॥ શ્રીહરિલીલામૃતમ્ ॥
કળશ ૨
બાલચરિત્રનામ દ્વિતીયકલશ-પ્રારંભઃ
વિશ્રામ ૧
શાર્દૂલવિક્રીડિતવૃત્ત
વંદૂં શ્રીહરિકૃષ્ણ ધર્મસદને જૈ જન્મ જેણે ધર્યો,
કૃત્યાનો વળી કાળિદત્ત ખળનો જેણે પરાજય કર્યો;
કીધાં બાલચરિત્ર અદ્ભુત અતિ જૈને અયોધ્યા પ્રતિ,
માતાને પછી તાતને પણ દીધી દુર્લભ્ય દિવ્યા ગતિ. ૧
દોહા
હરિલીલામૃતનો હવે, બીજો કળશ રસાળ;
કહું સુણો શ્રોતા સહુ, કહે વિહારીલાલ. ૨
કહે અચિંત્યાનંદને, અભયસિંહ ભૂપાળ;
કથા સુણાવો શુભ મને, કરુણા કરી કૃપાળ. ૩
ધર્મ ભક્તિ ને શ્રીહરિ, દેહ ધર્યા જે દેશ;
બાળલીલા બહુનામીની, વરણન કરો વિશેષ. ૪
ભાવ ભાળી ભૂપાળનો, ઉચર્યા વરણીરાજ;
સુણવા ઇચ્છો શુભ કથા, ધન્ય ભક્ત શિરતાજ. ૫
હરિચરિત્ર સુણવા તમે, ચિત્ત ધરો છો ચાહ;
તો તે કહેવા છે મને, અંતરમાં ઉત્સાહ. ૬
બીજા ગ્રંથોમાં બહુ, છે જેનો વિસ્તાર;
વિશેષ વર્ણન તેહનું, નહીં કહું આ ઠાર. ૭
અધિકપણે હું આજ તો, ઉચરીશ અપૂર્વ વાત;
વૃદ્ધ જનોના વદનથી, સુણેલી જે સાક્ષાત. ૮
જે જે સ્થાને જનમીયા, ધર્મ ભક્તિ મહારાજ;
કહું કથા હું તે વિષે, વિશેષ કહેવા કાજ. ૯
વર્ણિરાજનાં વચન સુણી, સુરસિક1 સુધા સમાન;
ભાવિક ભૂપતિ ભક્તનું, ચિત્ત થયું ગુલતાન. ૧૦
જેમ લોભીને ધન જડે, જડે અંધને નેણ;
તેમ કથામૃત પ્રાપ્તિ તે, દિલ લાગી સુખદેણ. ૧૧
છીપ2 સ્વાતિ જળ ઝીલવા, ઉંચી ઉછળે જેમ;
ઉછળે લોહ ચમક ભણી, થયું ભૂપ મન તેમ. ૧૨
શંકર સમ વર્ણીય છે, ભગીરથ સમ નરનાહ;3
વચ્ચે કથાગંગા તણો, પ્રગટ્યો પુનિત પ્રવાહ. ૧૩
પાવન કૃષ્ણચરિત્ર જળ, ધર્મ જ્ઞાન તટ4 જાણ;
ભેદ ભક્તિ વૈરાગ્યના, તરંગ પ્રૌઢ પ્રમાણ. ૧૪
આખ્યાનો હરિભક્તનાં, તે લઘુ ગુરુ જળ જંત;
કમળ નામ હરિજન તણાં, હંસરૂપ ત્યાં સંત. ૧૫
ખળ ધીવર5 આખ્યાનના, જે વેરી વિકરાળ;
ખંડન કરવા નાંખશે, કુતર્કરૂપી જાળ. ૧૬
લઘુ સંશય તટનાં તરુ, ગુરુ સંશય ગિરિ જેહ;
પ્રવાહ સરિત કથા તણો, તોડે તતક્ષણ તેહ. ૧૭
સત્સંગીજીવન ભલો, સાગર ગ્રંથ ગણાય;
સરિતાઓ હરિચરિતની, તેમાં સર્વ સમાય. ૧૮
પાવન કરવા પતિતને, કરવા કુળ ઉદ્ધાર;
પામ્યા ગણોદના પતિ, ચરિત્ર સરિતા સાર. ૧૯
ઉપજાતિવૃત્ત
કહે અચિંત્યાખ્ય સુબ્રહ્મચારી, સુણો ધરાધીશ્વર કર્ણ ધારી;
શ્રીજી તણાં જન્મચરિત્ર જેહ, સ્નેહે કહું હું તમ પાસ તેહ. ૨૦
કહું રુડો કૌશળ દેશ જેહ, તેમાં વળી ઉત્તરભાગ એહ;
અતિ ભલું એક ઇટાર ગામ, પ્રખ્યાતિ પામ્યું ધરી ધર્મધામ. ૨૧
જ્યાં વર્ણ ચારે સુખમાં વસે છે, લક્ષ્મી તણી ત્યાં લહરી લસે છે;
વિદ્વાન વિપ્રો બહુ ત્યાં નિવાસી, જાણે વસી આવી અહિં જ કાશી. ૨૨
સર્યૂ તણે ઉત્તરને કિનારે, છે ગામ તે શોભિત ભવ્ય ભારે;
સાવર્ણિ ગોત્રી દ્વિજ વેદ સામ, શાખા કહું કૌથુમિ જેનું નામ. ૨૩
ત્યાં વિપ્ર છે સર્વરીયા સુજાણ, ત્રણે રુડાં છે પ્રવરો પ્રમાણ;
તે એક તો ભાર્ગવ નામ ભવ્ય, બીજાંય સાવેતસ વૈતહવ્ય. ૨૪
હતા રુડા લક્ષ્મણશર્મા જેહ, તેના સુબંસીધર પુત્ર તેહ;
તેના થયા નંદન6 વેદમાન, તેના થયા આત્મજ7 કહ્નિયાન. ૨૫
વસ્યા હતા તે મિહદાવ ગામ, રાજા તહાંનો સુરનેત્ર નામ;
તે ભૂપની વંશ પરંપરાથી, મનાય તે પૂજ્ય સદા પૂજ્યાથી. ૨૬
છે તેની પાંડે અવટંક8 ખાસી, તે વિપ્ર રાધાવરના9 ઉપાસી;
ભણે સદા શાસ્ત્ર શ્રુતિ પુરાણ, સુયજ્ઞ યાગાદિકમાં સુજાણ. ૨૭
સુશીલ તેના સુત બાલશર્મા, શ્રીકૃષ્ણના સેવક શુદ્ધકર્મા;
તે વેદ ને શાસ્ત્ર વિષે પ્રવીણ, સુધર્મ ભક્તિ ગુણથી ન હીણ. ૨૮
બ્રહ્મા તણા તે દ્વિજ અંશ આપ, જીભે જપે શ્રીહરિ મંત્ર જાપ;
પવિત્ર આત્મા અતિ પુણ્યશાળી, શિષ્યો તણાં પાપ મુકે પ્રજાળી. ૨૯
પાળે સદાચાર વિચાર રાખે, અસત્ય ભાષા કદીયે ન ભાખે;
સદૈવ યજ્ઞાદિક કાર્યકારી, સર્વે વખાણે જનબુદ્ધિ સારી. ૩૦
વિદ્યા દયા શાંતિ સુશીલ લાજ, શ્રદ્ધાદિ સૌ સદ્ગુણનો સમાજ;
જેને વિષે છે જન એમ જાણે, વળી વિશેષે વિબુધો વખાણે. ૩૧
સુરત્ન રત્નાકરમાં10 વસે છે, દિનેશમાં11 દીપ્તિ સદા દિસે છે;
કારીગરીનો નિધિ વિશ્વકર્મા, સત્કર્મનો સાગર બાળશર્મા. ૩૨
ભાર્યા ભલી ભાગ્યવતી સુનામ, તે દંપતિ વાસ ઇટાર ગામ;
ત્યાં દેવશર્મા પ્રસવ્યો સુપુત્ર, જે ધર્મનો છે અવતાર અત્ર. ૩૩
શ્રી વિક્રમાદિત્યનું વર્ષ જાણો, શાસ્ત્રાંકવારેન્દુ12 ગણી પ્રમાણો;
પ્રબોધનીને દિન જન્મ પામ્યા, ઉત્સાહ જેથી જનમધ્ય જામ્યા. ૩૪
તોટકવૃત્ત
અવતાર થયો પછી ભક્તિ તણો, જનને મન મોદ વધ્યો જ ઘણો;
વળી તે તણી વાત વિશેષ સહી, તમ પાસ ઉચ્ચારીશ તેહ અહીં. ૩૫
સરવાર વિષે છપિયા પુર છે, દશ કોશ13 અવધ્ય14 થકી દૂર છે;
સરજ્યૂ15 થકી ઉત્તમ શુદ્ધ દિશે, દ્વિજ આદિ વસે જન એહ વિષે. ૩૬
ઉપજાતિવૃત્ત
ત્યાં કૃષ્ણશર્મા દ્વિજ છે સુજાણ, ભવાનિ તેની વનિતા16 પ્રમાણ;
પવિત્ર છે શાંડિલ ગોત્ર તેનું, છે સામ વેદી કુળ શુદ્ધ જેનું. ૩૭
અઠાણુની કાર્તિક પૂર્ણમાસી, તેની સુતા થૈ શુભ રૂપરાશી;
સંધ્યા સમે તે શુભ જન્મ ધારી, મોટી થઈ વર્ષ જતાં કુમારી. ૩૮
જે કૃષ્ણશર્માની સુતા સુ એવી, ભલી કહે સૌ જન ભક્તિદેવી;
તે સાથ ધર્મે સુવિવાહ કીધો, પ્રાચીન સંબંધ વિચારી લીધો. ૩૯
માગી લીધો તે તક ભક્તિતાતે, વસ્યા છપૈયે વૃષદેવ જાતે;
જ્યારે વિત્યો તે પછી કાંઈ કાળ, તે પ્રેમદાયે પ્રસવ્યો સુબાળ. ૪૦
જન્મ્યા સુસંકર્ષણ ધર્મધામ, રુડું ધર્યું રામપ્રાતપ નામ;
વળી વિત્યાં કાંઈક વર્ષ જ્યારે, જન્મ્યા ઘનશ્યામ જનેશ ત્યારે. ૪૧
વિસ્તાર તેનો ઉચરું વખાણી, સત્સંગનું જીવન એ જ જાણી;
જ્યારે થયો જન્મ મહાપ્રભુનો, ત્યારે મહામોદ વધ્યો સહુનો. ૪૨
વસંતતિલકાવૃત્ત
વેદો વદે સુપુરુષોત્તમ નામ જેનું,
ઠેકાણું નિત્ય વળી અક્ષરધામ એનું;
સાકાર સત્ય શુભ સચ્ચિદહર્ષરૂપ,
બ્રહ્માદિ કોટિ ભુવનેશ્વર ભૂપભૂપ. ૪૩
રથોદ્ધતાવૃત્ત
જે સદા ત્રિગુણીથી જુદા રહે, નિર્વિકારી નિગમાગમો17 કહે;
બ્રહ્મા વિષ્ણુ શિવ આગન્યા ધરે, ઉદ્ભવ સ્થિતિ તથા પ્રલે કરે. ૪૪
દિવ્યમૂર્તિ પ્રભુ દેવદેવ છે, જે અનંત અભવી18 અભેવ19 છે;
વિશ્વ કોટિ વપુમાં20 વળી ધરે, ઈશતા21 કળી શકે ન અક્ષરે.22 ૪૫
જે થકી ચતુર વ્યૂહ થાય છે, વાસુદેવ વિગેરે ગણાય છે;
કેશવાદિ મૂરતિ વળી કહી, ચોવિશે સરસ થાય છે સહી. ૪૬
સૂકરાદિ અવતાર જે વિભૂ, તે બધાય તણું કારણ પ્રભુ;
શ્રીનરોત્તમ પ્રમુખ નામ છે, ધ્યેય અક્ષર સુ તેનું ધામ છે. ૪૭
જે ક્ષરાક્ષર થકી જુદા સદા, છે સ્વતંત્ર પરતંત્ર ના કદા;
શ્રીસહસ્રશીરષા લખાય છે, તે વિરાટ પણ તેથી થાય છે. ૪૮
સિદ્ધિ આઠ અણિમાદિ જેહ છે, દિવ્યરૂપ પદદાસી તેહ છે;
ષડ્ભગાદિ પણ સેવના કરે, કાળ જેની દ્રગ દૃષ્ટિથી ડરે. ૪૯
જેહનો હુકમ માનિને સદા, મારતંડ23 નભમાં તપે મુદા;24
વાયુદેવ વિચરે ચરાચરે, પૃથ્વી પાણી ઉપરે તથા તરે. ૫૦
ચોવિશે ત્રિગુણ તત્ત્વ નામ છે, સેવનાર પદ સર્વ જામ છે;
કોટિ ઇશ્વર અસંખ્ય શક્તિઓ, તે કરે નવ પ્રકાર ભક્તિઓ. ૫૧
મૂર્તિમાન શ્રુતિ કીર્તિ ગાય છે, મુક્તકોટિ મનમાં ચહાય છે;
શેષનાગ વદનો હજારથી, કીર્તિ ગાય પરિપૂર્ણ પ્યારથી. ૫૨
ચિત્ત વાચથી25 અગોચરા26 રહે, જે પરાત્પર કવીશ્વરો કહે;
અંતરસ્થ27 સઉ જીવમાત્રના, સર્વદા સુખદ તો સુપાત્રના. ૫૩
ભૂમિના કણ કદી ગણિ લહે, આભના ઉડુગણો28 ગણી કહે;
તોય કૃષ્ણ અવતાર તે ગણી, શું શકે જ મતિ હોય જો ઘણી. ૫૪
એમ થાય અવતાર જે ઘણા, અક્ષરેશ અવતારી તે તણા;
સર્વકારણ તણા જ કારણ, આદિકૃષ્ણ શુભ નામ ધારણ. ૫૫
અંડ અંડ અધીશો અનેક છે, સર્વ ઈશઅધિનાથ એક છે;
તે કૃપાળુ કળિમાર્ગ કાપવા, આવિયા સ્વજન સૌખ્ય આપવા. ૫૬
ધર્મ ભક્તિ મુનિમુક્ત મંડળી, ઉદ્ધવાદિ લઈ આવિયા વળી;
જ્યાં પ્રવેશ વૃષને રુદે કર્યો, તેજપુંજ29 તન તેહને ઠર્યો. ૫૭
પ્રેમયુક્ત વૃષ દૃષ્ટિ જ્યાં કરી, ગર્ભ પ્રેમવતિયે લીધો ધરી;
જે જનોની ભવભીતિ ભંજન, પ્રેમીભક્ત તણું પાપગંજન.30 ૫૮
સચ્ચિદાદિ ગુણ જુક્ત જેહ છે, મુક્ત દેવ મુનિ સ્તુત્ય તેહ છે;
ભૂમિભાર હરનાર જે હરિ, ભક્તિયે ઉદરમાં લીધા ધરી. ૫૯
રૂપ રંગ અતિ અંગઅંગમાં, ઓપિયું સખિજનો પ્રસંગમાં;
જેમ દીપમણિ કાચપાત્રમાં, તેજપુંજ પ્રસરાય રાત્રમાં. ૬૦
જેમ હેમગિરિ શ્રેષ્ઠ સૌ ગણે, તે સમાય પ્રતિબિંબ દર્પણે;
કોટિ અંડ પ્રતિરોમમાં ઠસે, તે જનિત્રિ જઠરે જુઓ વસે. ૬૧
ધન્ય ધન્ય અતિ ધર્મનારીને, રાખી લીધ ઉદરે મુરારીને;
સાધના કરી સમાધિ જો કરે, તોય મૂર્તિ મનમાં નહીં ઠરે. ૬૨
જ્યાં સુગર્ભ નવ માસનો થયો, તેજપુંજ તનનો વધી ગયો;
ભાળી ભક્તિતન ભાળવા રહે, છે અદિતિ સતિ તુલ્ય સૌ કહે. ૬૩
ઉપજાતિ
સ્વરૂપવાળી નહિ અન્ય એવી, આશ્ચર્ય પામે દિવવાસી31 દેવી;
શું રૂપ રૂડું કહું કૌશલાનું, શુ રૂપ શ્રીદેવકની સુતાનું.32 ૬૪
નિહાળીને રૂપ તણું નિધાન, કોઈ કહે દેવહુતિ સમાન;
પ્રભા પ્રભાનાથ33 વિલોકવાને, ટકે વિશેષે દિનમાન34 બાને. ૬૫
થશે પ્રભુ પ્રાદુરભાવ જાણી, અર્ચું જઈ એમ ઉમંગ આણી;
પુષ્પાદિ સામગ્રી સમસ્ત લૈને, વસંત આવ્યો શુભ સજ્જ થૈને. ૬૬
પુષ્પિતાગ્રાવૃત્ત
વસુમતિ35 પર વિસ્તર્યો વસંત, અવસર એહ સુઓપિઓ અનંત;
વિગતિ સહિત વર્ણવું વખાણી, જગપતિ જન્મ સમો પવિત્ર જાણી. ૬૭
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે ધર્મભક્તિ વિષે
શ્રીહરિઆવિર્ભાવકથનામા પ્રથમો વિશ્રામઃ ॥૧॥