કળશ ૧૦

વિશ્રામ ૭

પૂર્વછાયો

ક્રિયા દેહોત્તર હરિ તણી, કરી આવિયા સહુ જન જેહ;

સાંભળો તે પછિ શું થયું, હવે કથા કહું છું તેહ. ૧

ચોપાઈ

ગોપિનાથના મંદિર માંય, આવ્યા સર્વ જનો મળિ ત્યાંય;

ગોપિનાથની મૂર્તિ મોઝાર, દીઠું અદ્‌ભુત તેજ અપાર. ૨

જેવું સાક્ષાત શ્રીજિ સ્વરૂપ, દીસે એવું જ રૂપ અનૂપ;

છબી ઉંચિ પહોળિયે એવી, પ્રતિ અંગે પુરેપુરિ તેવી. ૩

અંગોઅંગે હતાં ચિહ્ન જેવાં, દીઠાં તે મૂરતિ માંહિ તેવાં;

નાભિ ઉપર તિલ તણાં ચિહ્ન, બિજા પણ તિલ છે ભિન્ન ભિન્ન. ૪

વળિ છાતિ ઉપર પણ સાર, દીસે શ્રીવત્સ ચિહ્ન ઉદાર;

કાને ખોશા છે પુષ્પના ગુચ્છ, શોભે હાર હૈયા પર સ્વચ્છ. ૫

ધોળો ખેશ પેર્યો ધર્મનંદે, માથે મોળિયું બાંધ્યું મુકુંદે;

કેડે કંદોરો રુડો રુપાળો, રેટો ઓઢ્યો છે લાંબો પનાળો. ૬

કરિયાણામાં નટવરનાથે, જેમ વંસી ધરી હતિ હાથે;

તેમ વાંસળિ લીધિ છે વાલે, કર્યું કેશર તિલક ભાલે. ૭

કોઈ હરિજનને એહ વાર, આપ્યો ઉરથિ પ્રસાદીનો હાર;

કર આંગળિની કરિ સાન, પાસે બોલાવે છે ભગવાન. ૮

જેના ચિત્તમાં જેવિ ઇચ્છાય, તેવું રૂપ તેને ત્યાં દેખાય;

કોઇને તો કહે ઘનશ્યામ, કરો જૈને ભંડારનું કામ. ૯

કોઇ હરિજનને કહે માવો, ઘેર જૈને તમે જમિ આવો;

કોઇને માથે મુકે છે હાથ, ભેટ્યા કોઈને તો ભિડિ બાથ. ૧૦

સંત દેખે સમાધિમાં જેમ, દેખે સૌ જન શ્રીજીને તેમ;

કોઇ તો દેખે મંડપ માંય, સૌને ભેટે છે શ્રીહરિ ત્યાંય. ૧૧

ગોપિનાથની મૂર્તિ મોઝાર, એવાં અચરજ દીઠાં અપાર;

સુખ અક્ષરમુક્તોને જેવું, થયું સૌ જનને સુખ તેવું. ૧૨

નિત્યાનંદ કહે રઘુવીર, તમે સાંભળો પરમ સુધીર;

પ્રભુએ આપી પાદુકા જેહ, હમણાં તો ધરો આંહિ એહ. ૧૩

જ્યારે વાડીમાં મંદિર થાશે, ત્યારે તે માંહિ તેહ સ્થપાશે;

એવું સાંભળિ શ્રીરઘુવીરે, મુકી પાદુકા ત્યાં રહી ધીરે. ૧૪

વાસુદેવની મૂરતિ માંય, દેખે શ્રીજિને કોઈ તો ત્યાંય;

કોઇ તો એમ દેખે જે આજે, શજ્યા ઊપર શ્રીજિ બિરાજે. ૧૫

પછિ મંદિરમાંથિ બહાર, આવિયા જન ચોક મોઝાર;

સમૈયામાં સભા હોય જેવી, દેખે કોઈ તો ત્યાં સભા તેવી. ૧૬

સભા માંહિ શોભે ઘનશ્યામ, પુરુષોત્તમ પૂરણકામ;

કોઈ સંતની પંક્તિ નિહાળે, લાડુ પીરસતા પ્રભુ ભાળે. ૧૭

કોઇ તો દેખે અસ્વારિ સાથ, ઘેલે નાવા પધારે છે નાથ;

એવિ રીતે જેને ઘટે જેમ, દીધાં શ્રીજિએ દર્શન તેમ. ૧૮

તેથિ વિરહ તણું દુખ ત્યાંય, ન થયું બહુ જનમનમાંય;

નહિ તો ઘણા હરિજન તેહ, તજિ દેત પોતા તણા દેહ. ૧૯

પણ શ્રીહરિ દીનદયાળે, સૌનિ રક્ષા કરી તેહ કાળે;

પછિ પોતપોતાને ઠેકાણે, ગયા સર્વે જનો તેહ ટાણે. ૨૦

રોજ રોજ સવારે ને સાંજે, બેય આચાર્ય પાટે બિરાજે;

ગોપાળાનંદ ને નિત્યાનંદ, સભામાં બેસે સંતનાં વૃંદ. ૨૧

સૌને ધીરજ ઊપજે જેમ, કરે જ્ઞાનનિ વારતા તેમ;

રુડો ગ્રંથ જે પરમ પવિત્ર, જેમાં શ્રીહરિનાં છે ચરિત્ર. ૨૨

જેનું સત્સંગિજીવન નામ, કથા તેનિ કરાવે તે ઠામ;

વળિ શાસ્ત્રનિ રીત પ્રમાણે, નિત્ય પિંડદાનાદિ તે ટાણે. ૨૩

બેય પુત્રો યથાવિધિ કરે, જેથિ તે વિધિ સૌ અનુસરે;

ખર્ચ તેરમાને દિન કરવા, લાગ્યા બહુવિધિ માલ સંઘરવા. ૨૪

દાદા ખાચર ને પુજો શેઠ, કરે સંગ્રહ તે સારિ પેઠ;

ભગો દોશિ જે બોટાદવાસી, લેતા તે પણ માલ તપાસી. ૨૫

ગોળ ખાંડ ને ઘૌં ઘૃત જેહ, મગાવે દેશ દેશથિ તેહ;

હજારો મણ માલ મગાવ્યો, મોટિ મોટિ વખારે ભરાવ્યો. ૨૬

લોટ ને દાળ કરવા તૈયાર, ભક્ત બાઈયો મંડિ અપાર;

દેશદેશના હરિજન આવે, ભેટ ધરવા ભારે વસ્તુ લાવે. ૨૭

વળિ દાન લેવા તેહ વાર, આવ્યા વિપ્રો હજારો હજાર;

દશા એકાદશા દ્વાદશાહ, ક્રિયા કરવાનો શાસ્ત્રમાં રાહ. ૨૮

કર્યું એ જ રીતે એહ ટાણે, જાણ્યું ચાલે સૌ એ જ પ્રમાણે;

શ્રવણી શ્રાદ્ધ તેરમે કીધું, દાન નાના પ્રકારનું દીધું. ૨૯

ઘણાં તો દિધાં ગાયોનાં દાન, રથ આપ્યા વિમાન સમાન;

આપિ શજ્યા ઘણી શણગારી, શણગારિ આપ્યા અશ્વ ભારી. ૩૦

પદદાન1 તથા ભૂમિદાન, આપ્યાં ધન ને વળી આપ્યાં ધાન્ય;

અતિશે દિલ થૈને ઉદાર, આપ્યાં ભૂષણ વસ્ત્ર અપાર. ૩૧

આપ્યાં ભોજન સર્વને જેમ, કહું છું હવે સાંભળો તેમ;

જેઓ ઉત્તર દેશ નિવાસી, હતા શ્રીહરિ કેરા ઉપાસી. ૩૨

સૌને અવધ્યપ્રસાદે જમાડ્યા, સારી રીતે સંતોષ પમાડ્યા;

દેશ દક્ષિણ કેરા સ્વધર્મી, દેશ બેય તણા પરધર્મી. ૩૩

જમાડ્યા તેઓને રઘુવીરે, મોટો પાક કરાવિને ધીરે;

જમ્યા હિંદૂ ને મુસલમાન, દીધું સર્વને ભોજનદાન. ૩૪

જમાડ્યું ગઢડું આખું ગામ, રઘુવીરજિએ તેહ ઠામ;

બેય આચારજે જુદે સ્થાન, દ્વિજને દીધાં દક્ષિણાદાન. ૩૫

જમ્યા લોક હજારો હજાર, અન્ન લૈ ગયા રાંક અપાર;

તોય તોટો2 ન કાંઇ જણાય, જોઇને જન વિસ્મિત થાય. ૩૬

અણસમઝુ તો સંશય આણે, રહેશે લાજ કેમ આ ટાણે;

પણ શ્રીજિનો વિશ્વાસ જેને, થાય સંશય લેશ ન તેને. ૩૭

એવું ખરચ કર્યું રઘુવીરે, જે ન થૈ શકે નરપતિ ધીરે;

બેઠા બેય આચારજ પાટે, સભા થૈ સદા ચાલતે ઘાટે. ૩૮

પોતપોતાના આચાર્ય પાસ, ધરે ભેટ ભલા હરિદાસ;

શેલાં પાઘડિ શાલ દુશાલ, આપે વિવિધ પ્રકારના માલ. ૩૯

કોઇ હાર હૈયા પર ધારે, કોઈ આરતિ આવિ ઉતારે;

એવો ભાસે ત્યાં પ્રૌઢ પ્રતાપ, જાણે શ્રીજિ બિરાજે છે આપ. ૪૦

કોઇને એવાં દર્શન થાય, શ્રીજિ રૂપે આચાર્ય જણાય;

જશ પામ્યા આચાર્ય અપાર, થયો જગતમાં જયજયકાર. ૪૧

નિત્યનિત્ય સભાઓ ભરાય, બેય આચાર્ય બેસે તેમાંય;

બે સે સંતમંડળ હરિજન, કરે જ્ઞાન કથા કિરતન. ૪૨

વળિ સૌ જન સાથે સવારે, સ્નાન કરવાને ઘેલે પધારે;

ક્યારે સાંજે પણ નાવા જાય, સંત સત્સંગિ કીર્તન ગાય. ૪૩

શોભે શ્રીજિનિ અસ્વારિ જેવી, બેય આચાર્યની દિસે એવી;

સુખ આપતા શ્રીહરિ જેવું, સુખ આચાર્યથી આવે તેવું. ૪૪

કદિ જો કોઇ થાય ઉદાસ, જાય અક્ષર ઓરડિ પાસ;

તહાં શ્રીજીનાં દર્શન થાય, આપે ધીરજ વૃષકુળરાય. ૪૫

તમે શોક ધરો શિદ ઊર, નથિ તમ થકિ હું ગયો દૂર;

ગોપિનાથમાં હું જ રહીશ, સુખ તે દ્વારે તમને દઈશ. ૪૬

બેય આચાર્યમાં તેજ મારું, મુક્યું છે હિત થાવા તમારું;

શિક્ષાપત્રી છે તે મુજ વાણી, માનજો મારિ આજ્ઞા પ્રમાણી. ૪૭

એમ કહીને અંતરધાન થાય, વિરહી જને શાંતિ પમાય;

વળિ સ્થાન પ્રાસાદિનાં જ્યાંય, જાય સૌ જન દર્શને ત્યાંય. ૪૮

તહાં લીલા કરી હોય જેહ, કરે સ્મરણ સહુ જન તેહ;

જે જે આવ્યા હતા સંઘ ત્યાંય, કર્યા સર્વને ઘેર વિદાય. ૪૯

ભક્ત જે ગામોગામ નિવાસી, ટાળવાને તેઓનિ ઉદાસી;

સંતમંડળ મોકલ્યાં ફરવા, કરિ વારતા દિલગિરિ હરવા. ૫૦

ગયા આચાર્ય અવધપ્રસાદ, સકુટુંબ શ્રી અમદાવાદ;

મુનિ બ્રહ્મ સ્વમંડળ લૈને, તેનિ સાથે ગયા સજ્જ જૈને. ૫૧

પુષ્પિતાગ્રાવૃત્ત

અદરશ અહિંથી થયા હરી તે, પછિ સુત બે મળિ જે ક્રિયા કરી તે;

વિગત સહિત તે કથા સુણાવી, મુજ મનમાં સ્મૃતિ જેવિ આજ આવી. ૫૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિતિરોધાનાનંતર-ત્રયોદશાહાંતક્રિયાનિરૂપણનામસપ્તમો વિશ્રામઃ ॥૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે