વિશ્રામ ૩
પૂર્વછાયો
વિચિત્ર ચરિત્ર કરે હરિ, કોઇ કળે નહિ મન માંઈ;
કોઈ સમે મંદવાડ તન, અને કોઈ સમે નહિ કાંઈ. ૧
ચોપાઈ
રોઝકામાં રહે કાકોભાઈ, જેની ભક્તિ ભલી વખણાઈ;
વય વૃદ્ધે માંદા થયા તેહ, જાણ્યું કે હવે નહિ રહે દેહ. ૨
પુણ્ય કરવાનું ચિત્ત વિચારી, એક સારિ ઘોડી શણગારી;
માંડ્યો સામાન તે પર સારો, લેવા જોગ્ય પ્રવાસમાં ધાર્યો. ૩
ભરિ ખડિયામાં વસ્તુ અનેક, તેમાં રૂપાનિ તાંસળિ એક;
ઘોડિ લૈ મોકલ્યો એક દાસ, ભેટ કરવા મહાપ્રભુ પાસ. ૪
તેની સાથે લખ્યો એક પત્ર, પ્રભુ દર્શન દ્યો આવિ અત્ર;
નહિ આવિ શકાય જો હાલ, આવજો તેડવા અંતકાળ. ૫
ઘણિ જુક્તિથી પત્ર લખાવ્યો, તેમાં સ્નેહ ઘણો દરસાવ્યો;
ગયો દાસ તે ગઢપુરધામ, પત્ર આપ્યો કરીને પ્રણામ. ૬
ઘોડિ ભુધરને ભેટ ધરી, કૃપાનાથે અંગીકાર કરી;
પત્ર વંચાવતાં જાણ્યું એમ, ઘણો છે કાકાભાઇનો પ્રેમ. ૭
તે માટે રોઝકે જો જવાય, આશા એહનિ પૂરણ થાય;
વળિ ગઢપુરના જે નિવાસી, પામે ધીરજ ટાળે ઉદાસી. ૮
સંત પાસે બોલ્યા સુખધામ, મારે જાવું છે રોઝકે ગામ;
પછિ મેનો કરાવ્યો તૈયાર, બેઠા તેમાં જગતકરતાર. ૯
થોડા સંત પાળા લઇ સાથ, ગયા રોઝકે નટવરનાથ;
હરખ્યું આખું ગઢપુર ગામ, જાણ્યું સાજા થયા ઘનશ્યામ. ૧૦
કાકાભાઇ સ્મરે હરિરૂપ, પહોંચ્યા તહાં વૃષકુળભૂપ;
કાકાભાઈને દર્શન દીધાં, તેના ઇચ્છિત કારજ સીદ્ધાં. ૧૧
રહ્યા બે દિન ત્યાં મહારાજ, સુખ દેવા સ્વભક્તને કાજ;
કાકોભાઈ કહે અહો શ્યામ, મને પહોંચાડો અક્ષરધામ. ૧૨
હાડ માંસ તણો દેહ એહ, કુંડ નરક સમો લાગે તેહ;
કહે શ્રીજિ નહિ અકળાશો, થોડા દિવસમાં ધામમાં જાશો. ૧૩
કાકાભાઈની પત્નિનાં કલ્લાં, રૂપાનાં તે પડ્યાં હતાં ભલાં;
આપ્યાં શ્રીજિને અવસર જોઈ, કહ્યું સંતને દેજ્યો રસોઈ. ૧૪
પછિ ત્યાંથિ ચાલ્યા પરમેશ, ગયા ગઢપુર શ્રીઈશ્વરેશ;
કહે વરણિ સુણો રાજાન, કેવા ભક્તવત્સલ ભગવાન. ૧૫
કાકાભાઈ તણો પ્રેમ જાણી, ગયા રીઝકે સારંગપાણી;
સમૈયે ન ગયા વરતાલે, ગયા રોઝકે તોય તે કાળે. ૧૬
ધન્ય ધન્ય તે ભક્તનાં ભાગ્ય, જેના પર પ્રભુનો એવો રાગ;
પછિ થોડા દિવસ ગયા જ્યારે, કાકાભાઈએ તજ્યું તન ત્યારે. ૧૭
અંતકાળે દિઠું એવિ રીતે, આવ્યા સંત સહિત પ્રભુ પ્રીતે;
સાથે દિવ્ય વિમાન જે લાવ્યા, ભક્ત તેમાં બેસીને સિધાવ્યા. ૧૮
હતા પાડોસમાં જેહ જન, થયાં તેઓને પણ દરશન;
એવિ આશ્ચર્યનિ વાત જોઈ, સતસંગિ થયા જન કોઈ. ૧૯
હવે શ્રીજિ તણી કહું વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;
સુખસજ્યા છે મંદિર માંય, બેઠાં એક સમે હરિ ત્યાંય. ૨૦
બેય આચાર્યને ત્યાં બોલાવ્યા, તેઓ આજ્ઞા સુણિ તહાં આવ્યા;
ગોપાળાનંદ ને નિત્યાનંદ, બ્રહ્માનંદ આવ્યા ગુણવૃંદ. ૨૧
પુજા શેઠને પણ ત્યાં બોલાવ્યા, આવ્યા તે હરિને મન ભાવ્યા;
બેઠા સૌ કરિ પ્રેમે પ્રણામ, ત્યારે બોલ્યા સુંદરવર શ્યામ. ૨૨
સતસંગના થંભ છો તમે, એમ ધાર્યું છે અંતરે અમે;
માટે ધીરજ સૌ તમે ધરજો, સતસંગનું રક્ષણ કરજો. ૨૩
તમે ધીરજ છોડશો જ્યારે, બિજાની શિ સ્થિતી થશે ત્યારે?
ઇષ્ટદેવ રાજી થાય જેમ, સાચા સેવક તો કરે તેમ. ૨૪
ઇચ્છો મુજને જો કરવા પ્રસન્ન, તમે તો માનો મારું વચન;
વળિ એમ બોલ્યા નરવીર, તમે સાંભળો હે રઘુવીર. ૨૫
પ્રતિમા ગોપિનાથની જેહ, જાણો મારું સ્વરૂપ છે તેહ;
તોય પ્રગટનું ધરવાને ધ્યાન, ધાતુનું રૂપ મૂજ સમાન. ૨૬
ગોપિનાથ પાસે પૂર્વ ઠામે, સ્થાપજો હરિકૃષ્ણને નામે;
જુનાગઢ તણા મંદિર માંય, પધરાવજો તે મૂર્તિ ત્યાંય. ૨૭
દેવ રાધારમણ તણિ પાસે, સ્થાપજો પ્રતિમા તે હુલાસે;
તેમ ધોલેરામાં પણ કોડે, દેવ મદનમોહન તણિ જોડે. ૨૮
સ્થાપજો મૂરતી વળિ એવી, હરિકૃષ્ણ નામે મુજ જેવી;
વળિ સૂરતના હરિજનને, સદા સંતોષ પામવા મનને. ૨૯
અમે આપિ છે મૂર્તિયો જેહ, તમે ત્યાં જઈ સ્થાપજો તેહ;
વળિ ખંભાતને માટે તેમ, અમે આપિ છે મૂર્તિયો એમ. ૩૦
તમે તે પણ સ્થાપજો ત્યાંય, સારા શોભિતા મંદિર માંય;
નિત્યાનંદ તમે સુણિ લેજો, એહ કામમાં પાસે રહેજો. ૩૧
હવે સાંભળો અવધ્યપ્રસાદ, રહેજો તમે અમદાવાદ;
ધર્મ ભક્તિ હરિકૃષ્ણ રૂપ, પધરાવજો પ્રતિમા અનૂપ. ૩૨
વળિ પૂર્વ તણા ખંડ માંય, રાધાકૃષ્ણ તો સ્થાપજો ત્યાંય;
ભુજમાં હરિકૃષ્ણ સ્વરૂપ, પધરાવજો પરમ અનૂપ. ૩૩
વળિ ધોળકે સ્થાપવા ધારી, આપિ છે અમે મૂર્તિયો સારી;
કરાવી રુડું મંદિર ત્યાંય, મૂરતી સ્થાપજો તેહ માંય. ૩૪
ઝાલાવાડમાં સત્સંગ સારો, વધ્યો છે મુજને ભજનારો;
તાવી મેથાણ હળવદ માંય, સતસંગિ સારા રહે ત્યાંય. ૩૫
તેઓને સુખે દર્શન સારુ, તહાં જોઇએ ધામ અમારું;
ભલિ ભોગવતી નદિ તીર, સ્વચ્છ જોઇને જગ્યા રુચીર. ૩૬
પરમારનું મૂળિ છે ગામ, તહાં મોટું કરાવજો ધામ;
સ્થાપજો રાધાકૃષ્ણ સ્વરૂપ, ધર્મ ભક્તિ હરિકૃષ્ણ રૂપ. ૩૭
સુણો બ્રહ્મમુની કહ્યું જેહ, પાસે રહિને કરાવજો તેહ;
ગોપાળાનંદ થૈ સુણો સ્વસ્થ, દેશ બેના તમે છો મધ્યસ્થ. ૩૮
બેય દેશના સત્સંગ કેરી, તમે રાખજો ખબર ઘણેરી;
એવિ આજ્ઞાઓ શ્રીજિએ કરી, સુણિ સર્વ જને શિર ધરી. ૩૯
પ્રભુને કરિ પ્રેમે પ્રણામ, ગયા તે સહુ પોતાને ઠામ;
વળિ તે પછિ શ્રીજિ વિચિત્ર, કરવા લાગ્યા મનુષ્યચરિત્ર. ૪૦
ધરે સ્વાત્મસ્વરૂપનું ધ્યાન, જોતાં ભાસે સમાધિ સમાન;
એક બે દિન અન્ન ન જમે, બોલ્યું કોઈ તણું નવ ગમે. ૪૧
વાત ચાલિ દેશોદેશ માંય, ધામમાં જવા શ્યામ ચહાય;
તેથિ દર્શન કરવાને કાજ, ગામોગામથિ આવે સમાજ. ૪૨
આવ્યો સંઘ બુરાનપરેથી, તેમ સંઘ આવ્યો સુરતેથી;
વટપત્તનના હરિજન, આવિયા કરવા દરશન. ૪૩
આવ્યા કચ્છિ ને આવ્યા હાલારી, આવ્યાં સોરઠથી નરનારી;
ઝાલાવાડિ આવ્યાં ગુજરાતી, દરબારમાં ભીડ ભરાતી. ૪૪
નેણે નીરખિ નાથનું રૂપ, ધારે અંતર માંહિ અનૂપ;
લીલા જે જે કરી તે સંભારે, મહિમા મન માંહિ વિચારે. ૪૫
કહે કોઈ હરિ ધામ જાશે, ત્યારે આપણે કેમ જિવાશે?
કહે કોઇ દિધાં સુખ જેહ, કદિયે નહિ વીસરે તેહ. ૪૬
કહે કોઇ તો એમ વિચારો, ભાગ્ય આપણાં અદ્ભુત ધારો;
બ્રહ્મા આદિને દુર્લભ જેહ, પામ્યા આપણે દર્શન તેહ. ૪૭
સુખ શું વ્રજવાસિયો તણું, આપ્યું આપણને એથિ ઘણું;
દયાવંત છે શ્યામ સદાય, નહિ આપણને તજિ જાય. ૪૮
અન્યોઅન્ય કરે એમ વાત, દિસે સર્વનો સ્નેહ અઘાત;
જ્યારે શ્રીજિને દર્શને જાય, કહે શ્રીહરિ થાઓ વિદાય. ૪૯
કરિ દર્શન નિજ ઘેર જાવું, ઝાઝા દિવસ ન આંહિ રોકાવું;
કેમ આજ્ઞા ઉલ્લંઘન થાય, જતાં ઘેર ચાલે નહિ પાય. ૫૦
છબિ અંતર માંહિ ઉતારી, નિજ દેશ ગયાં નરનારી;
સંઘ નિત્ય નવા નવા આવે, કરિ દર્શન ઘેર સિધાવે. ૫૧
કોઈને હરિ એમ દેખાડે, નથિ કાંઈ હવે મંદવાડે;
એમ નિત્ય નવીન ચરિત્ર, કરે શ્રી વૃષનંદ વિચિત્ર. ૫૨
જનને મન આશ્ચર્ય થાય, એનિ અકળ કળા ન કળાય;
જેની માયામાં દેવતા ડૂલે,1 ભવ બ્રહ્મા જેવા પણ ભૂલે. ૫૩
પુષ્પિતાગ્રાવૃત્ત
નરતન ધરિને કૃપાનિધાન, સુખદ ચરિત્ર કર્યાં સુધા2 સમાન;
અગણિત ગુણ ગ્રંથમાં લખાયા, ગુણગણ અક્ષરધામમાં ગવાયા. ૫૪
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિતિરોધાનાદૌ-હરિદર્શનાર્થે જનાગમનનામ તૃતીયો વિશ્રામઃ ॥૩॥