વિશ્રામ ૧૨
પૂર્વછાયો
વર્ણી કહે નૃપ સાંભળો, કહું શ્રીહરિકૃષ્ણચરિત્ર;
સાંભળતાં સુખ ઊપજે, અને તન મન થાય પવિત્ર. ૧
ચોપાઈ
કહી પાંચ વરસની વ્યવસ્થા, અને ઉતરી કુમાર અવસ્થા;
છઠ્ઠા વર્ષનો આરંભ થાય, વય પૌગંડ તે કહેવાય. ૨
શુદિ વૈશાખી બીજ ગણાઈ, ત્યારે જન્મ્યા ઇચ્છારામ ભાઈ;
ગુણે જાણિયે પ્રદ્યુમ્ન જેવા, અતિ સમરથ પણ તે એવા. ૩
એની વાત પછી ઉચરીશ, હવે કૃષ્ણચરિત્ર કહીશ;
બાલરૂપ દિસે બળવંત, ગુણ ઉત્તમ ગણતાં અનંત. ૪
દેવમંદિર જ્યાં કહેવાય, હરિ ત્યાં નિત્ય દર્શને જાય;
દેખી શ્રીહરિને તે સદાય, દેવપ્રતિમા પ્રસન્ન જણાય. ૫
જ્યાં જ્યાં જાય હરિ તતખેવ, ધન્ય ભાગ્ય ગણે સહુ દેવ;
તેના પૂજક પણ રાજી થાય, હરિરૂપમાં ચિત્ત ચોરાય. ૬
ફળ ફૂલ આપે લલચાવા, જાણે નિરખીયે આવા ને આવા;
પળ એક વિયોગ ન ઇચ્છે, પ્યારા પ્રાણ બરાબર પ્રીચ્છે.1 ૭
દેવદર્શને આવેલા લોક, જોવા ઉભા રહે થોકેથોક;2
જેમ જોઈ રહે ચંદ્ર ચકોર, એવી મૂર્તિ દિસે ચિત્તચોર. ૮
ચાલે ઉતાવળા ઘનશ્યામ, જાણે કરવાં ઘણાં હોય કામ;
વળી કોઈ કવિ કહે એમ, ચિત્તચોર ઉભો રહે કેમ. ૯
ઊંડો મર્મ તો કોઈ પ્રમાણે, બીજા ચાલ સ્વભાવિક જાણે;
જ્યાં જ્યાં બેસે જઈ હરિરાય, જોવા લોકોની ભીડ ભરાય. ૧૦
હોય ચિત્રમાં ચિતર્યાં જેમ, જોવા હરિને ઉભાં રહે તેમ;
જ્યારે ચૌટામાં3 ચાલે મુરારી, સર્વ જોઈ રહે છે વેપારી. ૧૧
રહે ત્રાજવાં હાથમાં ઝાલી, ચાલતા જન નવ શકે ચાલી;
ભૂલે ધારણ તે તોળનારા, ઘાટ ઘડવો ભૂલે ઘડનારા. ૧૨
નામું લખનારા ભૂલે છે નામુ, સર્વ જોઈ રહે હરિ સામું;
જાય પનઘટ4 પર અઘહારિ, દેખિ ભાન ભૂલે પાણિયારી. ૧૩
કોઈ એક ઘડો શિર ધારી, બીજો ભૂલીને ચાલે બિચારી;
કહે એક બીજીને આ ભાળો, કેવો દિસે છે કુંવર રૂપાળો. ૧૪
જાય સર્જુ તટે ઘનશામ, મળે પંડિત જોવા તે ઠામ;
કરે કલ્પના કોટિ પ્રકાર, કહે વિષ્ણુ તણો અવતાર. ૧૫
કહે કોઈ આ તો ધર્મરૂપ, કહે કોઈ આ કૈલાસ ભૂપ;
કહે કોઈ આ સાક્ષાત જ્ઞાન, કાં તો વૈરાગ્ય છે મૂર્તિમાન. ૧૬
કહે કોઈ તપે દેહ ધાર્યો, કાં તો સાક્ષાત વેદ પધાર્યો;
એમ આપે જુદા અભિપ્રાય, પ્રભુ કોઈ થકી ન કળાય. ૧૭
કહે કોઈક મનમાં તપાસી, આણે ઘેલાં કર્યાં પુરવાસી;
જેમ ચમક ભણી ચળે5 લોહ, તેમ જનમન પામે છે મોહ. ૧૮
જાણે ઘરનો ધંધો દૈયે છોડી, દૃષ્ટિ એમાં જ રાખિયે જોડી;
વિદ્યા ભણવી ભૂલ્યા ભણનારા, વસ્ત્ર વણવા ભૂલ્યા વણનારા. ૧૯
સોની ઘડવા ભૂલ્યા ભલા ઘાટ, એ જ વાત ચાલી હાટોહાટ;6
ધર્મદેવના આંગણામાંય, ભીડ માણસની ન સમાય. ૨૦
જોવા શ્રીહરિનું મુખ આવે, પણ બાનાં તો બીજાં બતાવે;
દીવો કરવા મિશે7 કોઈ બાઈ, ત્રીજે પોર8 આવે તહાં ધાઈ. ૨૧
ભક્તિમાતા કહે અરે ઘેલી, કેમ આવિ સંધ્યાકાળ પહેલી;
કહે કોઈ આવું ગાય દોવા, જાય એવે મિશે પ્રભુ જોવા. ૨૨
કોઈ આવે છે પૂછવા વાત, એવે બાને જુએ નરભ્રાત;
હરિરૂપમાં રહે ગુલતાન, નવ ભાવે ભોજન ને પાન. ૨૩
દેવતાઓ કહે તે તપાશી, ધન્ય ધન્ય અવધપુરવાસી;
એના પુણ્ય તણો નહિ પાર, જુવે દિન દિન જગદાધાર. ૨૪
પૂર્વછાયો
વર્ણી કહે વસુધાપતિ,9 સુણો અદભુત લીલા એક;
રામપ્રતાપજી ભાઈને, દેખાડ્યાં રૂપ અનેક. ૨૫
તે લીલા તમને કહું, એ તો દિવ્યચરિત્ર ગણાય;
જે સુણતાં જન જાતિને, અતિ અચરજ એહ જણાય. ૨૬
એક દિવસે સંધ્યા સમે, હરિદર્શન કરવા કાજ;
ગયા પછી ઘણીવાર થઈ, ઘેર આવ્યા નહીં મહારાજ. ૨૭
માતાએ રામપ્રતાપને, કહ્યું રાત વિતી એક જામ;10
ઘોર અંધારું થયું ઘણું, કેમ આવ્યા નહીં ઘનશ્યામ? ૨૮
જે છે ઉપદ્રવ અસુરનો, તે તો તમે જાણો છો વીર;
શોધી લાવો ઘનશામને, હું તો ધરી શકું નહિ ધીર. ૨૯
મણિધરે11 કદી મણિ થકી, પળ એક જુદાં ન પડાય;
જળથી જૂદી માછલી, પડી તરફડી જીવ જાય. ૩૦
શ્રીઘનશામને નિરખતાં, આડી પાંપણો આવી જાય;
ત્યારે કહું કરતારને, નથી ચતુર તું બ્રહ્માય. ૩૧
નેણનો તારો માહરો, વળી મુજ હૈયાનો હાર;
તે ઘનશામ શોધીને, તમે તેડી લાવો આ વાર. ૩૨
તે સુણી રામપ્રતાપજી, તેનો કરવા ચાલ્યા તપાસ;
જોઈ જઈ હનુમાનગઢિ, ત્યાં દિઠા શ્રીઅવિનાશ. ૩૩
કથા રામાયણ તણી, ત્યાં વંચાતી હતી તે વાર;
સાંભળવા શ્રોતા થઈ, બહુ બેઠાં હતાં નરનાર. ૩૪
ભાઈ કહે ભગવાનને, ઘેર માતા જુએ છે વાટ;
અત્યાર સુધી ન આવિયા, તેથી અતિ કરે છે ઉચાટ. ૩૫
ક્યારે આવ્યા છો અહિં તમે? એમ પૂછ્યું જેણીવાર;
સંધ્યા સમયના છે અહીં, એમ બોલ્યાં સૌ નરનાર. ૩૬
સ્નેહે કહે ઘનશામજી, જે જે દેવનાં દરશન કાજ;
નિત્ય નિયમ રાખ્યો તમે, જઈ આવો વળી અહિંયાંજ. ૩૭
એટલામાં તો થઈ જશે, આ પુરો કથાનો પ્રસંગ;
ઘેર જશું માતા કને, આપણે મળી બે સંગ. ૩૮
પછી તે રામપ્રતાપજી, ગયા ધરી હરિનું ધ્યાન;
રત્નસિંહાસન નામનું, શુભ જ્યાં છે દેવ સ્થાન. ૩૯
ત્યાં પણ શ્રીમદભાગવત, વંચાતું હતું તે વાર;
બેઠા દીઠા ઘનશામજી, વળી બીજાં ઘણાં નરનાર. ૪૦
પૂછે રામપ્રતાપજી, અહીં ક્યારે આવ્યા મહારાજ?
સંધ્યા સમયના છે અહીં, એમ બોલ્યો સકળ સમાજ. ૪૧
વિસ્મિત થઈને વિચારમાં, પડ્યા રામપ્રતાપજી ભ્રાત;
આ તે સ્વપન ભાસે મને, કે જાગ્રતની હશે વાત. ૪૨
ઘેર ચાલો ઘનશામજી, કહે રામપ્રતાપજી વેણ;
જઈ આવો બીજે દર્શને, એમ શામ બોલ્યા સુખદેણ. ૪૩
રામપ્રતાપજી પછી ગયા, નામે કોપભુવન સુરસ્થાન;
એક પગે ઉભા હરિ, ત્યાં તો મંત્ર જપે ધરી ધ્યાન. ૪૪
ક્યારે અહિં આવ્યા હરિ? એમ પૂછી લોકને વાત;
સંધ્યા સમયના છે અહીં, એમ કહે સૌ જનજાત. ૪૫
વિચર્યા એમ વીશ મંદિરે, દિઠા સર્વ સ્થળે હરિરાય;
અચરજ ઉરમાં ઉપજ્યું, તે તો વરણવ્યું નવ જાય. ૪૬
રામપ્રતાપે વિચારિયું, જાઉં હનુમાનગઢી મોઝાર;
ત્યાં શ્રીહરિ છે કે નહીં, તેનો નિશ્ચય કરું નિરધાર. ૪૭
જ્યારે જોયું વળી ત્યાં જઈ, ત્યાં તો દીઠા જગદાધાર;
રામપ્રતાપજી ભાઈએ, ત્યારે કીધો ચિત્ત વિચાર. ૪૮
અક્રૂરને જમનાજીમાં, દીધાં દર્શન જુગમ સ્વરૂપ;12
અનેક રૂપે નારદે, દિઠા દ્વારામતિના ભૂપ.13 ૪૯
એ જ રીતે કરુણા કરી, મુજ ઉપર કૃષ્ણ કૃપાળ;
અનેક રૂપે આપ થઈ, દીધાં દર્શન મુજને દયાળ. ૫૦
ભાળી મોટાભાઈને, ઘનશામ કહે શુભ પેર;
કથાપ્રસંગ પૂરો થયો, હવે ચાલો જૈયે નિજઘેર. ૫૧
ભાઈ બંને નિજ ભવનમાં, ત્યાંથી આવ્યા રૂડી રીત;
ભક્તિમાયે ભગવાનને, ચાંપ્યા છાતિમાં પ્રીત સહીત. ૫૨
દીધો વળી ઠપકો ઘણો, સુણો લાડકવાયા લાલ;
રાત વેળાના એકલે, ક્યાંઈ જાવું નહીં કોઈ કાળ. ૫૩
ઘણો ઉપદ્રવ અસુરનો, આજ દિસે અયોધ્યામાંય;
વેળાસર ઘેર આવવું, રાતે રોકાવું નહિ ક્યાંય. ૫૪
ચાર ઘડી14 રજની15 જતાં, કદી જો નહિ આવો કુમાર;
ઘરમાં નહિ દઉં પેસવા, નહિ ઉઘાડું ઘરનાં દ્વાર. ૫૫
એમ કહિને કુંવરને, વાળુ16 કરાવિયું તે વાર;
પછી પલંગે પોઢાડિયા, જગજીવન જગદાધાર. ૫૬
પછી પરીજન17 આગળે, બેસી રામપ્રતાપજી ભ્રાત;
બહુરુપે દર્શન થયાં, તે વાત કરી વિખ્યાત. ૫૭
તે સુણતાં જન સર્વને, અતિ અચરજ ઉપજ્યું ઉર;
સૌએ શ્રીઘનશામને, પુરુષોત્તમ જાણ્યા જરૂર. ૫૮
વળતી18 હરિયે વિચારિયું, મને જાણશે જો સર્વેશ;
તો સુખ પુત્રપણા તણું, નહિ લઈ શકે લવલેશ. ૫૯
પછી કર્યો પરમેશ્વરે, નિજ માયાનો વિસ્તાર;
ભુલી ગયાં દિવ્ય ભાવને, સૌ માત પિતા પરિવાર. ૬૦
બીજે દિને પણ રાત્રીયે, આવ્યા મોડા શ્રીમહારાજ;
માતાને વિનતી કરી, દ્વાર ઉઘાડવાને કાજ. ૬૧
પ્રેમવતી પણ પ્રેમથી, કહે કોણ બોલે છે બાર?
જામની19 જામ વિતી ગઈ, કોઈ હશે ચોર ચખાર. ૬૨
શ્રીહરિયે સંભળાવિયાં, નિજનામ ત્યાં રુડી રીત;
વક્ત્રોક્તિમાં20 વાળિયા, માયે ઉત્તર પ્રીત સહીત. ૬૩
શાર્દૂલવિક્રીડિતવૃત્ત
માતા હું ઘનશ્યામ21 તો વન વિષે જૈ સારી વૃષ્ટિ કરો,
માતા હું નિલકંઠ22 તો ગિરિ ચઢી ઊંચે સ્વરે ઉચ્ચરો;
માતા હું હરિકૃષ્ણ23 સિંહ કદીયે કાળો ન ભાળ્યો અમે,
માતા હું વૃષપુત્ર ધુર્વૃષનિ24 તો ધારો જઈને તમે. ૬૪
હું છું ધર્મતનૂજ25 પુત્ર ન હતો તે ભીમના ભાઈને,
માતા હું હરિ26 છું વસો સ્વરગમાં તો ચિત્તમાં ચાઈને;
હું છું ભક્તિતનૂજ ભક્તિ સુત તો વૈરાગ્ય ને જ્ઞાન છે,
વક્ત્રોક્તિ સુણી સ્નેહયુક્ત હૃદયે રીઝ્યા કૃપાવાન છે. ૬૫
પુષ્પિતાગ્રાવૃત્ત
પછી ઉઠી જનની ઉઘાડી દ્વાર, નિજ ઉર સાથ લગાવીને કુમાર;
લઈ નિજ ઘરમાં કરાવ્યું વાળું, ચિતવન યોગ્ય ચરિત્ર આ રુપાળું. ૬૬
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિ અનેકરૂપદર્શનનામા દ્વાદશો વિશ્રામઃ ॥૧૨॥