્રંથસમાપ્તિવર્ણનનામ વિંશો વિશ્રામઃ ॥૨૦॥

 

ઇતિ શ્રીહરિલીલામૃતે ઉત્તર નામ દશમઃ કલશઃ સમાપ્તઃ ॥૧૦॥

 

સંવત્ ૧૯૪૫ના પોષ સુદી પૂર્ણિમાને દિવસ શ્રીવરતાલ મધ્યે (ગ્રંથ) સંપૂર્ણ થયો છે.

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે