વિશ્રામ ૪
પૂર્વછાયો
સુણો હવે અભેસિંહજી, કહું કૃષ્ણચરિત્ર અઘાત;
શ્યામના દેહોત્સર્ગની, અને સ્વધામ વિચરણ વાત. ૧
ચોપાઈ
હરિએ ધરિ જોગિનિ રીતી, તજી સર્વ ઉપર થકિ પ્રીતી;
અન્નનો તજિ દીધો આહાર, કોઇ સાથે કરે ન ઉચ્ચાર. ૨
ઇચ્છા હરિજન અંતરે લાવે, એકવાર આપણને બોલાવે;
હસી બોલે તજી મનરોષ, થાય આપણ સૌને સંતોષ. ૩
કહેશે તે વચન શિર ધરશું, રાજિ થાશે પ્રભુ તેમ કરશું;
થોડા દિવસ ગયા એમ જ્યારે, જેઠ શુક્લ નવમી આવી ત્યારે. ૪
રાત્રિએ મહારાજે વિચારી, બોલાવ્યા ત્યાં મુકુંદ બ્રહ્મચારી;
કહ્યું કોઇક જન મોકલાવો, મોટા હરિજન સંત તેડાવો. ૫
પછિ વર્ણિએ સૌને બોલાવ્યા, રાજિ થૈને તહાં સહુ આવ્યા;
કહે શ્રીહરિ સાંભળો તમે, જવા ધામમાં ધાર્યું છે અમે. ૬
રાજી થૈને રજા સહુ આપો, મારિ મરજિ તમે ન ઉથાપો;
લાગ્યું વચન તે બાણ સમાન, ભૂલ્યા સૌ જન દેહનું ભાન. ૭
ધરિ ધીરજ રામપ્રતાપ, બોલ્યા હે હરિ સાંભળો આપ;
તમ સારુ તજ્યો અમે દેશ, સગાં સંબંધી તજિયાં વિશેષ. ૮
પ્રાણજીવન જાણ્યા જ તમને, તમે કેમ તજી જશો અમને;
હું છું વૃદ્ધ બેસી રહું તેહ, લઘુભ્રાત તમે તજો દેહ. ૯
કેમ મુજથિ તે સહન કરાય, મારા દિવસ કેવી રીતે જાય;
હાય દૈવ હવે કરું છું, કહું કેને ને ક્યાં જાઉં હુંય? ૧૦
એમ કહિ થયા અધિક ઉદાસ, નેણે નીર ને નાખે નિસ્વાસ;
શોકથી તન થરથર ધ્રુજે, બોલવાનું તો કાંઈ ન સૂજે. ૧૧
ત્યારે બોલિયા જનસુખદાઈ, તમે ધીરજ ધારજો ભાઈ;
ગોપીનાથનિ મૂર્તિ છે જેહ, મારું રૂપ છે સર્વથા તેહ. ૧૨
જ્યારે તેમનાં દરશન કરશો, મુજ દર્શન સમ સુખ ધરશો;
વળિ વરતાલે મંદિર માંય, હરિકૃષ્ણ રૂપે હું છું ત્યાંય. ૧૩
કરશો તેનાં દર્શન જ્યારે, દુઃખ વિરહનું નહિ રહે ત્યારે;
પ્રભુએ એવિ વાણિ સુણાવી, ત્યારે કાંઇક ધીરજ આવી. ૧૪
કહે વર્ણિ સુણો નૃપ આપ, જીવ્યા જ્યાં સુધિ રામપ્રતાપ;
પ્રતિ વર્ષ વિષે બેય વાર, આવતા વરતાલ મોઝાર. ૧૫
હરિકૃષ્ણની મુરતિ સાથ, ભેટતા બહુ ભીડિને બાથ;
તેથિ મટતું વિજોગનું દુઃખ, થતું અંતરમાં અતિ સુખ. ૧૬
હવે શ્રીહરિની કહું વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;
ભાળ્યા સૌ જનને ગતભાન,1 લાગ્યા વિચારવા ભગવાન. ૧૭
મારા વિરહ તણા દુઃખ થકી, નહિ દેહ રાખે એહ નકી;
પ્રેરી યોગકળા પછિ એવી, ધરી ધીરજ સૌ જન તેવી. ૧૮
જેમ પૂતળિયો કાષ્ટ કેરી, નચાવે તેમ નાચે ઘણેરી;
સૌના અંતરની દોરી જેહ, હરિના હાથ માંહિ છે તેહ. ૧૯
હરિઇચ્છાથી ધીરજ આણી, બોલ્યા સૌ જન જાગિને વાણી;
અહો નાથ ઇચ્છા હોય જેમ, કરો આપ સુખે થકિ એમ. ૨૦
ભલે આપ સ્વધામ સિધાવો, પણ સંભારિયે ત્યારે આવો;
દેજો દર્શન અંતર માંય, વેલા તેડિ જજો વળિ ત્યાંય. ૨૧
કામાદિક થકી રક્ષણ કરજો, અમારાં મન આપમાં ઠરજો;
ભૂલ થૈ હોય કાંઇ અમારી, ક્ષમા કરજો તમે ક્ષમા ધારી. ૨૨
પછી બોલ્યા સુણી પરમેશ, તમે મનમાં મુંઝાશો ન લેશ;
મૂર્તિ લક્ષ્મીનારાયણ કેરી, નરનારાયણાદિ ઘણેરી. ૨૩
મારે હાથે મેં સ્થાપિ છે જેહ, વળિ આચાર્ય સ્થાપશે તેહ;
તે વિષે હું સદૈવ ઠરીશ, અંગિકાર પૂજાઓ કરીશ. ૨૪
સતસંગ છે તે મુજ અંગ, ભલા ભાવથિ ભાળો અભંગ;2
બેય આચાર્ય નેત્ર પ્રમાણો, સંત સત્સંગી અવયવ જાણો. ૨૫
શિક્ષાપત્રી છે મારું સ્વરૂપ, માનજો એનિ આજ્ઞા અનૂપ;
કરજો તમે ભજન અમારું, સદા રક્ષણ કરીશ તમારું. ૨૬
નથિ દૂર જતો હું તો ક્યાંય, વસું હું સદા સત્સંગ માંય;
સતસંગિનો દ્રોહ જે કરશે, મારો દ્રોહ તે કરનાર ઠરશે. ૨૭
કરતાં એ રીતે ઘણિ વાત, ત્રણ પહોર વીતી ગઈ રાત;
ત્યારે બોલ્યા મનોહર માવો, આપ આપને સ્થાને સિધાવો. ૨૮
એવું સાંભળીને ગયા સહુ, પણ નેણે વહે નીર બહુ;
પછિ તો થયો પ્રાતસકાળ, જાગ્યા નિદ્રાથી દીનદયાળ. ૨૯
ત્યારે વર્ણિએ સ્નાન કરાવ્યું, નિત્યકર્મ કર્યું મન ભાવ્યું;
ધર્મસ્થાપક શ્રીભગવાન, દેવા ઇચ્છ્યા ગૌ આદિક દાન. ૩૦
ઘણા વિપ્ર સુપાત્ર બોલાવ્યા, દાન દેવા સામાન મંગાવ્યા;
દીધાં ગાયોનાં સોનાનાં દાન, બીજાં દાન અનેક વિધાન. ૩૧
પ્રેમિ ભક્તોએ વિનતિ કરી, જમો કાંઈ કૃપા કરિ હરી;
બ્રહ્મચારિએ ત્યાં કર્યો થાળ, દયાથી જમ્યા દીનદયાળ. ૩૨
દશમી દિન મંગળવાર, દીસે ભૂતળમાં ભયંકાર;
ઉગ્યો સૂરજ તે પણ ઝાંખો, ઝાંખો દેખાય આકાશ આખો. ૩૩
ભયંકાર લાગે ભણકારા, ખરે આકાશ માંહિથિ તારા;
ધ્રૂજતી ધરણી તો જણાય, દશે દીશાઓ તો ખાવા ધાય. ૩૪
રુવે શ્વાન અને ઘૂડ બોલે, દેવળીનાં શિખર જાણે ડોલે;
વાયુ ઉષ્ણ ઘણો ઘણો વાય, મોટાં ઝાડ તેથી પડિ જાય. ૩૫
થાય આકાશ માંહિ કડાકા, ભારે તોપના જાણે ભડાકા;
જનનાં મન દિસે ઉદાસ, પશુ પક્ષિયે પામીયાં ત્રાસ. ૩૬
જળ ઉન્મત્ત ગંગાજિ માંય, વહે ધીમું ને ડોળું દેખાય;
ફરકે નરનાં અંગ વામ, સ્ત્રિયોનાં જમણાં તેહ ઠામ. ૩૭
તેથિ જનમન સંશય થાય, રખે શ્રીજિ સ્વધામમાં જાય;
થયો મધ્યાનનો સમો જ્યારે, બેઠા બાજોઠ પર પ્રભુ ત્યારે. ૩૮
ધાર્યું આત્મસ્વરૂપનું ધ્યાન, દીસે શુદ્ધ સમાધિ સમાન;
એહ અવસરે શ્રીહરિ પાસ, હતા તેહ ગણાવું છું દાસ. ૩૯
મુકુંદાનંદજી વરણીન્દ્ર, ગોપાળાનંદ સ્વામી મુનીન્દ્ર;
નિત્યાનંદ શુકાનંદ જાણો, ભજનાનંદ પંચ પ્રમાણો. ૪૦
રામપ્રતાપ ને ઇચ્છારામ, તથા બેય આચાર્ય તે ઠામ;
દાદા ખાચર આદિક જેહ, હતા શ્રીહરિ આગળ એહ. ૪૧
હરિતનમાંથિ નીકળ્યું તેજ, આખા દરબારમાં વ્યાપ્યું એ જ;
દશે દીશાઓમાં વ્યાપિ ગયું, આખા બ્રહ્માંડમાં છાઈ રહ્યું. ૪૨
અષ્ટ આવર્ણ3 ભેદિને છેક, થયું અક્ષરની સાથે એક;
બ્રહ્મા વિષ્ણુ સુરેશ મહેશ, વિમાને બેસી આવ્યા વિશેષ. ૪૩
ઘણા અક્ષરમુક્ત ત્યાં આવ્યા, એક ઉત્તમ વિમાન લાવ્યા;
બિરાજ્યા તેમાં શ્રી ઘનશ્યામ, ચાલ્યા સજ્જ થઈને સ્વધામ. ૪૪
લાવિ દિવ્ય રુડો ઉપચાર, પૂજે અક્ષરમુક્ત અપાર;
આરતી કોઇ મુક્ત ઉતારે, સહુ જયજયકાર ઉચ્ચારે. ૪૫
મહા દુંદુભિ દેવ બજાવે, દેવિયો દિવ્ય પુષ્પ વધાવે;
ઇંદ્ર આદિકનાં આવે ધામ, ત્યાંના દર્શને આવે તમામ. ૪૬
કરે ચંદન પુષ્પની વૃષ્ટિ, ધરે કૃષ્ણ અમૃતમય દૃષ્ટિ;
દેવોને અતિ ઉત્સવ થાય, હરિના ગુણ ગાંધર્વ ગાય. ૪૭
બ્રહ્મા આદિ કહે જોડિ હાથ, ચાલો ધામ અમારે હે નાથ;
આપ કેરિ ચરણરજ ધરો, મારા ધામને પાવન કરો. ૪૮
કાલાવાલા ઘણા એમ કરે, પણ કૃષ્ણ તો કાને ન ધરે;
વંદના કરિને વારે વારે, સ્તુતિ બ્રહ્માદિ દેવ ઉચારે. ૪૯
હરિગીતછંદ
હે શ્યામ સંકટહરણ સહુ સુખકરણ અશરણશરણ છો,
તવ ચરણ ભવજળતરણ નૌકા ધર્મહિત તનુધરણ છો;
સુખરાશિ અક્ષરધામવાસી પરમ પૂર્ણપ્રકાશિ છો,
તવ પદઉપાસી મુક્તરાશી અકળ અજ અવિનાશી છો. ૫૦
શ્રતિધર્મ થાપન કરણ પ્રભુ ધરણી ઉપર નરતન ધર્યું,
સુવિચિત્ર પરમ પવિત્ર ચારૂતર ચરિત્ર તમે કર્યું;
કળિકાળ અતિ વિકરાળમાં સંભાળ લઈ સદ્ધર્મની,
રક્ષા કરીને રીતિ ઉત્તમ કરિ પ્રગટ સતકર્મની. ૫૧
અદભૂત કીધાં કામ તે તો થઈ શકે પ્રભુ તમ થકી,
બીજા થકી ન કરાય ન કળિ શકાય એ તો અમ થકી;
અવતાર આપ તણા અનંત થયા અને વળિ જે થશે,
સરવોપરી છો આપ એમાં લેશ સંશય નવ દિસે. ૫૨
સંપૂર્ણ કરિને કામ અક્ષરધામ વિચરો છો તમે,
દર્શન કરીને આપનાં પાવન થયા પ્રભુજી અમે;
અમ ઉપર કરુણાસિંધુ આપ કૃપાનિ દૃષ્ટિ ધારજો,
સંકટનિવારણ શ્યામ આ બ્રહ્માંડ માંહિ પધારજો. ૫૩
પુષ્પિતાગ્રાવૃત્ત
સ્તુતિ કરિ અજ આદિ દેવ જેહ, નિજ નિજ ધામ સિધાવિયા જ તેહ;
હરિવર પણ અક્ષરાખ્ય ધામે, જઇ વસિયા સ્થિર થૈ અખંડ ઠામે. ૫૪
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિ-સ્વધામવિરચણનામ ચતુર્થો વિશ્રામઃ ॥૪॥