કળશ ૧૦

વિશ્રામ ૯

પૂર્વછાયો

ભૂપ કહે અભેસિંહજી, અહો વર્ણી અચિંત્યાનંદ;

એક કથા મુજને કહો, પ્રેમે પુછું ધરી આનંદ. ૧

ચોપાઈ

મહા ધર્મધુરંધર ધીર, આચારજજી જે શ્રીરઘુવીર;

તેણે વરતાલ ધામ મોઝાર, જ્ઞાનયજ્ઞ કર્યો એકવાર. ૨

સતસંગિજીવનની કથાય, જ્ઞાનયજ્ઞ સમાન ગણાય;

ઘણા ત્યાગિ ઘણા હરિજન, રહ્યા સાંભળવા ધરિ મન. ૩

મોટા ઉત્સવની તે કથાય, સંભળાવો મને મુનિરાય;

તે તો વાત સાંભળવા તણી, મારે અંતરે ઇચ્છા છે ઘણી. ૪

કહે વર્ણી સુણો હે રાજન, કથા તે તો છે પરમ પાવન;

સંભળાવું તે સ્નેહ સહિત, સાંભળો કરીને એકચિત્ત. ૫

સંપ્રદાયની પુષ્ટિને કાજે, સ્થાપ્યા આચારજો મહારાજે;

તેમાં ધર્મધુરંધર ધીર, આચારજજી જે શ્રી રઘુવીર. ૬

તેણે સંતસંગ ખૂબ શોભાવ્યો, ખીલે બાગ તે રીતે ખિલાવ્યો;

કર્યાં મંદિર મૂર્તીયો ધરી, રચ્યા ગ્રંથ ને ટીકાઓ કરી. ૭

સતસંગનિ શોભા વધારી, વાહ વાહ કહે નરનારી;

બેય દેશમાં એહ પ્રમાણ, રઘુવીરનાં થાય વખાણ. ૮

સત્યવાદિપણું એવું ધરે, બોલ્યા વચન તે કદિયે ન ફરે;

પરધર્મિયો પણ એહ ટાણે, રઘુવીરને સર્વ વખાણે. ૯

સર્વ સંત તથા હરિજન, કરે સૌ શાંત મનથિ ભજન;

સૌને આનંદ ઉરમાં વિશેષ, નહિ ક્લેશ દિસે લવલેશ. ૧૦

રામરાજ્યમાં જેમ પ્રજાય, શાંતિ પામે ને હરખે સદાય;

તેમ આચાર્ય રઘુવીર છતાં, સૌનાં મન શાંતિથી સુખિ થતાં. ૧૧

આચરજપદને ઘટે જેમ, આચરણ તો કર્યાં એણે એમ;

લોકલાજ ઘણી ઉર ધરતા, અપજશથિ અતિશય ડરતા. ૧૨

જાણતા જે જેનો જશ રહે, ધન્ય જન્મ તેનો જન કહે;

ધન્ય ધન્ય આચારજ એહ, જશ પામિયા અવિચળ જેહ. ૧૩

એક અવસરે શ્રી રઘુવીર, ઉઠ્યા પ્રાત સમે મહાધીર;

કર્યું ગોમતિમાં જઈ સ્નાન, કરી નિત્યક્રિયા તેહ સ્થાન. ૧૪

હરિ મંડપમાં વિચરીને, બેઠા તે તહાં ધ્યાન ધરીને;

મૂર્તિ પ્રગટ પ્રભૂજિનિ જેહ, દીઠી અંતરદૃષ્ટિયે એહ. ૧૫

અંગોઅંગ જુવે વારે વારે, સ્તુતિ સ્નેહ સહિત ઉચારે;

પ્રભુ પ્રેરણાથી એહ વાર, ઉપજ્યો ઉર માંહિ વિચાર. ૧૬

સંપ્રદાયનિ પુષ્ટિને કાજ, સંપ્રદાય શોભાવાને આજ;

મને ગાદિ સોંપી મહારાજે, કર્યું મેં મુજને જેમ છાજે. ૧૭

હવે તો એક ઇચ્છા છે ઘણી, કથા સત્સંગિજીવન તણી;

કરાવું આંહીં ચાતુર માસ, સુણે સૌ સંત ને હરિદાસ. ૧૮

એમાં માર્મિક અર્થ છે જેહ, સદ્‌ગુરુઓ જ સમજે છે તેહ;

એવા જ્યારે તજી દેહ જાશે, અર્થ માર્મિક કેમ જણાશે. ૧૯

ભટજી જે કથા સંભળાવે, મર્મ સદગુરુઓ સમજાવે;

ત્યારે ગ્રંથ તણો અભિપ્રાય, જન સર્વને તે સમજાય. ૨૦

માટે સંત સરવને તેડાવું, હરિભક્ત બધાને બોલાવું;

રહે સૌ આંહીં ચાતુરમાસ, કથા સાંભળે રાખિ હુલ્લાસ. ૨૧

નિત્ય સંતોને આપું રસોઈ, કદિ આપે બિજો ભલે કોઈ;

આવે જાચક દુરબળ જન, નિત્ય આપું એને પણ અન્ન. ૨૨

પુછું સદ્‌ગુરુની અભિપ્રાય, પછિ આદરું એહ ઉપાય;

નથી દેહ તણો નિરધાર, ધર્મકામમાં કરવી ન વાર. ૨૩

એવું ધારીને ધર્મનિવાસે, સદ્‌ગુરુઓને તેડાવ્યા પાસે;

અક્ષરાનંદ આદિક આવ્યા, રઘુવીરે વિચાર સુણાવ્યા. ૨૪

સુણિ સદ્‌ગુરુને લાગ્યું સારું, કહ્યું એ તો ઉત્તમ કામ ધાર્યું;

દયારામ જોશિને બોલાવો, દિન આરંભનો જોવરાવો. ૨૫

જોશિ સારા છે જ્યોતિષજાણ, વળિ ભક્ત પુરા છે પ્રમાણ;

જોશિ બોલાવ્યા ડભાણવાસી, કહ્યું મુહૂરત આપો તપાસી. ૨૬

બોલ્યા જોશિ ધરી મન હર્ષ, અસાડાદિ આ વિક્રમ વર્ષ;

ઓગણીસેં ને બારમું ધારી, અષાઢી શુદિ ચોથ છે સારી. ૨૭

વળિ માસ અધિક છે એહ, પુણ્ય કામમાં ઉત્તમ તેહ;

પુષ્ય નક્ષત્ર ચંદ્ર છે વાર, સર્વ કામે સિદ્ધિ આપનાર. ૨૮

કહે આચારજી તેહ વારે, કહો આરંભ કરવો તે ક્યારે;

કહે જોશિ જે દેવિ શિવા છે, સારા નરસાં ચોઘડિયાં કહ્યાં છે. ૨૯

વ્યતિપાત1 કે વૈધૃત2 હોય, કામ કરવું પડે કદિ તોય;

સારાં ચોઘડિયાંમાં કરાય, શિવા3 કહે છે તેની સિદ્ધિ થાય. ૩૦

દિનમાનનો4 આઠમો ભાગ,5 એક ચોઘડિયા તણો લાગ;

પ્રભાતે હોય તે સાંજ ટાણે, ફરે છે કુંડળીને પ્રમાણે. ૩૧

પહેલે દિન ચોથું ગણાય, બિજે દિન તે પ્રભાતમાં થાય;

એક દોહરામાં કહું એહ, તમે સાંભળો આચાર્ય તેહ. ૩૨

ચોઘડિયાં કમલ (દોહરો)

રવિ દિન પ્રથમ ઉદ્વેગ ચળ, લાભ અમૃત ને કાળ;

પછિ શુભ રોગ ઉદ્વેગ પછિ, પ્રતિદિન ચોથું ભાળ. ૩૩

Image

ચોપાઈ

જોશિની સાંભળી વારતાય, આપિ દક્ષિણા કીધા વિદાય;

પછિ કુંકુમપત્ર લખાવ્યા, સર્વ ત્યાગ ગૃહસ્થ તેડાવ્યા. ૩૪

લખે હસનભાઈ કોઠારી, જેનિ બુદ્ધિ દિસે બહુ સારી;

ઘૃત સાકર આદિ મગાવે, પરગામથિ માલ તે આવે. ૩૫

જેને આચારજે સોંપ્યું કામ, કહું છું હવે તેહનાં નામ;

અક્ષરાનંદ સદગુરુ જેહ, વર્ણિ નારાયણાનંદ તેહ. ૩૬

ત્યાગિયોને ઉતારા તે આપે, કોઈ તેનું વચન ન ઉથાપે;

દિશા પશ્ચિમે મંદિર થકી, થયા ત્યાગિના ઉતારા નકી. ૩૭

રહેવાસી ડભોઇના જાણો, નામ કરુણાશંકર પ્રમાણો;

નડિયાદના દાનતરામ, કહું તેને સોંપ્યું જેહ કામ. ૩૮

સંઘ હરિજનના આવનારા, તેને આપતા તેહ ઉતારા;

દિશા પૂર્વની મંદિર થકી, ઠર્યા તેને ઉતારા ત્યાં નકી. ૩૯

માધવાનંદ જે બ્રહ્મચારી, પાકશાળા તપાસે તે સારી;

સાધુની પાઠશાળાને પાસ, રાખ્યા સાધુ નારાયણદાસ. ૪૦

શવચંદ ગોવર્ધનભાઈ, રાખ્યા તેને મોદીખાના6 માંઈ;

નાણાનો મેળ રાખવા કાજે, હરિલાલ રાખ્યા મહારાજે. ૪૧

અગરાજી ને નાના નથૂજી, લાવે ઇંધણાં7 તે તો બહૂજી;

નથુભાઈ હકોભાઈ પાળા, ગોદડાં તે સંભાળવાવાળા. ૪૨

શાક ને ઇંધણાની સંભાળ, રાખે તે પણ તેઓ તે કાળ;

છડીદાર નામે પ્રભુદાસ, બહુ સૌની કરે બરદાસ. ૪૩

અંબૈદાસ ને કેશવ જન, વળી બેચર જગજીવન;

સાજા માંદાનિ રાખે સંભાળ, કષ્ટ પામે ન કોઈ તે કાળ. ૪૪

ક્ષત્રિ બાવોજિ ક્ષત્રિ શવાજી, ચોકિપેરો તે તો રાખતાજી;

એવિ રીતથી સોંપિયાં કામ, આવવા લાગ્યા સંઘ તમામ. ૪૫

સરિતાઓ સાગરમાં વહાવે, એમ વરતાલમાં સંઘ આવે;

હંસ માનસરોવરે ધાય, તેમ આવે પરમહંસ ત્યાંય. ૪૬

ઉતર્યા જ ગામમાં જઈ, તેથિ ત્યાં તો ઘણી ભિડ થઈ;

કોઈ બાગમાં જઇને ઉતરિયા, કોઈ તીરે તડાગને ઠરિયા. ૪૭

સીમમાં પણ નવ મળે માગ, આવ્યા હરિજન એમ અથાગ;

પર્ણકુટિ કરી કોઇ રહ્યા, વનવાસિ ખરેખરા થયા. ૪૮

સાંઝ કેરો સમો થયો જ્યારે, સભા આચારજે સજિ ત્યારે;

બેસવું ઘટે જ્યાં જેને જેમ, બેઠા મંદિર પાછળ તેમ. ૪૯

આચારજ એમ ઉચ્ચર્યા વાણી, કહું સાંભળો સૌ સ્નેહ આણી;

કથા સત્સંગિજીવન તણી, સુણવા જોગ ઉત્તમ ઘણી. ૫૦

પ્રભાતે તેનો આરંભ થાશે, સવારે અને સાંઝે વંચાશે;

વળિ શયન આરતિ સુધિ રાતે, ભટજી વાંચશે ભલિ ભાતે. ૫૧

મૌન રહીને શ્રવણ તેનું કરજો, ગ્રામ્યવાત કશી ન ઉચરજો;

ગૃહસ્થો સરવે નરનારી, બ્રહ્મચર્ય રાખો વ્રતધારી. ૫૨

વળિ ગોમતિયે નાવા જાતાં, જવું આવવું કીર્તન ગાતાં;

સ્થાન તીર્થનાં છે આંહીં ઘણાં, કરવાં દરશન તેહ તણાં. ૫૩

આવો અવસર દુર્લભ જાણો, જ્ઞાનયજ્ઞ આ પ્રૌઢ પ્રમાણો;

કથા સાંભળવી તપ કરવું, કથાહારદ8 હૈયામાં ધરવું. ૫૪

કાંઇયે વ્યવહારિક કામ, નવ સંભારવું એહ ઠામ;

જેને જોઇયે વસ્તુઓ જેવી, તે આ કોઠાર માંહિથિ લેવી. ૫૫

છે આ કોઠાર સર્વે તમારો, વસ્તુ માગતાં શરમ ન ધારો;

એવી આચાર્યે વાણિ ઉચ્ચારી, લિધિ સર્વે જને દિલે ધારી. ૫૬

અતિ આનંદ ઉપજ્યો ઊર, સુણતાં સહુને ભરપૂર;

સભા સર્વે વિસર્જન થઈ, સુતા સૌ નિજ ઉતારે જઈ. ૫૭

પુષ્પિતાગ્રાવૃત્ત

વૃતપુરમહિ જ્ઞાનયજ્ઞ થાય, સુણિ જન તો બહુ આવિયા જ ત્યાંય;

વરણન કરવા સુ તેહ વાત, મુજ મન પ્રેમ ઉદે થયો આઘાત. ૫૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીવૃત્તાલયે આચાર્યવર્ય-શ્રીરઘુવીરજીકૃતજ્ઞાનયણે સંઘાગમનનામનવમો વિશ્રામઃ ॥૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે