વિશ્રામ ૧૮
ઉપજાતિવૃત્ત
હે ભૂપતિ સાંભળ સ્નેહ આણી, કહું ચરિત્રો હરિનાં વખાણી;
જે સાંભળીને સુખ સર્વ પામે, અપાર સંસાર વિકાર વામે. ૧
શ્રીશામને અષ્ટમ વર્ષ જ્યારે, આવ્યો ભલો ફાગણ માસ ત્યારે;
શુદી તિથિ તો દશમી ગણાય, દીધું હરિને ઉપવીત ત્યાંય. ૨
વિસ્તારી તે વર્ણન જો કરાય, તો ગ્રંથ આ શ્રેષ્ઠ વિશેષ થાય;
માટે નહીં હું બહુ વર્ણવીશ, અપૂર્વ લીલા તુજને કહીશ. ૩
સર્વજ્ઞ છે શ્રીહરિ બ્રહ્મચારી, તથાપિ છે માનવ દેહધારી;
સર્વે જનોનું હિત ચિત્ત જાણી, વિદ્યા વિશેષે જનકે વખાણી. ૪
વિદ્યા ભણવા વિષે
હે પુત્ર વિદ્યા ભણવી વિચારી, વિદ્યા ભણ્યાથી સુખ થાય ભારી;
પશુ મનુષ્યો વચ ભેદ એ છે, વિદ્યા ભલી માણસ તે ભણે છે. ૫
ભણે ગણે પંડિત તે ગણાય, ભણે નહીં તે જન મૂર્ખ થાય;
બાળાપણે જે ન ભણે જ જૈને, જરૂર પસ્તાય જુવાન થૈને. ૬
જે પત્ર નિર્જીવ દિઠે જણાય, વિદ્વાનની પાસ સજીવ થાય;
આકાશ પાતાળ ભવિષ્યવાત, કહી બતાવે જડપત્ર જાત. ૭
જે પુત્રને તાત નહીં ભણાવે, બાળાપણે લાડ ઘણાં લડાવે;
તે પુત્રનો શત્રુ પિતા ગણાય, જુવાન થાતાં સુતને જણાય. ૮
આંખો વિનાનો જન હોય જેવો, પાંખો વિનાનો વળી પંખી કેવો;
પાણી વિના કેવું સર પ્રમાણો, વિદ્યા વિનાનો જન એમ જાણો. ૯
વિદ્યા ભણે જો જન દ્રવ્યવાન, તો ભાગ્યશાળી નહિ તે સમાન;
પાંખો તથા બે પગ દોડવાના, ક્યાંથી મળે ભૂતળ બેય વાનાં. ૧૦
પક્ષી છતાં પોપટ જો ભણે છે, તો ભૂપનું તે સનમાન લે છે;
ત્યારે ભણેલો જન જેહ થાશે, તો તે કહો કેમ નહીં મનાશે. ૧૧
વિદ્યા ભણીને વિનયી ન થાય, તો તેની વિદ્યા પણ વ્યર્થ જાય;
જો ઝેર પંચામૃતમાં જણાય, તો કોઈ તેને ચિત ના ચહાય. ૧૨
અપૂર્વ વિદ્યા તણી ખાસ એ છે, વિશેષ તે વાવરતાં વધે છે;
ખર્ચે નહી સંઘરવા ચહાય, ખચીત1 તો તે ઝટ ખૂટી જાય. ૧૩
છે શસ્ત્રવિદ્યા વળી શાસ્ત્રવિદ્યા, એ બેયની કીર્તિ દિસે અછિદ્યા;
તથાપિ આદ્યા2 વય થાય ત્રીજી, ત્યારે નકામી સુખદાયી બીજી. ૧૪
ન ચોર ચોરે નૃપતિ ન લૂંટે, ન ભાગ ભાઈ ખરચ્યું ન ખૂટે;
ન ભાર લાગે ન પડે જ ખોટું, છે સત્ય વિદ્યાધન સૌથી મોટું. ૧૫
શાર્દૂલવિક્રીડિતવૃત્ત
માતા તુલ્ય સદા સુપોષણ કરે પાળે પિતાની પઠે,3
કાંતાતુલ્ય4 વિનોદકારી વળી તે ના આપદામાં હઠે;
વિસ્તારે જશ દ્રવ્યદાન બહુ દે સન્માન આપે ઘણું,
વિદ્યા છે શુભ કલ્પવૃક્ષ સરખી શા ગુણ તેના ગણું. ૧૬
ઉપજાતિવૃત્ત
છે ચાર વેદો ષડ અંગ ગાય, વિદ્યા મિમાંસા વળી જાણ ન્યાય;
સદ્ધર્મ શાસ્ત્રો પછી છે પુરાણ, તે ચૌદ વિદ્યા સમઝે સુજાણ. ૧૭
શિક્ષા તથા કલ્પ નિરુક્ત છંદ, જ્યોતિષ ને વ્યાકરણ પ્રવંદ્ય;
ષડંગ તે વેદ તણાં ગણાય, એવી રીતે સર્વ મુનીશ ગાય. ૧૮
અનેક વિદ્યા પ્રભુ આપ જાણે, તથાપિ ઇચ્છા ભણવાની આણે;
પિતાની પાસે રહીને ભણે છે, વિદ્યા તણા સદ્ગુણ તે ગણે છે. ૧૯
શાસ્ત્રો તણો સંગ્રહી સાર સાર, રાખ્યો રચીને ગુટકો મુરાર;
કહી પિતાયે કુળધર્મ શિક્ષા, દીધી વળી વૈષ્ણવમાર્ગ દીક્ષા. ૨૦
લીધો પ્રભુ નિયમ એમ ધારી, સદા થવું નૈષ્ઠિક બ્રહ્મચારી;
તીર્થો વિષે જૈ ફરવું વિશેષ, દેવો જનોને શુભ ઊપદેશ. ૨૧
વળી વિચારી ઉર માંહિ વાત, મારે વિજોગે મુજ માત તાત;
દુઃખી થશે ને દિલમાં દઝાશે, એકે ઘડી તે જુગ જેવી જાશે. ૨૨
માતા પિતા જો ગતિ દિવ્ય પામે, તો તે પછી જાઉં પ્રવાસ કામે;
એવું ગણી ત્યાં જ થયા નિવાસી, રહે તથાપી હૃદયે ઉદાસી. ૨૩
જ્યાં સાલ આવી અડતાળિશાની, કાયા પડી ભૌતિક ભક્તિમાની;
પ્રબોધિનીનો દિન પૂર્વ જેહ, હતો તિથિમાં શનિવાર તેહ. ૨૪
શ્રીભક્તિમાતા ધરી દિવ્ય દેહ, રહ્યાં સદા શ્રીહરિ પાસ તેહ;
બે ભાઈ બીજા અતિશે રુએ છે, તે દેખી લોકો પુરના કહે છે. ૨૫
કોઈ તણીયે કદિ વિશ્વમાંય, બાળાપણામાં મરશો ન માય;
ધેનૂ5 મુઆથી દુઃખી વત્સ6 જેમ, માતા વિના બાળક દુઃખી તેમ. ૨૬
ભલે પિતા ભૂપ સમર્થ હોય, માતાની તુલ્યે ન ગણાય તોય;
માતા તણી વિશ્વ વિષે સગાઈ, સર્વોપરી શ્રેષ્ઠ સદા ગણાઈ. ૨૭
માતા વિના સર્વ હતા ઉદાસી, આવી ચતુર્થી વદિ જ્યેષ્ઠમાસી;
તાતે તજ્યો ત્યાં નિજદેહ તેહ, સેવે પ્રભુને ધરી દિવ્યદેહ. ૨૮
રુએ ઘણા રામપ્રતાપ આદિ, શિષ્યો રુવે દીક્ષિત પુરુષાદિ;
લોકો કહે છે મુખ વાણી એમ, પિતા મુએ શોક ન થાય કેમ. ૨૯
જો પુત્ર પોતે વયવૃદ્ધ હોય, ઇચ્છે પિતાનું સુખ તેહ તોય;
પિતાસ્વરૂપી શિરછત્ર જેને, સંતાપ ઓછો તન માંહિ તેને. ૩૦
જુદો કદી પુત્ર પિતાથી થાય, તથાપિ દેખી હરખે પિતાય;
જુએ શશીને નભ માંહિ જ્યારે, નિધિ7 ખુશી થૈ ઉભરાય ત્યારે. ૩૧
પછી ઘનશ્યામ રુદે વિચારી, ઘણા જનોનું હિત ચિત્ત ધારી;
પ્રભાતમાં મજ્જનને મિશે તે, સદ્યઃ સિધાવ્યા સરજુ દિશે તે. ૩૨
૯ભક્તિ તથા ૪વેદ ૮વસૂ ૧શશાંક,8 બેઠો નવો વિક્રમ વર્ષ અંક;
અષાઢમાસી દશમી સુદીમાં , ના’યા હરી જૈ સરજુ નદીમાં. ૩૩
અગ્યાર વર્ષો ત્રણ પૂર્ણ માસ, કર્યો ગૃહે વાસર એક વાસ;
શ્રીશ્યામને ત્યાં હણવાનું ધારી, આવ્યો વળી એક મહા સુરારી. ૩૪
નાખ્યા હરિને જળપૂર માંય, શરીર તે માંહિ તણાયું ત્યાંય;
સૂએ મહાસાગર મધ્ય જેહ, પ્રભુ બુડે શું જળ માંહિ તેહ. ૩૫
ઇચ્છા હરિની હરિપ્રેરણાથી, ગુરૂડ આવ્યા હરિધામમાંથી;
ઉપાડી લીધા પ્રભુ તેહ વારે, મુક્યા ઉતારી નદી કોશ બારે.9 ૩૬
પુષ્પાદિ પૂજા ગરુડે સુકીધી, કરી પ્રસાદી પ્રભુ પાછી દીધી;
નમી પ્રભુને પદ તેહ ઠામ, સિધાવિયા તે ગરુડ સ્વધામ. ૩૭
નાખ્યા અસુરે જળમાં હરિને, તે તો ગણે શ્યામ ગયા મરીને;
જે કાળના કાળ સદા કહાવે, તેને કદાપિ નહીં આંચ આવે. ૩૮
શ્રીકૃષ્ણની દૃષ્ટિ થકી દઝાતો, પાપી મુઓ ખૂબ પછાડ ખાતો;
પ્રભુ થકી વૈર કરી કુપાત્ર, પામ્યા ન કોઈ સુખ લેશમાત્ર. ૩૯
ચાલ્યા નદીને તટ કોશ બેય, ત્યાં એક મોટો વડ વૃક્ષ છેય;
ત્યાં બેસીને કાંઈ કર્યો વિરામ, સમગ્ર આવ્યા સુર તેહ ઠામ. ૪૦
તીર્થો નદી પર્વત મુખ્ય જેહ, આવ્યા ધરી માનવ રૂપ તેહ;
સૌએ પ્રભુને પદ શીશ ધારી, સુનમ્રતાથી વિનતિ ઉચારી. ૪૧
અષ્ટપદી
સ્વજન તણા સુખસાગર, નટનાગર એ;
અમળ ઉજાગરરૂપ,10 જય ઘનશામ હરે;
સંકટ સકળ નિવારણ, જગકારણ એ;
ભવજળતારણ ભૂપ, જય ઘનશામ હરે... ૪૨
મૂર્તિ રુચિર મનરોચન,11 દુઃખમોચન એ;
સરસિજલોચન12 શામ, જય ઘનશામ હરે;
જય નિજજન મનસ્ફૂરણ, ભયચૂરણ એ;
પ્રિયજનપૂરણકામ, જય ઘનશામ હરે. ૪૩
ઈશ્વરના પણ ઈશ્વર, જગદીશ્વર એ;
સકળ કવિશ્વર ગાય, જય ઘનશામ હરે;
જય વૃષવંશદિનંકર,13 અભયંકર એ;
શંકરસેવ્ય સદાય, જય ઘનશામ હરે. ૪૪
નિર્ગુણ મુનિજનનાયક, ખળધાયક14 એ;
દાયક અતિ સુખદાન, જય ઘનશામ હરે;
દુર્મતિ દુર્જનદંડન, શ્રુતિમંડન15 એ;
ખંડન ખળગુરુમાન, જય ઘનશામ હરે. ૪૫
ગુણ ચતુરાનન18 ગાય, જય ઘનશામ હરે;
ગુણનિધિ આપ ગિરિધર, અવનીધર એ;
શ્રીધર19 સુખદ સદાય, જય ઘનશામ હરે. ૪૬
અરુણવરણ20 જુગ ચરણ છે, સત્ય શરણદ21 એ;
નિજજનકરણ નિહાલ, જય ઘનશામ હરે;
પરમ ધરમ ધુરધારી છો, સુખવારિદ22 એ;
વિશ્વવિહારીલાલ, જય ઘનશામ હરે. ૪૭
ઉપજાતિવૃત્ત
તીર્થો કહે હે હરિકૃષ્ણદેવ, હવે પધારો પ્રભુ તર્તખેવ;
ધરી નિજાંઘ્રી રજ શ્રીમુરારી, પવિત્રતા નાથ કરો અમારી. ૪૮
દેવો કહે દેશ બધે પધારો, સદ્ધર્મ સર્વે સ્થળમાં વધારો;
અધર્મના પંથ પ્રભુ ઉથાપો, દુષ્ટો હણીને જનકષ્ટ કાપો. ૪૯
કહે પ્રભુ સત્વર તે કરીશ, ભૂમિ તણો ભાર હવે હરીશ;
તમે તમારે સ્થળ સૌ સિધાવો, સ્વચિત્તમાં ધૈર્ય હવે ધરાવો. ૫૦
એવું સુણી પૂજન સર્વ કીધું, નૈવેદ્ય મીઠાં ફળ આદિ દીધું;
કરી પ્રભુના પદને પ્રણામ, ગયા સુરો તીર્થ સહુ સ્વધામ. ૫૧
નિજક્રિયા ત્યાં કરીને મુરારી, આહાર કીધો ફળનો વિચારી;
સર્જુતટે તે વટવૃક્ષ પાસ, કર્યો પ્રભુયે રજની નિવાસ. ૫૨
નિત્યપ્રતિ નીરખવા હરિને, એવી પ્રતિજ્ઞા હનુમાનજીને;
તેથી પધાર્યા કપિ ધર્મધામ, દીઠા નહીં શ્રીહરિ તેહ ઠામ. ૫૩
જોયું પછી જ્યાં મનધ્યાન ધારી, સર્જૂ તટે દૂર દીઠા મુરારી;
પુરી અયોધ્યા થકી ચૌદ કોશ, ગયા હનુમાન તહાં અદોષ. ૫૪
કરી નમસ્કાર મહાપ્રભુને, સર્વેશ્વરોના ગુરુના ગુરૂને;
પછી કહ્યું હે પ્રભુ મેઘશામ! મને બતાવો નિજ કાંઈ કામ. ૫૫
કહે હરિ મુજ સગાં સમાજ, કરતાં હશે ક્લેશ વિશેષ આજ;
મારે વિજોગે મનમાં મુંઝાશે, તમે પધારો કપિ તેહ પાસે. ૫૬
જ્યારે જઈ પશ્ચિમ દેશમાંય, બાંધીશ મોટાં શુભ ધામ ત્યાંય;
કુટુંબીયોને તહીં તેડી લૈશ, નહીં કદી છેક વિસારી દૈશ. ૫૭
એવું કહી ધીરજ આપ આપો, સગાં સહુ કેરી ઉદાસી કાપો;
એવું કહીને વૃષવંશરાય, કર્યા તહાંથી કપિને વિદાય. ૫૮
પુષ્પિતાગ્રાવૃત્ત
રજની વિગત થૈ થયું સવાર, પછી હરિ ત્યાંથી કર્યો વળી વિહાર;
સુણ નરપતિ હું કહીશ જેહ, સ્થિતિ થઈ શામ જતાં સગાંની તેહ. ૫૯
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિગૃહત્યાગ-કરણનામા અષ્ટદશો વિશ્રામઃ ॥૧૮॥
ઇતિ શ્રીહરિલીલામૃતે બાલચરિત્રનામા દ્વિતીયકલશઃ સંપૂર્ણઃ ॥