વિશ્રામ ૧૬
પૂર્વછાયો
થયું આંબલીયા ગામમાં, ઇચ્છારામનું સગપણ જેહ;
તેહ કથા તમને કહું, નરપતિ સુણો ધરી નેહ. ૧
સગા જાણી બળદેવના, વિશ્રામને મળવા કામ;
આંબલીયાથી આવિયા, જેનું મંછામિશર છે નામ. ૨
પુત્રી તેને એક વર્ષની, તેનું નામ છે વરિયાળી બાઈ;
તેના પિતાએ ઇચ્છા કરી, વૃષવંશમાં કરવા સગાઈ. ૩
ઉત્તમ કુળ વૃષદેવનું, દીઠા સગા તેના કુળવંત;
તેથી સગા કરવા તણી, ઉર ઉપજી ચાહ અત્યંત. ૪
વાત પૂછી બળદેવને, મન જાણીને નિજ મિત્ર;
તે પણ બોલ્યા તે સુણી, વૃષવંશ છે પરમ પવિત્ર. ૫
કન્યા દેવા યોગ્ય છે, માટે કરો સગાઇ શુભ પેર;
ભાગ્ય ભલાં હોય આપણાં, ત્યારે આવે એવાં સગાં ઘેર. ૬
ઉત્તમ કુળના કુંવરને, દેવા ઇચ્છે ઘણા કન્યાય;
મોટો કુંવારો નવ મળે, શિશુપણ વિષે વરી જાય. ૭
તે માટે શિશુપણ વિષે, સહુ કન્યાની કરે છે સગાઈ;
લગ્ન કરે છે તે પછી, જ્યારે લગ્નલાયક થાય બાઈ. ૮
તે માટે તમે આજથી, શુભ કરવા ધાર્યું કામ;
મુજને પણ મનમાં ગમ્યું, એવું ન મળે બીજું ઠામ. ૯
ઉપજાતિવૃત્ત
શ્રીમંતની જે દુહિતા1 ગણાય, ગરીબને ઘેર નહીં સમાય;
જે સિંધુ2 હીમાચળ કેરી જાઈ,3 તળાવમાં કેમ રહે સમાઈ? ૧૦
કન્યા દિસે જેવી ગરીબ ગાય, જ્યાં દાન દે ત્યાંજ બિચારી જાય;
જો તે જઈ ત્યાં બહુ દુઃખ લે છે, દેનારને શાપ હમેશ દે છે. ૧૧
જો કોઈ સારું કુળ તો ગણાય, તથાપિ ત્યાં પુત્રી સુખી ન થાય;
સંસાર મધ્યે પડી સાક્ષી4 એવી, તે ઘેર કન્યા કદીયે ન દેવી. ૧૨
કન્યા જુવે છે વર રૂપરેલો, માતા જુવે દ્રવ્ય પિતા ભણેલો;
સગા જુવે ઉત્તમ વંશવાન, બીજા જનો ઉત્તમ ખાન પાન. ૧૩
પોતા તણી કીર્તિ વધારવાને, જો બાપ નાંખે દુઃખમાં સુતાને;
તે તો પિતા પુત્રી તણો જ ઘાતી, પાપી પુરો તેની કઠોર છાતી. ૧૪
એવું સુણી સર્વ નકી કરીને, પછી પૂછ્યું રામપ્રતાપજીને;
ત્યારે કહે રામપ્રતાપ એમ, પિતાજી જાણે કહું કાંઈ કેમ. ૧૫
જો પુત્ર પામે વય વૃદ્વ કોય, તથાપિ જો તાત હયાત હોય;
પૂછ્યા વિના કામ કરે ન કાંઈ, પડે કરે તો કદી કષ્ટમાંઈ. ૧૬
ચોપાઈ
ઇચ્છા હોય જો આપના ઉરમાં, આવજોજી અયોધ્યા પુરમાં;
એવો એહને ઉત્તર દીધો, તેણે સાંભળી મન ધરી લીધો. ૧૭
જવા તે પછી પોતાને ઘેર, કરી રામપ્રતાપે સુપેર;
બળદેવને વિનતી કીધી, રજા ઘેર જવા માગી લીધી. ૧૮
વસ્ત્ર ભૂષણ દઈ લાગી પાય, સૌને બળદેવે કીધા વિદાય;
બોલ્યા મંછામિશર તેહ ઠામ, ચાલો સર્વે આંબલિયા ગામ. ૧૯
જજ્યો ત્યાં થઈને તમે ઘેર, તેમાં ઝાઝો નહીં પડે ફેર;
સમઝાવીયા સહુને આમ, ગયા તેડી આંબલીયા ગામ. ૨૦
રુડી રીતે રાખ્યા એક રાત, સૌની સેવા કરી ભલી ભાત;
થયો પ્રેમ પરસ્પર ઘણો, મંછામિશ્રને વૃષવંશ તણો. ૨૧
ધર્મવંશ છે રૂપનિધાન, જેવું રૂપ તેવા ગુણવાન;
ઘનશામનું રૂપ ઘણું છે, જેમાં જન ચિત્ત ચોરપણું છે. ૨૨
મંછામિશ્રની સ્ત્રી દેવજાની, તે તો સમજુ દિસે સોળે આની;
તેણે ચિત્તમાં વાત વિચારી, મારી છે રુડી કન્યા કુંવારી. ૨૩
આવા કુળમાં તે કન્યા દેવાય, એવાં ભાગ્ય ઉદે ક્યાંથી થાય;
કર જોડીને સ્તુતિ ઉચ્ચરી, કુળદેવની માનતા કરી. ૨૪
આવા મળશે સગા જો અમને, તો હું પ્રેમથી પૂજીશ તમને;
ચાલ્યા બીજે દિવસ મેમાન, જઈ પહોંચ્યા અવધપુર સ્થાન. ૨૫
માત તાતને સૌ જઈ મળિયા, તેથી તન મનના તાપ ટળિયા;
માયે કૃષ્ણનાં મીઠડાં લીધાં, હૈયે ચાંપીને ચુંબન કીધાં. ૨૬
ગામ આંબલીયા કેરી વાત, કહી સૌયે સુણી માત તાત;
રૂપ કન્યાનું સૌએ વખાણ્યું, રુડું રત્ન તે ઘરજોગ જાણ્યું. ૨૭
વસી થોડા વાસર વિશ્રામ, ગયા મામો તે છપૈયે ગામ;
કહ્યા શ્રીહરિના સમાચાર, સુણી હરખ્યાં સકળ નરનાર. ૨૮
હવે આંબલીયે જે રહે છે, દેવજાની પતિને કહે છે;
સ્વામી અવધપુરીમાં સિધાવો, કન્યાનું સગપણ કરી આવો. ૨૯
મંછામિશ્ર બોલ્યા તેહ ઠામ, ઘણું છે હમણા ઘરકામ;
છોને માસ પછી જ જવાતું, હાલ લગ્ન5 નથી વહી જાતું. ૩૦
ત્યારે ક્રોધ કરી કહે નારી, જાઓ આજ ને આજ વિચારી;
બીજાં કામ જો બગડે વિશેષ, તેની ચિંતા ન રાખવી લેશ. ૩૧
વસંતતિલકાવૃત્ત (સ્ત્રીની હઠિલાઇ વિષે)
જાણે ન ટાઢ તડકો ન ગણે જ વૃષ્ટિ,
જીવત્વ કોણ ગણતી ન ગણે જ સૃષ્ટિ;
શું સુખ દુઃખ કદી હાની હજાર થાય,
સ્ત્રી ધાર્યું કામ કરવા સહસા6 ચહાય. ૩૨
તેડાવિયા તરત ત્યાં બળદેવ મિત્ર,
બન્ને ગયા વૃષ તણા પૂરમાં પવિત્ર;
શ્રીધર્મ પાસ નમીને બળદેવ બોલ્યા,
જે જે મનોર્થ મનના તહી સર્વ ખોલ્યા. ૩૩
દેવા વિચારી દ્વિજ આ તવ ઘેર કન્યા,
છે યોગ્ય વાત સઘળી નથી કાંઈ અન્યા;7
જો દૂધ સાકર ભળે વધશે મિઠાશ,
આ બાઈથી કુળ વિષે વધશે પ્રકાશ. ૩૪
એવાં અનેક વચનો કહી હા પડાવી,
શ્રી ભક્તિને વળતી વાત બધી મનાવી;
ધર્મે કહ્યું તનુજનો8 સુત નંદરામ,
તેની સગાઈ કરી બેશહુપૂર ગામ. ૩૫
આ પુત્ર એક ઘરમાં ઘનશામ જે છે,
સંસારથી અતિ સદૈવ વિરક્ત તે છે;
ઇચ્છાસુ રામ સુત છે વય છોટી છેક,
જેને થયું વરસ તો શુભ સાર્ધ એક.9 ૩૬
મંછા કહે મુજ સુતા પણ તે સમાન,
છે તેજ કાજ કરીયે શુભ વાગદાન;10
દેવજ્ઞ11 પાસ પછી શુદ્ધ મુહૂર્ત લીધું,
વાગ્દાન વેદ વિધિયે તતકાળ કીધું. ૩૭
તેડી સગાં સ્વજનનાં સનમાન કીધાં,
સૌને ગુલાબ જળ તાંબુળ આદિ દીધાં;
વાજિંત્રનાદ વૃષના ઘરપાસ થાય,
ગૌરી મળી પૂરની મંગળ ગીત ગાય. ૩૮
પદ – ૧
(‘ભમરા પહેલો વધાવો મારે આવિયો’ એ રાગનું ધોળ)
સજની આજ શ્રીધર્મ કેરે આંગણે,
અતી આનંદ ઉત્સવ થાય રે;
વિવા’નાં જોને વાજાં વાગે રુડાં વધાઇનાં… ટેક.
કર્યું સગપણ ઇચ્છારામભાઈનું,
રુડી વરિયાળી નામે છે કન્યાય રે... વિવા’નાં꠶ ૩૯
વેવાઇ શ્રીમંત સારા મંછામિશ્ર છે,
જેનું ગુણિયલ છે આંબલીયા ગામ રે... વિવા’નાં꠶
જેવા વેવાઇ છે તેવાં વેવાણ છે,
જેનું દેવજાની છે નિર્મળ નામ રે... વિવા’નાં꠶ ૪૦
ધર્મદેવનાં ભાગ્ય ધન્ય ધન્ય છે,
એ તો વિશ્વ આખામાં વખણાય રે... વિવા’નાં꠶
ભાઈ રામપ્રતાપ રુદે રીઝીયા,
માતા ભક્તિનો હરખ ન માય રે... વિવા’નાં꠶ ૪૧
વેવાઇ બન્ને બિરાજ્યા ઉત્તમ આસને,
પૂજ્યા પ્રેમથી ગુણનિધિ ગણનાથ12 રે... વિવા’નાં꠶
કીધી પૂજા પરસ્પર વળી કંકુયે,
આપ્યાં હળદર ને સોપારી હાથ રે... વિવા’નાં꠶ ૪૨
સસરે વરને તિલક કીધું ભાલમાં,
મુક્યું હાથમાં શ્રીફળ સોનામોર રે... વિવા’નાં꠶
વેદમંત્ર ભણે છે વિપ્ર વેદીયા,
સર્વે વિધિ કરાવે કુળના ગોર રે... વિવા’નાં꠶ ૪૩
સ્વસ્તિવાચન13 કીધુ વિપ્ર સૌ મળી,
વેદ ચારેના આપ્યા આશીર્વાદ રે... વિવા’નાં꠶
મળી માનિની14 ગાય મધુરે સ્વરે,
સુણતાં સર્વેને લાગે સારો સ્વાદ રે... વિવા’નાં꠶ ૪૪
સસરે આપી જમાઇને સોના સાંકળી,
સગાં સર્વેનું કર્યું સનમાન રે... વિવા’નાં꠶
ધાણા ગોળને વેહેંચી ત્યાં સાકર વળી,
દીધાં દ્વિજને બહુ દક્ષિણા દાન રે... વિવા’નાં꠶ ૪૫
ઘૂમે સારી સભામાં ઘનશામજી,
જેની ચપળ છે હંસ જેવી ચાલ રે... વિવા’નાં꠶
સર્વે સાજન15 તેના સામું જોઇ રહે,
વાલા લાગે વિશ્વવિહારીલાલ રે... વિવા’નાં꠶ ૪૬
પદ – ૨
સજની આજની શોભા શી હું વર્ણવું,
ધૂમ મચી છે ધર્મને દરબાર રે;
નગારાં વાગે ધીન્નાં ધીન્નાં રે કડકડકડ ધીન્નાં... ટેક.
ઘણા હાથી ને ઘોડા શણગારિયા,
સજ્યા સર્વે જનોયે શણગાર રે… નગારાં꠶ ૪૭
લીલાં તોરણ બાંધ્યાં રુડાં ટોડલે,
ધરી ધજા પતાકા ભલી ભાત રે… નગારાં꠶
પૂર્યા ચોકમાં મોતી તણા સાથીયા,
જોતાં જનમન થાય રળીયાત રે… નગારાં꠶ ૪૮
છજાં માળીયાં અગાશી ઉપર ચડી,
નાચે મનમાં મગન થઈ મોર રે… નગારાં꠶
વાજે ઢોલ ત્રાંસાં ને ભેરી ભુંગળો,
થાય શરણાઇના અતિશે શોર રે… નગારાં꠶ ૪૯
ભાટ ચારણ બોલે બિરદાવળી,16
કરે ગુણીજન મળી ગુણગાન રે… નગારાં꠶
નાચે આકાશમાં આવીને અપ્સરા,
તે તો તાથેઇ તાથૈ તોડે તાન રે… નગારાં꠶ ૫૦
આજ તો ઉપજ્યો આનંદ આખા શહેરમાં,
આજ તો દુધડે વરસે છે મેહ રે… નગારાં꠶
ભેટ લઈને ભલા જન આવે ભેટવા,
ધર્મતાત આગળ ધરે તેહ રે… નગારાં꠶ ૫૧
હાર તોરા ને ગજરા રુડા ગુંથીને,
લાવી માળણ ભરી મોટી છાબ રે… નગારાં꠶
તેમાં ફૂલ ફોરે17 છે જાઇ જુઇનાં,
વળી ગુલદાવદીને ગુલાબ રે… નગારાં꠶ ૫૨
લાવ્યો તંબોળી પણ પડા પાનના,
લાવ્યો દોશિડો18 સારાં શેલાં પાગ રે… નગારાં꠶
હીરા મોતી લઇ ઝવેરી આવિયા,
આપી મૂલ ને તે લીધાં અથાગ રે… નગારાં꠶ ૫૩
આપે જ્યારે ઘરેણું ઘનશ્યામને,
તે તો જોઇને તજે છે તતકાળ રે… નગારાં꠶
માયાતીત તેથી જનોયે જાણિયા,
વિશ્વેશ્વર છે વિશ્વવિહારીલાલ રે… નગારાં꠶ ૫૪
પદ – ૩
સજની જે હું જાણું છું તે તને કહું,
જેવા રૂડા છે ઇચ્છારામભાઇ રે;
વર કન્યા કેરી જોવા જેવી રુપાળી જોડ છે... ટેક.
એક એકથી ઓછું કે અધિક નથી,
સરખી સદગુણની છે સરસાઇ રે… વર કન્યા꠶ ૫૫
જેવી જોડ સૂરજ રન્નાદે19 તણી,
જેવી જોડ રતી ને રતીનાથ20 રે… વર કન્યા꠶
શોભે ઇંદ્ર ઇંદ્રાણી જેમ સ્વર્ગમાં,
શોભે રોહિણી જેમ શશી સાથ રે… વર કન્યા꠶ ૫૬
જેવી ઇશ્વર21 ને પારવતીની જોડ છે,
જોડ બ્રહ્મા સાવિત્રીની ગણાય રે… વર કન્યા꠶
જોડ બુદ્ધિ ને ગુણનિધિ ગણેશની,
જોડ વરુણ ને પદ્મણી જણાય રે… વર કન્યા꠶ ૫૭
જેવી વિષ્ણુ ને લક્ષ્મીજીની જોડ છે,
ઇચ્છારામ ને વરિયાળીની જોડ રે… વર કન્યા꠶
નવરે દિવસે બ્રહ્માયે નીપજાવીયાં,
નથી એકેમાં કાંઈ ખામી ખોડ રે… વર કન્યા꠶ ૫૮
જેમ કુંદનમાં22 હીરો જડાય છે,
શોભે બન્ને મળીને તે સદાય રે… વર કન્યા꠶
જેમ જીવ ને કાયા બે શોભે મળી,
તેમ દંપતી મળીને દેખાય રે… વર કન્યા꠶ ૫૯
આપે આશિષ સર્વે મળી સુંદરી,
જોડ રહેજો અખંડ સદા એહ રે… વર કન્યા꠶
ધર્મ ભક્તિની સેવા કરજો સર્વદા,
નિત્ય રાખજો નવો નવો નેહ23 રે… વર કન્યા꠶ ૬૦
ભલાં ભાગ્યશાળી થજો તે ભૂમિમાં,
કીર્તિ વિસ્તારજોજી દેશોદેશ રે… વર કન્યા꠶
કરજો પર ઉપકાર ઘણા પ્રેમથી,
વળી વૈભવ પામજો વિશેષ રે… વર કન્યા꠶ ૬૧
ત્રણે ભાઇયો તે તો ત્રિમૂર્તિ જોડ છે,
તેમાં કૃષ્ણ છે કાળ કેરા કાળ રે… વર કન્યા꠶
હરિ ક્ષર ને અક્ષરના છે આતમા,24
વા’લો એ છે વિશ્વવિહારીલાલ રે… વર કન્યા ૬૨
પદ – ૪
સજની છોડ ચંપાનો છોટો મેં દીઠો,
જેનું નામ છે રુડું ઇચ્છારામ રે;
સુહાગણ સજની વૃષની વાડીમાં ચંપો મોરીયો... ટેક.
છોટાપણમાં ચંપાની પ્રસરી વાસના,25
જેના ગુણ ગવાય આંબલીયા ગામ રે... સુહાગણ꠶ ૬૩
ચંપો આવી ઉગ્યો છે અક્ષરધામથી,
રુડો કહીને વખાણે રાણારાય રે... સુહાગણ꠶
ચંપો રૂપે ને રંગે દિસે રાજવી,
ચંપો નિરખીને હૈડું હરખાય રે... સુહાગણ꠶ ૬૪
ચંપો મનમાં ગમ્યો મંચ્છા વેવાઇને,
તેણે સત્કાર કીધો સારી રીત રે... સુહાગણ꠶
ચંપા જેવી વળગાડી સારી વેલડી,
તેથી દેખાશે વિશેષ શોભીત રે... સુહાગણ꠶ ૬૫
ચંપો પૂરી મોટાઇ જ્યારે પામશે,
થાશે પ્રથવી આખીમાં તે પ્રખ્યાત રે... સુહાગણ꠶
ચંપો ફેલાશે રુડી ગુજરાતમાં,
વળી સોરઠ માંહિ ભલી ભાત રે… સુહાગણ꠶ ૬૬
સજની ચંપાના અંગથી ચંપા થશે,
જેમ દીવાથી દીવા પ્રગટાય રે… સુહાગણ꠶
તેવા તેજસ્વી તેવા ગુણવાન તે,
સર્વે સદ્ગુણે સરખા જણાય રે… સુહાગણ꠶ ૬૭
ચંપો માલિક થાશે અર્ધા મુલકનો,
કરશે કોટિક લોકનાં કલ્યાણ રે… સુહાગણ꠶
એના ગુણ તો ગુંથાશે મોટા ગ્રંથોમાં,
આખા વિશ્વમાં પામશે વખાણ રે… સુહાગણ꠶ ૬૮
ચંપો પૂજાશે હીરા માણક મોતીયે,
મોટા મહિપતિ દેશે મોટું માન રે… સુહાગણ꠶
જે કોઈ લેશે આ ચંપાની સુવાસના,
થાશે અમર તે અક્ષર સમાન રે… સુહાગણ꠶ ૬૯
સજની ભગવાન આ ચંપાના ભાઇ છે,
જે છે દીનબંધુ દીનદયાળ રે… સુહાગણ꠶
પ્રેમે તે પ્રભુ આ ચંપાને પાળશે,
વા’લો જે છે વિશ્વવિહારીલાલ રે… સુહાગણ꠶ ૭૦
પુષ્પિતાગ્રાવૃત્ત
શુભ સગપણ એવી રીત કીધું, જમણ સુમિષ્ટ જમાડી માન દીધું;
પછી હળીમળીને સગાં બધાંય, નિજનિજ ગામ જવા થયાં વિદાય. ૭૧
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીઇચ્છારામજી-નિમિત્તવાગ્દાનકરણનામા ષોડશો વિશ્રામઃ ॥૧૬॥