વિશ્રામ ૧૩
પૂર્વછાયો
એક સમે અલબેલડે, ચોરી ભાભીની અંગુઠી જેહ;
તે લીલા તમને કહું, નરનાથ સુણો ધરી નેહ. ૧
ચોપાઈ
એક સમય મળી સહુ મિત્ર, ગયા નાવાને સર્યું પવિત્ર;
નાઇ વસ્ત્ર પવિત્ર પહેરી, દેવદર્શને ચાલ્યા લહેરી. ૨
વળી કરતા રમત રુડી પેર, પ્રભુજી આવ્યા પોતાને ઘેર;
ઘેર બીજું દીઠું નહીં કોઈ, કરતાં હતાં ભાભી રસોઈ. ૩
તેની પાસે જઈને તે સ્થાન, માગ્યું ભોજન શ્રીભગવાન;
એનાં વચન અમૃત સમાન, સુણ્યાં ભાભીયે સ્નેહથી કાન. ૪
પછી બોલ્યાં સુવાસિની બાઈ, બેસો ભોજન આપીશ ભાઈ;
થાવા આવી રસોઈ તૈયાર, પણ કાંઈક છે હજી વાર. ૫
એવાં સાંભળી વચન વિચિત્ર, ઇચ્છ્યા કરવા મનુષ્યચરિત્ર;
કહ્યું લાગી છે મુજને ભૂખ, આપો ખાવા તો ઉપજે સુખ. ૬
ત્યારે બોલ્યાં સુવાસિની બાઈ, ચણા પૌવા ખાવા આપું ભાઈ;
કહો તો આપું સુખડી સારી, આપું મગદળ જાઉં બલહારી. ૭
સુણી બોલિયા શામ શ્રી મુખ, આપો પેંડા તો ભાંગે જ ભૂખ;
બોલ્યાં સુવાસિની તેહ ઠામ, પેંડા ઘરમાં નથી ઘનશામ. ૮
પછી ભાભી સુવાસિની કેરી, એક મુદ્રિકા હરિયે હેરી;1
હતી ભાભીની પાસે પડેલી, સાવ સોનાની નંગે જડેલી. ૯
લઈ મોહને વાળી છે મુઠી, ત્યારે ભાભી પકડવાને ઉઠી;
દોડ્યા શ્રીહરિ ચંચળ થૈને, ભાભી પકડે છે પાછળ જૈને. ૧૦
જે છે સર્વજગતના ત્રાતા,2 પરમેશ્વર નથી પકડાતા;
ભાભી અંગુઠી લેવાને તાક્યાં, પણ પાછળ દોડીને થાક્યાં. ૧૧
કહે અંગુઠી લઈને શું કરશો? ઠાલા ચોર તમે શીદ ઠરશો;
કહે શ્રીહરિ ચૌટે જઈશ, આપી અંગુઠી પેંડા લઈશ. ૧૨
અમો મિત્રો મળીને તે જમશું, પછી રાજી થઈ ભેળા રમશું;
કહે ભાભી જશો પત3 ખોઈ, એવું કામ કરે નહિ કોઈ. ૧૩
તમે ચોરી કરી કહેવાશે, વાત વિશ્વ વિષે તે વંચાશે;
લોક કે’શે અંગુઠીનો ચોર, નામ પાડશે નગુણો નઠોર. ૧૪
ગામોગામ આ ચોરી ગવાશે, તેથી લજ્જા તમારી તો જાશે;
આવો કરશો તમે અન્યાય, કોણ દેશે પછીથી કન્યાય. ૧૫
ભવ આખો રહેશો બ્રહ્માચારી, નિંદા કરશે ઘણાં સંસારી?
કે’શે બાળપણે ચોરી કીધી, તેથી કન્યા કોઇયે નવ દીધી. ૧૬
હસી બોલ્યા ત્યારે હરિરાય, નથી જોતી અમારે કન્યાય;
ચોરી છો4 ગામોગામ ગવાય, તેથી લજ્જા અમારી ન જાય. ૧૭
આવાં કરું ચરિત્ર હું જ્યારે, મને સંભારે સૌ જન ત્યારે;
માટે વિચરીને ઠામોઠામ, એવાં કરવા ઇચ્છું છું હું કામ. ૧૮
એવાં વચનમાં મર્મ છે જેહ, જાણે તત્ત્વજ્ઞ મુનિવર તેહ;
વળી ભાખે ભલાં તે ભોજાઈ, માનો મારું કહ્યું સુખદાઈ. ૧૯
ભાઈ ખીજશે તમને તમારા, માટે માનો દિયરજી મારા;
બહુ ખીજશે તમને બાપો, માટે સમજીને અંગુઠી આપો. ૨૦
માતાજી માર મારશે તમને, માટે આપોજી અંગુઠી અમને;
એમ કહીને પુર્યા ઘરમાંય, કર્યાં બારણાં બંધ તે ત્યાંય. ૨૧
હરિને આવરણ નવ આવે, એમ વેદ પુરાણ બતાવે;
રહ્યાં બારણાં બંધ તે ઠામ, દીઠા ચોક વિષે ઘનશામ. ૨૨
લઇ મુદ્રિકા કરમાં5 દેખાડે, એમ ભાભીને મોહ પમાડે;
હતું જાળિયું ઘરનું એક, જોયું ભાભીયે ત્યાં જઈ છેક. ૨૩
ત્યાં તો ઘનશામને દીઠા ઘરમાં, ઊભા અંગુઠી દેખાડે કરમાં;
અતિ અચરજ ઉરમાં પમાડ્યું, ત્યારે ભાભીયે બાર ઉઘાડ્યું. ૨૪
હરિ નાઠા અંગુઠી લઈને, ભાભી પકડી શક્યાં નહિ જઈને;
દિવ્યભાવથી અચરજ આવે, વળી તે હરિ માયા ભુલાવે. ૨૫
ગયા ચૌટામાં શ્રીહરિ સીધા, આપી અંગુઠીને પેંડા લીધા;
પછી મિત્રોની મંડળી મળી, ગયા વાડિયે એકાંતે વળી. ૨૬
જમ્યા ત્યાં સખા સૌ મળી સાથે, પેંડા પિરસ્યા હરિવરે હાથે;
બ્રહ્માદિકને છે દુર્લભ જેહ, જમ્યા સર્વે પ્રસાદીને તેહ. ૨૭
મન વાણી અગોચર જે છે, તે તો બાળચરિત્ર કરે છે;
જેને આગમ નિગમ વખાણે, તેને મૂર્ખ જનો નહિ જાણે. ૨૮
હઠજોગે ન દેખે હઠીલા, કરે તે પ્રભુ મનુષ્ય લીલા;
જોગી જે માટે વનમાં ભમે છે, તે તો બાળકો સાથ રમે છે. ૨૯
બેસે બાળક મંડળી મળી, આપે સર્વને ઉપદેશ વળી;
ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાત, સંભળાવે હરિ સાક્ષાત. ૩૦
જન જાણે જે રમત કરે છે, પ્રભુ પૂજાવિધિ શિખવે છે;
ક્યારે કોઈને ઘ્યાન ધરાવે, કોઈને તો સમાધિ કરાવે. ૩૧
તેને ગોલોક આદિક ધામ, સર્વ દેખાડે શ્રીઘનશામ;
કરે જાગીને બાળક વાત, પ્રભુ ધામની તે સાક્ષાત. ૩૨
જનો સુણવા રહે તેહ ઠામે, મોટા પંડિત અચરજ પામે;
કોઈ ટાણે રમત એવી કરે, પોતે શ્રીપુરુષોત્તમ ઠરે. ૩૩
થાય બાળક એક બ્રહ્માય, બીજો વિષ્ણુરૂપે વળી થાય;
ત્રીજો તો કહે શંકર હું છું, પ્રલેકાળમાં પ્રલય કરું છું. ૩૪
કોઈ નારદ ઉદ્ધવ નામ, કોઈ વરુણ ઠરે તેહ ઠામ;
કોઈ તો કહે હું છું ગણેશ, કોઈ તો કહે હું છું સુરેશ. ૩૫
કોઈ તો કહે હું શેષ નાગ, કહું હરિનાં ચરિત્ર અથાગ;
થાય કોઈ કુબેર ભંડારી, કોઈ સૂર્ય શશી નામ ધારી. ૩૬
થાય બાળ બીજા દેવો જેવા, સર્વ શ્રીહરિની કરે સેવા;
ઘનશામની આજ્ઞા પ્રમાણે, સહુ કામ કરે તેહ ટાણે. ૩૭
રહે આજ્ઞા વિષે તે આધીન, કરે કોઈ સ્તુતિ થઈ દીન;
કોઈ તો કહે હે મહારાજ! અમારા બ્રહ્માંડમાં આજ. ૩૮
કળિકાળ અતિ ઘણો વ્યાપ્યો, તેણે વેદનો ધર્મ ઉથાપ્યો;
ઘણા પાખંડી ચાલ્યા છે પંથ, ગૂંથ્યા મદ્યના મહિમાના ગ્રંથ. ૩૯
ગુરુઓ કરે છે વ્યભિચાર, વળી આચરે છે અનાચાર;
માટે આપ કૃપા ઉર ધારો, આજ બ્રહ્માંડ માંહિ પધારો. ૪૦
સત્ય વેદનો ધર્મ તે થાપો, અતિ ઘોર અધર્મ ઉથાપો;
સ્તુતિ એવી સુણી જગદીશ, આપે વરદાન આપે આશીશ. ૪૧
એવી રમત નિહાળવા આશે, આવે અમર ચઢીને આકાશે;
ખેલ દેખીને અચરજ પામે, પુષ્પ વૃષ્ટિ કરે તેહ ઠામે. ૪૨
એમ ઉચરે દેવો આકાશી, ધન્ય ધન્ય અવધપુરવાસી;
તેનાં પુણ્ય તણો નહિ પાર, ખેલે જ્યાં હરિ જગદાધાર. ૪૩
કરે ખેલ નવા નવા નિત્ય, રહે નિરખવા ઇંદુ આદિત્ય;
હું તે કેટલા કહી સંભળાવું, ન ગણાય ગણ્યા શું ગણાવું. ૪૪
છોટા ભાઈ છે જે ઇચ્છારામ, તેને તેડી રમાડે છે શામ;
વળી રામપ્રતાપના પુત્ર, નંદરામ છે પરમ પવિત્ર. ૪૫
પાંચ વર્ષની ઉંમર એની, પણ બુદ્ધિ સારી બહુ તેની;
ટાણે જમવાને આવે તે જ્યારે, કહે બાઈ સુવાસિની ત્યારે. ૪૬
કૃષ્ણ કાકાને બોલાવી લાવો, સાથે બે જણ જમવાને આવો;
પછી જાય તહાં નંદરામ, તેની સાથે આવે ઘનશામ. ૪૭
જેવી જોડી અશ્વિનીકુમાર, તેવી જોડ શોભે તેહ ઠાર;
ચંદ્ર સૂર્યની જોડ ગણાય, એવી જોડ તે બેની જણાય. ૪૮
બન્ને જણની છે ઉંમર મળતી, ભલી પ્રકૃતિ પણ આવે ભળતી;
તેથી ઉપજી પરસ્પર પ્રીત, સાથે રમે જમે રુડી રીત. ૪૯
વસંતતિલકાવૃત્ત
જેનો સ્વભાવ મળતો વળી એક જાત,
ધર્માદિ એક મળતી વળી રીત ભાત;
તુલ્યે જણાય વયમાં મળતાં જ ચિત્ત,
તો તેહ માંહિ ઉપજે પરિપૂર્ણ પ્રીત. ૫૦
હે ભૂપ એક વળી વાત ભલી સુણાવું,
છે જાણવા સરખી તે તુજને જણાવું;
એવાં ચરિત્ર હરિનાં શ્રુતિ શાસ્ત્ર ગાય,
જે સાંભળી પરમ ભક્ત પ્રસન્ન થાય. ૫૧
સુવાસિની સતિ સુભાગ્યવતી ગણાય,
જે શામનાં ચરણ ચિત્ત વિષે ચહાય;
શ્રીકૃષ્ણને કદીક મજ્જન6 તે કરાવે,
પ્રત્યંગ7 પેખી રમણીય રુદે ઠરાવે. ૫૨
ત્યાં એકદા8 ચરણમાં શુભ ચિહ્ન જોઈ,
જાણ્યું મહાપુરુષ આ સદભાગી કોઈ;
બે હાથ જોડી હરિની વિનતિ ઉચારી,
લેજો પ્રતાપી થઈ સુધ9 તમે અમારી. ૫૩
છે આપના ચરણમાં શુભ ચિહ્ન કેવાં,
રાજ્યાદિ શ્રેષ્ઠ અધિકાર મળે જ એવાં;
ત્યારે કહે હરિ કદી મળશે સુરાજ,
સોંપીશ તેહ તવ પુત્ર કરે10 સમાજ. ૫૪
વિદ્વાન મૂર્ખ નર છે શુભ કે નઠારો,
સંતોષી કે અધિક લાલચ રાખનારો;
દૈવી તથા અસુર અંશ જ જીવ એ છે,
તે ચિહ્નથી જન પરીક્ષક જાણી લે છે. ૫૫
જો દિવ્યભાવ નિરખે મન જાદુ જાણે,
વૈરાગ્યવાન નિરખી કપટી પ્રમાણે;
વાચાળ છે બહુ કહે ઉપદેશ દેતો,
આસુરી સત્પુરુષનો નથી ગુણ લેતો. ૫૬
પુષ્પિતાગ્રાવૃત્ત
અતિ જુગ જુગ જન્મ નાથ લે છે, કવિવર એમ પુરાણમાં કહે છે;
તદપિ નહિ જ મૂર્ખ લોક માને, મુનિમુખ વાત સુણે કદી ન કાને. ૫૭
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિ-મુદ્રિકાહરણનામા ત્રયોદશો વિશ્રામઃ ॥૧૩॥