વિશ્રામ ૧૦
પૂર્વછાયો
સ્નેહે કહે અભેસિંહજી, રુડાં વચન વિચારી વિવેક;
દંતકથા લોકો તણી, તેમાં વાત સુણી છે એક. ૧
ચોપાઈ
જ્યારે શામ છપૈયે રહ્યાજાતા, ત્યારે ગાયોને ચારવા જાતા;
તેથી ત્યાં કહે છે ગૌઘાટ, તમે તે ન કહ્યું શા માટ? ૨
વળી ચીભડીના હતા વેલા, તેને હરિએ નિકંદ1 કરેલા;
લીલા તે તમે નહિ ઉચ્ચારી, તેનું કારણ કહો બ્રહ્મચારી. ૩
બ્રહ્મચારી કહે સુણ ભ્રાત, એ તો ભાસે અસંભવ વાત;
અઢી વર્ષ છપૈયે રહ્યાય, કેમ ગાયો તે ચારવા જાય? ૪
મુનિ સુવ્રતે પણ નથી ભાખ્યું, બીજા કોઈ મુનિયે નથી દાખ્યું;
તેમાં સત્ય છે કેટલી વાત, તે હું તમને કહું સાક્ષાત. ૫
એવાં નાનાં ચરિત્ર અપાર, આવે કેતાં આયુષ્યનો પાર;
માટે મેં નથી કહી તે વાત, હવે પૂછો છો તો કહું ભ્રાત. ૬
છપૈયા થકી ઉત્તરમાંય, નામે ગૌઘાટ ગામ છે ત્યાંય;
કાકા ભક્તિના દુંદ તિવારી, તે તો તે ગામના અધિકારી. ૭
તેની પુત્રી હતી એક જેહ, તેને ભક્તિ સાથે ઘણો સ્નેહ;
માટે મળવાને તેણે તેડાવ્યાં, હરિને લઈ ભક્તિ સિધાવ્યાં. ૮
રહ્યાં દિવસ તહાં ત્રણ ચાર, વધ્યો પુરો પરસ્પર પ્યાર;
ત્યાંથી ઉત્તરમાં અધકોશ,2 નદી બીસુહી છે નિરદોશ. ૯
તે ગૌઘાટ સમીપે વહે છે, માટે ગૌઘાટ તેને કહે છે;
એક દિવસ મળી સહુ બાઈ, ગઈ નાવાને તે નદીમાંઈ. ૧૦
કરી સ્નાન દીધાં બહુ દાન, નવરાવ્યા તહીં ભગવાન;
વર્ષ બેની ઉંમર ત્યારે હતી, પણ મૂર્તિ મનોહર અતી. ૧૧
એટલી જ છે વાત તહાંની, તે તો છેક નથી કાંઈ છાની;
તમે ચીભડીની પૂછી વાત, તે તો તરગામની લીલા ભ્રાત. ૧૨
માટે ઉચરીશ એહ પ્રસંગે, કહું બીજાં ચરિત્ર ઉમંગે;
અયોધ્યામાં રહી અઘહારી,3 કરે બાળલીલા બહુ સારી. ૧૩
વર્ષ પાંચમું બેઠું જે વારે, બહુ બુદ્ધિ વધી વળી ત્યારે;
પુરના જન અચરજ પામે, એ જ વાત કરે ઠામ ઠામે. ૧૪
કહે છોટો છે ધર્મકુમાર, પણ અદભુત બુદ્ધિ અપાર;
દેવદર્શને તાતની સાથે, જાય હેતથી વળગીને હાથે. ૧૫
કથા સાંભળવા ધરે કાન, સમઝુ જન વૃદ્ધ સમાન;
નાવા સર્જુમાં સાથે સિધાવે, ભાળી સૌ જનને મન ભાવે. ૧૬
દેવપૂજા પિતા કરે જેમ, પ્રભુ પોતે કરે પૂજા તેમ;
બીજ ચૈત્રશુદી શુક્રવારે, તાતે અક્ષર શીખવ્યા ત્યારે. ૧૭
શિક્ષા કલ્પ ને જ્યોતિષ છંદ, વ્યાકરણ નિરુક્ત છે વંદ્ય;
ખટ4 વેદનાં અંગ ગણાય, ભક્તિપુત્ર તે ભાવે ભણ્યાય. ૧૮
પિતા પુત્રને પ્રેમે ભણાવે, સર્વ અર્થ સહિત સમઝાવે;
મહાભાષ્ય અઢાર પુરાણ, શીખ્યા કાવ્ય ને શાસ્ત્ર સુજાણ. ૧૯
ઉપજાતિવૃત્ત
સર્વે તણા છે ગુરુ સર્વજ્ઞાતા,5 બ્રહ્માદિકોને પણ જ્ઞાનદાતા;
તથાપિ માનુષ્ય ચરિત્ર કારી, વિદ્યા પિતા પાસ ભણ્યા મુરારી. ૨૦
વર્ણાશ્રમોના શુભ ધર્મ જેહ, શિખ્યા પિતા પાસ સમગ્ર તેહ;
સ્ત્રીયો તણા ધર્મ તણો પ્રકાર, સુણી લીધો માત મુખેથી સાર. ૨૧
એવો ચમત્કાર અપૂર્વ જાણી, લોકો વદે છે મુખ એમ વાણી;
આ બાળ છે અદ્ભુત ભાગ્યશાળી, વિદ્યાની એણે હદ ખૂબ વાળી. ૨૨
ભલે ભણે સૌ પણ રીત ન્યારી, વિદ્યા ભણે છે બહુ દેહધારી;
જેને પ્રભુની કરુણા જણાય, તેનેજ વિદ્યા ફળીભૂત થાય. ૨૩
સંસ્કાર જેને ભવ પૂર્વનો છે, ક્યાં શ્લોક તેને બહુ ગોખવો છે;
જો બીજને નીર મળ્યું જણાય, જાતિ સ્વભાવે તરુ તેવું થાય. ૨૪
જો એક વિદ્યા ભણી ભીખ માગે, લે એક સન્માન નૃપાળ આગે;
કોઈ ભણે અલ્પ ઘણું જણાય, ઘણું ભણે કિંચિત તે ગણાય. ૨૫
વર્ણી કહે છે નૃપ હે પવિત્ર, સુણો વળી અદ્ભુત સચ્ચરિત્ર;
સ્વર્ગાદિ છે સુંદર ધામ જેહ, માને બતાવ્યાં કહું વાત તેહ. ૨૬
શ્રીશ્યામને ત્યાં વળી એક કાળે, ખોળે લઈ મા મુખડું નિહાળે;
દેખી શશી સિંધુ ભરાય જેમ, વધ્યો જનેતા ઉર પ્રેમ તેમ. ૨૭
એવે સમે શ્રીહરિની ઇચ્છાયે, માહાત્મ્ય ધાર્યું મન માંહિ માયે;
બ્રહ્માદિકે જન્મ સમે સુવાણી, કહી હતી તે સ્મૃતિ સદ્ય આણી. ૨૮
કહ્યાં હરિને પછી વાક્ય એવાં, હશે સુસ્વર્ગાદિક ધામ કેવાં?
કૃપા કૃપાસાગર કાંઈ લાવો, તે ધામ સર્વે મુજને બતાવો. ૨૯
તે સાંભળી પૂરણ પ્રીત વાધી, માને કરાવી પ્રભુએ સમાધિ;
કિશોરમૂર્તિ કરુણાનિધાન, તેજસ્વિ કોટિ સૂરજો સમાન. ૩૦
તે ચાલતી મૂર્તિ જણાઈ જેમ, ચાલ્યાં પછી પાછળ ભક્તિ તેમ;
સુરેશના ધામ વિષે સિધાવ્યા, ઇંદ્રાદિકો સન્મુખ ચાલી આવ્યા. ૩૧
તે ધામમાં જ્યાં રચના અતીશે, સુવર્ણ સિંહાસન દિવ્ય દીસે;
પૂજ્યા પ્રભુને પધરાવી ત્યાંય, ધર્યાં સુદિવ્યાંબર અંગમાંય. ૩૨
અમૂલ્ય આભૂષણ તે ધરાવ્યાં, સ્નેહે ઘણે શીશ પદે નમાવ્યાં;
તે દેખી માતા મનમોદ પામ્યાં, શોભા તહાંની નિરખી વિરામ્યાં. ૩૩
ત્યાંથી જનિત્રી6 નિજપુત્ર સંગે, ગયાં મહર્લોક મહા ઉમંગે;
ત્યાંથી સિધાવ્યાં જનલોકમાંય, ત્યાંથી નિહાળ્યો તપલોક ત્યાંય. ૩૪
જ્યાં જ્યાં ગયાં ત્યાં પણ એ જ રીતે, પૂજ્યા સહુયે પ્રભુ પૂરી પ્રીતે;
ગયાં સતી ને સુત સત્યલોકે, છે આપ સર્વેશ્વર કોણ રોકે. ૩૫
તે મૂર્તિની પાછળ માય જાય, આવે ન એને લવ અંતરાય;
બ્રહ્મા પ્રભુને નજરે નિહાળી, આવી નમ્યા ત્યાં અભિમાન ટાળી. ૩૬
સભા સુવૈરાજ પુરૂષ કેરી, તે ધામમધ્યે વિલસે ઘણેરી;
મહા મુનિ જ્યાં સનકાદિકો છે, પ્રકાશ પૂરો પ્રસરી રહ્યો છે. ૩૭
તે પુરુષે શ્રીહરિને પ્રણામ, કર્યા નિહાળી તન મેઘશામ;
બેસારી સિંહાસન દિવ્યમાંય, પૂજા કરી પ્રેમ સમેત ત્યાંય. ૩૮
અમૂલ્ય વસ્તુ બહુ ભેટ દીધી, સ્તુતિ પછી બે કર જોડી કીધી;
નમામિ નારાયણ અક્ષરેશ, નમામિ પદ્મેશ7 પરાત્પરેશ. ૩૯
શાર્દૂલવિક્રીડિતવૃત્ત
હે પદ્મેશ પરાત્પરા સુખકરા ભૂતેશ્વરા8 ભૂધરા,
વંસીવાદ્યધરા ખરા હિતકરા હે નિર્ડરા નિર્જરા;9
સ્થાપ્યા જીવ ચરા સ્થિરા તનુધરા દેવાસુરા કિન્નરા,
વંદૂં નૌતમ નાગરા10 ગિરિધરા સર્વેશ્વરા શ્રીધરા. ૪૦
સ્વામી દર્શન આપના પદ તણાં ક્યાંથી અમે પામીયે,
દીધાં આજ ભલે જ દર્શન તમે સદ્ધામના ધામીયે;
અર્ધી આવરદા ગઈ મુજ તણી દીઠા પ્રભુ આજ છે,
હે રાજેશ્વર રાજ આજ સઘળાં સિધ્યાં હવે કાજ છે. ૪૧
તેણે એમ નતી11 કરી ફરી ફરી આશા ધરી આદરી,
વાણી પ્રેમ ભરી મનોજ્ઞ મધુરી ઊંચા સ્વરી ઉચ્ચરી;
પાણી જોડ કરી પદે શિર ધરી કે એક પાવે ઠરી,
સર્વે પુરુષ સુંદરી મુદ12 ભરી ત્યાં દર્શને સંચરી. ૪૨
ઉપજાતિવૃત્ત
આશ્ચર્ય પામ્યાં અવલોકી માય, ત્યાંથી પછી કૃષ્ણ થયા વિદાય;
ચોવીસ તત્વો તણી જ્યાં સ્થિતિ છે, તે ધામ પ્રત્યેક કરી ગતી છે. ૪૩
તત્ત્વો તણાં દૈવત મૂર્તિમાને, પૂજ્યા પ્રભુને કરી કીર્તિગાને;
પછી ગયાં જ્યાં પુરુષ પ્રધાન, થતું હતું ત્યાં હરિકીર્તિગાન. ૪૪
માતા સુણીને મન મોદ13 પામે, સ્વપુત્રમાં પ્રીતિ વિશેષ જામે;
તે જેમ માનુષ્ય કરે પ્રવાસ, પામે વિશેષે સુમતિ પ્રકાશ. ૪૫
પ્રધાનનાથે ઉર પ્રીતિ આણી, પૂજ્યા પ્રભુને નિજ ઇષ્ટ જાણી;
તે નારીને ભક્તિ કહે વિચારી, કહો તમે કોણ પવિત્ર નારી. ૪૬
હું છું અહો માત પ્રધાન નામ, આ સ્વામી મારા સ્થિતિ આજ ઠામ;
આ જે તમારા સુત નિર્વિનાશી,14 તેનાં અમે નિર્મિત15 દાસ દાસી. ૪૭
અમો સરીખાં બહુ જોડલાં છે, કોટાન કોટિ કવિયે કહ્યાં છે;
તે સર્વેનું કારણ મૂળ માયા, તેના પતિ મૂળપુરૂષ રાયા. ૪૮
આજ્ઞા તમારા સુતની પ્રમાણે, તેઓ કરે કામ સદૈવ ટાણે;
સામર્થ્ય જે છે સુતમાં તમારા, જથાર્થ તે તો નહિ જાણનારા. ૪૯
સર્વોપરી આ સુતને પ્રમાણો, જેનો નિયંતા નહિ કોઈ જાણો;
પામ્યાં સુણીને અતિ મોદ માય, ગયાં પછી મૂળપુરૂષ જ્યાંય. ૫૦
તેની પ્રિયા જે પ્રકૃતિ પ્રમાણ, તે દંપતિ સર્વકળા સુજાણ;
પૂજ્યા પ્રભુને અતિ પ્રીત આણી, વદ્યાં પછી સુંદર મુખ વાણી. ૫૧
ભલે પ્રભુ દર્શન આજ દીધાં, તમે કૃપાનાથ કૃતાર્થ કીધાં;
તમારું તો દર્શન ક્યાંથી થાય, જે ઇચ્છતાં કોટિક કલ્પ જાય. ૫૨
વર્ણી કહે સાંભળ ભૂમિપાળ, માયે દિઠું કૌતૂક તેહ કાળ;
અસંખ્ય જોડાં નરનારી કેરાં, તેજસ્વી ત્યાં તો નિરખ્યાં ઘણેરાં. ૫૩
સુવર્ણના થાળ કરે ધરેલા, પૂજાની સામગ્રી થકી ભરેલા;
ચારે દિસે મૂળપુરૂષ પાસે, ઉભાં રહ્યાં પૂજન કાર્ય આશે. ૫૪
બીજા વળી પાર્ષદ છે અનેક, લેખું16 ગણ્યાંથી ન ગણાય છેક;
સૌ ઇંદ્રથી શ્રેષ્ઠપણે જણાયા, ભક્તિ ગયાં જ્યાં હતી મૂળ માયા. ૫૫
માયા કહે હે સતિ ભક્તિમાત! પૂછો મને જે પૂછવાની વાત;
માતા કહે આ નરયુક્ત નારી, અસંખ્ય તે કોણ કહો વિચારી? ૫૬
માયા કહે તે પુરુષપ્રધાન, પ્રત્યેક બ્રહ્માંડ તણા નિદાન;17
અસંખ્ય તે પુત્ર બધા અમારા, સૌ દાસ દાસી સુતના તમારા. ૫૭
હું મૂળમાયા પ્રકૃતિ ગણાઉં, આ મૂળપુરૂષની પત્નિ થાઉં;
અનેક બ્રહ્માંડ તણા નિદાન, કહે અમોને શ્રુતિ શાસ્ત્રવાન. ૫૮
જોયું તમે આજ અમારું ધામ, દેખે ન તેને અજ18 ઈંદ્ર વામ;19
અવાય આંહીં નહિ દેવતાથી, આવ્યાં તમે આ હરિની કૃપાથી. ૫૯
આ શ્રીહરિ જે સુત છે તમારા, સદા નિયંતા પ્રભુ તે અમારા;
એની જ આજ્ઞા ધરિયે અમે તો, છે કૃષ્ણ સર્વેશ્વર આપ એ તો. ૬૦
જે કૃષ્ણ આદી અવતાર થાય, તે સર્વનું કારણ આ ગણાય;
એ છે પ્રતાપી પરમાત્મ પોતે, જાણી શકે શું કુમતિ જનો તે. ૬૧
એ છે પુરૂષોત્તમ પાપહારી, ક્ષરાક્ષરોથી છબી એની ન્યારી;
જેનો નિયંતા નથી કોઈ જાણો, સ્વતંત્ર તે આ સુતને પ્રમાણો. ૬૨
ઇત્યાદિ માહાત્મ્ય કહ્યું અતિશે, હૈયું સુણીને જનનીનું હીસે;
પછી પૂજ્યાં તે સતિ દંપતિયે, પ્રસન્ન કીધા પરમ સ્તુતિયે. ૬૩
પુષ્પિતાગ્રાવૃત્ત
સરસ સરસ વસ્ત્ર ભૂષણો ત્યાં, મણિમય માલ દીધો વળી ઘણો ત્યાં;
લઈ સતિ સુત સાથ ત્યાંથી ચાલ્યાં, જઈ પછી અક્ષરધામમાં મહાલ્યાં. ૬૪
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
ભક્તિમાતુઃ સ્વર્ગાદિધામદર્શનનામા દશમો વિશ્રામઃ ॥૧૦॥