કળશ ૨

વિશ્રામ ૧૧

 

વસંતતિલકાવૃત્ત

વર્ણી કહે મન ધરી સુણ ભૂપ વાત,

ચાલ્યાં ગયાં સુતની મૂર્તિની સાથ માત;

જોયું જઈ અકળ અક્ષર ધામ જ્યાંય,

શોભા સમસ્ત થળથી અતિ દીઠી ત્યાંય. ૧

   કોટાન કોટિ રવિ ચંદ્ર તણો પ્રકાશ,

   ખદ્યોત તુલ્ય ન જણાય જ જેની પાસ;

   જેને સદૈવ શ્રુતિ બ્રહ્મપુરી કહે છે,

   મુક્તો અનંત પણ અક્ષર જ્યાં રહે છે. ૨

જ્યાં જૈ શકે ન કદીયે પણ કાળ માયા,

જ્યાં ક્રોધ કામ કદી લોભ નથી જણાયા;

આનંદયુક્ત દરસે ગુણ સચ્ચિદાદિ,

જે છે અનંત અવિકારી અને અનાદિ. ૩

   જ્યાં જ્યોતિરૂપ વળી ચિન્મય1 સર્વ ચીજો,

   દિસે ન પૃથ્વી પવનાદિ પદાર્થ બીજો;

   અગ્નિ નહીં જળ નહીં નહિ અભ્ર2 વ્યોમ,

   તારા નહીં ઘન3 નહીં નહિ સૂર્ય સોમ. ૪

જ્યાં દંપતિ નહિ તથા નહિ પુત્ર માતા,

જ્યાં કર્મના કદી ન લેખ લખે વિધાતા;

જેનું જથાર્થ કદી વર્ણન ના કરાય,

વાણી તથા મુનિ તણાં મન થાકી જાય. ૫

   જેનો કદાપિ શ્રુતિ પાર નથી જ લેતી,

   જેને કહે નિગમ આગમ નેતિ નેતિ;

   જ્યાં જાય તે પુનર જન્મ કદી ન પામે,

   તે વ્યાધિ આધિ તણિ બાધિ4 ઉપાધિ વામે. ૬

આ અષ્ટ આવરણ પૃથ્વી પ્રમુખ્ય જેહ,

છે એકથી દશ ગણાં વધતાં જ તેહ;

એ આઠ સર્વ મળી અંડ5 ગણાય એક,

તે તો જહાં રજ સમાન ઉડે અનેક. ૭

   શોભે તહાં અમિત6 ચિન્મય સૌધ7 સારા,

   જોતાં જ મુક્તજનને મુદ આપનારા;

   તે સૌધ સર્વ વળી વૈભવથી ભર્યા છે,

   સ્વેચ્છાથી મુક્તહિત શ્રીહરિએ કર્યા છે. ૮

જે મુક્ત જેમ મન માંહિ મનોર્થ ધારે,

તેવું સ્વરૂપ નિજનું બની જાય ત્યારે;

દેખી કૃપાળુ પ્રભુ થાય પ્રસન્ન માટે,

કોઈ સજે નિજસ્વરૂપ સુપાત્ર ઘાટે. ૯

   કોઈક મુક્ત મણિ માણક રૂપ થાય,

   કોઈક દેવતરુ8 તુલ્ય તહાં જણાય;

   કોઈ પલંગ નવરંગ નિજાંગ ભાસે,

   કોઈ ધ્વજા કળશ રૂપ ધરી પ્રકાશે. ૧૦

કોઈ ધરે સુરથ કે હય હાથીરૂપ,

કોઈ બને કનક9 કેરી છડી અનૂપ;

વાજિંત્ર રૂપ વળી કોઈ ધરે વિચિત્ર,

જેમાં ગવાય હરિના ગુણ કે ચરિત્ર. ૧૧

   થૈ પાદુકા પ્રભુ તણા પદ કોઈ ચાય,

   કોઈક છત્ર થઈ શામ શિરે છવાય;

   સર્વે સ્વતંત્ર પરતંત્ર તહાં ન કોઈ,

   આનન્દમગ્ન અતિશે હરિમૂર્તિ જોઈ. ૧૨

વર્ણી સુણો મહિપતિ મુખથી કહે છે,

તે સર્વ મુક્ત હરિના વશમાં રહે છે;

તારે સ્વતંત્ર સુખ કેમ ગણાય એહ,

ટાળો તમે સકળ સંશય આજ તેહ. ૧૩

   વર્ણી કહે નિજ તણા મનને ગમે છે,

   તેને જ પ્રાણી સરવે સુખ માની લે છે;

   કોઈક કેફ કરીને અતિ ઊંઘી જાય,

   તેમાં જ શ્રેષ્ઠ સુખ તે ગણશે સદાય. ૧૪

તેવી રીતે હરિ વિષે જઈ લીન થાવું,

વેદાંતિયો મન ગણે સુખ શ્રેષ્ઠ આવું;

જે કૃષ્ણના પદ ઉપાસક લક્ષ્મી જેવા,

સર્વોપરી સુખ ગણે કરી શામ સેવા. ૧૫

   દૃષ્ટાંત એક વળી સાંભળ ચિત્ત રાખી,

   છે રાજનીતિ કવિયે જનકાજ ભાખી;

   પંડિત મૂર્ખ સુખકારણ શું કરે છે,

   કેવી રીતે સમય બે જણ વાવરે છે. ૧૬

વાજિંત્ર સાથ હરિકીર્તન ઉચ્ચરીને,

કાઢે સુકાળ બુધ10 હર્ષ દિલે ઘરીને;

ઊંઘે લડે વળી કરે વ્યસનો વિશેષે,

તેમાં જ મૂર્ખ જન તો સુખ માની લેશે. ૧૭

   સુતા રહી સુખ ગણે જ દરિદ્રિ જેમ,

   ઇચ્છે ન ભક્ત સુખ ભક્તિરહીત તેમ;

   જે ચિત્તમાં વિષયના સુખને ચહાય,

   તે તો કદાપિ જન અક્ષરમાં ન જાય. ૧૮

જીવાત્મવશ્ય વરતે સુખી જેમ કાયા,

સર્વેશવશ્ય વરતે વળિ જેમ માયા;

તે આપને ન પરવશ્ય કદી પ્રમાણે,

મુક્તો સદૈવ હરિવશ્ય સ્વતંત્ર જાણે. ૧૯

   જે ધામમાં ન જડ વસ્તુ કશી જણાય,

   ચૈતન્યનાં જ તરુ11 વેલિ તમામ ત્યાંય;

   પ્રાકાર12 દ્વાર પણ ચિન્મય તેહ ઠાર,

   આકાર રંગ પલટે પલમાં અપાર. ૨૦

તે મુક્ત જ્યાં ગતિ કરે તહિં જૈ શકાય,

આવર્ણ13 આડું કશુંયે કદીયે ન થાય;

બ્રહ્માંડ કોટિ પણ તે નજરે નિહાળે,

જાણે થવાનું થયું તે પણ સર્વ કાળે. ૨૧

   તે મુક્ત સર્વ વળી જાણ સમર્થ કેવા,

   બ્રહ્માંડ કોટિ ઉપજાવિ શકે જ એવા;

   આજ્ઞા થકી અવતરે જઈ લોકમાંય,

   પૂજાય આપ પુરુષોત્તમ તુલ્ય ત્યાંય. ૨૨

બ્રહ્માંડ કોટિ રજ તુલ્ય જહાં ઉડે છે,

એવું કહ્યું પ્રથમ અક્ષરધામ એ છે;

એવું સમર્થ નહિ અક્ષરધામ એક,

એવા સમર્થ વળી મુક્ત તહાં અનેક. ૨૩

   તે સર્વ મુક્ત પુરુષોત્તમના ઉપાસી,

   રાધાજી લક્ષ્મી સમ શક્તિ અનંત દાસી;

   સેવે સદૈવ પ્રભુના પદ ચિત્ત ધારી,

   પામે ન પાર હરિનો મહિમા વિચારી. ૨૪

તે ધામમાં સકળ મુક્ત કિશોર ભાસે,

કોટ્યર્ક ઇન્દુ14 સમ તેની પ્રભા15 પ્રકાસે;

સર્ખા ગણાય સહુ અક્ષરમુક્ત એહ,

દેખાય કોઈ નહિ ન્યૂન વિશેષ તેહ. ૨૫

   તે ધામ માંહિ બહુ જે સુખ છે સદાય,

   શેષાદિકે સકળ તે ન કહી શકાય;

   ઐશ્વર્ય સર્વ તણું ત્યાં કહિયે અપાર,

   શું શારદા કહી શકે સકળ પ્રકાર. ૨૬

તે ધામ દેખી નજરે સતિ ભક્તિમાત,

આશ્ચર્ય પામી હરખ્યાં ઉરમાં અઘાત;16

દેખી સમુદ્ર મનમાં સર તુચ્છ લાગે,

ધામો બીજાં અલપ અક્ષરધામ આગે. ૨૭

   તે ધામમધ્ય વળી મંદિર એક દીઠું,

   સર્વોપરી સરસ તે મન લાગ્યું મીઠું;

   ચૈતન્યયુક્ત મણિના બહુ થંભ ત્યાં છે,

   સંખ્યા ન થાય ગણતાં શુભ દ્વાર જ્યાં છે. ૨૮

મોતી તણાં સરસ તોરણ ત્યાં દિસે છે,

બાંધ્યા ઉલેચ મણિયો પણ તે વિષે છે;

જેનું જથાર્થ કદી વર્ણન ના કરાય,

જોતાં જ જુક્તિ17 જુગના જુગ વીતિ જાય. ૨૯

   સિંહાસન પ્રભુ તણું વળી દીઠું એક,

   જેમાં જડેલ મણિયો નિરખ્યા અનેક;

   છે દ્વાર સોળ વળી થંભ છનેઉ18 છાજે,

   તે સર્વ ચિન્મય રુડી રીતના વિરાજે. ૩૦

તે ઊપરે જ ઘનડંબર19 છત્ર એક,

આશ્ચર્ય દેખી ઉપજે ઉરમાં અનેક;

તે છત્રમાંથી વળી ચંદન વૃષ્ટિ થાય,

તે મંદ મંદ પણ ગંધ દિશાંત જાય. ૩૧

   સિંહાસને મયુર પોપટ હંસ જેહ,

   બેઠા જણાય પણ અક્ષરમુક્ત એહ;

   શ્રીસ્વામીને અતિ પ્રસન્ન કર્યા જ કાજ,

   એવાં સ્વરૂપ ધરિયાં મળી મુક્તરાજ. ૩૨

સોપાન20 દિવ્ય વળી ત્યાં મણિનાં જ સારાં,

જોતાં જ મુક્ત મનને મુદ આપનારાં;

સિંહાસને સરસ ગાદી અમુલ્ય જોઈ,

જેનું કહી નવ શકે કદી મૂલ કોઈ. ૩૩

   ત્યાં ભક્તિયે નિરખિયા નિજપુત્ર બેઠા,

   બેઠા અનેક મળી મુક્ત તહાંથી હેઠા;

   કોઈ ઉભા પ્રભુસમીપ છડી ધરિને,

   કોઈ કરે ચમર હાથ ધરી હરિને. ૩૪

રાધાદિ શક્તિ ઘણી ત્યાં કર ધારી ઝારી,

સેવા નિમિત્ત થઈ સજ્જ ઉભી વિચારી;

તેણે શરીર શણગાર રુડા ધર્યા છે,

કોઈ કરે કનક થાળ ફુલે ભર્યા છે. ૩૫

   વાજિંત્ર માંહિ સખી કોઈ કરે સુગાન,

   કોઈ કરે સરસ નૃત્ય નટી સમાન;

   કોઈ કરે પ્રભુનું પૂજન પ્રેમ આણી,

   કોઈ કરે સ્તુતિ મુખે વદી મિષ્ટ21 વાણી. ૩૬

જે ધર્મઘેર ધરી જન્મચરિત્ર થાય,

તે કૈક તો કવિત કીર્તન જોડી ગાય;

માર્યો કુપાત્ર મહિમાં22 ખળ કાળિદત્ત,

તે ગાય છે ગુણીજનો કરી કોઈ નૃત્ય. ૩૭

   કોઈક મુક્ત પ્રભુની છબીને નિહાળે,

   કોઈક પદ્મ23 સરખા પગને પખાળે;

   જે પાવમાં સરસ ષોડશ24 ચિહ્ન શોભે,

   તે નિર્ખવા સ્થિતિ કરી મનભ્રંગ25 લોભે. ૩૮

નૂપૂર છે ચરણમાં ચળકીત નંગે,

પીળું ધર્યું રુચિર26 રેશમ વસ્ત્ર અંગે;

કેડે જડિત્ર મણિ માણક મેખળા છે,

કાંતિ સુશાંત અતિ શું શશિની કળા છે. ૩૯

   નાભી ઉંડી લલિત વર્તુલ જેમ કૂપ,

   તે ઉપરે વળી દિસે ત્રિવલી અનૂપ;

   આવી રહી ઉદર ઉપર મોતીમાળ,

   શ્રીવત્સ ચિહ્ન શુભ છે ઉર છે વિશાળ. ૪૦

કંઠે અમૂલ્ય મણિ કૌસ્તુભ છે ધરેલો,

જાણે સમુદ્ર મથવા થકી નીકળેલો;

તેનું સ્વરૂપ ધરી ત્યાં સ્થિત મુક્ત કોઈ,

વંદે સમસ્ત મળી અક્ષરમુક્ત જોઈ. ૪૧

   ભક્તો તણા ભયહરા ભુજદંડ ભાળ્યા,

   ત્યાં બાજુબંધ બહુ નંગ જડ્યા નિહાળ્યા;

   કાંડે કડાં કનકનાં અતિ કાંતિવાળાં,

   છે વેઢ વીંટી દશ આંગળિયે રુપાળાં. ૪૨

હાથેળી રક્ત જળજાત27 સમાન ભાસે,

રેખા રુડી નિરખતાં ભવત્રાસ નાસે;

અત્યંત તેજ નિરખ્યું નખપંક્તિ કેરું,

કોટાન કોટિ શશિ સૂર્ય થકી ઘણેરું. ૪૩

   ગ્રીવા28 મનોહર દિસે શુભ શંખ જેવી,

   છે હોઠ રક્ત કહું વિદ્રુમ29 કાંતિ કેવી;

   દેખી સુદંત વળી કુંદકળી30 લજાય,

   નાસા નિહાળી શુકની31 ઉપમા અપાય. ૪૪

જે જેની અંગ હરિને ઉપમા અપાય,

તે કોઈ કૃષ્ણતન તુલ્ય કદી ન થાય;

તે જેમ ચિત્ર રવિનું કરીને બતાવે,

આવો જણાય રવિ તે કદી તુલ્ય નાવે. ૪૫

   નેત્રો નવીન કમળો કવિયો કહે છે,

   ત્યાં ભ્રંગરૂપ ભમર્યો મળતી રહે છે;

   જે વાંકડી ભ્રકુટિથી વળી કાળ ત્રાસે,

   તે દેખીને હરિજનો મનમાં હુલાસે. ૪૬

બે કાનમાં કનક કુંડળ છે રુપાળાં,

તે તો દિસે મકર32 બેય સમુદ્રવાળાં;

તેમાં મણી સરસ મુક્ત બની રહ્યા છે,

શું પૂછવા રુચિ હરિની તહાં ગયા છે. ૪૭

   બે પુષ્પગુચ્છ હરિને શ્રવણે વિરાજે,

   તેની છબી રવિ શશાંક સમાન છાજે;

   પાખંડિયે કુમત33 ભૂતળમાં ચલાવ્યા,

   શું કષ્ટ તે ઉચરવા શશિ સૂર્ય આવ્યા. ૪૮

શોભે ભલું તિલક કેસર ભાલ કીધું,

તે મધ્ય ચંદ્રસમ કુંકુમ ધારી લીધું;

જાણે સદૈવ જનમંગળ છે વિચાર્યું,

તે માટ ચિહ્ન શુભ મંગળ કેરું ધાર્યું. ૪૯

   માથે ધર્યો મુકુટ મોર સમાન સારો,

   મોતી મણિ તણી ઘણી જ જણાય હાર્યો;

   પ્રત્યક્ષ મેઘ શુભ શું પ્રભુને પ્રમાણી,

   આવ્યો મયુર મનમાં અતિ મોદ આણી. ૫૦

તોરા ઝૂક્યા કુસુમના દરસાય કેવા,

ગંગાપ્રવાહ શિવજીની જટાથી જેવા;

એવું સ્વરૂપ સુતનું સતિયે34 નિહાળ્યું,

કોટાન કોટિ રતિનાથ35 થકી રુપાળું. ૫૧

   ત્યાં તો દિઠા હરિ તણા અવતાર સર્વે,

   મત્સ્યાદિ જે થઈ ગયા જગમધ્ય પૂર્વે;

   તેઓ મળી સ્તુતિ કરે ઘનશ્યામ કેરી,

   થૈ દીન પાવ પ્રણમે હરિરૂપ હેરી.36 ૫૨

સૌ લીન તે થઈ ગયા હરિતેજમાંય,

નક્ષત્ર જેમ રવિ આગળ લીન થાય;

ત્યાં વેદ ચાર નિરખ્યા વળી મૂર્તિમાન,

તે તો કરે હરિ તણા ગુણ કેરું ગાન. ૫૩

   વાણી વદે સુજશની વળી શારદા ત્યાં,

   ગાયે ગુણો અમિત તુંબરુ નારદા ત્યાં;

   શેષનાગ પણ આપ સહસ્ર વક્ત્ર,37

   કીર્તિ કહે પ્રભુ તણી તજી માન તત્ર. ૫૪

જેને કહે પરમ શંકર મૂર્તિમાન,

તે નૃત્ય ત્યાં કરી કરે હરિકીર્તિ ગાન;

બ્રહ્મા ચતુર્મુખ વડે શ્રુતિયો ભણે છે,

તે સર્વ મુક્ત પણ સ્નેહ ધરી સુણે છે. ૫૫

   એવા અનેક અજ ઈશ તહાં જણાય,

   તે કોઈથી જ ગણતાં ગણતી ન થાય;

   સૌને દયાળુ હરિદર્શન આપ દે છે,

   સ્વેચ્છાથી લીન નિજ તેજ વિષે કરે છે. ૫૬

એવો અપૂર્વ મહિમા હરિનો નિહાળી,

ભારે સમૃદ્ધિ વળી અક્ષરકેરી ભાળી;

પામ્યાં અપાર મુદ ત્યાં મન માંહિ માય,

તે તો ન કોટિ કવિયોથી કહી શકાય. ૫૭

   આશ્ચર્ય પામી અતિશે પુલકાય38 કાયા,

   પ્રેમાશ્રુબિંદુ પડતા દૃગથી જણાયા;

   પોતા તણા તનુજનો મહિમા વિચારે,

   સદ્‌ભાગ્ય તેથી નિજનાં અતિ ધન્ય ધારે. ૫૮

જાગ્યાં પછી સતિ તહાં ઉતરી સમાધી,

દેખી સ્વપુત્ર વળી ત્યાં અતિ પ્રીત વાધી;

વૃત્તાંત સર્વ કહિયું પછી ધર્મ પાસે,

તે સાંભળી તરત ધર્મ બહુ હુલાસે. ૫૯

   તે દિવ્યભાવ વળી દંપતિ ભૂલી જાય,

   ઇચ્છા પ્રભુની સુતભાવ વળી જણાય;

   એવાં ચરિત્ર બહુ બાળપણે કર્યાં છે,

   હે ભૂપતે! મુજ તણા મનમાં ભર્યાં છે. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રભુગુણ ગણતાં ન પાર આવે, કહી કહી જો જુગના જુગો ગુમાવે;

નભ ગતિ કરી કોઈ પાર જાય, પણ પ્રભુના ગુણનો ન પાર થાય. ૬૧

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

ભક્તિમાતુઃ અક્ષરધામદર્શનનામા એકાદશો વિશ્રામઃ ॥૧૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે