કળશ ૧૦

વિશ્રામ ૮

પૂર્વછાયો

ભૂપ કહે ગઢપુર વિષે, રઘુવીરજિએ રહિ જેહ;

કામ કર્યું શું તે પછી, મને કથા સુણાવો તેહ. ૧

ચોપાઈ

બ્રહ્મચારી કહે સુણો ભ્રાત, વળિ ગઢપુરની કહું વાત;

રઘુવીરજિએ એક વાર, ચિત્ત માંહિ કરીને વિચાર. ૨

પરમાનંદ વિરક્તાનંદ, પુજા શેઠ આદિક મુખ્ય વૃંદ;

કહ્યું તેઓને ત્યાં તે વાર, તમે મંદિરનો કારભાર. ૩

કરો છો ઘણા વર્ષથિ જેમ, કરજોજિ હવે પણ તેમ;

કહિ એ રીતે સુપ્રત કરી, આજ્ઞા તેઓયે પણ શિર ધરી. ૪

ભગાદોશીને પણ કહ્યું આમ, પડે જ્યારે તમારુંયે કામ;

તમને આંહિથિ લખે પત્ર, તમે આવજો એ સમે અત્ર. ૫

વરતાલ જશું હવે અમે, આવશું જ્યારે તેડાવો તમે;

નિત્યાનંદ બોલ્યા ધરી ધીર, તમે સાંભળો શ્રીરઘુવીર. ૬

પાદુકા આપિ છે મહારાજે, લક્ષ્મીવાડિમાં સ્થાપવા કાજે;

તહાં મંદિર એક વિશાળ, કરવું પડશે તતકાળ. ૭

માટે મંડળમાં છે અમારા, સંત શૂન્યાતીતાનંદ સારા;

એહ આદિકને અહિં રાખો, કામ મંદિરનું તેને દાખો. ૮

રઘુવીરજીને મન ભાવ્યું, તેથિ તે રીતે કામ ભળાવ્યું;

દાદા ખાચરને કહ્યું વળી, તમે પણ તેહ કામમાં ભળી. ૯

સારા પથ્થર તે કામ માટે, ક્યાંઈ કઢાવજો શુભ ઘાટે;

એવિ રીતે થોડા દિન ગયા, મુક્તાનંદ ઉદાસિ ત્યાં થયા. ૧૦

થયું શ્રીજિના વિરહનું દુઃખ, કોઇ રીતે માને નહિં સુખ;

શ્રીજિ શ્રીજિ મુખેથિ ઉચ્ચારે, ખાન પાનનું ભાન વિસારે. ૧૧

કહે નિર્દય નાથ ન થાઓ, મને ધામ માંહી લઈ જાઓ;

નિત્યાનંદ કહે રઘુવીર, તમે સાંભળો પરમ સુધીર. ૧૨

મુક્તાનંદને થૈ છે પિડાય, વરતાલ તમે ન જવાય;

ધર્મવંશિ બિજાં બાઈ ભાઈ, ભલે મોકલો ત્યાં સમુદાઈ. ૧૩

એવું સાંભળિ અંતરે ધર્યું, રઘુવીરજીએ તેમ કર્યું;

થોડા સંતને મોકલ્યા ત્યાંય, રાખ્યા સદ્‌ગુરુ ગઢપુરમાંય. ૧૪

મુક્તાનંદે તજ્યો નિજ દેહ, કહું છું હવે સાંભળો તેહ;

દશમી અષાઢી શુદિ આવી, તેહ દિનની સવાર સુહાવી. ૧૫

ગોપિનાથનાં દર્શન કરવા, મુક્તાનંદ ગયા મન ઠરવા;

અતિ પ્રેમથિ કીધા પ્રણામ, મુખથી સ્તુતિ ઉચ્ચર્યા આમ. ૧૬

અહો નાથ કહ્યું નથિ જાતું, નથી વિરહનું દુખ ખમાતું;

હવે તો ધામમાં લઇ જાઓ, કૃપાનાથ કઠોર ન થાઓ. ૧૭

એહ આદિ અનેક પ્રકારે, કરી પ્રારથના વારે વારે;

સુણિ બોલિયા શ્રીમહારાજ, થાજ્યો તૈયાર મધ્યાને આજ. ૧૮

ધામ માંહિ તેડિ જાશું તમને, ગમે છે એમ કરવું તે અમને;

એવું સાંભળી આસને ગયા, મુનિ મુક્ત રુદે રાજિ થયા. ૧૯

થયો મધ્યાનનો સમો જ્યારે, બોલાવ્યા રઘુવીરને ત્યારે;

વાત સત્સંગ સંબંધી કીધી, કેટલીક ભલામણ દીધી. ૨૦

પછિ તો પદમાસન વાળી, બેઠા દૃષ્ટિયે નાસાગ્ર ભાળી;

આવ્યા વિમાનમાં ભગવન, દિવ્ય દૃષ્ટિવાળા દેખે જન. ૨૧

આવ્યા અક્ષરમુક્ત અપાર, જપે સૌ મુખથી જેજેકાર;

મુનિએ તો ભૌતિક દેહ, દિવ્ય દેહ પામ્યા ભલો એહ. ૨૨

પછિ બેસી વિમાન મોઝાર, અષ્ટાવરણ થકી ગયા પાર;

થયા અક્ષરધામ-નિવાસી, સદા જ્યાં વસે છે સુખરાશી. ૨૩

દેહોત્તર ક્રિયા તેહનિ જેમ, જથાજોગ્ય કરી ઘટે તેમ;

નિત્યાનંદ અને રઘુવીર, વરતાલ આવ્યા ધરી ધીર. ૨૪

ગોપાળાનંદ સદ્‌ગુરુ જેહ, બેય દેશના મધ્યસ્થ તેહ;

લૈને મંડળ તે ગયા ફરવા, સતસંગિને સાંત્વના કરવા. ૨૫

એમ વીતિ ગયા કાંઈ માસ, રઘુવીર છે વરતાલે વાસ;

વરતાલના મંદિર કેરો, બંદોબસ્ત તો કીધો ઘણેરો. ૨૬

સોંપ્યો ત્યાંનો બધો કારભાર, અક્ષરાનંદને અધિકાર;

નિત્યાનંદજિ લાગ્યા ઉચરવા, લક્ષ્મીવાડિમાં મંદિર કરવા. ૨૭

મારું મંડળ લૈ મેં1 જવાય, તો તે મંદિર ઝડપથિ થાય;

આજ્ઞા એમ આચાર્યની માંગી, બોલ્યા આચાર્ય તે અનુરાગી.2 ૨૮

ભલે મંડળ લૈને સિધાવો, તહાં મંદિર તરત કરાવો;

પ્રતિષ્ઠા જોગ્ય તે થાય જ્યારે, લખજો અમને પત્ર ત્યારે. ૨૯

અમે તે સમે આવશું ત્યાંય, પાદુકા સ્થાપશું તેહ માંય;

નિત્યાનંદ રાજી થઈ ઉરમાં, જવા ચાલ્યા તે શ્રીગઢપુરમાં. ૩૦

લૈને પોતાના સાધુ પચાસ, વૃત્તપૂર થકી કિધો પ્રવાસ;

ગઢપુર જઈને જોયું જ્યારે, ઘડાતા હતા પથ્થર ત્યારે. ૩૧

પણ ઝડપથિ કરવાને કામ, ઝાઝાં માણસ રાખ્યાં તે ઠામ;

ખાણ્યમાંથિ પાષાણ કઢાવ્યા, ગાડામાં ભરિ બાગમાં લાવ્યા. ૩૨

શિલ્પકાર જેઠો જેનું નામ, તેને તેડાવિયો તેહ ઠામ;

તેણે મંદિર કરવાનું જેવું, ચિત્ર પત્રમાં ચિતર્યું તેવું. ૩૩

નિત્યાનંદાદિને ગમ્યું એહ, કરવા માંડ્યું મંદિર તેહ;

ઘણા સંત કરે તહાં કામ, લેતા સ્વામિનારાણ નામ. ૩૪

વર્ષ કાંઇક જ્યાં વીતિ ગયું, પાદુકા સ્થાપવા જોગ થયું;

નિત્યાનંદે ને ઉત્તમરાયે, પુજા શેઠે વિચારિયું ત્યાંયે. ૩૫

હવે આચાર્યજીને તેડાવો, પાદુકાની પ્રતિષ્ઠા કરાવો;

વિરક્તાનંદે પણ એમ કહ્યું, પ્રતિષ્ઠા જોગ્ય મંદિર થયું. ૩૬

પછિ આચાર્યજીને તેડાવ્યા, રઘુવીરજી ગઢપુર આવ્યા;

કર્યો કુટુંબ સહિત નિવાસ, ગોપિનાથના ચરણની પાસ. ૩૭

જ્યાં જ્યાં તીર્થ પ્રસાદીનાં સ્થાન, નમે ત્યાં હરિનું ધરિ ધ્યાન;

ગોપિનાથનાં દર્શન કરે, મહિમા મનમાં મોટો ધરે. ૩૮

સભા નિત્ય સજીને બિરાજે, આવે હરિજન દર્શન કાજે;

તહાં શાસ્ત્રિ ભોળાનાથ આવે, તેનિ પાસે કથા તો વંચાવે. ૩૯

લક્ષ્મીબાગમાં નિત્ય પધારે, જુવે મંદિરનું કામ ત્યારે;

તેઓને રાજિ કરવા તે ઠામ, જનો ઉત્સાહથી કરે કામ. ૪૦

પછિ આચાર્યજીએ વિચાર્યું, કામ કરવા પ્રતિષ્ઠાનું ધાર્યું;

જોશી પાસે મુરત જોવરાવ્યું, માઘ માસમાં ઉત્તમ આવ્યું. ૪૧

પછિ મંગળપત્રી લખાવી, ગામોગામ વિષે મોકલાવી;

દેશદેશ થકી સંઘ આવ્યા, સૌને ઉતારા સારા અપાવ્યા. ૪૨

આવ્યા રામપ્રતાપજી આપ, પરિવાર સહિત નિષ્પાપ;

બેય દેશના સંત સમસ્ત, બેય દેશના આવ્યા ગૃહસ્થ. ૪૩

ગઢપુર માંહિ જન ન સમાય, બાગ માંહિ ઉતરવાને જાય;

તહાં રાવટિ તંબુ ને દેરા, શોભે ઉભા કરેલ ઘણેરા. ૪૪

યજ્ઞમંડપ રૂડો રચાવ્યો, કુંડ હોમને કાજે કરાવ્યો;

ઘણા વિપ્ર વરૂણિમાં વરિયા, મંત્રના જપ ને પાઠ કરિયા. ૪૫

ક્રિયા વેદવિધી અનુસારે, રઘુવીરજીએ કરી ત્યારે;

નવા મંદિરમાં મુદ ધરી, પાદુકાની પ્રતિષ્ઠા તે કરી. ૪૬

આરતી જ્યારે એનિ ઉતારી, થયો એ સમે ઉત્સવ ભારી;

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, એથિ અવની ને આકાશ ગાજે. ૪૭

થાય બંદુક કેરા બહાર, ઉચરે જન જયજયકાર;

સૌએ મૂર્તિને મનમાં સંભારી, પ્રાર્થના પાદુકાનિ ઉચ્ચારી. ૪૮

સુખ પ્રગટનાં સાંભરિ આવ્યાં, આંસુ આવ્યા તે તો અટકાવ્યાં;

શ્રીહરિના વિજોગનો ત્યાંય, અતિ વિરહ વધ્યો મનમાંય. ૪૯

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રભુ તવ મુરતી વિનોદકારી, પળ પણ તે વિસરે નહીં વિસારી;

ચરણજુગલ સોળ ચિહ્ન જેહ, નજર સમીપ તરે અમારિ તેહ. ૫૦

નખમણિ તણિ પંક્તિ પ્રાણનાથ, સજડ થઈ રહી છે જ નેત્ર સાથ;

પ્રભુ તવ જુગજાનુ જાંઘ નાભી, બહુ જુગના તપને ફળે જ લાભી. ૫૧

ઉદર ત્રિવળિ છાતિ કંઠ હાથ, નવ વિસરે પળમાત્ર પ્રાણનાથ;

મુખ શશિ સમ મિષ્ટ મિષ્ટ વેણ, નવ વિસરે વળિ નેહવંત નેણ. ૫૨

તિલક સહિત જે વિશાળ ભાલ, શ્રવણ રુડા વિસરે ન કોઇ કાળ;

કલગિ સહિત સારિ શીશ પાગ, વિરહ વધે સ્મરતાં ઉરે અથાગ. ૫૩

પ્રગટ મુરતિ સૌખ્ય શ્રેષ્ઠ દીધું, ચરિતથિ ચિત્ત અમારું ચારિ લીધું;

પ્રગટ છબિ નથી વિસારિ જાતી, છણછણ3 છેક બળે અમારિ છાતી. ૫૪

વૃષ સુત વળિ બાગમાં બિરાજી, બહુ કરતા જનનેય રાજિ રાજી;

હરિવિણ વળિ વેદિકા નિહાળી, વિરહ વધે રહિયે જ આંસુ ઢાળી. ૫૫

તવ વિચરણ ભૂમિ ભાળિ ભાળી, વિરહ વધે ન શકાય દુઃખ ટાળી;

હરિવર શિર હાથ થાપતાજી, વળિ ફુલહાર પ્રસાદિ આપતાજી. ૫૬

ચરણ જુગલ છાતિ માંહિ દેતા, પ્રિય વચનો કરુણા કરી કહેતા;

કર્યું પિરસણ પંક્તિમાં ફરીને, રમુજ કરી મુખમાં કદી ધરીને. ૫૭

ઉનમત સરિતા વિષે નહાતા, કરિ જળકેળિ અનેક સૌખ્યદાતા;

ફરિ કદિ સુખદાન એવું દેશો, નિજજનને જળકેળિ માંહિ લેશો. ૫૮

હય4 ચડિ ફરતા અમારિ આગે, છબિ નિરખી મન પૂર્ણ પ્રેમ જાગે;

હય ચડિ ફરશો હવેથિ ક્યારે, છબિ નિરખાય પુરાય આશ ત્યારે. ૫૯

વળિ હરિ કરતા વસંતખેલ, રસબસ રંગ થતા જ રંગરેલ;

ચરિત રુચિર તેહ સાંભરે છે, વિરહ વધે અતિ ચિત્ત ચર્ચરે છે. ૬૦

જનમનહર એવિ એવિ લીલા, નવ વિસરે રસરૂપ હે રસીલા;

અધિક અધિક સૌખ્ય સાંભરે છે, વિરહ વધે જળ નેણથી ઝરે છે. ૬૧

જળ વિણ ન રહે જ મત્સ જેમ, તમ વિણ તર્ફડિયે અમેય તેમ;

તજિ રણ વનમાં ગયા તમે તો, પ્રભુ ન ઘટે તમને કદાપિ તે તો. ૬૨

ભરદુઃખદરિયે તજી ગયા છો, અતિશય એમ કઠોર શું થયા છો;

પ્રભુ તવ સરવે દયા વખાણે, નિરદય કેમ થયા જ એહ ટાણે. ૬૩

છણછણ બળતી ન ફાટિ છાતી, વિરહનિ આ નથિ વેદના ખમાતી;

ધિરજ ધરિ શકાય કેમ નાથ, હરિવર આવિ હવે ગ્રહોજિ હાથ. ૬૪

પ્રભુ અતિ દુખ આ અમારું જોઈ, દરશન દ્યો દિલમાં દયાળુ હોઈ;

ઉચરિ જન થયા અચેત જ્યારે, અચરજ એક થયું અતર્ક્ય5 ત્યારે. ૬૫

ચોપાઈ

થયું આશ્ચર્ય ત્યાં એહ ટાણે, તે તો જોનાર સૌ જન જાણે;

કોટિ સૂર્ય શશાંક સમાન, તેજ પ્રગટ થયું તે સ્થાન. ૬૬

તેમાં મૂર્તિ મહાપ્રભુ કેરી, દીઠી સૌ જને સરસ ઘણેરી;

દીઠા અક્ષરમુક્ત અપાર, ઉચ્ચરે મુખ જયજયકાર. ૬૭

નમ્યા સર્વે જનો પ્રભુ પાય, બોલ્યા તે સમે ત્રિભુવનરાય;

તમે મુજને અદર્શ6 ન જાણો, ગોપિનાથ તે હું જ પ્રમાણો. ૬૮

તે વડ્યે સુખ દૌં છું ને દૈશ, અરપો છો તે લૌં છું ને લૈશ;

માટે દુખ દિલમાં નવ ધરવું, રાજિ રહીને ભજન મારું કરવું. ૬૯

એવા શબ્દ કરીને ઉચ્ચાર, થયા અંતરધાન તે વાર;

પછિ બ્રાહ્મણ ભોજન કીધાં, દાન નાના પ્રકારનાં દીધાં. ૭૦

જમ્યા વિપ્ર હજાર હજાર, જમ્યા સંતમંડળ તેહ વાર;

સમૈયો થયો તે ઘણો સારો, જનને મન મોદ દેનારો. ૭૧

સભા આચાર્ય આગળ થાય, ગવૈયા સંત કીર્તન ગાય;

સરોદ ને સતાર બજાવે, સ્વર નરઘાનો સાથે મેળાવે. ૭૨

સાત સ્વર ત્રણ મૂર્છના જેહ, લાવે તાલમાં ઉત્તમ તેહ;

હતા ત્યાં કવિ દલપતરામ, સભા રંજન કીધી તે ઠામ. ૭૩

શિખરિણી (આશીર્વાદ)

સભાના હે સ્વામી સહુ જન સભાના પણ સુણો,

સ્વનામે જે સંખ્યા વરણ ગણિ સાતે કરિ ગણો;

શશી ઊમેરીને દશ ગુણિત રત્ન કરિ હરો,

વધે તે સંખ્યાથી વરસ દશધા આયુષ ધરો.7 ૭૪

ચોપાઈ

આપ્યો એ રીતે આશીરવાદ, સભાને ઉપજ્યો બહુ સ્વાદ;

રઘુવીરજીએ હર્ષ લાવી, આપિ શાલ ને પાઘ બંધાવી. ૭૫

જેઠો કડિયો આવ્યા તેહ ટાણે, રચ્યું મંદિર જેહ સુજાણે;

આપ્યો આચારજે સિરપાવ, લીધો તે કડિયે ભલો લાવ. ૭૬

પછી તેહ સભાનિ મોઝાર, ગોપાળાનંદજીએ તે વાર;

મહિમા તેહ સ્થાનક કેરો, સંભળાવ્યો તે સૌને ઘણેરો. ૭૭

રથોદ્ધતા

એહ ભૂમિ મહિમા અપાર છે, તે ભવાબ્ધિજળ8 તારનાર છે;

પાપવાન જન આવિને અહીં, જો કરે જપ-તપાદિ તે કહી. ૭૮

અન્ય તીર્થ જપ કોટિધા9 કરે, એટલું જ અહિં એકથી સરે;

સંત વિપ્ર અહિં જે જમાડશે, તેહને પ્રભુ ઘણું પમાડશે. ૭૯

દીન જાણિ જન દાન જે કરે, તેનું પુણ્ય અવિનાશિ થૈ ઠરે;

આ સ્થળે સ્મરણ જો કરે નકી, છૂટિ જાય જમજાતના થકી. ૮૦

અલ્પ વર્ષ હરિ ગોકુળે વસ્યા, તે પછીથિ મથુરાપુરે ધસ્યા;

કેમ દુર્ગપુર તુલ્ય તે કહું, જ્યાં વશ્યા વિઠલ વર્ષ તો બહુ. ૮૧

તીર્થ સર્વે મહિ10 માંહિ જેટલાં, એક ત્રાજુ ધરિને જ તેટલાં;

એહ તીર્થ સહ કોઈ તોળશે, કોટિમાંશ11 સમ તે નહીં થશે. ૮૨

શું પ્રયાગ મથુરા પ્રભાસ તે, કોણમાત્ર પુર દુર્ગ પાસ તે;

કોણમાત્ર પુરુષોત્તમી12 પુરી, સર્વથી અધિક ભૂમિ આ ખરી. ૮૩

કૃષ્ણ દેહ જળધી વિષે વહ્યો, તે તહાંથી જઈને જતાં રહ્યો;

ત્યાં પુરી સુપુરુષોત્તમી થઈ, તથિ તેનિ કીર્તિ વધી ગઈ. ૮૪

કૃષ્ણ દુર્ગપુરમાં બહૂ રહ્યા, તે અદર્શ પણ તે સ્થળે થયા;

જ્યાં પ્રસાદિ થળ છે અતી ઘણાં, શાં વખાણ કરિયે જ તે તણાં. ૮૫

જ્યાં પ્રસિદ્ધ પ્રભુ ગોપિનાથ છે, જ્યાં સદૈવ શુચિ સંત સાથ છે;

જ્યાં સરીત ઉનમત્ત તો વહે, તેહ તુલ્ય પર તીર્થ કો13 કહે. ૮૬

એહ આદિ મહિમા ઉચારિયો, તેહ સર્વ જન ચિત્ત ધારિયો;

વેદવાણિ સમ વાણિ સંતની, જે હમેશ હિતકારિ જંતની. ૮૭

ચોપાઈ

વીત્યા દિવસ સમૈયાના જ્યારે, ગયા સૌ સહુને થળ ત્યારે;

સકુટુંબ શ્રી રામપ્રતાપ, અમદાવાદ તે ગયા આપ. ૮૮

વરતાલ ગયા રઘુવીર, સહકુટુંબ મહામતી ધીર;

થોડાં વરસ વીતિ ગયાં જ્યારે, શેઠ ગિરધરભાઇએ ત્યારે. ૮૯

જેનો બોટાદ માંહિ નિવાસ, વડોદરિયાની શાખ પ્રકાશ;

તેણે મંદિર તે છોવરાવ્યું,14 ચાંદિ જેવું રૂડું ચળકાવ્યું. ૯૦

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિતનતણિ તો ક્રિયા કરી જ્યાં, કરિ શુભ મંદિર પાદુકા ધરી ત્યાં;

સ્મૃતિ સમ શુભ તે કથા સુણાવી, સ્મરણ કરો સુચરિત્ર ચિત્ત લાવી. ૯૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિઊર્ધ્વદેહિકક્રિયાકરણસ્થાનમંદિરે પાદુકાપ્રતિષ્ઠાપનનામઅષ્ટમો વિશ્રામઃ ॥૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે