વિશ્રામ ૧૪
ઉપજાતિવૃત્ત
સુણો વળી પ્રીત ધરી ઘણેરી, લીલા કહું છું તરગામ કેરી;
બહુ ફર્યા છે હરિ બાળવેશે, દયા કરીને સરવાર દેશે. ૧
જ્યાં જ્યાં જઈને હરિ પાવ ધાર્યો, તે તે સ્થળોનો મહિમા વધાર્યો;
પવિત્ર તે તો પૃથિવી ગણાય, તે મર્મ દૈવી જનને જણાય. ૨
સારું વસે છે તરગામ જ્યાંય, વસે દવેજી બળદેવ ત્યાંય;
ત્યાં સાસરું રામપ્રતાપજીનું, છે જન્મનું સ્થાન સુવાસિનીનું. ૩
વિચારિયું તે બળદેવ બાપે, તેડાવું હું પુત્રી જમાઈ આપે;
મળ્યા પછી છે ષટ વર્ષ વીત્યાં, સુખી હશે કે દુઃખમાં રહી ત્યાં. ૪
મા તેની તેને મળવા ચહે છે, તેડાવવાનું મુજને કહે છે;
નાંખે નિસાસા થઈને નિરાશ, કરું જ તેની પરિપૂર્ણ આશ. ૫
સુપુત્ર લાગે પ્રિય તો પિતાને, પુત્રી વિશેષે પ્રિય હોય માને;
જે પુત્રી કેરી મરી જાય માય, પિતા છતાં પીયર વ્યર્થ થાય. ૬
એવી ઘણી અંતર વાત આણી, લક્ષ્મીપ્રસાદાખ્ય સુપુત્ર જાણી;
કહ્યું અયોધ્યાપુરમાં સિધાવો, કુટુંબ સુદ્ધાં વૃષ તેડી લાવો. ૭
શ્રીધર્મને ભાખી1 પ્રણામ મારો, પ્રેમે કહેજો મળવા પધારો;
મળ્યા પછી વાસર કૈક વિત્યા, માટે કરે છે મળવાની ચિંતા. ૮
પૂરી વધે છે મળવાથી પ્રીત, સદૈવ સંસારિક એવી રીત;
મળ્યા વિના હેત નહીં જણાય, સગાઇ જાતે દિન જૂની થાય. ૯
લક્ષ્મીપ્રસાદે ઉર વાત ધારી, પછી અયોધ્યાપુરમાં પધારી;
વૃત્તાંત સર્વે કહી ધર્મ પાસ, વળી કર્યો ત્યાં દિન ચાર વાસ. ૧૦
એણે ઘણો આગ્રહ એમ કીધો, ત્યારે વૃષે ઉત્તર એમ દીધો;
જાઓ લઈ રામપ્રતાપજીને, સપુત્ર તે સાથ સુવાસિનીને. ૧૧
આજ્ઞા દીધી રામપ્રતાપજીને, શિક્ષા તણાં વાક્ય રુડાં કહીને;
કુટુંબ લૈ સાસરિયે સિધાવો, થોડા વસી વાસર2 ઘેર આવો. ૧૨
જો સાસરે માસ વિશેષ જાય, તો આળસુ તેનું શરીર થાય;
જો વિષ્ણુ જૈ ક્ષીરસમુદ્ર પાસ, પોઢી રહે છે તહિં ચાર માસ. ૧૩
સન્માન લે આદ્ય દિને જમાઈ, બીજે દિને તેની નહીં નવાઈ;
જાણે ત્રીજે વાસર કેદી જાય, ચોથે દિને તો તૃણતુલ્ય થાય. ૧૪
સગાં ભલાં છે તરગામ કેવાં, દૃષ્ટાંત એને ન ઘટે જ એવાં;
તથાપિ ઝાઝું નહિ ત્યાં રહેવું, સુજાણને શું વધતું કહેવું. ૧૫
જો સાસરે સાસુ સુવિદ્યમાન,3 પામે ભલું તો જ જમાઈ માન;
સાસુ વિના સાસરિયું જ કેવું, મીઠા વિના ભોજન મોળું જેવું. ૧૬
એવી સુણી શીખ લીધી પિતાની, આજ્ઞા લીધી જૈ વળી ભક્તિ માની;
સુવાસિની ત્યાં વદિ સ્નેહભાવે, હું તો જઉં જો ઘનશામ આવે. ૧૭
ત્યાં ભક્તિમાયે કરુણા કરીને, જવાની આજ્ઞા કરી શ્રીહરિને;
માયે કહ્યું સર્વસ દ્રવ્ય મારું, પ્રત્યક્ષ તે તો ઘનશામ ધારું. ૧૮
આ મૂર્તિને દેખીશ હુંય જ્યારે, નિરાંત થાશે મુજ ચિત્ત ત્યારે;
માટે જઈને ઝટ ઘેર આવો, સંભાળી સારે શુકને સિધાવો. ૧૯
તે દંપતિયે મળી માત પાસ, એવી વળી વાણી કરી પ્રકાશ;
ત્યાં કોઈને મોકલશો અહીંથી, તે સાથ સર્વે વળશું તહીંથી. ૨૦
સુવાસિની લૈ જુગ બાળ ત્યાંય, સાથે બિરાજ્યાં સુખપાલ માંય;
સાળો બનેવી ચડી જોડ ઘોડે, સ્નેહે સિધાવ્યા સુખપાલ જોડે. ૨૧
સર્જુ નદીને તટ સ્વર્ગદ્વાર, ત્યાં નાવમાં બેસી ગયાં સુપાર;
આવ્યું જતાં શેજાર નવાબગંજ, રુડું દિસે છે અતિ ચિત્તરંજ.4 ૨૨
તે મારગે થૈ કરીને પ્રવાસ, કંડૈલ ગંજે કરી રાત વાસ;
બીજે દિને તો તરગામ આવ્યાં, સર્વે સગાંને સુખ ઉપજાવ્યાં. ૨૩
જમે રમે ને હરિકીર્તિ ગાય, આનંદમાં વાસર વીતિ જાય;
મહાપ્રભુનું મુખડું નિહાળી, ભાવે રહે છે પુરલોક5 ભાળી. ૨૪
ધનાઢ્ય છે તે બળદેવ આપે, સુકીર્તિ પામ્યા ધનને પ્રતાપે;
તે પ્રાંતમાં છે બહુ ગામ ગામ, સગાં સનેહી જન ઠામઠામ. ૨૫
મેજામાનને ઉત્તમ માન દેવા, આવે જનો ભોજનનું કહેવા;
બે પક્ષ6 સુધી બળદેવજીયે, માન્યું ન આમંત્રણ તે કદીયે. ૨૬
ત્યાં બાળકોમાં હરિ જૈ રમે છે, તે ગામનાં સૌ જનને ગમે છે;
દિસે પ્રભુની છબી ચિત્તચોર, જોવા જનોનો બહુ થાય નોર.7 ૨૭
સર્વે જનો જોઈ પ્રસન્ન થાય, પોતા તણે આંગણ તેડી જાય;
ત્યાં બાળની મંડળીને રમાડે, પાડોશીને હર્ષ ઘણો પમાડે. ૨૮
તેવી રીતે તે તરગામ માંહી, ફર્યા હર્યા શામ સમર્થ ત્યાંહી;
કોઈ તણે ઘેર જમ્યા જઈને, કોઈ તણે ઘેર રમ્યા રહીને. ૨૯
ઘરોઘરે ને વળી વાટ ઘાટે, શેરી બજારે વળી ચોક હાટે;8
પ્રસાદીની ત્યાં રજ સર્વ કીધી, પવિત્રતા અક્ષરતુલ્ય દીધી. ૩૦
હે ભૂપ ત્યાં અદ્ભુત એક કામ, કર્યું પ્રભુ તે કહું આજ ઠામ;
દેખાડિયો શ્રીહરિ દિવ્યભાવ, લીધો તહાંના જન શ્રેષ્ઠ લાવ. ૩૧
રથોદ્ધતાવૃત્ત
વાડી રૂડી બળદેવજી તણી, ગામપાસ દિશિ નૈરુતી ભણી;
એક કાળ મળી સર્વ ત્યાં ગયા, દેખી રૂડી રચના ખુશી થયા. ૩૨
આંબુ જાંબુ કદળી અપાર છે, અંજીરો પનસ ને અનાર છે;
પુષ્પછોડ પણ ભાતભાતનાં, સાગ આદિ તરુ જાતજાતનાં. ૩૩
ત્યાં ઉજાણી કરીને સહુ જમ્યા, નંદરામ હરિ બાળમાં રમ્યાં;
જ્યાં હતી અધિક વાવી ચીભડી, ત્યાં ગયા જ ઘનશ્યામ તે ઘડી. ૩૪
તે સ્થળે મજુર નીંદતા હતા, ત્યાં કરી હરિવરે મનુષ્યતા;
ખેંચી ખેંચી જડ9 ચીભડી તણી, નાશ કીધી તહી વેલડી ઘણી. ૩૫
તે મજૂર જન જ્યાં જુએ જઈ, દીઠી નાશ બહુ ચીભડી થઈ;
ત્રાસ પામી મનમાં મુંઝાઈને, જૈ કહ્યું તરત જ્યેષ્ઠ ભાઈને. ૩૬
જ્યેષ્ઠ ભાઈ અતિ રીસ આણીને, પાસ તેડી પછી પદ્મપાણિને;10
ત્રાસ આપી કથનો ઘણાં કહ્યાં, શ્યામ આંખ થકી આંસુડાં વહ્યાં. ૩૭
લાગી લાલ તણી કાય કંપવા, જીવ થીર નવ થાય જંપવા;
સત્ય વાત ઠરી જે ગુનો કર્યો, એક શબ્દ નવ જાય ઉચ્ચર્યો. ૩૮
જેની દૃષ્ટિ થકી કાળ તો ડરે, તે પ્રભુજી ભય ભાઈનો ધરે;
કેવી છે અકળ ઈશ્વરી કળા, ભૂલી જાય મુનિયો ભલા ભલા. ૩૯
ભાઈ સોટી ધરી હાથ મારવા, લાગીયા હરિમુખે ઉચારવા;
મેં કશુંય નથી કામ તે કર્યું, એ મજૂર મળી જૂઠ ઉચ્ચર્યું. ૪૦
બોલિયો મજુર સાક્ષી છે સહુ, સત્ય વાત સમ ખાઈને કહું;
હોય જૂઠ કદી શબ્દ માહરો, દંડયોગ્ય નક્કી તો ઠરું ખરો. ૪૧
ભાઈ સાથ ઘનશામને લઈ, તે સ્થળે તરત જોઇયું જઈ;
અલ્પમાત્ર નુકશાન ના દિઠું, વેણ તે મજુરનું પડ્યું જુઠું. ૪૨
સૌ મજૂર મનભ્રાંતિ થૈ ગઈ, સાજી કેમ સહુ વેલિયો થઈ?
વાત એક મજુરે તહાં કહી, બાળ દેવ નક્કી માનવી નહીં. ૪૩
સાજી થાય નહિ વેલ આપથી, તે થઈ કુંવરના પ્રતાપથી;
બોલી બોલ બહુ નમ્ર બાપડા, સૌ મજુર પ્રભુને પગે પડ્યા. ૪૪
ભ્રાતચિત્ત ઝટ મર્મ આવિયો, દિવ્યભાવ હરિયે જણાવિયો;
ઘેર આવી બધી વારતા કહી, હર્ષમાં ન કશીયે મણા રહી. ૪૫
વાત સર્વ પસરાઇ ગામમાં, તેથી લોક બળદેવ ધામમાં;11
આવી આવી હરિને બહુ નમે, ભીડ થાય ઘર પાસ તે સમે. ૪૬
પુષ્પિતાગ્રાવૃત્ત
હરિવર તરગામમાં રહીને, પુનિત કરી તરગામની મહીને;12
અધિક ચરિત તે તને કહીશ, નરપતિ જો અતિ નેહથી સુણીશ. ૪૭
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિસ્વપ્રતાપ-દર્શનનામા ચતુર્દશો વિશ્રામઃ ॥૧૪॥