કળશ ૨

વિશ્રામ ૪

અથ અસુરોપદ્રવકથનમ્

 

વસંતતિકાવૃત

દૈવી જનોને દિલમાં થઈ શુદ્ધ બુદ્ધિ,

છે ઇન્દુમાં અમૃતતા થઈ તેની વૃદ્ધિ;

હર્ખ્યા મુનીન્દ્ર વળી સૌ નર નાગ દેવો,

જન્મ્યા જગત્પતિ વધ્યો અતિ હર્ષ એવો. ૧

   જેઓ અધર્મિ ગુરુઓ ધન ધૂતનારા,

   જન્મ્યા હતા અસુરઅંશ મહા નઠારા;

   શ્રીધર્મના તનુજનો અવતાર જાણી,

   પામ્યા વિશેષ પરિતાપ ઉદાસી આણી. ૨

પાખંડી નાશિ ગત1 પર્વતની ગુફામાં,

ને કૂડપંથિ પડીયા જઈને કુવામાં;

નાસ્તિક ઝાળ દવની2 વચ ઝંપલાય,

વામી3 વિશેષ દુઃખથી વિખ4 ખૂબ ખાય. ૩

   જે મંત્ર જંત્ર અભિચાર વિચારવાળા,

   તે તો થયા વદન ને તન વર્ણ કાળા;

   વેદાંત શુષ્ક મતવાદિ મુઆ બળીને,

   શોધે ઉપાય વળી કોઈ ખળો મળીને. ૪

પાપી કળિ નિજ તણો પરિવાર લૈને,

ભાતુ કર્યું નિકળવા તન સજ્જ થૈને;

જે કામ ક્રોધ મદ મોહ અધર્મવંશ,

બીના બધાય હરિજન્મથી જેમ કંસ. ૫

ઉપજાતિવૃત્ત

સંસ્કાર જીહ્વાપરિમાર્જનાખ્ય,5 બીજો સુમેધાજનનાખ્ય6 દાખ્ય;

તે જાતસંસ્કાર કરી કરાય, તાતે કર્યા જેમ યથાર્થ થાય. ૬

દેવો કરી દર્શન સૌ સિધાવ્યા, માંચી7 વિષે શ્રીહરિને ધરાવ્યા;

આનંદમાં વાસર વીતિ જાય, માતા પિતાને પળમાત્ર થાય. ૭

છઠ્ઠે દિને પૂજન ષષ્ઠિકાનું, કર્યાથી હૈયું હરખ્યું પિતાનું;

તેવે સમે દાનવ કાળિદત્ત, પ્રસિદ્ધ જે માંત્રિકમાં પ્રમત્ત. ૮

શ્રીકૃષ્ણનો શત્રુ ગણાય એહ, લેવા થયો તત્પર વૈર તેહ;

કહે અભેસિંહ અહો સુધર્મી, એ તે હતો કોણ મહા અધર્મી? ૯

શિખરિણીવૃત્ત

   કહે વર્ણી વાણી અભયનૃપતિ તે કહું તને,

   તમે પૂછો છો તે પ્રથમ પણ પૂછ્યું હરિજને;

   નૃસિંહાનંદે તે પ્રગટ મુખવાર્તા કહી હતી,

   હવે તે વાર્તા હું કરીશ તમ પાસે પણ છતી. ૧૦

ઉપજાતિવૃત્ત

જે કાળ નામે યવન પ્રતાપી, શ્રીકૃષ્ણનો શત્રુ પ્રસિદ્ધ પાપી;

દૃષ્ટિ પડ્યાથી મુચુકુંદ કેરી, બળી મુઓ આસુર વિશ્વવેરી. ૧૧

હતો જરાસંધ તણો સુમિત્ર, તેથી થયો શ્રીહરિનો અમિત્ર;

શ્રીકૃષ્ણ સાથે મથુરાં પુરીયે, જુદ્ધે ગયો તે મતિ આસુરીયે. ૧૨

આપ્યાની ઇચ્છા નહિ મુક્તિ તેને, કૃષ્ણે બતાવ્યું નહિ આસ્ય8 એને;

માર્યા તણો અન્ય ઉપાય જાણી, નાશી ગયા રૈવત9 ચક્રપાણી.10 ૧૩

મરાવિયો ત્યાં મુચુકુંદ પાસે, પામ્યો ન મુક્તિ અતિ તીવ્ર આશે;11

તે કૃષ્ણનો ઉદ્‌ભવ આજ જાણી, પાપી થયો તત્પર ગર્વ આણી. ૧૪

કૃત્યા12 તણું સાધન મંત્ર સાધી, કર્યું વિશેષે કરવા ઉપાધી;

લૈ મદ્ય માંસી બલિદાન દીધાં, તે કોટરાદિક પ્રસન્ન કીધાં. ૧૫

કાર્યાર્થ13 માગી મુખબોલ14 લીધો, પછીથી તે અર્થ પ્રકાશ કીધો;

કહ્યું મુખે આદિક કોટરાને, હણો સુભક્તિસુત શામળાને. ૧૬

મૂર્ખે વિચાર્યું મનમાં ન એમ, કીડી થકી મેરુ પડાય કેમ?

નહીં ઉલેચાય સમુદ્ર ચાંચે, કૃત્યાથી નાવે હરિ અંગ આંચે. ૧૭

છઠ્ઠીની જ્યારે ગઈ મધ્ય રાત, કૃત્યા કર્યા વેષ વિચિત્રભાત;

કોઈ તણા છે વિકરાળ દંત, જોતાં ડરે સૌ જન જીવજંત. ૧૮

તે દાંત દિસે મુશળ પ્રમાણે, કે કોઈ જોઈ હળદંત જાણે;

માથે છુટા કેશ જણાય કેવા, ઘુંચો વળેલા વડવાઈ જેવા. ૧૯

આંખ્યો દિસે નિર્જળ કૂપ જેવી, ભાસે છજું હોય ભ્રકુટિ તેવી;

શું કાન છે કે જુગ15 સૂપડાં છે, બે ગાલ નિસ્તોય16 તળાવડાં છે. ૨૦

નાસા દિસે છે નળિયાં સમાને, રાતા થયા હોઠ રુધિર પાને;

ગળે ધરી આંતરડાંની માળા, બીજી વળી ખોપરીની વિશાળા. ૨૧

કોઈ કરે ખપ્પર છે લીધેલું, ત્રિશૂળ કોઈ કરમાં ધરેલું;

ગોળા પ્રમાણે બહુ પેટ મોટું, મલીન દીસે તન ખૂબ ખોટું. ૨૨

કોઈ કહે આગળ ધાઉં ધાઉં, કોઈ કહે છે વળી ખાઉં ખાઉં;

કીક્યારી કર્તી વૃષઘેર પેઠી, જ્યાં પુત્ર લૈ માત પલંગ બેઠી. ૨૩

જે મુખ્ય કૃત્યા વળી કોટરા છે, જેને નહીં લેશ દિલે દયા છે;

તે શ્રીહરિને ઝડપેથી ઝાલી, આકાશમાર્ગે અતિ ઊડી ચાલી. ૨૪

તે જેમ ચિંતામણિ જે કહાવે, લૈ હાથમાંથી સમળી સિધાવે;

કે લૂંટનારો મળી વાટમાંય, લૂંટી લઈને ધન નાશી જાય. ૨૫

સમુદ્ર કોટિ ગિરિ મેરુ કોટી, ઘણી નદી સિંધુસમાન મોટી;

એવી ઘણી વસ્તુ ઘટે ભરેલી, તે પંખિણી એક લઈ ઉડેલી. ૨૬

તે ગામથી ઉત્તરભાગ માંય, છે અર્ધ ગાઉ સર17 એક ત્યાંય;

અત્યંત ભીતિમય ત્યાં અગાડી, છે ઝાડના ઝુંડની18 ઝાઝી ઝાડી. ૨૭

મુક્યો પ્રભુયે અતિ ભાર એવો, તે કોટરા સાંખિ શકે ન તેવો;

જ્યારે મહાભાર થકી મુઝાણી, પડ્યા મૂક્યા ભૂતળ પદ્મપાણિ.19 ૨૮

ત્યાં પીપળાનું તરુ એક મોટું, છે તેહ મોટા વડથી ન છોટું;

પડ્યા પ્રભુ પીપળ ઝાડ પાસ, તે જોઈ પામ્યા સુર સર્વ ત્રાસ. ૨૯

એવે સમે શ્રીહરિયે જ પ્રેર્યા, આવ્યા તહાં પાર્ષદ ધામ કેરા;

ઝીલી લઈ પિપ્પળની પ્રભામાં,20 પોઢાડીયા પુષ્પ તણી સજ્યામાં. ૩૦

સ્તુતિ કરી પાર્ષદ એમ બોલે, કૃત્યાદિ તો છે તૃણમાત્ર તોલે;

ચરિત્ર ભક્તોહિત આચરો છો, સેવાંગીકાર પ્રભુજી કરો છો. ૩૧

એવે સમે શેષ સ્વયં પધાર્યા, જોઈ પ્રભુને મનમાં ઉતાર્યા;

કેવા દીઠા શ્રીહરિ એહ ટાણે, તે શેષ પોતે વદને વખાણે. ૩૨

શાર્દૂલવિક્રીડિત

   સારુ સાગરતુલ્ય એહ સર છે તેમાંથી શું નીસર્યું,

   તાજું કલ્પતરૂ સ્વરૂપ પણ શું આ પીપળાનું ધર્યું;

   પોઢ્યા તેહ તળે પ્રભુ જળનિધિ મથ્યા થકી થાકીને,

   જોતાં ભાવ જણાય એહ સરખો જો જોઇયે તાકીને. ૩૩

   કાં તો અક્ષરધામ એહ તરુને રૂપે થઈને રહ્યું,

   રે તું પિપ્પળ ધન્ય ધન્ય અતિશે સૌ દેવતાએ કહ્યું;

   છે બ્રહ્માંડ અનેક જેહ હરિની છાયા અમાયા વિષે,

   પોઢ્યા તે પરમેશ આજ તુજની છાયા વિષે આ દિસે. ૩૪

   રે તારો મહિમા વિશેષ વધશે યાત્રા ઘણી જામશે,

   જે જાત્રા કરશે જરૂર જન તે પ્રાપ્તિ ભલી પામશે;

   પૂજી પર્વદિને ફરે પ્રદખણા તેના મનોર્થો ફળે,

   એવું ઉચ્ચરીને અહીંદ્ર21 વિચર્યા પાતાળ પૃથ્વી તળે. ૩૫

ઉપજાતિવૃત્ત

તે કોટરા ત્યાં ફરી પાછી આવી, ઇચ્છા હરિને હણવાની લાવી;

ત્યારે પ્રભુયે કરી ક્રૂર દૃષ્ટિ, ત્યાં કંપવા લાગી સમગ્ર સૃષ્ટિ. ૩૬

તે દૃષ્ટિ તો વજ્ર સમાન લાગી, તે કોટરા ત્યાં ભય પામી ભાગી;

આદિત્યને22 દેખી ઉલૂક23 જેમ, સંતાઈ પેસે ગઈ દુષ્ટ તેમ. ૩૭

હે ભૂપતિ સાંભળ એક વાત, કેવી સ્થિતિ તે તક ભક્તિમાત;

ઉદાસિ એને ઉપજી અમાપ, પ્રભુ વિજોગે કરતી વિલાપ. ૩૮

ભક્તિમાતાનો વિલાપ

(કાવે સંદેશો વ્રજનાર રે, મથુરાના વાસી – એ રાગ)

પદ - ૧

માતા ભક્તિ કરે છે વિલાપ રે અરે આ તે થયું શું;

મારાં પૂર્વનાં પ્રગટીયાં પાપ રે અરે આ તે થયું શું;

મારા ઊર માંહિ ઊપજ્યો ઊતાપ રે અરે આ તે થયું શું… ટેક

અરે દૈવ આ ક્યાં ગયો રે, પવિત્ર મારો પુત્ર;

   કુળદીપક કુંવર વિના, મારું શોભે નહિં ઘરસૂત્ર24 રે… અરે꠶ ૩૯

ક્યાં જાઉં કેને કહું રે, કોણ હરે આ કષ્ટ;

   ક્યાં થકી આ આવી ચડ્યું, મારું ક્યાં હતું આવું અદૃષ્ટ25 રે… અરે꠶ ૪૦

વારી26 વિજોગે માછલી રે, વત્સ27 વિજોગે ગાય;

   તનુજ28 વિજોગે ટળવળે, મહા દુઃખ થકી તેમ જ માય રે… અરે꠶ ૪૧

નેણાં જેમ કીકી વિના રે, જીવ વિના જેમ કાય;

   પુત્ર વિયોગે માવડી, તે તો મૃતક સમાન જણાય રે… અરે꠶ ૪૨

પુત્ર વિજોગે જીવવું રે, એ તો છે ધિક અવતાર;

   પ્રાણજીવન પુત્ર તે જતાં, મારો વ્યર્થ થયો સંસાર રે… અરે꠶ ૪૩

નેણાં ભરી હું નિરખતી રે, જેમ સુચંદ્ર ચકોર;

   જીવનદોરી જાણતી, મારો ક્યાં ગયો ચિત્તનો ચોર રે… અરે꠶ ૪૪

સ્વપનામાં સુખ સાંપડ્યું રે, વીત્યું સ્વપ્ના માંય;

   દુઃખનો દરિયો રેલીયો, હવે એકે ન સૂઝે ઉપાય રે… અરે꠶ ૪૫

સુત મારું દુઃખ સાંભળો રે, દિલમાં થઈને દયાળ;

   માત તમારી ટળવળે, આવો વિશ્વવિહારીલાલ રે… અરે꠶ ૪૬

પદ - ૨

અરે આ શું કર્યું તેં આજ રે અરે નિર્દય દૈવ,

તેં તો કોપ કર્યો શા કાજ રે અરે નિર્દય દૈવ,

મારો ક્યાં ગયો સુખનો સમાજ રે અરે નિર્દય દૈવ… ટેક

અસુર ઉપદ્રવનાં અમે રે, સાંખ્યાં કષ્ટ અપાર;

   મેં જાણ્યું જે આવીયો, હવે સુખનો સમય આ વાર રે… અરે꠶ ૪૭

આજ મને મેડી માળીયાં રે, ગમતું નથી આ ગામ;

   દશ દિશ ખાવા ધાય29 છે, મારો ક્યાં ગયો સુત ઘનશ્યામ રે… અરે꠶ ૪૮

ચંદ્ર તું ચાલે આકાશમાં રે, ચળકે છે ચારે કોર;

   તું દેખતાં મારા તનુજને, કહે કોણ ચોરી ગયો ચોર રે… અરે꠶ ૪૯

પવન તું પ્રત્યક્ષ દેવ છે રે, પ્રસરે છે ચારે પાસ;

   દુઃખિયારી મને દેખીને, મારા પુત્રની કર તું તપાસ રે… અરે꠶ ૫૦

તારામંડળ તમે સૌ મળી રે, ઓપી રહ્યા છો આકાશ;

   ખબર કહો મારા પુત્રની, મને તે વિના ઉપજે છે ત્રાસ રે… અરે꠶ ૫૧

ભડકો ભાસે છે ચંદ્રમા રે, તારા અંગારા તુલ્ય;

   વિંછી જેવા ચટકા ભરે, મને ચંપા ચમેલીનાં ફૂલ રે… અરે꠶ ૫૨

રોજ તો રાત વહી જતી રે, ભાસતું તરત પ્રભાત;

   દિવસ હવે ક્યારે ઉગશે, ક્યારે વીતશે વેરણ30 રાત રે…અરે꠶ ૫૩

રે રુડા પોપટ પંખીયા રે, વિચર તું વાટ ને ઘાટ;

   વિશ્વવિહારીલાલનો, લાવ્ય સંદેશો સુખને માટ રે… અરે꠶ ૫૪

પદ - ૩

તમે ક્યાં ગયા કરુણાનિધાન રે મારા કુંવર કોડીલા,

હવે દ્યો મને દર્શન દાન રે મારા કુંવર કોડીલા,

આવો તનુજ કરો સ્તનપાન રે મારા કુંવર કોડીલા… ટેક

મનડું મારું તમ વિના રે, આકુળ વ્યાકુળ થાય;

   જાવા લાગ્યો છે જીવડો, હવે ધીરજ કેમ ધરાય રે… મારા꠶ ૫૫

સુકૃત જન્મ સહસ્રનાં રે, ઉદય થયાં અદ્‌ભુત;

   સુખનિધિ ત્યારે સાંપડ્યા, તમ સરખા સુજાણ સપૂત રે… મારા꠶ ૫૬

સુકૃત સૌ આવી રહ્યાં રે, કાઢીયે કેનો વાંક;

   લખીયાં કર્મના લેખમાં, આવા વાંકા વિધાતાયે આંક રે… મારા꠶ ૫૭

વિચારહીન વિધાતરા રે, કરે નકારાં કાજ;

   આવા કપાળમાં આંકડા, એને લખતાં ન આવી લાજ રે… મારા꠶ ૫૮

કાળ કર્મ માયા તણો રે, ભાસે નહિ કાંઈ ભાર;

   આ તો છે કૃત્ય તમે કર્યું , જોવા ધીરજ ધર્મકુમાર રે… મારા꠶ ૫૯

અતિ વિરહની વેદના રે, નહીં ખમાય આ ઠામ;

   આવો અનુકંપા કરી, ઘણી થઈ છે હવે ઘનશ્યામ રે… મારા꠶ ૬૦

કાચું છે મારું કાળજું રે, જાણો છો જનપ્રતિપાળ;

   ઘણી પરીક્ષા નવ કરો, આવો વિશ્વવિહારીલાલ રે… મારા꠶ ૬૧

પદ - ૪

હવે દૃષ્ટિએ ક્યારે દેખીશ રે મારા બાળૂડા બાળક,

ક્યારે નેણાં ભરી નિરખીશ રે મારા બાળૂડા બાળક;

ક્યારે હૈડામાં હું હરખીશ રે મારા બાળૂડા બાળક… ટેક

ક્યારે હું મારા કુંવરને રે, ભૂજા ભરી ભેટીશ;

   ક્યારે હું મન શીતળ કરી, મારા તનના ઉતાપ મેટીશ રે… મારા꠶ ૬૨

લોચન મારાં લઈ ગયું રે, કોણ આવીને બેય;

   દુઃખમાં ડૂબતી દેખીને, મને કોણ લાવી હવે દેય રે… મારા꠶ ૬૩

ભરદરિયામાં ભાંગીયું રે, વમળ31 વચ્ચે પડી વહાણ;

   ખૂટીયા32 ખેડૂ ખારવા, હવે કેમ બચે મારા પ્રાણ રે… મારા꠶ ૬૪

પાંખો વિનાની પંખણી રે, ઝૂરી ઝૂરી મરે જેમ;

   પુત્ર વિજોગે હું પડી, મારું તર્ફડે છે તન તેમ રે… મારા꠶ ૬૫

ઓ ભૂંડી કૃત્યા અભાગણી રે, નિર્દય અધમ અજાણ;

   કેમ તેં કુંવરને લઈ જતાં, મારા પ્રથમ ન લીધા પ્રાણ રે… મારા꠶ ૬૬

મેં નથી લાડ લડાવીયા રે, લાવો ન લીધો લગાર;

   મનના મનોરથ માહરા, તે તો રહી ગયા મન મોઝાર રે… મારા꠶ ૬૭

શાંતિ શેણે કરી ઊપજે રે, લાગી છે તનમાં લહાય;

   ભાસે ચિતાસમ સેજડી, મને મંદિર ખાવાને ધાય રે… મારા꠶ ૬૮

દિવસ હરખના ક્યાં ગયા રે, ક્યાંથી આવ્યો આવો કાળ;

   વિશ્વવિહારીલાલજી દ્યોને દર્શન દીનદયાળ રે… મારા꠶ ૬૯

ઉપજાતિવૃત્ત

ભક્તિ તણી સૂણી વિલાપ વાણી, ધર્મે તહાં ધીરજ ઊર આણી;

સ્વપત્નિને ધીરજ ત્યાં ધરાવા, સુણાવ્યું ધૈર્યાષ્ટક શાંતિ થાવા. ૭૦

માલિનીવૃત્ત: ધૈર્યાષ્ટક

સમજ સમજુ નારી ચિત્તમાં જો વિચારી,

વિલપી વિલપી રોયે નોય પીડા જનારી;

ચતુર જન વિવેકી ચિત્ત માંહિ વિચારે,

વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. ૭૧

   સુખદુઃખ દુનિયામાં સર્વને શીશ આવે,

   સ્થિતિ સરખી સદા તો કોઈની ના રહાવે;

   વધઘટ દિનમાં ને સૂર્ય જો માસ બારે,

   વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. ૭૨

શશી પણ નભ માંહિ જો વધે ને ઘટે છે,

કરમ લિખીત લેખો ક્યાં મટાડ્યા મટે છે;

રુદન થકી ન લાગે કષ્ટ ઓછું લગારે,

વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. ૭૩

   હિમત તજી દિધાથી દુઃખ ઝાઝું જણાય,

   દુઃખિત અધિક દેખી શત્રુઓ રાજી થાય;

   સુર નર દુઃખ વેઠ્યાં જો પુરાણો અઢારે,

   વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. ૭૪

રઘુપતિ વનવાસે જૈ વસ્યા રાજ્ય છોડી,

હરણ હવું સીતાનું તે પીડા નોય થોડી;

અધિક ધીરજ ધારી જાનકીનાથ ત્યારે,

વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. ૭૫

   વળી નળ-દમયંતિ પામીયાં પૂર્ણ કષ્ટ,

   ઉજડ વન વસ્યાં જૈ થૈ ભલાં રાજ્યભ્રષ્ટ;

   નૃપતિ નૃપતિનારી ભોગવ્યાં દુઃખ ભારે,

   વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. ૭૬

વળી દુઃખ બહુ વેઠ્યાં દ્રૌપદી પાંડવોએ,

પણ રુદન ન કીધું તેમણે ક્યાંઈ તોયે;

રુદન બહુ કર્યાથી કોણ કષ્ટો નિવારે,

વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. ૭૭

   સુર નર મુનિ સર્વે સુખ દુઃખો સહે છે,

   વિધિકૃત વિધિ33 જાણી રાજી રાજી રહે છે;

   વદન રુદન ટાળી તેમ રે જાવું તમારે,

   વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. ૭૮

ઉપજાતિવૃત્ત

આનંદમાં ગર્વ ઉરે ન થાય, વિપત્તિમાં ધીરજતા ધરાય;

એવું કહું તે પદ ચિત્ત ધારો, આવો સમો છે પણ તે જનારો. ૭૯

સંધ્યા સમે સૂરજ અસ્ત થાય, થતે પ્રભાતે વળી તે જણાય;

એવી જ રીતે સુખ દુઃખ કેરા, આવે અને જાય દિનો ઘણેરા. ૮૦

રામે સિતા એક સમે ગુમાવી, લંકા લીધી તે પળ પાછી આવી;

જે પાંડવોએ વનવાસ કીધો, તેણે વળી દુર્ગમ34 દુર્ગ35 લીધો. ૮૧

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રિય નિજ કુળદેવ વાયુપુત્ર, સ્મરણ કરો ઉર આવશે જ અત્ર;

સુણી પતિવચનો વિચારી નારી, સ્તુતિ હનુમંત તણી તહાં ઉચારી. ૮૨

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર–અભયસિંહનૃપસંવાદે કૃત્યાધર્મપુત્રહરણ

ભક્તિમાતાકૃતવિલાપકથનનામા ચતુર્થો વિશ્રામઃ ॥૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે