કળશ ૨

વિશ્રામ ૨

અથ શ્રીહરિજન્મસમયે વસંતાગમનવર્ણન

 

દ્રુતવિલંબિત

ઉપવને પવને ત્રિવિધી ધરી, સરસતા રસતાની બહુ કરી;

ખગ રુડાં ગરુડાદિ ગણાય છે, સુમનથી મનથી હરખાય છે. ૧

વન વિષે નવિ શેવતિયો દિસે, બહુ લસે હુલસે જન તે વિષે;

ઉચરતી ચરતી વળી કોકિલા, ઠીક થતી કથતી જશ શું ઇલા.1

જનમતી નમતી લતિકા બહુ, અગણિતો ગણિતો ગણિ શું કહું;

અભવ સંભવ સંધિથી રાચતી, વનટકી નટકી કિશું નાચતી. ૩

ભ્રમરજી મરજી મનમાં ધરી, રવ કરે વકરે મધુતા હરી;

ભજનમાં જનમાં મલકાય છે, ખચિતથી ચિત્તથી ગુણ ગાય છે. ૪

કમળતો મળતો ગુણ સંઘરે, વિમળતા મળતા તજીને ધરે;

અમિતમાં મિતમાં જળમાં સહી, વશિ રહે શિર હેઠું કરે નહી. ૫

સકળિયો કળિયો સુપલાશની, 2 વનફુલી ન ફુલી કળિ ઘાસની;

દ્રુમલતા3 મળતા રિતુમાં4 ખિલે, પથરના થર ના કદીયે ફુલે. ૬

અસુરની સુરની સહુ સંપદા, પ્રસરવા સરવાર વિષે તદા;

વિદિશથી દિશથી વશિ નેહથી, અચળ થૈ ચળ થૈ ખળ ગેહથી. ૭

સુકવિ તો કવિતો5 રિતુના કરે, રચિ રચી ચિર ચિત્ત વિષે ધરે;

વસુમતી સુમતી જન જે સજે, અચરના ચરના પતિને ભજે. ૮

ઉપજાતિ

વસંતમાં સંત તથા અસંત, આનંદ પામે ઉરમાં અનંત;

ભાનુ પ્રકાશે સુખ થાય ભારી, ક્રિયા જુદી સજ્જન ને શિકારી. ૯

ભક્તિ તણા અંગનું તેજ જેહ, વસંતથી ઓપ્યું વિશેષ તેહ;

તે જેમ કાંતિ જળજાત6 કેરી, ભાનૂ પ્રકાશે પ્રગટે ઘણેરી. ૧૦

તેવે સમે સૌ સુર વજ્રપાણિ, 7 પ્રભુ તણો પ્રાદુરભાવ જાણી;

અજાદિ8 તે બેસી વિમાન આવ્યા, સુરાંગનાઓ પણ સંગ લાવ્યા. ૧૧

ગણેશ ગંગેશ9 રમેશ10 શેષ, જળેશ11 જક્ષેશ12 શશી દિનેશ;

દશે દિશાના દિગપાળ દેવ, તહાં પધાર્યા મળી તર્તખેવ. ૧૨

ત્યાં વ્યોમમાં વૃંદ વિમાન છાયાં, સુરાંગનાયે ગુણ ગીત ગાયાં;

સર્વેની દૃષ્ટિ વૃષધામમાં છે, પ્રીતિ ઘણી શ્રીઘનશ્યામમાં છે. ૧૩

ત્યાં તેજનો પ્રાદુરભાવ ભાળી, નેહે રહ્યા નિર્જર13 સૌ નિહાળી;

બાહ્યાંતરે જે સ્થિત અંધકાર, તે સર્વને તત્ક્ષણ તોડનાર. ૧૪

કોટ્યર્ક14 અગ્નિ શશી જો પ્રકાશે, તે સર્વ ખદ્યોત સમાન ભાસે;

જે તેજ છે સચ્ચિદહર્ષરૂપ, સુશાંત ને અદ્‌ભુતતા અનૂપ. ૧૫

તે તેજ તો વ્યાપ્ત દશે દિશામાં, આવી શકે કેમ બધું કહ્યામાં;

ચરાચરે અક્ષરતેજ જેમ, વ્યાપી રહ્યા અંતર બાહ્ય એમ. ૧૬

સુશ્વેત ને ઘટ્ટ અબદ્ધ શુદ્ધ, આશ્ચર્યકારી ઉચરે વિબુદ્ધ;15

અપાર અષ્ટાવરણોથી પાર, વ્યાપી થયું અક્ષર એકતાર. ૧૭

દેખે મુનિ સજ્જન દેવતાઓ, દિસે નહીં વિશ્વ તથા દિશાઓ;

પ્રકાશથી અંજન દૃષ્ટિ પામી, સહી શકે કેમ વિમાનગામી. ૧૮

તે તેજનો મર્મ ચિત્તે વિચાર્યો, પ્રભુ તણો પ્રાદુરભાવ ધાર્યો;

સાકારનું દર્શન સદ્ય થાવા, સ્તુતિ કરી તેજ તહાં સમાવા. ૧૯

હેતે કહે સૌ સુર જોડી હાથ, અહો દયાળુ પ્રભુ દીનનાથ;

સમગ્ર આ તેજ અહીં સમાવો, અનાદિ મૂર્તિ અમ દૃષ્ટિ આવો. ૨૦

પ્રહર્ષિણીવૃત્ત

હે સ્વામી ભુવન સમસ્ત ભૂપભૂપ,

આત્માના પરમ પવિત્ર આત્મરૂપ;

તેજસ્વી અમિત16 તમે જ સર્વદા છો,

માયાના તિમિરથી17 તો તમે જુદા છો. ૨૧

   ચિત્તેથી મુનિજન ચાય ચાય ચાય,

   સ્નેહેથી શ્રુતિ ગુણ ગાય ગાય ગાય;

   ભક્તિથી ભવભય જાય જાય જાય,

   દ્રષ્ટીથી દુઃખ દુર થાય થાય થાય. ૨૨

જો જ્યોતિ પ્રકટિત એક રોમ કેરી,

તો માયા પુરુષ શકે ન તેજ હેરી;

જે મૂર્તિ નિજ ઉર અક્ષરે સ્મરે છે,

સાક્ષીત્વે18 સકળ સચેતમાં ઠરે છે. ૨૩

   આ જ્યોતિ ઉદધિ19 વિષે અનેક અંડ,

   બૂડેલાં જળગત જાણીયે અખંડ;

   તે વિશ્વાંતર ગત આ સહુ અમે જ,

   ભાસે છે અકળિત તેજ તેજ તેજ. ૨૪

ના દિસે અવયવ ભિન્ન જે અમારા,

ના દિસે દિનમણિ20 સોમ21 ભોમ22 તારા;

ના દિસે અવનિ મહાબ્ધિ23 મેરુ એ જ,

ભાસે છે અકળિત તેજ તેજ તેજ. ૨૫

   જો નેત્રે પટ ધરીયે કદાપિ કાળે,

   તો સ્વાત્મા હૃદગત એ જ તેજ ભાળે;

   ભ્રાંતિમાં પડી અમને ન સૂજ કાંઈ,

   ભાસે છે શરણ તમારું સુખદાઈ. ૨૬

આ જ્યોતિ અકળિત પેખીને અપાર,

ભૂલ્યા સૌ સુર નર સૂજિયો ન સાર;

શી રીતે સ્તુતિ કરીયે અમે તમારી?

ના પોંચે મતિ ગતિ એ વિષે અમારી. ૨૭

   હે દેવા નિજજન દીન દાસ જાણી,

   આ ટાણે અધિક દયા દયાળુ આણી;

   આ જ્યોતિ સકળ તમો વિષે સમાવો,

   જે મૂર્તિ અજર24 અનાદિ તે બતાવો. ૨૮

ઈંદ્રવંશા

સર્વે સુરોયે સ્તુતિ એવી જ્યાં કરી, મુક્તેશ્વરે તે સ્તુતિ ચિત્તમાં ધરી;

તે તેજ સર્વે તનમાં સમાવિયું, સૌ દૃષ્ટિ સાકાર સ્વરૂપ આવિયું. ૨૯

જે દેવિયો દેવ મુનિ મળ્યાં તહીં, તે સર્વને ગોચર તે થયા સહી;

કેવું દીઠું રૂપ મહાપ્રભુ તણું, ભાવે સુણો તે તમ આગળે ભણું. ૩૦

ગોલોક નામે સુપ્રસિદ્ધ ધામ છે, જેનું વળી અક્ષરધામ નામ છે;

જે રૂપ સાક્ષાત સદૈવ ત્યાં રહે, મૂર્તિ અનાદિ શ્રૃતિ25 શાસ્ત્ર સૌ કહે. ૩૧

બે છે ભુજા ને ધરી બંસિ હાથમાં, રાધા બિરાજે સજી રૂપ સાથમાં;

સર્વે સુરોએ પ્રભુ એમ દેખીયા, ભાવે અનન્યે નિજ ઈષ્ટ લેખીયા. ૩૨

વૃંદાવને જે વરદાન આપીયું, જ્યારે શ્રીધર્મે હરિનામ જાપીયું;

તે દંપતીયે દિલ એમ ધારીયું, તે રૂપ છે આજ અહિં પધારીયું. ૩૩

છે આપ એ અક્ષરધામના પતિ, કીધી તથાપિ કરુણા અહો અતિ;

જે પુત્રભાવે અમને જણાય છે, સર્વોપરી ઈશ્વર તે ગણાય છે. ૩૪

સર્વે સુરોને મન એમ ભાવિયા, આ તો સ્વયં અક્ષરનાથ આવિયા;

શ્રીધર્મ ભક્તિ મુનિયો સમેતને, તે પાળશે પૂરણ રાખી હેતને. ૩૫

એવું વિચારી સ્તુતિ દેવ ઉચ્ચરી, બે હાથ જોડી બહુ નમ્રતા ધરી;

હે રાજરાજેશ્વર ભક્તરંજન, શ્રીરાધિકાનાથ નમો નિરંજન. ૩૬

પ્રમાણિકાવૃત્ત

   નમો નમો નિરંજનં, સુરારિગર્વગંજનમ્;

   નમોઽસ્તુ ભક્તવલ્લભં, દિનેશ શેષ દુર્લભમ્. ૩૭

   નમોઽસ્તુ આદિકારણં, અનંતઅંડધારણમ્;

   નમો નમો પરાત્પરં, મુનીશ મંગલંકરમ્. ૩૮

   અધર્મવંશનાશનં, સુધર્મતા પ્રકાશનમ્;

   વિદારવા26 સુરારિને, નિમિત્ત એ જ ધારિને. ૩૯

   ધર્યો મનુષ્ય દેહ છે, સુધન્ય ધર્મ ગેહ છે;

   નમોઽસ્તુ પુત્ર ભક્તિના, સુસેવ્ય સર્વ શક્તિના. ૪૦

   અનાદિ આપ એક છો, વિશેષણે અનેક છો;

   તમારી દૃષ્ટિ થાય છે, સુસૃષ્ટિ આ સૃજાય છે. ૪૧

   સ્વયંભુ27 વિષ્ણુ શંકરે, તમો થકી તનૂ ધરે;

   નિદેશને28 અનુસરે, સૃજે સ્થિતિ પ્રલે કરે. ૪૨

   તમે જ સર્વશીશ છો, તમે જ ઈશઈશ29 છો;

   સુભક્ત કષ્ટ કાપવા, અનેક સૌખ્ય30આપવા. ૪૩

   દિલે ઘણી ધરી દયા, અમારી દૃષ્ટિયે થયા;

   નમામિ સંતપાલકં, ભજામિ ભક્તિબાલકમ્. ૪૪

ઉપજાતિ

જે નીર પૂર્વે નરમાંથી થાય, તેથી જ તે નાર કવીન્દ્ર ગાય;

આધાર બ્રહ્માંડ ધરે અનેક, તે નારનો છે સમુદાય એક. ૪૫

તેમાં સુવો છો કરીને વિરામ, વેદોક્ત નારાયણ આપ નામ;

તે તો તમારું શુચિ31 એક અંગ, પ્રત્યક્ષ દીઠા પ્રભુ આ પ્રસંગ. ૪૬

શાર્દૂલવિક્રીડિત

જો સ્વામી જગમધ્ય જન્મ ધરીને લીલા નવી ના કરો,

આપીને સહવાસ વાસ જનને અજ્ઞાનતા ના હરો;

શું જાણે જન વિશ્વનો અધિપતિ છે કોણ ને ક્યાં હશે,

કીધાથી અનુમાન થાય ભ્રમણા સૂજે ન એકે દિશે. ૪૭

ઉપજાતિવૃત્ત

છે કોઈ કર્તા જગનો સદાય, વિચિત્ર સૃષ્ટિ થકી સિદ્ધ થાય;

ધટાદિ પાત્રો નજરે જ જોઈ, જણાય કરનાર કુંભાર કોઈ. ૪૮

તથાપિ જેઓ ભ્રમમાં પડે છે, તે તો જનો પંથ જુદે ચડે છે;

કર્તાર32 કેરો નિરધાર તેને, થતો નથી નાસ્તિક બુદ્ધિ જેને. ૪૯

ચરિત્ર જે જન્મ ધરી કરો છો, તેથી તમે સત્ય દિલે ઠરો છો;

સુણે સુણાવે જન તે ચરિત્ર, પામે મહા મોક્ષ થઈ પવિત્ર. ૫૦

ચરિત્રમાં નોય પ્રતીતિ જેને, કશો નહી નિશ્ચય થાય તેને;

છે કોણ કર્તા બની કેમ સૃષ્ટિ, જાણી શકે શું જન ચર્મદૃષ્ટિ. ૫૧

જ્યોતિસ્વરૂપે પ્રભુ કોઈ જાણે, સ્વાભાવિકી સૃષ્ટિ બીજા વખાણે;

કે કાળથી કર્મથી કોઈ ગાય, નિશ્ચે વિના નાસ્તિક કોઈ થાય. ૫૨

તે પાપ તેનાં કદીયે ન જાય, ભવાબ્ધિમાં તે ભટકે સદાય;

માટે પ્રભુજી અવતાર લ્યો છો, સાચું તમે જ્ઞાન તમારું દ્યો છો. ૫૩

એવા તમે દેવ દિસો દયાળ, વિશ્વેશ વિશ્વાત્મક વિશ્વપાળ;

નમો નમો મંગળ મોદકારી,33 નમો નમો ધાર્મિક દેહધારી. ૫૪

સ્તુતિ કરી એમ કરી પ્રમાણ, ઠરી રહ્યા સૌ સુર એ જ ઠામ;

શ્રીધર્મ ભક્તિ હરિરૂપ ભાળી, સ્તુતિ કરે છે તનતાપ ટાળી. ૫૫

પુષ્પિતાગ્રા

જનનિ જનક જુગ્મ જોડી પાણિ, વદિ વદિ મિષ્ટ વિવેક જુક્ત વાણી;

સ્તુતિ કરી હરિ કેરી પૂર્ણ પ્રીતે, સુણ નૃપ તેહ કહીશ રૂડી રીતે. ૫૬

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિઆવિર્ભાવસમયે

બ્રહ્માદિદેવકૃતસ્તુતિવર્ણનનામા દ્વિતીયો વિશ્રામઃ ॥૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે