કળશ ૧૦

વિશ્રામ ૬

પૂર્વછાયો

ભૂપ કહે બ્રહ્મચારીને, મને સંશય ઉપજ્યો એક;

તર્ત મટાડો તે તમે, સમજાવિને સહિત વિવેક. ૧

ચોપાઈ

એ છે સંશય મોટો અથાહ, કર્યો દેહને તો અગ્નિદાહ;

વળિ દેખાયા એવાને એવા, જેવે રૂપે પ્રથમ હતા જેવા. ૨

ત્યારે દહન થયો કિયો દેહ, ક્યાંથિ આવ્યો વળી દિઠો તેહ?

જ્યારે જન્મ ધરે ઘનશ્યામ, રહે ખાલિ શું અક્ષરધામ? ૩

કિંવા1 બે કરતા હશે કાય, તેથિ બેય ઠેકાણે દેખાય;

મારો સંશય એહ મટાડો, મારા મન માંહિ શાંતિ પમાડો. ૪

કહે વર્ણિ સુણો અવનીશ, કથા એહ હવે હું કહીશ;

એ વિષે દઈ એક દૃષ્ટાંત, ભાગું આપના ચિત્તનિ ભ્રાંત. ૫

નટ જેમ આકાશમાં ચડે, જઈ ઇંદ્રના જુદ્ધાથિ2 લડે;

થાય બંદુકના ત્યાં ભડાકા, તરવારના વાગે સડાકા. ૬

તેનાં અંગ કપાઈ જે પડે, તેનિ નારિ ભેળાં કરિ રડે;

તેનિ સાથે તે તો સતિ થાય, બળિને થઈ રાખ જણાય. ૭

નટ આવિ સૌને પગે લાગે, નારિ પોતાનિ સૌ પાસે માગે;

તેને આપે છે સિરપાવ3 જ્યાંય, નારિ આવિ ઉભી રહે ત્યાંય. ૮

દેખનારને આશ્ચર્ય થાય, નટની તે કળા ન કળાય;

ત્યારે અદ્‌ભુત શક્તિ છે જેની, કળા કેમ કળે કોઈ તેની. ૯

મોટા અક્ષરમુક્ત છે જેહ, કરે કલ્પના બહુવિધ તેહ;

કરિ તર્ક4 તેઓ થાકિ જાય, કળા કૃષ્ણની તો ન કળાય. ૧૦

કોઈ તર્ક કરે એમ તત્ર, ધામ અક્ષર છે સર્વત્ર;

ઇચ્છા આવે ત્યાં શ્રીજી દેખાય, તહાં ધામનું મધ્ય ગણાય. ૧૧

બાળ જોબન વૃદ્ધ અવસ્થા, તે તો દેખવામાત્ર વ્યવસ્થા;

પ્રભુ અક્ષરધામમાં જેહ, દીસે આ લોકમાં પણ એહ. ૧૨

જૂદી મૂરતિ બે નવ જાણો, પ્રભુ એક જ એહ પ્રમાણો;

વળિ કોઈ તરક એમ કરે, પ્રભુ રૂપ જૂદાં જૂદાં ધરે. ૧૩

નવલાખ ગિરી માંહિ જેમ, નવ લાખ રૂપે મળ્યા તેમ;

વળિ ઘટ ઘટ અંતરજામી, રૂપે વ્યાપિ રહ્યા જગસ્વામી. ૧૪

આંહિથી જે સમાધિમાં જાય, તેને અક્ષર માંહિ દેખાય;

પાછા આવિ જુવે આંહિ જ્યારે, તેવું રૂપ દિસે આંહિ ત્યારે. ૧૫

જેવિ આપનિ હોય ઇચ્છાય, તેવે રૂપે પ્રભુ ત્યાં જણાય;

જેને કામે ધરે અવતાર, પોતે તેવો દેખાડે આકાર. ૧૬

ઘટે શક્તિ દેખાડવી જેવી, તહાં શક્તિ દેખાડે છે તેવી;

થયું દહન તે દેખવામાત્ર, પછિ દેખાયું તે સત્ય ગાત્ર.5 ૧૭

જેહ દિવસે સિધાવ્યા સ્વધામ, દીધાં દર્શન બહુ બહુ કામ;

તેમાં થોડાં ઠેકાણાંની વાત, સંભળાવું તમે સુણો ભ્રાત. ૧૮

વટપત્તનના હરિજન, કરવા પ્રભુનાં દરશન;

રામચંદ્ર જે વૈદક જાણ, એહ આદિક ભક્ત પ્રમાણ. ૧૯

સજિ સંઘ તે ત્યાંથિ સિધાવ્યા, ગામ ઉગામેડી પાસે આવ્યા;

મળ્યા ત્યાં ભક્તિધર્મકુમાર, દશ સાથે હતા અસવાર. ૨૦

દાદા ખાચર સોમ ને સૂર, સદા જે રહે શ્રીજિ હજૂર;

થયા શ્રીહરિ સૌ રૂપે તેવા, આવ્યા ભક્તોને દર્શન દેવા. ૨૧

જેઠ શુક્લ દશમ ત્રિજે પોરે, દિધાં દર્શન જનચિતચોરે;

પ્રભૂને કર્યા સૌએ પ્રણામ, ત્યારે બોલિયા સુંદરશ્યામ. ૨૨

ક્યાંથિ આવ્યા ને જાઓ છો ક્યાંય, રામચંદ્ર બોલ્યા પછિ ત્યાંય;

આપને મંદવાડ સુણ્યાથી, અમે આવિયા વટપુરમાંથી. ૨૩

આપની છબિ અંતરે ધરવા, અમે આવિયા દર્શન કરવા;

એવું સાંભળિને બોલ્યા નાથ, વૈદરાજ જુવો મુજ હાથ. ૨૪

નાડિ જોઇ બોલ્યા વૈદરાજ, રોગ કાંઇ નથી મહારાજ;

કહે કૃષ્ણ તમે પરવરો, ગોપિનાથનાં દર્શન કરો. ૨૫

અમે જૈશું સારંગપુર ગામ, કાલે આવશું ગઢપુર ધામ;

એમ કહિને ગયા કૃપાનાથ, ગયો ગઢપુરમાં સહુ સાથ.6 ૨૬

જાણ્યું ત્યાં શ્રીજિએ તજ્યો દેહ, અતિ અચરજ પામિયા એહ;

વળિ ધોલેરા પુરનાં નિવાસી, પ્રેમી પ્રગટ પ્રભુનાં ઉપાસી. ૨૭

પૂજાભાઇની બહેન અજૂબા, તેનિ સંઘાતે બાઇ ફુલીબા;

ચાલ્યાં ગઢપુર દર્શન કરવા, છબિ છેલિ વારે ઉર ધરવા. ૨૮

ગાડે બેસીને બેય સિધાવ્યાં, નીંગાળાનિ નદીતટે આવ્યાં;

ગાડું છોડાવી કીધો વિરામ, જળ પાયું બળદને તે ઠામ. ૨૯

તહાં આવ્યા શ્રીજિ મહારાજ, દશ અસ્વારનો છે સમાજ;

જેઠ શુક્લ દશમ દિન હતો, અસ્ત પામવા આદિત્ય7 જતો. ૩૦

બેય બાઇયો તે પગે લાગી, લાગ્યા પૂછવા શ્યામ સુહાગી;

ક્યાંથિ આવ્યાં ને જાઓ છો ક્યાંય? બોલિ બાઇયો તે સમે ત્યાંય. ૩૧

માંદા આપ સુણ્યા મહારાજ, અમે આવિયાં દર્શન કાજ;

ધોલેરાથી આવ્યાં છૈયે અમે, પ્રભુજી ક્યાં પધારો છો તમે? ૩૨

સુણિ બોલિયા શ્રીહરિ ત્યારે, નથિ રોગ શરીરે અમારે;

દેવા દાસને દર્શન કાજ, એક ગામ જૈયે છૈયે આજ. ૩૩

ગઢપુરમાં તમે પરવરો, ગોપિનાથનાં દર્શન કરો;

જશું ત્યાં રહેશું આજ રાત, આવશું ગઢપુરમાં પ્રભાત. ૩૪

પ્રભુએ કરી એમ ઉચ્ચાર, આપ્યા ઉરથિ પ્રસાદિના હાર;

પછિ ત્યાંથી સિધાવિયા શ્યામ, ગઇ બાઇયો ગઢપુર ગામ. ૩૫

જાણ્યું દેહ તજ્યો જગદીશે, ત્યારે અચરજ પામ્યાં અતિશે;

વળિ એવિ કહું ત્રીજી વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત. ૩૬

મહાભક્ત જે નરસિ મહેતા, ગામ પીપલાણામાં રહેતા;

તેની પુત્રી લાડુબાઈ નામ, પરણાવી હતી આખા ગામ. ૩૭

જામની દશમી તણિ જ્યારે, ગયા નાથ તેને ઘેર ત્યારે;

કરિ સાદ જગાડ્યાં સુપેર, કર્યો ઉતારો તેહને ઘેર. ૩૮

કહ્યું કરવી રસોઈ તમારે, ચાલવું છે જમીને અમારે;

બાઇયે ત્યાં રસોઈ બનાવી, ભગવાન જમ્યા ભાવ લાવી. ૩૯

કહે બાઈ અહો મહારાજ, અમે આપનાં દર્શન કાજ;

ગયા પક્ષમાં ગઢપુર આવ્યાં, તમે દર્શન દૈ હરખાવ્યાં. ૪૦

પણ આપના દેહ મોઝાર, કાંઇ કસર હતી તેહ વાર;

પાછાં આવિયાં ગામ અમારે, પછિ વીત્યા થોડા દિન જ્યારે. ૪૧

અમે સાંભળ્યો એવો સંદેશ, મહારાજ માંદા છે વિશેષ;

તેથિ ગઢપુર જાવાનું ધારી, અમે કીધિ છે સૌએ તૈયારી. ૪૨

થયાં આપનાં દર્શન આજ, તેથી ચિંતા ટળિ મહારાજ;

પ્રભુ આપ પધારો છો ક્યાંય, કેમ છે આપના તનમાંય? ૪૩

સુણિ બોલિયા શ્રીઘનશ્યામ, મટ્યો છે હવે રોગ તમામ;

માટે ભક્તોને હર્ષિત કરવા, નિસર્યા છૈયે દેશમાં ફરવા. ૪૪

કહિ એટલું થૈને તૈયાર, થયા ઘોડિ ઉપર અસવાર;

બાઈ જાણે બાળકને જગાડું, તેઓને પ્રભુ પ્રગટ દેખાડું. ૪૫

ગઈ બાળ જગાડવા તહીં, ફરી જોતાં પ્રભૂ દીઠા નહીં;

ઘણા જનને પુછ્યું જઇ તેણે, દીઠા શ્રીહરિને કહો કેણે? ૪૬

જ્યારે કોઇએ દીઠા ન કહ્યું, ત્યારે તો અતિ આશ્ચર્ય થયું;

જાણ્યું શ્રીહરિ ધામ સિધાવ્યા, મને દર્શન દેવાને આવ્યા. ૪૭

એવિ રીતે ઘણે ઘણે ઠામે, દીધાં દર્શન શ્રીઘનશ્યામે;

કેટલીક કહું એવી વાત, કહ્યે પાર ન પામિયે ભ્રાત. ૪૮

શ્રીજીના મંદવાડનું જાણી, છેલ્લાં દર્શનની આશ આણી;

ગઢપુર જે જતા હતા જન, પામ્યા એ જ રીતે દરશન. ૪૯

તમે પુછ્યો મને પ્રશ્ન જેહ, એનો ઉત્તર આપિયો એહ;

ધરે શ્રીહરિ રૂપ અનેક, પણ એ સર્વ એકના એક. ૫૦

પુષ્પિતાગ્રાવૃત્ત

જનમ કરમ સર્વ કૃષ્ણ કેરાં, અકળ અને વળિ દિવ્ય છે ઘણેરાં;

અગમ નિગમ પાર તે ન પામે, કહિ કહિ નેતિ કહી પછી વિરામે. ૫૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિદેહોત્સર્ગાનન્તરં દર્શનદાનનિરૂપણનામ ષષ્ઠો વિશ્રામઃ ॥૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે