કળશ ૧૦

વિશ્રામ ૫

પૂર્વછાયો

શ્રીજી પધાર્યા સ્વધામમાં, નિજજનના જીવન જેહ;

કેમ કરી ઉત્તરક્રિયા, તમે કથા સુણો હવે તેહ. ૧

ચોપાઈ

ગયા ધામમાં શારંગપાણી, ગતિ તેનિ જનોયે ન જાણી;

જેમ વીજળિનો ઝબકારો, ક્યાંથિ આવ્યો ને ક્યાં તે જનારો. ૨

જેમ દીપક બુઝાઇ જાય, કોણ જાણે ક્યાં જૈને સમાય;

અવિનાશિની અકળ કળાય, મહામુક્તથિ પણ ન કળાય. ૩

નિત્યાનંદ આદિ મુનિ જેહ, અતિ અચરજ પામિયા એહ;

મહારાજે છે ધીરજ પ્રેરી, તેથિ દિલગિરિ ન ધરે ઘણેરી. ૪

ધૂન્ય સ્વામિનારાયણ નામે, ઉંચા સ્વરથિ કરી એહ ઠામે;

તેથિ હરિજન આવિયા ધાઈ, જાણ્યું શ્રીજિ ગયા ધામ માંઈ. ૫

કોઈ રુદન કરે થઇ દીન, કોઈ તરફડે જળવિણ મીન;

પ્રભુએ દીધું ધીરજદાન, તેથિ સર્વે થયા સાવધાન. ૬

તેહ સમય તણી ક્રિયા કરવા, લાગ્યા એક વિમાન આદરવા;

કર્યું નિષ્કુળાનંદે તૈયાર, તેનિ શોભા તણો નહિ પાર. ૭

મુકુંદાનંદ વર્ણિયે ત્યાંય, કરિ પ્રેમ ધરીને પૂજાય;

લઈ ઉન્મતગંગાનું નીર, નવરાવિયું શ્યામ શરીર. ૮

પીતાંબર એક લૈ પહેરાવ્યું, બીજું ઓઢ્યાનિ રીતે ધરાવ્યું;

પછિ ચંદન ચર્ચિને સાર, પહેરાવિયા પુષ્પના હાર. ૯

ધૂપ દીપ ત્યાં આગળ ધારી, પછિ આરતિ પ્રેમે ઉતારી;

પધરાવ્યા વિમાન મોઝાર, કરિ જયજયકાર ઉચ્ચાર. ૧૦

અયોધ્યાપ્રસાદે રઘુવીરે, તેહ વિમાન ઉપાડ્યું ધીરે;

ધર્મવંશિ બીજા પણ જેહ, વારા ફરતિ ઉપાડતા તેહ. ૧૧

દીનાનાથ ને ભટ મયારામ, સ્કંધે લેતા દ્વિજો તેહ ઠામ;

સંત વર્ણિને સૌ હરિજન, ગાય આગળ તે કીરતન. ૧૨

વાજે તાલ મૃદંગ તે ઠાર, થાય શંખના નાદ અપાર;

વાજે ઘંટા અને ઘડિયાળ, થાય તેહના શબ્દ વિશાળ. ૧૩

કૈક ભક્ત તો દર્શને આવે, સોના રૂપાને ફૂલે વધાવે;

કોઇ છાંટે અબીર ગુલાલ, આણિ અંતરમાં અતિ વ્હાલ. ૧૪

કૈક શ્રીફળની ભેટ કરે, કૈક પુષ્પ તણા હાર ધરે;

છેલ્લી વારનાં દર્શન જાણી, ભરે નેણમાં પ્રેમનાં પાણી. ૧૫

લક્ષ્મીવાડિને મારગે જાય, જનની બહુ ભીડ ભરાય;

નરનારિયો દર્શન કરે, મુખે જયજય શબ્દ ઉચ્ચરે. ૧૬

મહા તેજસ્વિ મૂર્તિ જણાય, કોટિ કામ ઝાંખા પડિ જાય;

ભાસે એવિ છબી સાક્ષાત, હમણાં કરશે કાંઇ વાત. ૧૭

લક્ષમીબાગમાં આજ જ્યાંય, આસોપાલવ છે એક ત્યાંય;

રહી ધીમે વિમાન ઉતાર્યું, ધરણી પર તે સ્થળે ધાર્યું. ૧૮

કરિ આજ છે મંદિર જ્યાંય, ચિતા ચંદન તુલસીનિ ત્યાંય;

પધરાવિને તેહ મોઝાર, કર્યો અગ્નિ તણો સંસ્કાર. ૧૯

ઘણાં શ્રીફળ ઘી લાવિ ત્યાંય, હરિભક્તે હોમ્યાં તેહ માંય;

દેખિ વિરહ તણાં તીર વાગ્યાં, દાદો ખાચર રોવાને લાગ્યા. ૨૦

અતિ નેણથી વરસિયાં નીર, ન ધરી શક્યા અંતરે ધીર;

લાગ્યા કરવા ઘણો જ પોકાર, સમઝાવે છે સંત અપાર. ૨૧

તોય ધીરજ નવ ધરિ જ્યારે, ગોપાળાનંદ બોલીયા ત્યારે;

તમને આવા દિલગિર જોઈ, કેમ ધીરજ ધરી શકે કોઈ. ૨૨

માટે શ્રીજિનિ બેઠક જ્યાંય, તમે બેસો જઈ હવે ત્યાંય;

પછિ બેઠક પાસે તે ગયા, ત્યાં તો શ્રીજિનાં દર્શન થયાં. ૨૩

રુડિ બેઠકે બેઠા છે નાથ, પુષ્પનો ગુચ્છ લીધો છે હાથ;

હૈયા ઊપર પુષ્પના હાર, ઘણા ભમર કરે છે ગુંજાર. ૨૪

દાદા ખાચરને કહે શ્યામ, કહો કેમ રોયા તમે આમ?

દાદો ખાચર શરમાઈ ગયા, તેથિ બોલ્યા વિના બેસિ રહ્યા. ૨૫

લાગ્યા મનમાં વિચારવા તેહ, દીઠા મેં શ્રીજિએ તજ્યો દેહ;

એ તે શું મને લાગ્યું સ્વપન, શા માટે મેં તે કીધું રુદન. ૨૬

શ્રીજી તો આ બિરાજે છે આંહીં, એમ મનન કરે મન માંહિ;

દાદા ખાચરને કહે નાથ, હવે જુવો તમે મારો હાથ. ૨૭

નાડીમાં નથિ રોગ લગાર, કાયામાં થયો મુજને કરાર;

તેથિ બાગમાં આવ્યો છું આજ, તમે આવ્યા શું દર્શન કાજ? ૨૮

એમ પૂછે ધમકુળરાય, તેનો ઉત્તર તો ન અપાય;

વળિ બોલિયા શ્રી ઘનશ્યામ, જ્યારે હું વિચરું મુજ ધામ. ૨૯

ત્યારે દિલગીરિ કાંઈ ન કરવી, વાત સમજીને ધીરજ ધરવી;

તમને કહ્યું છે ઘણિ વાર, તે તો વીસારશો ન લગાર. ૩૦

સતસંગમાં હું તો રહીશ, કદીયે નહિ દૂર જઈશ;

સ્નેહે સંભારશે જન જ્યારે, દિલમાં દૈશ દર્શન ત્યારે. ૩૧

પાળજો શિક્ષાપત્રીનિ વાણી, તેને મારું સ્વરૂપ જ જાણી;

એમ વાત કરી ઘણિ વાર, આપ્યો ઉરથી પ્રસાદિનો હાર. ૩૨

હવે મંદિરમાં જશું અમે, વેલા આવજો ત્યાં સહુ તમે;

એવાં વચન કરીને ઉચ્ચાર, થયા માણકિયે અસવાર. ૩૩

મહારાજ મંદિર ભણી ગયા, દાદો ખાચર વિસ્મિત થયા;

હતા સૌ જન ત્યાં ગયા જ્યારે, તહાં સૌને બેઠા દીઠા ત્યારે. ૩૪

કોઈ દિલગીર થાતાતા બહુ, દાદા ખાચરે તેહને કહ્યું;

તમે ક્લેશ કરો છો શા કાજે? નથિ દેહ તજ્યો મહારાજે. ૩૫

જોયા મેં જઇ ધર્મકુમાર, મને આપ્યો પ્રસાદીનો હાર;

ગયા મંદિરમાં અવિનાશ, પછિ આવ્યો છું હું તમ પાસ. ૩૬

સુણિ ધીરજ સૌ જન ધારે, હાર દેખિને હૈયે વિચારે;

સૌને કલ્પના બહુવિધિ થાય, કળા હરિની કળી ન શકાય. ૩૭

ઘેલે નાવા ગયા સહુ મળી, લક્ષ્મીવાડિમાં આવિયા વળી;

બેઠા સૌ તહાં બેઠક પાસ, થયાં અંતર સૌનાં ઉદાસ. ૩૮

સુખ આપેલાં તેહ સંભારી, લાગ્યા રોવાને ધૈર્ય વિસારી;

દીધું પ્રગટ પ્રભુ સુખ જેવું, અરે ક્યાં હવે દેખાશું એવું? ૩૯

વૈતાલીય

દિલથી તજિને અરે દયા, અમને કેમ તમે તજી ગયા?

સુખ ઉત્તમ નિત્ય આપિને, વિચર્યા કેમ કલેજુ કાપિને? ૪૦

મન ધીરજ કેમ ધારિયે, દુખ આ કેમ કરી વિસરિયે?

મનનાં દુઃખ કોણ મેટશે, ભુજ ભીડી પ્રિય કોણ ભેટશે? ૪૧

મનુહાર1 કરી જમાડતા, ખુબ રંગે અમને રમાડતા;

વળિ લાડ ઘણાં લડાવતા, હસતા હેત કરી હસાવતા. ૪૨

હરિ હે હરિ હે હરે હરે, અમથી દૂર થયા અરે અરે;

તજિને જવું સર્વ સાથને, ન ઘટે આપ દયાળુ નાથને. ૪૩

સુખસાગરમાં ન રાખિયા, દુઃખ દાવાનળ માંહિ નાખિયા;

સઘળાં સુખ ક્યાં ગયાં વહી, અમને એક દિશા સુજે નહીં. ૪૪

વસમી વિરહાગ્નિની વ્યથા, કહિયે ક્યાં જઈ કષ્ટની કથા;

નથિ ફાટતિ કેમ છાતડી, ઘનશ્યામે કરિ ખૂબ ઘાતડી. ૪૫

પળ એક વિજોગ જો થતો, વણ આગ્યે બળિ જીવડો જતો;

શિ રિતે દિવસો હવે જશે, સુજતું કાંઈ નથી જ શું થશે. ૪૬

હરિના વિરહાગ્નિ દુઃખથી, પૃથ્વી કેમ ડુબી જતી નથી;

વિચર્યા નિજ ધામ શ્યામ તો, રવિ તું કેમ ન નાશ પામતો. ૪૭

સુણ રે સુણ રે વિરાટ2 તું, તન તારું નથિ કેમ ફાટતું;

અતિ વજ્ર સમાન તું થયો, પ્રભુ જાતાં પણ તું ઉભો રહ્યો. ૪૮

તરુઓ પણ ઝૂરતાં દિસે, દિલગીરી પ્રસરી દશે દિશે;

કરુણાનિધિ રે કૃપા કરી, ફરિ ક્યારે મળશો હવે હરી. ૪૯

ચોપાઈ

રુડા ભાઇ શ્રીરામપ્રતાપ, કરે વિધ વિધ એમ વિલાપ;

રુવે એ જ રીતે ઇચ્છારામ, લઈને ઘનશ્યામનું નામ. ૫૦

અયોધ્યાપ્રસાદ રઘુવીર, કરે રુદન થઈને અધીર;

રુવે ગોપાળજી મહારાજ, ધર્મવંશનો સર્વ સમાજ. ૫૧

મુક્તાનંદ આદિક મુનિવૃંદ, કરે આતુર થૈને આક્રંદ;

મયારામ પ્રમુખ હરિજન, કરે રાગ તાણીને રુદન. ૫૨

શ્યામે આપેલાં સુખ સંભારે, કહે એ સુખ દેખીશું ક્યારે;

કહે કોઈ હું કીર્તન ગાઈ, રાજી કરતો શ્રીજીને સદાઈ. ૫૩

કથા કરતો હું તો કહે કોઈ, દેતા મોજ3 હરી રાજિ હોઈ;

કહે કોઈ મને મહારાજ, સોંપતા અતિ સ્નેહથી કાજ. ૫૪

જ્યારે રીઝતા દીનદયાળ, ત્યારે દેતા પ્રસાદિના થાળ;

જોતા અમૃતદૃષ્ટિ કરીને, ક્યારે દેખશું તેહ ફરીને. ૫૫

એમ સંભારીને સુખદાન,4 ભૂલ્યા કૈક શરીરનું ભાન;

થયા કૈક તો મૂર્છિત જેવા, ઇચ્છે કોઇ તો તન તજી દેવા. ૫૬

એવું દેખિને એક ઠેકાણે, પ્રભુ પ્રગટ થયા તેહ ટાણે;

આવ્યા અક્ષરમુક્ત અનેક, લાવ્યા ઉત્તમ વીમાન એક. ૫૭

તેમાં બેઠા હતા બહુનામી, અવિનાશિ જે અક્ષરધામી;

હતું શ્રીજિનું જેવું સ્વરૂપ, ભાળ્યા એવા જ ભૂપના ભૂપ. ૫૮

શ્રીજિ સર્વ સમાજમાં પેઠા, બેઠકે ગાદી ઉપર બેઠા;

પેખી સૌ જન કીધા પ્રણામ, ત્યારે બોલિયા શ્રીઘનશ્યામ. ૫૯

તમે કેમ કરો છો રુદન, કેમ લોપો છો મારું વચન?

હું છું અજર અમર અવિનાશી, તમે શા માટે થાઓ ઉદાસી? ૬૦

નથિ હું તમથી ગયો દૂર, મને જાણો હમેશ હજૂર;

એમ કહિ નિજ પાદુકા આપી, બોલ્યા શ્રીપ્રભુ પરમપ્રતાપી. ૬૧

કહું વચન સુણો રઘુવીર, નિત્યાનંદ સુણો ધરિ ધીર;

મારી દેહક્રિયા કરિ જ્યાંય, કરજો રુડું મંદિર ત્યાંય. ૬૨

પાદુકા પધરાવજો તેમાં, જાણજો ઉંડો મર્મ છે એમાં;

એહ મંદિરમાં સમો જોઈ, ધર્મવંશિ આચારજ કોઈ. ૬૩

અતિ ઉત્તમ મુજ અનુસારી, પધરાવશે મૂર્તિ અમારી;

અવની છે ચમત્કારિ એહ, તીર્થ ઉત્તમ જાણજો તેહ. ૬૪

કરશે વ્રત દાન કે જાપ, તેનાં સર્વ પ્રલય થશે પાપ;

જમાડે આંહિ વિપ્ર કે સંત, ફળ એનું તો થાય અત્યંત. ૬૫

ધન ધાન્ય કે સુત પરિવાર, જે જે ઇચ્છે તે પ્રાપ્ત થનાર;

કરે જપ તપ થઈ નિષ્કામ, અંતે પામે તે અક્ષરધામ. ૬૬

હવે શાંત તમે સહુ થાઓ, ગોપિનાથને મંદિરે જાઓ;

તેનાં દર્શનથી સુખ થાશે, તેમાં મારું સ્વરૂપ જણાશે. ૬૭

એમ કહિ થયા અંતરધાન, દીધું સર્વને શાંતિનું દાન;

ગોપિનાથના મંદિરમાંય, ગયા સૌ મળિને જન ત્યાંય. ૬૮

પુષ્પિતાગ્રાવૃત્ત

અદ્‌ભુત હરિનાં અહો ચરિત્ર, વરણન યોગ્ય પવિત્ર ને વિચિત્ર;

મુનિવર ગણિ નિત્યનિય ગાય, પણ ગણતાં નહિ પાર તો પમાય. ૬૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિદેહોત્તરક્રિયાનિરૂપણનામ પંચમો વિશ્રામઃ ॥૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે