કળશ ૨

વિશ્રામ ૫

 

ઉપજાતિવૃત્ત

ધર્મપ્રિયા પુત્ર વિજોગ પામી, તેથી થયો ખેદ રહી ન ખામી;

કરી તહાં તો સ્તુતિ તર્તખેવ, જે જે દયાળુ હનુમંત દેવ. ૧

વસંતતિલકાવૃત્ત: અથ હનુમંતાષ્ટક

જે જે દયાળુ હનુમંત પવિત્ર દેવ,

સ્નેહે સજે સકળ દેવ તમારી સેવ;

છો કષ્ટ નષ્ટ કરનાર સહાયકારી,

હે રામદૂત હનુમંત વિપત્તિહારી. ૨

   સીતા તણી તરત સૂધ તમે જ લીધી,

   લંકાપુરી પણ તમે જ પ્રજાળી દીધી;

   લીધો વિભીષણ સુભક્ત તમે ઉગારી,

   હે રામદૂત હનુમંત વિપત્તિહારી. ૩

દ્રોણાચળે પવનપુત્ર તમે સિધાવ્યા,

બુટ્ટી વિશલ્યકરણી બળવંત લાવ્યા;

પીડા તમે તરત લક્ષ્મણની નિવારી,

હે રામદૂત હનુમંત વિપત્તિહારી. ૪

   ઐરાવણે વળતિ સાનુજ1 રામ લીધા,

   પાતાળમાં વિચરી ત્રાસ વિશેષ દીધા;

   ત્યાં જૈ તમે ભલું પરાક્રમ કીધ ભારી,

   હે રામદૂત હનુમંત વિપત્તિહારી. ૫

જે જે કરે સ્મરણ સંકટ સૌ હરો છો.

ભીતિ મટાડી બધી નિર્ભયતા કરો છો;

છોજી તમે પરમ નૈષ્ટિક બ્રહ્મચારી,

હે રામદૂત હનુમંત વિપત્તિહારી. ૬

   કીધી તમે સ્થિતિ કપિધ્વજની2 ધજામાં,

   કીધો જઈ સુજય કૌરવની પ્રજામાં;

   સેના સમસ્ત રિપુની રણમાં વિદારી,3

   હે રામદૂત હનુમંત વિપત્તિહારી. ૭

છોજી કૃપાળુ કુળદેવ તમે અમારા,

પૂજ્યાં અમે ચરણ ચિત્ત ધરી તમારાં;

માટે હરો સકળ આ વિપદા અમારી,

હે રામદૂત હનુમંત વિપત્તિહારી. ૮

   આવે સમે સમરતાં તતકાળ આવો,

   જ્યાં હોય ત્યાંથી મુજ બાળક તર્ત લાવો;

   કૃત્યા કુપાત્ર હરી લૈ ગઈ છે નઠારી,

   હે રામદૂત હનુમંત વિપત્તિહારી. ૯

ઉપજાતિવૃત્ત

સ્તુતિ સુણી ત્યાં હનુમાન આવ્યા, ભક્તિ તણા તે મન માંહિ ભાવ્યા;

કપીશને સર્વ કહી સુણાવ્યું, તે સાંભળીને ઉર શૌર્ય આવ્યું. ૧૦

માતા કહે હે હનુમંત દેવ! કૃત્યા લઈ ગૈ સુત તર્તખેવ;

તમોથી જો લાવી શકાય તેહ, લાવો જઈને મુજ બાળ એહ. ૧૧

પૂર્વછાયો

અંજનિસુત એવું સુણી, ધરી ઉરમાં હરિનું ધ્યાન;

ઉચર્યા માતા આગળે, મનમાં ધરી અભિમાન. ૧૨

ચોપાઈ

માતા એવું શું વચન ઉચ્ચારો, તમે શું મને નિર્બળ ધારો?

કૃત્યા પેઠી ગમે ત્યાં હોય, પણ પકડીશ તેને હું તોય. ૧૩

કદી ગઈ હોય તે કૈલાસ, તોય ત્યાં જઈ ઉપજાવું ત્રાસ;

પેસે સાતમે જઈ પાતાળ, તોય તેને હણું તતકાળ. ૧૪

હું તો પામ્યો છું પ્રભુનો પ્રતાપ, કરૂં કામ મોટાં તેથી આપ;

કહો તો વિંધ્યાચળને ઉખાડું, કહો તો મેરુપર્વત પાડું. ૧૫

આપ આજ્ઞા આપો જો માત, તો હું સાગર શોષું સાત;

કહો તો ધરા આખી ધ્રુજાવું, કહો તો રવિરથ અટકાવું. ૧૬

કરૂં જો હું પરાક્રમ સારું, તારા આકાશ કેરા ઉતારું;

એવાં કામ કરું ભારી ભારી, ત્યારે કૃત્યા તે કોણ બિચારી. ૧૭

માતા હરખ્યાં સુણી એવી ગાથ, મૂક્યો હનુમાનને શિરે હાથ;

વળી આશિષ મુખથી ઉચ્ચારી, તારું રક્ષણ કરશે મુરારી. ૧૮

પુત્ર જાઓ કરો રુડું કામ, મને લાવી આપો ઘનશ્યામ;

વેલા આવજો હનુમંત વીર, ધારી શકતી નથી હું તો ધીર. ૧૯

જાય પળ એક કલ્પ પ્રમાણ, વાર લાગશે તો જાશે પ્રાણ;

કહે હનુમંત ચિંતા મેલો, માતા આવીશ હું વેલો વેલો. ૨૦

એમ કહી શિર નામી સિધાવ્યા, કૃત્યા શોધતા સીમમાં આવ્યા;

હતી સીમમાં કૃત્યા રખડતી, પ્રભુ દૃષ્ટિથી દૂર આથડતી. ૨૧

દીઠા દૃષ્ટિયે હનુમાન વીર, ત્રાસ પામી તજી તન ધીર;

ત્યારે કૃત્યા જઈ તેણી વાર, લાવી સહચરી સાથે અપાર. ૨૨

યુદ્ધ કરવાને હનુમાન સાથે, અસ્ત્ર શસ્ત્ર ધર્યાં બહુ હાથે;

લીધાં તોમર4 ને તરવાર, લીધાં કામઠાં તીર કટાર. ૨૩

હળ મુશળ ને મુદ્‌ગર લીધાં, ભાલાં બરછી કોઇયે સજ્જ કીધાં;

લીધી ભોગળ ને ભિંદિપાળ,5 કોયે લીધા કુહાડા કરાળ. ૨૪

કોઇએ ચક્ર ત્રિશૂળ ધર્યાં છે, નેણ ક્રોધથી રક્ત કર્યાં છે;

કોઇયે ઢાલ ધરી છે હાથે, પેહેર્યાં બખતર ટોપ છે માથે. ૨૫

પીને મદિરા થઈ ઉનમત્ત, ખુશી થઈને કરે કોઈ નૃત્ય;

કંઈક મુખથી કરે કિકિયારી, ભાસે ફોજ ભયંકર ભારી. ૨૬

હનુમાને તે દૂરથી દીઠી, લાગી ક્રોધની ઉરમાં અંગીઠી;6

કરી હુંકાર ને હાક મારી, પગે જોરથી પૃથવી પ્રહારી. ૨૭

ધરા ધ્રુજી ને સળકિયો7 શેષ, ડોલ્યો મેરુ ને જાગ્યા મહેશ;

ત્યાં તો ખળભળ્યા સાગર સાત, આખા જગમાં થયો ઉતપાત. ૨૮

ડોલ્યા દિગ્ગજ ને દિગપાળ, જાણે આવ્યો પ્રલયનો કાળ;

બીક સુર નર સર્વને લાગી, જાણે બ્રહ્માંડ પડશે ભાંગી. ૨૯

ત્યાં તો કૃત્યાઓ ક્રોધે ભરાઈ, ધીર વીરની સનમુખ ધાઈ;

કંઈકે નાખ્યાં ત્રિશૂળને તીર, કંઈકે ફેંક્યાં પથ્થર કપિ શિર. ૩૦

કંઈકે ઘોચી શરીરમાં સાંગ્ય, કેમ વાગે જેનું વજરાંગ;

પછી હાક મારી હનુમાન, ગદા લઈને ઘૂમ્યા ગુણવાન. ૩૧

કંઈનાં માથાં ફોડ્યાં ગદા મારી, કંઈને પૂંછડાથી જ પ્રહારી;

કંઈકને પાડી ગ્રહીને કેશે, કંઈને ઉડાડી પગની ઠેશે. ૩૨

કંઈ દુષ્ટોના દાંત જ તોડ્યા, કંઈકના તો વળી ડોળા ફોડ્યા;

કાપ્યાં કંઈક નઠારીનાં નાક, એમ સૌને ચઢાવી ચાક.8 ૩૨

કંઈને લમણામાં માર તે લાગ્યા, કંઈક પાપિણીના પગ ભાંગ્યા;

જીવવાની રહી નહિ આશ, ત્યારે કંઈક નાઠી ધરી ત્રાસ. ૩૪

સહચરીયોને નાસતી જાણી, ત્યારે કોટરા ક્રોધે ભરાણી;

આવી હઠ કરી હનુમાન સામી, જુદ્ધ કરવામાં રાખી ન ખામી. ૩૫

જ્યારે તે પણ લડી લડી હારી, ત્યારે કર જોડી બોલી બિચારી;

મહાવીર અહો હનુમાન! તમે છોજી બહુ બળવાન. ૩૬

જગમાં તમને કોણ જીતે, તમે સમરથ છો સહુ રીતે;

અમે તો છૈયે અબળા નારી, તમે નૈષ્ઠિક છો બ્રહ્મચારી. ૩૭

કર જોડીને કહિયે તમને, હવે જીવતી જવા દ્યો અમને;

નહિ આવીયે કદી આ સ્થાન, તેના સાક્ષી શશી ભગવાન. ૩૮

એવી વિનતિ તેણે કરી જ્યારે, કૃપા ઉપજી કપીશને ત્યારે;

દીન જાણી તેને જવા દીધી, પછી સૂધ શ્રીહરિની લીધી. ૩૯

જોતાં જોતાં જ્યાં વનમાં જાય, પુષ્પસેજે પોઢ્યા દીઠા ત્યાંય;

મુક્ત અક્ષરધામના જેહ, કરે ચમર ઉભાં ઉભાં તેહ. ૪૦

હનુમાને હરિ પાસ આવી, કરી વિનતિ ત્યાં શીશ નમાવી;

બાળરૂપ હે પરમ પવિત્ર! તમે ચરિત કરો છો વિચિત્ર. ૪૧

હોય આપની ઇચ્છા જેમ, કૃત્ય કૃત્યા કરી શકે તેમ;

હરિ આપની ઇચ્છા ન હોય, એવું કરવા સમર્થ ન કોય. ૪૨

અમે સજીયે તમારી સેવા, એવી લીલા કરો સુખ દેવા;

જય જય જય જગપતિરાય, એમ કહીને પ્રીત્યે લાગ્યા પાય. ૪૩

પછી મુક્તોએ બાળમુકુંદ, સોંપ્યા હનુમાનને સુખકંદ;

ગયા મુક્ત તે અક્ષરધામ, ચાલ્યા હનુમાન વૃષને ગામ. ૪૪

ભક્તિમાતા તો જુવે છે વાટ, નાવ્યા હનુમાન થાય ઉચાટ;

બન્ને આંખેથી આંસુ પડે છે, ઘાટ મનમાં અનેક ઘડે છે. ૪૫

હવે સુત મળવાની શી આશા? એવું ધારીને નાંખે નિસાસા;

મારાં ભાગ્ય જો હોય ભલાંય, રત્ન સાંપડ્યું તે શીદ જાય. ૪૬

કાં તો હનુમાન કૃત્યાથી હાર્યો, કાં તો કુંવરને કૃત્યાએ માર્યો;

કાં તો અસુરે રચી કાંઈ માયા, તેથી હનુમાન ત્યાં જ રોકાયા. ૪૭

હમણાં આવીશ કહી ગયો હર્ષે, હું તો જાણું છું વહી ગયું વર્ષે;

એણે આપી મને જૂઠી આશ, વાંદરાનો તે શો વિશ્વાસ? ૪૮

કાં તો ચાલી શક્યો નહિ લૂલો, કાં તો વાટ વિષે પડ્યો ભૂલો;

કાં તો કોઈનું કરવાને કામ, ગયો તેથી ન આવ્યો આ ઠામ. ૪૯

કોઈ તેલ સિદૂંર ચડાવે , તેનું પણ કામ કરવા સિધાવે;

એવી ચિંતા કરે માત જ્યાંય, દીઠા દૂરથી હનુમાન ત્યાંય. ૫૦

ઐરાવત તણા ઘર થકી જેમ, આવતો હોય તે દીઠો તેમ;

ધર્મતનુજને લીધા છે તેડી, જાણે આવીયો આસુરને ફેડી. ૫૧

આવી હનુમાને કુંવર તે આપ્યો, ક્લેશ ધર્મ ને ભક્તિનો કાપ્યો;

છીપ સ્વાતિનું જળ લે જેમ, માયે તરત લીધો સુત તેમ. ૫૨

કર્યું ચુંબન તે રૂડી રીતે, સ્તનપાન કરાવિયું પ્રીતે;

હનુમાનનાં મીઠડાં9 લીધાં, તેને વિવિધ વધામણાં દીધાં. ૫૩

બહુ હરખ્યા ધરમદેવ તાત, હર્ખ્યા રામપ્રતાપજી ભ્રાત;

સર્વે હરખિયા સુર નર નાગ, સૌને આનંદ ઉપજ્યો અથાગ. ૫૪

હનુમાન ગયા સ્વસ્થાન, ભાવે વંદીને શ્રીભગવાન;

હવે કોટરાની કહું વાત, તેને માથે મોટી ગઈ ઘાત. ૫૫

ઉપજાતિવૃત્ત

તે કોટરા પાછી થઈ પ્રમત્ત,10 ગઈ જહાં છે ખળ કાળિદત્ત;

ઉચ્ચાર ક્રોધે અતિ ક્રૂર કીધો, દાઢો દબાવી બહુ ત્રાસ દીધો. ૫૬

જે સૂર્ય સામી રજને ઉડાવે, પોતા તણે મસ્તક પાછી આવે;

કૃત્યા તહાં તેમ જ આવી લાગી, પામ્યો વિશેષે ભય તે અભાગી. ૫૭

કૃત્યા કહે હે ખળ દુષ્ટ પાપી! તે ધર્મનો બાળક છે પ્રતાપી;

ન કોઈ એને હણવા સમર્થ, તે સાથ તું વેર વધાર્ય વ્યર્થ. ૫૮

આદિત્યને કેમ ઉલૂક જીતે? કરી શકે શું ભય કોઈ રીતે?

ગરુડને મારી શકે ન માંખી, હારી રહે હીંમત વ્યર્થ નાંખી. ૫૯

આવ્યા મળી ત્યાં હનુમાન ભ્રાત, ત્યાં તો અમારા ઝટ જીવ જાત;

તેં મોકલી જીવ જવા અમારા, લેશું અમે સાંપ્રત11 પ્રાણ તારા. ૬૦

એવું સુણીને અસુરે વિચાર્યું, થયું નહિ કામ કશુંય ધાર્યું;

કરી સ્તુતિ ત્યાં કરીને પ્રણામ, એવું નહિ સોપું કદાપિ કામ. ૬૧

કૃત્યા ગઈ ત્યાંથી કરી વિરોધ, તથાપિ દુષ્ટે ન લીધો સુબોધ;

જો ખેદ પામે બહુ ખાય ખત્તા,12 તથાપિ માને ખળ આપ સત્તા. ૬૨

વર્ણીન્દ્રને પ્રશ્ન મહીંદ્ર13 પૂછે, કૃત્યા તણું છેવટ શું થયું છે?

પ્રભુ તણો તે પણ જોગ પામી, મોક્ષે જશે કે નહિ જાય સ્વામી! ૬૩

વર્ણી કહે સાંભળ ભૂમિપાળ, તેનો થશે જ્યાં તન અંતકાળ;

ત્યારે હશે તેહની બુદ્ધિ જેવી, ગતિ થશે તેની તહાંથી તેવી. ૬૪

પુષ્પિતાગ્રાવૃત્ત

પુનિત14 ચરિત કૃષ્ણનાં કહ્યાં મે, શ્રવણ મુમુક્ષુ કરે સુબુદ્ધિ પામે;

વળી મન ધરી સાંભળો મહીશ,15 હરિકૃત બાળચરિત્ર હું કહીશ. ૬૫

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

કૃત્યાપરાભવ-કથનનામા પંચમો વિશ્રામઃ ॥૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે