કળશ ૨

વિશ્રામ ૧૫

 

પૂર્વછાયો

હે રાજા સુણ સ્નેહથી, વળી વર્ણવું બાળચરિત્ર;

તરગામમાં રહી ત્રિકમે, કરી લીલા લલિત વિચિત્ર. ૧

ચોપાઈ

તરગામથી નૈરુત ભાગે, એક સારી તલાવડી લાગે;

ગંગાજળ જેવું નિરમળ નીર, તરુવર ઘણાં તેહને તીર. ૨

પ્રભુ બાળક મંડળી લઈને, જળકેળી1 કરે તહાં જઈને;

એક દિવસ ગયા ત્યાં નાવા, બહુ બાળ આવ્યા’તા બોલાવા. ૩

પેસી જળમાં સખા સંગ પ્રીતે, જળકેળી કરી રુડી રીતે;

કોઈ તો મત્સ્યની પેરે અંગ, ઊંડા નીરમાં મારે સળંગ. ૪

કોઈ જળકુકડી સમ થાય, મારી ડૂબકી દૂર દેખાય;

મગરી જેમ પુંછ પછાડે, તેમ બીજાને પાટુડી મારે. ૫

કોઈ કાચબા તુલ્યે વિચરે, કોઈ હાથ ઉંચા પગે તરે;

જેમ વિપ્ર કરે ઉપસ્થાન,2 શોભે તે બાળ તેહ સમાન. ૬

કોઇ દાદુરની પેરે3 કૂદે, કોઈ જાય તરી પથ જૂદે;

કોઈ સર્પ પેરે વાંકો ચાલે, કોઈ બગ સમ બીજાને ઝાલે. ૭

કોઈ હંસ બરાબર થઈ, બેસે કમળની ઉપર જઈ;

કોઈ ભમર થઈ કરે ગાન, ભાળી રીઝે છે શ્રીભગવાન. ૮

કરે હોડ4 અનેક પ્રકાર, કોણ જળમાં રહે ઝાઝી વાર;

કોણ તરતાં આગળ વધી જાય, કોણ પકડતાં નવ પકડાય. ૯

ઉંધી ખાટલીને જ આકાર, કોઈ તો તરે છે ઝાઝી વાર;

તરે કોઈ તો પલાંઠી વાળી, થાય વિસ્મિત સૌ જન ભાળી. ૧૦

ઝાડ ઉપર ઉંચે ચડે છે, ત્યાંથી ખાઈ ગોલાંટ પડે છે;

જળકેળી તે જોવાની આશે, આવે અમર ચઢીને આકાશે. ૧૧

આવે દર્શને મુનિવર વૃંદ, લીલા નિરખીને પામે આનંદ;

કોઈ મુક્ત બની બાળ અંગ, જળકેળી કરે હરિ સંગ. ૧૨

કાળીદત્ત તણો કોઈ સગો, આવ્યો હરિસંગ કરવાને દગો;

માયા આસુરી તે જાણનારો, જંત્ર મંત્ર જાણે જાદુગારો. ૧૩

કાળીદત્તનું વાળવા વેર, પાપી આવ્યો ઝાઝું ધરી ઝેર;

જળકેળી કરે હરિ જ્યાંય, બેઠો તાકીને તે ખળ ત્યાંય. ૧૪

તરુ ઉપર બાળકો ચડે, પછી તે પાણી ઉંડામાં પડે;

ચડ્યા જે ઝાડ પર પરમેશ, તેમાં પાપીએ કીધો પ્રવેશ. ૧૫

કરી ખડગના સરખો ખાંપો, કૃષ્ણ કેરા સાથળમાં ચાંપ્યો;

તસુ5 પેઠો તે ઉરુ6 મોઝાર, કાઢતાં ચાલી લોહીની ધાર. ૧૬

હરિ હળવેશું ઊતર્યા હેઠા, મળી મિત્ર તરુ તળે બેઠા;

પાટો બાંધી લીધો રુડી પેર, પછી સૌ મળીને ગયા ઘેર. ૧૭

જાણ્યું હરિયે અસુરનું એ કામ, તોય ક્રોધ ન કીધો તે ઠામ;

એમ ધાર્યું શ્રીધર્મને લાલે, તેને ફળ મળશે કોઈ કાળે. ૧૮

ક્ષમાસાગરે બહુ ક્ષમા કીધી, એવો કોણ બીજો ક્ષમાનિધિ;

દશ દિવસે તે રુઝાયો ઘાય, પણ ચિહ્ન પડી રહ્યું ત્યાંય. ૧૯

જ્યારે ચિહ્ન તે દેખતા સ્વામી, ત્યારે બોલતા અંતરજામી;

જ્યારે ચિહ્ન આ નજરે ચડે છે, ત્યારે તે તરુ સર સાંભરે છે. ૨૦

પૂર્વછાયો

તરરૂપી તરગામ છે, હરિ જોવા ઉલટ્યું ત્યાંય;

ભૂપ કહે શું રત થયું, કહે વર્ણી પ્રભુ પદમાંય. ૨૧

લીલા કહી તરગામની, મેં ભાવ ધરીને ભ્રાત;

આસપાસના ગામમાં, વળી વિચર્યા તે કહું વાત. ૨૨

સ્નેહી સગાં બળદેવનાં, જેઓ રહે જુદે જુદે ગામ;

તેઓ શ્રીરામપ્રતાપને, આવે નોતરું દેવા કામ. ૨૩

ભોજન કારણ ભાવથી, સહ કુટુંબ તેડી જાય;

શ્રીહરિની છબી જોઈને, ગામોગામ વધ્યો મહિમાય. ૨૪

નામ કહું તે ગામનાં, તમે સુણો અભેસિંહ ભ્રાત;

મુંડાડીહા એક છે, બીજું બેશહુ પુર પ્રખ્યાત. ૨૫

રુડું રણિયાપુર વળી, ફર્શરામ પુર છે નામ;

સુહેલવા ને વેણિપુર, વળી ચૌરી અકમા ગામ. ૨૬

ભમૈચા ને ભેટવરા, ગામ કીનકી આદિક જેહ;

ભોજન કાજ પધારીને, કર્યાં પાવન પ્રભુયે તેહ. ૨૭

દક્ષિણમાં તરગામથી, એક આંબલીયા છે ગામ;

મિત્ર વસે બળદેવના, તેનું મંછામિશર છે નામ. ૨૮

સુત તેનો શિવદીન છે, બીજો સુફળ પણ શૂરવીર;

તાતે કહ્યું તે બેયને, તેડી લાવો ધરમકુળ ધીર. ૨૯

તે તો ગયા તરગામમાં, સૌને નોતરું દેવા કામ;

આગ્રહ ત્યાં અતિશે કર્યો, તેડી જવા આંબલીયા ગામ. ૩૦

કુટુંબ સહિત પધારિયા, રામપ્રતાપજી તે ઠામ;

ભમૈચા કિનકી થઈ ગીયા, ચૌરી આંબલીયા ગામ. ૩૧

જ્યાં જ્યાં થઈ હરિ જાય છે, વધે આનંદ ત્યાં આસપાસ;

સૂરજનો રથ સંચરે, ત્યાં પડે છે જેમ પ્રકાશ. ૩૨

મૂર્તિ મનોહર માવની, જોવા લોચન મન લોભાય;

માણસ કે પશુ પક્ષી પણ, છબી નિરખવા સ્થિર થાય. ૩૩

આંબલીયામાં એક દિન, સૌને રાખ્યાં રુડી રીત;

ભાવતાં ભોજન પાન દીધાં, પુરી ધરી મન પ્રીત. ૩૪

બીજે દિન સનમાન દૈ, પછી કીધાં સૌને વિદાય;

ઉત્તરમાં ખજુહા સરોવર, નાયા જઈને ત્યાંય. ૩૫

ત્યાંથી કમળ કમનીય7 લઈ, હેતે આપ્યું હરિને હાથ;

વળી વિચરીને આવિયા, તરગામમાં સૌ સાથ. ૩૬

ચોપાઈ

ભક્તિમાતાની બેન વસંતા, ભાગ્યાશાળી ભલી ગુણવંતા;

ગામ અશોકપુરમાં રહેલી, બલધી દવેને પરણેલી. ૩૭

કાંઈ સંકટ આવિયું ત્યાંય, વસ્યાં બલમપડરી માંય;

તેઓ આવિયાં તેડવા કાજ, તરગામમાં જ્યાં મહારાજ. ૩૮

બીજી બેહેન જે ચંદન નામ, તેના સાસરાનું કહું ગામ;

પ્રગણું તરહર પરમાણો, ગુદહાબરવી ગામ જાણો. ૩૯

સરદાર પાંડે તેના સ્વામી,8 આવ્યા તેડવા તે મુદ પામી;

ભક્તિમાત તણા જેહ ભાઈ, જેની ગેલહી સંજ્ઞા9 ગણાઈ. ૪૦

તેના પુત્ર જે બે કહેવાય, ગવરી અને બદરી ગણાય;

આવ્યા લોહસિસાગામ થકી, ધર્મવંશીને તડવા નકી. ૪૧

કહે સૌને શ્રીરામપ્રતાપ, અમે આવશું જાઓ જી આપ;

એમ કહીને વિદાય તે કર્યા, પછી રામપ્રતાપ સંચર્યા. ૪૨

સાથે પત્નિને શ્રીઘનશામ, કર્યો પડરીયે પ્રથમ વિરામ;

ત્યાંથી લોહસીસે પછી ગયા, ત્યાં તો બે ત્રણ દિવસ તે રહ્યા. ૪૩

અસુરાંશ હતો તહાં એક, આળ10 કરતો હરિને અનેક;

તેને એક સમે મુનિનાથે, પકડીને પછાડિયો હાથે. ૪૪

તેથી કાંડું તેનું ખડી ગયું, તેણે જઈને જનો પાસે કહ્યું;

વાત કોઈ થકી ન મનાય, કહે બાળકથી તે શું થાય? ૪૫

મહિમા પ્રભુનો જેહ જાણે, તે તો વાત તે સાચી પ્રમાણે;

પછી ત્યાંથી કરીને પ્રયાણ, પડરી ગયા પાંડે સુજાણ. ૪૬

ત્યાંથી ગોંડે ગયા ગુણાગાર,11 ગયા ટેડી નદી તણે પાર;

ગુદહાબરવી ગામ ગયા, તરગામ આવી પાછા રહ્યા. ૪૭

પૂર્વછાયો

ભક્તિમાતા ભગવાનને, મળવાને મન અકળાય;

વારે વારે કહે ધર્મને, હવે તેડવાને કોણ જાય? ૪૮

તનુજ કાળુ ત્રિવાડીના, જેનું નામ રુડું વિશ્રામ;

તે મળવા વૃષદેવને, પોતે આવ્યા અવધ્યપુર ધામ. ૪૯

ભક્તિમાતા તેને કહે, તમે વિચરો મારા વીર;

તેડી લાવો તરગામથી, હરિ વિના ધરાય ન ધીર. ૫૦

રુડા રામપ્રતાપને, તેડી લાવો કુટુંબ સહીત;

આવ્યાની અવધ થકી થયા છે, વાસર અધિક વ્યતીત. ૫૧

ચોપાઈ

એવું સાંભળી ભક્તિના ભાઈ, બોલ્યા જઈશ હું તેડવા બાઈ;

એક સાથે લીધો સુખપાલ, ચાલ્યા વિશ્રામજી તતકાળ. ૫૨

વાટે જાતાં કરે છે વિચાર, આજ ભેટશે ભક્તિકુમાર;

સુખસાગર સુંદરશ્યામ, કેવા દેખીશ હું ઘનશામ? ૫૩

જેની મૂર્તિ વિષે મન પ્રોઈ, જન જાતી રહે સહુ જોઈ;

મેં તો દીઠા હતા છેક છોટા, હવે તો તે થયા હશે મોટા. ૫૪

છપૈયામાં ચમત્કાર કરી, લીધાં સર્વે તણાં મન હરી;

છપૈયાના રુડા સમાચાર, મને પૂછશે ધર્મકુમાર. ૫૫

હેતે હરિને ખોળામાં ધરીશ, વળી ચુંબન ગાલે કરીશ;

આવી ઉભા રહી મુજ સામા, મને કહેશે મહાપ્રભુ મામા. ૫૬

એ છે જગદિશ જગદાધાર, એનો પામે નહીં કોઈ પાર;

જ્યારે તે પ્રભુ મુજને મળશે, મારા તાપ ત્રિવિધિના ટળશે. ૫૭

વળી જાણીશ હું તેણી વાર, મારો સુફળ થયો અવતાર;

વળી મળશે શ્રીરામપ્રતાપ, જે છે દેવ સંકર્ષણ આપ. ૫૮

હું તો હરખાઉં છું મનમાંથી, આવા શ્રેષ્ઠ સગા મળે ક્યાંથી;

એવું વીચારતા વિશરામ, પછી તે પહોંચ્યા તરગામ. ૫૯

મળ્યા ભાવથી બેઉ ભાણેજ, એમાં ઓળખ્યા ઘનશામ એ જ;

લઈ છાતિએ તરત લગાવ્યા, આંખે પ્રેમનાં આંસુડાં આવ્યાં. ૬૦

જેમ ચિંતામણી પામે કોય, તેના હર્ષની હદ નવ હોય;

એવો ઉપજ્યો આનંદ અપાર, કહી નવ શકે વદનહજાર.12 ૬૧

કહે કૃષ્ણ મામા ક્યાંથી આવ્યા? મારી સારુ કહો શું શું લાવ્યા;

હરિ અક્ષર જે ઉચરે છે, જાણે મુખ થકી મોતી ઝરે છે. ૬૨

કહે મામો અયોધ્યાથી આવ્યા, ધર્મ બાપાએ તમને તેડાવ્યા;

એમ કહી વળી છાતીમાં ચાંપી, હેતે હાથમાં સુખડી આપી. ૬૩

મળ્યા રામપ્રતાપ તે ઠામ, તેના પુત્ર મળ્યા નંદરામ;

મળ્યા બળદેવ પુત્ર સહીત, ઘણી વાધી પરસ્પર પ્રીત. ૬૪

છપૈયાના પૂછ્યા સમાચાર, પૂછ્યું ક્ષેમ અયોધ્યા મોઝાર;

સગા સૌની કુશળતા જાણી, સૌયે અંતરમાં શાંતિ આણી. ૬૫

છપૈયાથી આવ્યા વિશરામ, એવી વાત ચાલી ગામોગામ;

સગાં સ્નેહી જે બળદેવ કેરાં, તે તો મળવાને આવે ઘણેરાં. ૬૬

સરિતાઓ સાગર ભણી ધાય, તેમ જન બહુ તરગામ જાય;

કોઈ હળીમળી થાય વિદાય, કોઈ એકાદ દિવસ રોકાય. ૬૭

કોઈ મળવાનું બાનું બતાવે, પણ હરિમુખ નિરખવા આવે;

દર્શનીય પુરુષ કોઈ જાણે, કોઈ પૂરણ બ્રહ્મ પ્રમાણે. ૬૮

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિવર તરગામમાં બિરાજી, જનમન સર્વ કર્યા જ રાજી રાજી;

સુરવર મુનિ સર્વ એમ બોલે, નહિ તરગામ નિવાસી ભાગ્ય તોલે. ૬૯

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિતરગ્રામતડાગે જલકેલીકરણાદિવર્ણનનામા પંચદશો વિશ્રામઃ ॥૧૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે