કળશ ૨

વિશ્રામ ૩

દોહરો

ધર્મ ભક્તિ સ્તુતિ ઉચ્ચરે, પ્રેમે જોડી પાણ;1

જય જય સમસ્ત જીવન, પ્રભુજી જીવનપ્રાણ. ૧

કોકિલવૃત્ત-વેદસ્તુતિનું

જય જય જીવના પરમ જીવન પ્રાણ પ્રભો,

નિજજન પાળ છો વરદ2 વિશ્વનિવાસ વિભો;

નિજકર મોરલી ધરણ હે કરુણાયતન,

રમણીય રાધિકારમણ શ્યામ સુખાયતન. ૨

   મુનિપતિ માવજી અકળ ઈશ અજેશ હરી,

   નિજજનના મનોરથ પ્રપૂર્ણ દીધા જ કરી;

   સદગુણના નિધિ જગદધીશ જયાધિપતિ,

   તવ પદપદ્મને પ્રણમીયે પ્રિયજાણી અતિ. ૩

ભવભીત ભાગવા ભજન ભક્ત તમારું કરે,

તવ પદ માનીને સુખદ દિલ સદૈવ ધરે;

મુનિ જન ઇંદ્રિયો વશ કરી તમને જ ભજે,

તવ પદ પામવા જગની આશ સમસ્ત તજે. ૪

   જય નવ મેઘના સમ શરીર નવીન નિધી,

   અમ પર નેહની નજર આપ અમાપ કિધી;

   નખમણિ કોટિધા રવિ શશાંક સમાન લસે,3

   હરિજનના સદા હૃદયમાં જ નિવાસ વસે. ૫

અજ ભવ આદિને અતિ અસહ્ય તમારી અજા,4

તવ પદનાવથી તરી શકાય તરે ન ભુજા;5

પરમ પવિત્ર તે ચરણ આજ દીઠાં જ અમે,

અમ પર રીઝિયા અધિક હેત ધરી જ તમે. ૬

   શ્રુતિગણ સાંગ6 જે ચરણના ગુણ ગાય સદા,

   શરણ લીધું અમે ચરણનું મન માંહિ મુદા;

   તજી ન જશો કદી પ્રણતપાળ દયાળ તમે,

   પદ નમી માગિયે વદનથી વર એ જ અમે. ૭

પ્રભુ તવ રૂપનો સુરથી નિર્ણય થાય નહીં,

જુગજુગ જન્મનું ધરણ એ જ નિમિત્ત અહીં;

ચરિત રુડાં કરો સ્વજનને સુખદેણ વળી,

ગુણગણ ગાય તો ભવની ભીતિ ગણાય ટળી. ૮

   દઈ નિજ જ્ઞાનને જન તણી જડતાઇ હરો,

   સદગુરુ સર્વના સુખદ તેથી તમે જ ઠરો;

   ભ્રમણની ભીતિ સૌ જન તણી તમથી જ ટળે,

   અચળ નિવાસ તો તવ સુભક્તિ થકી જ મળે. ૯

ઉપજાતિ

માટે તમે સર્વ શરણ્ય7 એક, એવું કહે છે શ્રુતિયો અનેક;

તમે કરો છો ઉપકાર જેહ, બીજો કરી કોઈ શકે ન તેહ. ૧૦

અમે તમોથી ફળ જે પમાય, બ્રહ્માદિકે તે ફળ ના અપાય;

એવું તમારું પ્રભુ પાદપદ્મ, તેને નમું છું ગણિ સૌખ્યસદ્મ.8 ૧૧

ઇંદ્રાદિકો જો ન શરણ્ય માંગે, તો કાળનો ત્રાસ કદી ન ભાંગે;

માટે તજી ભંગુર9 આશ અન્ય, શરણ્ય માગે તવ તે જ ધન્ય. ૧૨

હે સર્વના સ્વામી પ્રભુ અમારા, તમો અમોને વર આપનારા;

સત્ય પ્રતિજ્ઞા પ્રભુ છે તમારી, સંપૂર્ણ ઇચ્છા કરશો અમારી. ૧૩

વ્યાપી રહ્યો છે કળિકાળ ઘોર, જણાય પાખંડી ગુરૂનું જોર;

ભૂપાળ આ કાળ થયા અધર્મિ, અન્યાયકારી કુટિલો કુકર્મિ. ૧૪

સુધર્મરક્ષા દ્વિજથી ગણાય, તે તો થયા શાક્ત10 કુમાર્ગ જાય;

ભૂપાળ જે રક્ષક ધર્મના છે, કોઠાર તે આજ કુકર્મના છે. ૧૫

આચાર્ય ઊંધો ઉપદેશ દે છે, ભાર્યા સુતા શિષ્યની ભોગવે છે;

સંન્યાસિ થૈ સંગ્રહ દ્રવ્ય રાખે, સંસારના સ્વાદ સમગ્ર ચાખે. ૧૬

સંન્યાસિને કાંચન કોઈ આપે, તે કુંભિપાકે પડનાર પાપે;

એવું લખ્યું શંકરસ્વામી જેહ, રહ્યો નહિ લેશ સુધર્મ તેહ. ૧૭

વેદાંતવાદી ગુરુવેષ ધારી, વેદોક્ત સત્કર્મ વિનાશકારી;

કહે અહંબ્રહ્મ અધર્મિ આપ, નથી જગત્ કે નથી પુણ્ય પાપ. ૧૮

વળી વધ્યો છે બહુ કુંડપંથ, ગણે નહીં તે શ્રુતિશાસ્ત્ર ગ્રંથ;

કરે કરાવે જન જારકર્મ, જમે જમાડે તજી જાતિધર્મ. ૧૯

જોયા વળી જૈન પ્રબોધ ધર્તા, તે તો કહે છે નથી વિશ્વકર્તા;

કર્મે કરીને જનમે મરે છે, જે થાય કૈવલ્ય પ્રભુ ઠરે છે. ૨૦

અધર્મરૂપે કળિકાળ વ્યાપ્યો, સુધર્મને મૂળ થકી ઉથાપ્યો;

માટે ધરો નાથ મનુષ્યરૂપ, ભૂભાર ભાંગો મુનિ ભૂપભૂપ. ૨૧

વસંતતિલકા

એવી વૃષે સ્તુતિ કરી સુણી તે કૃપાળે,

ઇચ્છા ચરિત્ર કરવા કરી એહ કાળે;

બોલ્યા મહાપ્રભુ મુખે પછી ધર્મ પાસ,

પૂર્વે દીધેલ વરદાન કર્યું પ્રકાશ. ૨૨

   હે ધર્મદેવ સુણી લ્યો શુભ વાત મારી,

   આ ભક્તિ પત્નિ પણ પૂરવની તમારી;

   વૃંદાવને મખ11 કરી મુખ માગી લીધું.

   ત્યાં મેં પ્રસિદ્ધ તમને વરદાન દીધું. ૨૩

જે આદિરૂપ12 મુજ અક્ષરધામમાંય,

તે રૂપથી જ તમને વર દત્ત13 ત્યાંય;

થૈ પુત્ર અત્ર તવ રક્ષણ હું કરીશ,

ભૂભારરૂપ ખળનો ક્ષય આદરીશ. ૨૪

   તે વાતની સ્મૃતિ થવા તમને પિતાજી,

   દેખાડિયું સ્વરૂપ આ કરીને કૃપાજી;

   એવું કહી ધરી સુબાળક રૂપ ત્યાંય,

   પોઢ્યા પ્રભુ જનનિ પાસ પલંગમાંય. ૨૫

બાળસ્વરૂપ અતિ અદ્‌ભુત પદ્મપાણી,

પૂર્ણેન્દુવક્ત્ર14 વળી શું કહિયે વખાણી;

દિસે દયામય નવીન સરોજનેત્ર,15

ભાસે કપોળ શુભ ગોળ પ્રભાનું ક્ષેત્ર. ૨૬

   સોળે સુચિન્હ દરશે શુચિ પાદપદ્મ,

   જે છે મુનીન્દ્ર મન ભૃંગ તણું16 સુસદ્મ;17

   કાયાની નિર્ખિ નજરે કમનીય18 કાંતિ,

   માતા પિતા મન વિષે થઈ સદ્ય શાંતિ. ૨૭

પુત્રસ્વરૂપ નિરખે જનની પલંગે,

રોમાંચ થાય તનમાં અતિશે ઉમંગે;

ઇચ્છા થઈ પ્રભુ તણી બનવા બનાવ,

ભૂલી ગયાં તરત દંપતિ દિવ્યભાવ. ૨૮

   જન્મ્યો સુપુત્ર જણ બે મળી એમ જાણ્યું,

   પોતાનું ભાગ્ય વૃષભક્તિ ભલું વખાણ્યું;

   નિર્ખે મનોહર સુખાબ્ધિ19 મુખારવિંદ,

   જોઈ રહે જનનિ જેમ ચકોર ચંદ. ૨૯

તે જેમ લોભી જનને જ જડે નિધાન,20

દે કોઈ અંધજનને ફરી નેત્રદાન;

કે કોટિ કલ્પ તપનું ફળ પ્રાપ્ત થાય,

એવો થયો હરખ અંતરમાં ન માય. ૩૦

   સંવત્પુરાણ શત ઊપર સાડત્રીશે,21

   રૂડો વસંત ૠતુ ને મધુમાસ22 દીસે;

   છે શુક્લપક્ષ નવમી શશીવાર23 સાર,

   ત્યારે થયા પ્રગટ પ્રેમવતી કુમાર. ૩૧

નક્ષત્ર પુષ્ય પણ યોગ કહે સુકર્મા,

તેવે સમે સુત દિઠો દ્વિજ દેવશર્મા;

આનંદ એથી ઉપજ્યો ઉરમાં અપાર,

તે શારદા વરણવી ન શકે લગાર. ૩૨

   જો ચૈત્રમાં વિવિધ ફૂલ ઘણાં ફુલાય,

   ફુલ્યાનું કારણ જરૂર હવે જણાય;

   શ્રીરામ તેમ જન્મ્યા હરિ ચૈત્રમાંય,

   તે ગર્વ ચિત્ત ધરી ચૈત્ર ફુલે સદાય. ૩૩

ધારે ધિમંત24 જન કૌશલ દેશ ધન્ય,

એના સમાન નહિ ઉત્તમ દેશ અન્ય;

પૂર્વે જહાં પ્રગટિયા રઘુવંશિ રામ,

તે દેશમાં જનમિયા પ્રભુ ધર્મધામ. ૩૪

   આવી મળી નગરની નવ સાત25 નારી,

   શૃંગાર સ્વચ્છ શરીરે નવ સાત ધારી;

   પ્રત્યેક તેહ વયમાં નવ સાત વર્ષે,

   ચાંદ્રી26 કળા વદનમાં નવ સાત દર્શે. ૩૫

શ્રીધર્મ ગેહ જુવતી જનજુથ આવે,

આનંદ મંગળ કરી ગુણ ગીત ગાવે;

જેવો સુકંઠ કલપે કવિ કોકિલાનો,27

તેથી વિશેષ મધુરો સ્વર પ્રેમદાનો. ૩૬

પદ - ૧

રાગ ધોળ

સખી આજ આનંદ અતિ ઘણો,

   કોટિ બ્રહ્માંડના કરનાર અખિલના આધાર; પ્રગટ થયા મહાપ્રભુ.

થાય ઉત્સવ ધર્મને આંગણે,

   હેતે આવ્યાં હજારો હજાર મળી નરનાર… પ્રગટ꠶ ૩૭

ધન્ય ધન્ય શ્રીધર્મના ધામને,

   ધન્ય ધન્ય છપૈયા ગામ જ્યાં પૂરણકામ… પ્રગટ꠶

જુઓ બાળક રૂપે બન્યા પ્રભુ,

   જેનું જોગી જપે નિત્ય નામ તે શ્રીઘનશ્યામ… પ્રગટ꠶ ૩૮

આજ સોનાનો સૂરજ ઉગીયો,

   આજ મોતીનો વરસે છે મેહ ઓપે અતિ એહ… પ્રગટ꠶

મોટા મુનિજન મળી મળી આવિયા,

   નમે પ્રભુપદમાં ધરી નેહ દિસે નરદેહ… પ્રગટ꠶ ૩૯

દિવ્ય દેહે આવ્યાં દેવ દેવીયો,

   આવ્યા ગુણનિધિ દેવ ગણેશ મહેશ સુરેશ… પ્રગટ꠶

બ્રહ્મા સાવિત્રી સહિત પધારીયા,

   આવ્યા દેહ ધરીને દિનેશ સજી સારો વેશ… પ્રગટ꠶ ૪૦

આજ મનના મનોરથ સૌ ફળ્યા,

   આજ આનંદ ઉભરાયો જાય ન મનમાં સમાય… પ્રગટ꠶

સખી સુખનો સાગર આજ રેલીયો,

   આજ ક્રોડ દિવાળી દેખાય શી ઉપમા અપાય… પ્રગટ꠶ ૪૧

આજ તોરણ બાંધ્યાં છે ટોડલે,

   ધર્યા કળશ પતાકા દ્વાર ઓપે છે અપાર… પ્રગટ꠶

રુડા કેળના થંભ રોપાવીયા,

   સૌએ સજીયા સરસ શણગાર હૈયે હેમહાર… પ્રગટ꠶ ૪૨

આજ નાચે આકાશમાં અપ્સરા,

   ગુણી ગાંધર્વ હરિગુણ ગાય હૈયે હરખાય… પ્રગટ꠶

આજ દુદુંભિ28 વાજે છે દેવનાં,

   આજ શરણાઇના શોર થાય વધામણી જાય… પ્રગટ꠶ ૪૩

જે છે ક્ષર ને અક્ષર કેરા આતમા,29

   એને કવિ કહે કાળના કાળ પ્રણત30 પ્રતિપાળ… પ્રગટ꠶

બ્રહ્મા ભવ ને ભવાની જેને ભજે,

   જે છે વિશ્વવિહારીલાલ તે દીનદયાળ… પ્રગટ꠶ ૪૪

પદ - ૨

સખી આજની શોભા શી વર્ણવું,

   મળી માનિની31 મંગળ ગાય વરણવ્યો ન જાય; આનંદ અતિ ઘણો.

આજ અવસર આવ્યો નવાઈનો,

   આવો અવસર રહેજો સદાય માગે મુનિરાય… આનંદ꠶ ૪૫

ભલાં ભાગ્ય ઉદય થયાં ભૂમિનાં,

   મહારાજે કરી મોટી મેહેર થઈ લીલા લેહેર… આનંદ꠶

હરિ જન્મ્યા તેથી આખા જગતમાં,

   આજ શોભે છે ગામ ને શેહેર વધ્યો ઘેરઘેર… આનંદ꠶ ૪૬

સારા હાથી ઘોડા શણગારીયા,

   શણગારીયું સુંદર ગામ છપૈયા છે નામ… આનંદ꠶

વાટ છાંટીને ફુલડાં વેરીયાં,

   ઠીક ઠાઠ રચ્યો ઠામોઠામ નાચે નટવામ32…આનંદ꠶ ૪૭

આજ જો સખી ધર્મને આંગણે,

   આવ્યા આવ્યા અમર નર નાગ મળે નહીં માગ… આનંદ꠶

ધર્મદેવે દીધાં દાન વિપ્રોને,

   દીધાં જાચકને33 શેલાં પાગ અમુલ્ય અથાગ… આનંદ꠶ ૪૮

આવી આશીષ આપે મુનિજનો,

   ઘણું જીવજો જગદાધાર ભક્તિના કુમાર… આનંદ꠶

પિતા માતાની પ્રતિમા34 પાળજો,

   વળી પાળજો સ્વજન અપાર સદા સુખકાર… આનંદ꠶ ૪૯

મૂર્તિમાન ચારે વેદ આવીયા,

   ગાય હરિવરનાં ગુણગાન સુણે સહુ કાન… આનંદ꠶

આવ્યા અજ ભવ આદિ જાચક થઈ,

   ચિત્તે ચાહિને દર્શનદાન ધરી હરિધ્યાન… આનંદ꠶ ૫૦

ભેટ ધરવા માટે ભલા ભાવથી,

   કંઈક લાવે મોતી મણી માળ તે વિમળ વિશાળ… આનંદ꠶

કંઈક લાવે સારાં શેલાં પાઘડી,

   કંઈક લાવે છે શાલ દુશાલ મોંઘા મોંઘા માલ… આનંદ꠶ ૫૧

કુળદેવને દીધાં વધામણાં,

   પૂજી અરચીને માગે છે એમ રહેજો પુત્ર ક્ષેમ… આનંદ꠶

તાતે જાતક કર્મ35 ભલું કર્યું,

   નિર્ખિ લાલ વિહારીને જેમ જથાવિધિ તેમ… આનંદ꠶ ૫૨

પદ - ૩

સખી અદ્‌ભુત ભાગ્ય છે આપણાં,

   પુરુષોત્તમ પ્રાણ આધાર જે છે પરાપાર;36 તે પ્રભુજી પધારીયા.

જેને નેતિ નેતિ નિગમો કહે,

   જેની કીરતિ કરે છે ઉચ્ચાર જે વદનહજાર37... તે પ્રભુજી꠶ ૫૩

જેનાં દર્શન દુર્લભ દેવને,

   ધરે શંકર જેહનું ધ્યાન કરે ગુણગાન... તે પ્રભુજી꠶

જેને શારદા વર્ણવે સર્વદા,

   મુનિ નારદ સનક સમાન શોભે છે નિદાન… તે પ્રભુજી꠶ ૫૪

જેને અરથે જોગી જપ તપ કરે,

   કરે અષ્ટાંગ જોગ અભ્યાસ વસી વનવાસ… તે પ્રભુજી꠶

જોગ જજ્ઞ કરે જેને પામવા,

   કોઈ સુખ તજી લે છે સંન્યાસ દિલે થૈ ઉદાસ… તે પ્રભુજી꠶ ૫૫

ભજે પ્રકૃતિ પુરુષ ભલા ભાવથી,

   પણ સમજે નહીં જેનો સાર પામે નહિ પાર… તે પ્રભુજી꠶

બ્રહ્મા વિષ્ણુ ને ભવ તે ભુલા પડે,

   જેનો ન કરી શકે નિરધાર કે કેવો આકાર… તે પ્રભુજી꠶ ૫૬

જેના તન એક રોમના તેજમાં,

   કોટિ સૂર્ય શશી લીન થાય ન જરિયે જણાય… તે પ્રભુજી꠶

છેક રોમ તણા એક છિદ્રમાં,

   આવાં વિશ્વ38 અસંખ્ય સમાય ગણ્યાં ન ગણાય… તે પ્રભુજી꠶ ૫૭

મોટા મુક્ત ભજે જેને ભાવથી, ભજે અક્ષરપુરુષ અનેક ધરી દૃઢ ટેક… તે પ્રભુજી꠶

જેની તુલ્ય બીજો નવ જાણીયે,

   એના જેવા તો એ જ છે એક છતે જોતાં છેક… તે પ્રભુજી꠶ ૫૮

જેની આજ્ઞા થકી જુઓ જગતમાં,

   શશી સૂરજ ફરે છે આકાશ કરે છે પ્રકાશ… તે પ્રભુજી꠶

મહાસાગર મરજાદમાં રહે,

   જેને પાળ્ય નથી એકે પાસ વસે સ્થિર વાસ… તે પ્રભુજી꠶ ૫૯

મેઘ વૃષ્ટિ કરે આખી સૃષ્ટિમાં,

   તે તો જેહના હુકમ પ્રમાણ કરી નિરમાણ… તે પ્રભુજી꠶

સુખકારી વિહારી લાલજી,

   જે છે સુંદર શ્યામ સુજાણ સદા સુખખાણ… તે પ્રભુજી꠶ ૬૦

પદ - ૪

સખી આજ વધામણી સાંભળી,

   ભક્તિદેવીનાં ભાગ્ય વિશાળ પ્રગટ થયા લાલ; ઉત્સવ આજ થાય છે.

દહીં હળદીનો રંગ છંટાય છે,

   ભાવે ભરિ ભરી મોતીના થાળ વધાવે છે લાલ… ઉત્સવ꠶ ૬૧

આજ સાકર વહેંચે છે સર્વને,

   વળી વહેંચે છે ફોફળ39 પાન કરી સનમાન… ઉત્સવ꠶

કરે પુષ્પની વૃષ્ટિ આકાશથી,

   મોટા સુરવર ચડીને વિમાન વડા ગુણવાન… ઉત્સવ꠶ ૬૨

ધામધૂમ મચી ધર્મધામમાં,

   ત્યાં તો વાજે છે તાલ મૃદંગ ઉપંગ ને ચંગ… ઉત્સવ꠶

વાજે ભેરી40 નફેરી41 ને ભુંગળો;

   વાજે શરણાઈ નોબત સંગ વધે છે ઉમંગ… ઉત્સવ꠶ ૬૩

બોલે બંદિજનો42 બિરદાવળી,

   કોઈ કવિજન બોલે કવીત નવીન રચીત… ઉત્સવ꠶

સૂત43 માગધ વાંચે વંશાવળી,

   ધર્મદેવ સુણે ધરી ચિત્ત આપે વળી વિત્ત… ઉત્સવ꠶ ૬૪

જેજેકાર થયો આખા જગતમાં,

   થયાં સજ્જનનાં મન શાંત ભાગી ગઈ ભ્રાંત… ઉત્સવ꠶

ભાળી ભાગ્ય ઉદય ભક્તિમાતનો,

   હતા મુનિજન જેહ મહાંત તે સમઝ્યા સિદ્ધાંત… ઉત્સવ꠶ ૬૫

થયાં નિર્મળ નીર નદી તણાં,

   જો આ સમે સ્વચ્છ આકાશ જુઓ ચારે પાસ… ઉત્સવ꠶

અગ્નિહોત્રિના44 અગ્નિ ઉજ્જવળ થયા,

   મટ્યો ધૂમને પ્રગટ્યો પ્રકાશ ને હરખ્યો હુતાશ45… ઉત્સવ꠶ ૬૬

લાગ્યા પાખંડી ગુરુઓ પસ્તાવવા,

   પડી પાપીના પેટમાં ફાળ જાણે આવ્યો કાળ… ઉત્સવ꠶

કંઈક જાણે હવે નાશી ક્યાં જશું,

   ઝંપલાઉં જાણે દવઝાળ46 કે પેસું પાતાળ… ઉત્સવ꠶ ૬૭

નટવર તણી મૂર્તિ નિહાળીને,

   દૈવીને દિલે ઉપજ્યું વહાલ થયા છે નિહાલ… ઉત્સવ꠶

શોભે ભગવત ભક્તિના ભુવનમાં,

   પરમાત્મા પ્રણતપ્રતિપાળ વિહારી જો લાલ… ઉત્સવ꠶ ૬૮

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રભુભવ47 થકી હે નરેશ આમ, મુદમય ઉત્સવ થાય ઠામઠામ;

હરખ હરખ વિશ્વમાં જણાય, જયજયકાર મુનીન્દ્ર દેવ ગાય. ૬૯

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર–અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ-

જન્મોત્સવવર્ણનનામા તૃતીયો વિશ્રામઃ ॥૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે