કળશ ૨

વિશ્રામ ૧૭

 

પૂર્વછાયો

સુણો અભેસિંહ ભૂપતિ, હરિકૃષ્ણનાં ચરિત્ર વિચિત્ર;

બ્રહ્મા ભવ સનકાદિ મુનિ, સુણી કરે છે કર્ણ પવિત્ર. ૧

ચોપાઈ

પ્રભુ પેખે1 કળા કોઈ પાસ, એનો અલ્પ કર્યાથી અભ્યાસ;

તે તો સર્વ શિખી લે છે આપ, જન આશ્ચર્ય પામે અમાપ. ૨

કળા ચોસઠ જે કહેવાય, તે તો સર્વે શિખ્યા હરિરાય;

એ છે સર્વજ્ઞ સર્વના સ્વામી, અક્ષરાતીત અંતરજામી. ૩

એ છે અનંત કળાઓનું પાત્ર, કળા ચોસઠ તે કોણમાત્ર;

જનજાતિને જાણવા કામ, કળા ચોસઠનાં કહું નામ. ૪

જ્યારે એવી કળાઓને જાણે, તેને વિશ્વના લોક વખાણે;

મોટા માણસ દે સનમાન, સુખે પામે સદા ધન ધાન. ૫

પેહેલી ગાનકળા તે ગણાય, જેથી જનમન રંજન થાય;

જન ગાઈ જાણે રુડો રાગ, ઉપજે સહુને અનુરાગ. ૬

રાગે બાળક પણ રહે છાનું, રાગે રીઝે છે મન દેવતાનું;

કળા ગાનની ક્લેશ હરે છે, અતિ આનંદ અંગ2 કરે છે. ૭

બીજી વાદ્યકળા કહેવાય, શીખે તે જન ચતુર ગણાય;

નરઘાં ને સારંગી સતાર, શીખે એવાં વાજિંત્ર અપાર. ૮

ત્રીજીનું નૃત્યકળા છે નામ, એ છે ચતુરપણાનું કામ;

પ્રભુ આગળ નાચવું ગાવું, ગમે ઇશ્વરને પણ આવું. ૯

ચોથી નાટ્યકળા ભલી ભાઈ, રહે એમાં ઘણી ચતુરાઈ;

જેમ દોર ઉપર નટ ચાલે, વળી વિવિધ રીતે અંગ વાળે. ૧૦

કળા પાંચમી આલેખ્ય કહિયે, તે તો સ્નેહસહિત શીખી લહિયે;

સારા અક્ષર લખવાનું કામ, ઉપયોગી છે તે તો તમામ. ૧૧

ભાલે તિલક રુડું કરી જાણે, વળી તેમાં વિચિત્રતા આણે;

તે તો છઠ્ઠી કળા કહેવાય, વિશેષક છેદ્ય નામ લખાય. ૧૨

કળા તાંદુળકુસુમ જે છે, બળિદાનતણું સ્થળ તે છે;

સારો સાથીયો આંગણે કરે, પાડી બુટા3 ભલા રંગ ભરે. ૧૩

કળા આઠમી પુષ્પાસ્તરણ,4 તે તો છે રુડી જનમન હરણ;

ભલી પાડીને શોભિતી ભાત, જાણે પાથરી પુષ્પની જાત. ૧૪

કરી જાણે ઉત્તમ અંગરાગ,5 કળા નવમી કહે સદ્‌ભાગ્ય;

દાંતે વસ્ત્રે ચડાવે જે રંગ, કરી લેપન શોભાવે અંગ. ૧૫

મણિભૂમિકા૧૦ નામ ભણાય, કળા તે શુભ દશમી ગણાય;

તે તો કામ હીરા જડવાનું, ચતુરાઈ ઘણી એમાં માનું. ૧૬

કળા શયનરચન૧૧ છે ઉત્તંગ,6 ચતુરાઈથી ભરવો પલંગ;

તેમાં મોર પુતળીયો પાડે, મનોરંજન કરી દેખાડે. ૧૭

જળવાદ્યકળા૧૨ જન જાણે, કળા બારમી તે તો વખાણે;

કાચ પ્યાલા જળે ભર્યા જેહ, જળ તરંગ વાજું છે તેહ. ૧૮

કળા તેરમી તો જળઘાત,૧૩ જળમાં તરવું સાક્ષાત;

ઉંડા પાણી તણો લાવે તાગ, ચતુરાઈ છે એ તો અથાગ. ૧૯

કળા ચૌદમી છે ચિત્રયોગ,૧૪ ચિત્ર ચીતરવાનો ઉદ્યોગ;

એમાં છે અતિશે ચતુરાઈ, શીખે ચતુર મનુષ્ય ચહાઈ. ૨૦

પુષ્પગ્રંથવિકલ્પા૧૫ જાણો, કળા પંદરમી તે પ્રમાણે;

પુષ્પટોપી પછેડી કરે છે, ફૂલમંડળી સારી ભરે છે. ૨૧

શેખરાપીડ યોજન૧૬ જેહ, કળા સોળમી કહિયે તેહ;

ગુંથે તોરા ને કાનના ગુચ્છ, પાઘ બાંધી જાણે વળી સ્વચ્છ. ૨૨

કળા સતરમી નેપથ્ય૧૭ નામ, જાણે શણગાર સજવાનું કામ;

ચક7 આદિક પડદા રચાય, તેમાં પણ ચતુરાઈ જણાય. ૨૩

કર્ણપત્ર૧૮ તણી ચતુરાઈ, કળા એ તો અઢારમી ભાઈ;

ફૂલ પાંખડી પત્ર પ્રમાણે, કોઈ કાગળ કોતરી જાણે. ૨૪

કળા યુક્તિ સુગંધની૧૯ કરવી, ઓગણીશમી એ તો ઉચરવી;

ભાતભાતનાં અત્તર બનાવે, પડો પાંદડી પણ રચિ લાવે. ૨૫

કળા વીશમી ભૂષણ8 ઘડવાં,૨૦ સૌને મનગમતાં થઈ પડવાં;

એમાં ઓછી નથી ચતુરાઈ, ભલું ડહાપણ છે એ તો ભાઈ. ૨૬

એકવીશમી તો ૨૧ ઇંદ્રજાળ,9 કળા ન કળે તે વૃદ્ધ કે બાળ;

હોય કાંઈ ને કાંઈ દેખાડે, જનને મન મોહ પમાડે. ૨૭

કળા બાવીશમી કૌતુમાર,૨૨ ક્રિયા તે તો રસાયન સાર;

મારી જાણે ભીલામાં ને પારો, મારે ધાતુ ને હિંગળો સારો. ૨૮

૨૩હસ્તલાઘવ10 જે કહેવાય, કળા ત્રેવિશમી તે ગણાય;

હાથ ચાળવણી એવી હોય, દેખીને ન કળી શકે કોય. ૨૯

રુડી રીતે રસોઈ બનાવે,૨૪ કળા ચોવીશમી તે કહાવે;

કરે વિવિધ પ્રકારના પાક, રચે સારા મશાલા ને શાક. ૩૦

ભેદ પચ્ચીશમી સુકળાના, કરી જાણે પદાર્થ પીવાના;૨૫

સારો સરબત તે કરી ધરશે, કાવો બુંદ કે ચાહનો કરશે. ૩૧

કળા છવીશમી શીવવાની,૨૬ સારી રીતે શિખી રાખવાની;

સારા ચાકળા સુજની રજાઈ, શીવે પોશાગ જન સુખદાઈ. ૩૨

સુત્રક્રીડા૨૭ કળા કહેવાય, સત્યાવીશમી તે તો ગણાય;

સૂત્ર11 કરમાં ધરે સૂત્રધાર, નાચે પૂતળાં તેને આધાર. ૩૩

અઠાવિશમી ૨૮પ્રહેલિકા12 કહિયે, અર્થ સમજી ગૂઢાર્થના લહિયે;

જેમ ખટ પદ સત્તર નેણ,13 કહો કોણ તે શિવ સુખદેણ. ૩૪

કળા ઓગણત્રીશમી જાણો, પ્રતિમાળા૨૯ તે નામ પ્રમાણો;

મોતી આદિક પ્રત્યેક માળા, તેમાં ગાંઠણ ગાંઠે રુપાળાં. ૩૫

દુર્વચક તણો જોગ૩૦ જે છે, કળા જાણવી ત્રીશમી તે છે;

વદે જો કોઈ મર્મની વાણી, તે તો તેનાથી ન રહે અજાણી. ૩૬

એકત્રીશમી વાંચનકળા,૩૧ ગ્રંથો વાંચી જાણે ભલાભલા;

અક્ષર વાંચતાં નવ અટકાય, સદ્ય અર્થ તેનો સમઝાય. ૩૭

નાટકાખ્યાયિકાદર્શન,૩૨ કળા બત્રીશમી તે પાવન;

હોય નાટકનાં આખ્યાન, દેખાડે તે પ્રત્યક્ષ સમાન. ૩૮

કળા કાવ્યની સમસ્યાપૂર્ણ,૩૩ આવે અંતર માંહિ સ્ફૂર્ણ;

અણમળતાં ચરણ રચી આપે, તેને જે મળતાં કરી સ્થાપે. ૩૯

પટ્ટિકાવેત્રબાણવિકલ્પ,૩૪ કળા તે પણ કાંઈ નથી અલ્પ;

ગુંથે નેતરના ઘણા ઘાટ, તથા તીર રચે યુદ્ધ માટ. ૪૦

કળા પાંત્રીશમી તર્કકર્મ,૩૫ તેનો જાણે ચતુર જન મર્મ;

કરે તાર્કિક કામ અનેક, જેનો છેડો આવે નહિ છેક. ૪૧

કળા છત્રિશ ૩૬ તક્ષણકામ,14 કાઠ15 કોતરી જાણે તમામ;

બુટ્ટા પૂતળાં બેશ16 બનાવે, જોતાં જોનારને મન ભાવે. ૪૨

વાસ્તુવિદ્યા૩૭ કળા સાડત્રીશ, તે તો જાણવી સર્વને શીશ;

રચે મંદિર મેડી હવેલી, છજાં જાળિયાં સુંદર મેલી. ૪૩

રૂપ્યરત્નની પરીક્ષા૩૮ જેહ, કળા છે આડત્રીશમી એહ;

તે તો પરખી જાણે રુપાનાણું, અશ્વ આદિક રત્ન પ્રમાણું. ૪૪

ધાતુવાદકળા૩૯ જે કહી છે, એ તો ઓગણચાળીશમી છે;

સર્વે ધાતુની કરવા પરીક્ષા, શીખી રાખે તેની બધી શિક્ષા. ૪૫

કળા ચાળીસમી અભિધાન, રુડું જે મણિરાગનું જ્ઞાન;૪૦

પરીક્ષા મણિ માણેક કેરી, કરી જાણે તે કહિયે ઝવેરી. ૪૬

એકતાળીશે ૪૧આકરજ્ઞાન,17 એ તો જાણે મહાબુદ્ધિમાન;

ખાણ ધાતુની કે પથરાની, પરીક્ષા જાણે એવી ધરાની. ૪૭

વૃક્ષાયુર્વેદ જોગ૪૨ છે જેહ, કળા કહિયે બેંતાળીશ તેહ;

ખેતી વાડીનું કામ ખચીત, જાણે ઝાડ ઉછેર્યાની રીત. ૪૮

મેષકુક્કુટલાવક યુદ્ધ,૪૩ તેની રીત જાણે જન બુદ્ધ;

લડે અજ18 કુકડાં ને શ્વાન, દાવ પેચે લડે તે સમાન. ૪૯

૪૪શુક સારિકાનું19 પ્રલાપન,20 જાણે તે કળા ચાતુર જન;

મેના પોપટને તે પઢાવે, સારી રીતે સુશબ્દ શિખાવે. ૫૦

ઉત્સાદનની૪૫ કળા કહેવાય, પીસતાળીશમી તે ગણાય;

કરી સાંગડાં કેરો પ્રકાર, તેથી ઉચકે ભાર અપાર. ૫૧

કેશમાર્જનકૌશલ૪૬ તેય, છેતાળીશમી તે કળા છેય;

ચોળી ઓળી માથા તણા કેશ, ગુંથી જાણે વધારી વિશેષ. ૫૨

કળા અક્ષરમુષ્ટીકથન,૪૭ જન જાણે કરીને જતન;

વર્ણ ક્રમ વિના કોઈ બતાવે, આખો શ્લોક તે કહી સંભળાવે. ૫૩

મ્લેછિતક૪૮ જે છે તર્ક વિતર્ક, તે તો જાણે જે જોશીનો અર્ક;21

કળા રમળની22 તે કહેવાય, વળી તાજક23 તેમાં ગણાય. ૫૪

દેશભાષા તણો જે અભ્યાસ,૪૯ કળા તે તો ઓગણપચાસ;

ઘણા દેશની ભાષાઓ જાણે, વસુધાપતિ તેને વખાણે. ૫૫

૫૦પુષ્પશકટી24 નિમિત્તનું જ્ઞાન, જાણે તે તો કળા ગુણવાન;

પુષ્પલોબાન25 આદિક કેરાં, માંડી શગડી ને પાડે ઘણેરાં. ૫૬

યંત્રમાત્રિકાધારણ૫૧ નામ, એકાવનમી કળા બુદ્ધિધામ;

વર્ણયંત્ર વિષે ગોઠવાય, ચિત્રકાવ્ય તેને કહેવાય. ૫૭

કળા સંવાચ્ય૫૨ છે બાવનમી, જાણે તેણે જ જાણ્યું છે જનમી;

ભલું ભાષણ લાંબું ઉચારે, સુણનાર સદા તે સંભારે. ૫૮

કાવ્ય જાણે કરી માનસિક,૫૩ કળા ત્રેપનમી તે તો ઠીક;

નવ દીઠું સુણ્યું કોઈ દિન, કરે વર્ણન એવું નવીન. ૫૯

કળા ચોપન અભિધાન કોશ,૫૪ જાણે વાણી થાવા નિરદોષ;

જેમાં સ્થિરચર નામ અનેક, એવા ગ્રંથ ભણે સવિવેક. ૬૦

કળા પિંગળ૫૫ પંચાવનમી, જાણે તેને નમે નૃપ અનમી;26

જાણે છંદ અનેકની જાત, ભણે પિંગળ જો ભલી ભાત. ૬૧

કળા છપને ક્રિયાવિકલ્પા,૫૬ સુખદાયી જો જાણિયે સ્વલ્પા;

ક્રિયા માંહિ કુશળતા હોય, કારીગર કહે જન સહુ કોય. ૬૨

કળા છળિતયોગા૫૭ કહેવાય, જાણે તે છેતરાયો ન જાય;

કેવી રીતે ઠગે છે ઠગારા, તે તો જાણે કપટ કળનારા. ૬૩

કળા વસ્ત્રગોપન૫૮ છે નામ, વસ્ત્ર સંકેલવાનું તે કામ;

ઘેડેઘેડ તે એવી બેસારે, બીજો થાકી તે કામથી હારે. ૬૪

વળી દ્યૂતકળા૫૯ કહેવાય, એ તો ઓગણસાઠમી થાય;

શતરંજી બાજી રમી જાણે, તેમાં હારે નહીં કોઈ ટાણે. ૬૫

કળા સાઠમી આકર્ષક્રીડા,૬૦ જેથી હર્ષ વધે મટે પીડા;

ખેંચે પકડે પરસ્પર મિત્ર, રમી જાણે તે રમત વિચિત્ર. ૬૬

બાળક્રીડનની૬૧ કળા જેહ, એકસઠમી ગણાય છે તેહ;

મોઇડંડો દડી ને ભમરડી, રમી જાણે ભમાવે ચકરડી. ૬૭

વિદ્યા વૈનાયિકી૬૨ જેહ જાણે, કળા બાસઠમી તે પ્રમાણે;

વસ્તુ દૂરથી ગુપ્ત મગાવે, જાણે વીર કોઈ લઈ આવે. ૬૮

વિદ્યા વૈજયિકી૬૩ કહેવાય, કળા ત્રેસઠમી તે ગણાય;

સર્વ કામમાં વિજય તે પામે, વળી વિજય કરે સંગ્રામે. ૬૯

કળા વૈતાળિકા૬૪ છેલી કહું, તેમાં તો ચમત્કાર છે બહુ;

અકસ્માત દે કામ બનાવી, જાણે ભૂતે કર્યું એ તો આવી. ૭૦

એક રાતમાં દેવળ ચણે, બની ન શકે મળી બહુ જણે;

કળા ચોસઠ એ તો ઉચારી, સર્વે સંસારી જન કહે સારી. ૭૧

પુષ્પિતાગ્રાવૃત્ત

અગણિત સુકળા પ્રવિણ શામ, જગત વિચિત્ર રચ્યાં અનેક ઠામ;

અજ હરિ હરથી કળી ન જાય, અકળિત અક્ષરનાથની કળાય. ૭૨

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

ચતુષ્ષષ્ઠિ-કલાકથનનામા સપ્તદશો વિશ્રામઃ ॥૧૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે