વિશ્રામ ૬
પૂર્વછાયો
હે અભેસિંહ સુણો હવે, કહે વર્ણી અચિંત્યાનંદ;
જે સંસ્કાર વૃષે કર્યા, તે કહું ધરી આનંદ. ૧
ચોપાઈ
જાતસંસ્કાર પેહેલો જાણું, જિહ્વામાર્જન બીજો પ્રમાણું;
મેધાજનન ત્રીજો કહેવાય, તે મેં તમને કહ્યા છે રાય. ૨
ચોથો સંસ્કાર પયપાન જે છે, માસ બીજો બેસે ત્યાં કરે છે;
શુદિ દશમી ગુરુવાર જ્યારે, પયપાન કરાવિયું ત્યારે. ૩
શુદિ વૈશાખની એકાદશી, ભૃગુવારી1 પિતા મન વશી;
ત્યારે પારણે પોઢાડ્યો બાળ, પાંચમો સંસ્કાર નૃપાળ. ૪
વિશ્વકર્મા તે પારણું લાવ્યા, દિસે હીરા હજારો જડાવ્યા;
તેનું વર્ણન અધિક ઉમંગે, સંભળાવીશ બીજે પ્રસંગે. ૫
ચોથા માસમાં શાસ્ત્ર પ્રમાણે, કર્યું નામકરણ શુભ ટાણે;
માસ અષાઢ છે નિરધાર, વદી સાતમ ને ગુરુવાર. ૬
માસ પાંચમો તે બેઠો જ્યારે, શુદી એકાદશી આવી ત્યારે;
ભૂમિ ઉપર પ્રથમ બેસાર્યા, એમ સંસ્કાર સાત સુધાર્યા. ૭
છઠે માસે આસો શુદિ બીજે, આઠમો સંસ્કાર કહીજે;
અન્નપ્રાશન પ્રથમ કરાવ્યું, જેવું વેદે વિધાન બતાવ્યું. ૮
શરદ પૂનમ ને ગુરુવાર, કર્ણવેધ કર્યો સંસ્કાર;
આવ્યો જન્મ દિવસ વળી જ્યારે, કર્યો અદ્ભુત ઉત્સવ ત્યારે. ૯
ક્રિયા સર્વે તે શાસ્ત્ર પ્રકાર, કરી ને દાન દીધાં અપાર;
લેવા દાન જાચક બહુ આવ્યા, ધર્મ ભક્તિએ સૌને રીઝાવ્યા. ૧૦
ઉપજાતિવૃત્ત
શ્રીદેવશર્મા તણી ભક્તિ દારા, દે છે ઘણાં દાન થઈ ઉદારા;
કરે જનો જાચક વારતા છે, સુદારતા2 સાથ ઉદારતા છે. ૧૧
દિધા થકી દાન વળી વિશેષ, કીર્તિ વધી ત્યાં સરવાર દેશ;
ઘણા દ્વિજોની મનવૃત્તિ એવી, પોતાની કન્યા વૃષઘેર દેવી. ૧૨
દવે દ્વિજાતિ બળદેવ નામ, રહે ઠરીને તરગામ ઠામ;
તેણે સુતા નામ સુવાસનીને, દીધી પછી રામપ્રતાપજીને. ૧૩
સુપુષ્પમાં જેમ મળે સુવાસ, મળી રહે દામિનિ3 મેઘ પાસ;
મળી રહે સાકર દૂધ જેમ, મળી રહ્યા દંપતિ ચિત્ત તેમ. ૧૪
સુતા દવેજી બળદેવની છે, પર્ણી સુમૂર્તિ બળદેવની છે;
જેમાં મતિ નિર્બળ દેવની છે, દાતા મતિ શંબળ દેવની છે. ૧૫
સુવાસિની શ્રીહરિને રમાડે, જુક્તિ કરી અન્ન ભલું જમાડે;
શું રેવતી ખાંત્ય રહી અધૂરી, સ્વેચ્છા કરે છે સહુ આજ પૂરી. ૧૬
જે અક્ષરાતીત અગમ્ય જે છે, તે ધર્મના આંગણમાં રમે છે;
દોડે પડે ઢીંચણભેર ચાલે, નાસે હસે દીપક દેખી ઝાલે. ૧૭
જે જોગીના ધ્યાન વિષે ન આવે, માતા લઈ લાડ બહુ લડાવે;
સુભાગ્ય જોજ્યો પુરવાસિ કેરાં, આપે સદા સુખ પ્રભુ ઘણેરાં. ૧૮
સ્ત્રિયો લઈ જાય રમાડવાને, રમાડવા વાર4 મળે ન માને;
કરી તિરસ્કાર બહુ નિવારે, તથાપિ આવે જન વારવારે. ૧૯
સર્વે રહે છે મુખ સામું જોઈ, કરે નહીં ત્યાં ઘરકામ કોઈ;
કહે મળીને જન ઠામ ઠામ, ઘેલું કર્યું આ સુત આખું ગામ. ૨૦
મુખે થકી કિલકિલ્ શબ્દ બોલે, આનંદ એથી ઉપજે અતોલે;
કોઈ સમે જૈ નિજમાત આગે, મંમં કહી ભોજન મિષ્ટ માંગે. ૨૧
પૂર્વછાયો
હે નરપતિ હરિ મૂર્તિમાં, આશ્ચર્ય અનેક જણાય;
વળી હરિની માયા થકી, દિવ્યભાવ ભૂલી જવાય. ૨૨
ચોપાઈ
જે જે આશ્ચર્ય બાળકરૂપે, ભલાં દેખાડ્યાં વૃષકુળભૂપે;
તેનો કહેતાં ન આવે પાર, માટે તેમાંથી કહિશ લગાર. ૨૩
એક દિવસે સુવાસિની બાઈ, પારણેથી તેડ્યા સુખદાઈ;
તે તો લઈ ગયાં દૂર ખેલાવા, ભક્તિમાતા આવ્યાં ધવરાવા. ૨૪
માયે પારણું જોયું નિહાળી, તેમાં સૂતા દીઠા વનમાળી;
ધવરાવા બેઠાં પાસે જૈને, ત્યાં તો આવ્યાં સુવાસિની લૈને. ૨૫
દીઠાં બે રૂપ હરિનાં જ્યારે, પામ્યાં અદ્ભુત અચરજ ત્યારે;
હતું માતાના ખોળામાં રૂપ, બીજું તેમાં ભળી ગયું ભૂપ. ૨૬
એવાં ચરિત્ર કરે અદ્ભુત, એ છે અકળ અજર અચ્યૂત;5
ભલો આવ્યો ભાદરવો માસ, કર્યો એકાદશી ઉપવાસ. ૨૭
ભક્તિમાતે સુવાસિની બાઈ, બીજી બહુ મળી સ્ત્રી હરખાઈ;
માતે તેડી લીધા મહારાજ, ચાલ્યાં સૌ મળી મજ્જન6 કાજ. ૨૮
આજ મંદિરથી પૂર્વમાંય, ભૂપ એક તળાવ છે ત્યાંય;
તેથી દક્ષિણ દિશને ઠામ, રુડું છે નારાયણસર નામ. ૨૯
જ્યારે પર્વણિનો7 દિન આવે, પુરવાસી ત્યાં નાવા સિધાવે;
જળઝીલણીનો દિન જાણી, ઇચ્છા નાવાની ઉરમાં આણી. ૩૦
વાટે કરતાં હરિગુણ ગાન, સર્વે નારીએ જઈ કર્યું સ્નાન;
પ્રભુને પણ ત્યાં નવરાવ્યા, સર્વે સુંદરીને મન ભાવ્યા. ૩૧
એક કમળ તણું ફૂલ લાવી, નમી હાથમાં હરિને ધરાવી;
એક તેહ તળાવને તીર, અસોપાલવ ગેર ગંભીર. ૩૨
તેની શોભા દિસે ઘણી સારી, આખા વિશ્વ થકી એ તો ન્યારી;
વિશ્વકર્માએ નવરાશ લાવી, જાણે કારીગરી છે બનાવી. ૩૩
તેની શાખાની શોભા છે ભારી, જાણે સંઘાડે8 હોય ઉતારી;
રંગ લીલો લલિત પાંદડાંનો, કોણ જાણે એ તે રંગ ક્યાંનો. ૩૪
છાયા શીતળ તેની રહે છે, વાયુ મંદ સુગંધી વહે છે;
જઈ ત્યાં પાથર્યું પટ9 એક, પડ કોમળ કીધાં અનેક. ૩૫
પ્રભુને તે ઉપર પધરાવી, જલક્રીડા તે કરવા સિધાવી;
એવે અવસરે ત્યાં અણધાર્યા, બ્રહ્મા વિષ્ણુ ને રુદ્ર10 પધાર્યા. ૩૬
આવી ઉભા પ્રભુજીની પાસે, તેનાં રૂપ તેજોમય ભાસે;
મહાતેજનું પેખીને પૂર,11 પડે ઝાંખા શશાંક12 ને સૂર.13 ૩૭
એવું તેજ જોઈ સહુ બાઈ, પામી અચરજ અંતરમાંઈ;
ભૂલી સર્વે શરીરનું ભાન, સ્થિતિ પામી સમાધિ સમાન. ૩૮
બ્રહ્મા આદિક ભુવનના રાય, તેણે પૂજીયા પ્રભુજીના પાય;
દિવ્ય ભૂષણ વસ્ત્ર ધરાવ્યાં, સ્નેહે ફરી ફરી શીશ નમાવ્યાં. ૩૯
કર જોડીને સ્તુતિ ઉચ્ચારી, અહો શ્રીહરિ કરુણાકારી;
તમે ભૂમિનો હરવાને ભાર, લીધો અવની ઉપર અવતાર. ૪૦
નારાચવૃત્ત
ધર્યું શરીર શ્રીહરિ અધર્મને ઉખાડવા,
સ્વદાસની સમસ્ત ભીતિ મૂળથી મટાડવા;
અનેક દુષ્ટ આ સમે કરે અધર્મ કર્મને,
વિદારિ ધર્મ વેદનો ચહાય કૌલધર્મને. ૪૧
કરે કુપાત્રમાત્ર ભૂત પ્રેતની ઉપાસના,
સદૈવ મદ્ય માંસ ખાય શત્રુ કૃષ્ણદાસના;
મલીન દેવના વિશેષ મંત્ર જંત્ર સાધિને,
મનુષ્યને કરે જ આધિ વ્યાધિની ઉપાધિને. ૪૨
અનેક દુષ્ટમધ્ય મુખ્ય એક કાલિદત્ત છે,
કુકર્મનો જ કૂપ પાપરૂપ તે પ્રમત્ત છે;
ડરે દિલે બધાય દેવ દેવિ દૈત્ય દાનવી,
ડરે મહેશ શેષ તેથી કોણમાત્ર માનવી. ૪૩
ઘણી થઈ હવે કૃપા કરો તમે કૃપાનિધિ,
ઘણાક કાળ તેહને તમે પ્રભુ ક્ષમા કિધી;
વિના સુશસ્ત્ર અસ્ત્ર એહ દુષ્ટને વિદારવો,
હવે જરૂર ઉર માંહિ એ વિચાર ધારવો. ૪૪
અનંત સંત એહની પીડા થકી પીડાય છે,
વિનાશકાર ત્રાસથી ઉદાસ ઉર થાય છે;
અભંગ અંગ એહનું ન ભંગ થાય કોઇયે,
મુરારી દુઃખહારી છો તમારી વાટ જોઇયે. ૪૫
તમો વિના સહાયતા અમારી આજ કો કરે,
વિદારી શ્રેષ્ઠ દુષ્ટને અમારું કષ્ટ કો હરે;
જુગે જુગે તમે જ દેવદેવ14 દેહ ધારીને,
સુખી કરો સ્વદાસ ત્રાસકારી દુષ્ટ મારીને. ૪૬
તમે જ ધર્મસર્ગને અભીતિ આપનાર છો,
તમે જ કષ્ટ નષ્ટકારિ તુષ્ટિ15 પુષ્ટિકાર છો;
સહાયતા સ્વભક્તની કૃપાળ આ સમે કરો,
કહે સુરેશસાથ16 નાથ હાથ મસ્તકે ધરો. ૪૭
ઉપજાતિવૃત્ત
સુણી કહે શ્રીહરિ શુદ્ધ વાણી, અહો પિનાકી17 અજ ચક્રપાણી;18
જે દુષ્ટ પીડા તમને કરે છે, તે સાધુને તો અતિ દુઃખ દે છે. ૪૮
કૃત્યા થકી તે બહુ કષ્ટ પામ્યો, તથાપિ તે પાપી નહીં વિરામ્યો;
તેને ન આવી હજી કાંઈ શુદ્ધિ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. ૪૯
જે જે હતું જોર કરી ચૂક્યો છે, મમત્વ તોયે હજી ક્યાં મૂક્યો છે;
બેઠી જવા તેની બધી સમૃદ્ધિ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. ૫૦
દીવા વિષે અંગ19 પતંગ20 પાડે, દેખી પડે મૂરખ જેમ ખાડે;
એવી થઈ છે મતિ એની ઊંધી, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. ૫૧
થશે હવે સાંપ્રત નાશ એનો, તમે ન રાખો ભય કાંઈ તેનો;
સ્વધામ માંહિ સુખથી સિધાવો, સૌને દિલે ધીરજતા ધરાવો. ૫૨
બાળા21 હતી જેહ તળાવમાંય, આવી મળીને પ્રભુપાસ ત્યાંય;
પૂછ્યું સુરોને ત્રણ કોણ છોજી? કથા તમારી અમને કહોજી. ૫૩
કહે સુરો હે કરુણાસમુદ્ર, અમે વિધાતા વળી વિષ્ણુ રુદ્ર;
સર્વે તણું સંકટ સંભળાવા! માજી અમે શ્રીહરિ પાસ આવ્યા. ૫૪
આ છે પ્રભુ અક્ષરધામવાસી, મનુષ્યનું રૂપ રહ્યા પ્રકાશી;
તે છે તમારા સુત શ્રીમુરારી, ભૂમી તણો ભાર વિનાશકારી. ૫૫
આશ્ચર્ય એવું સુણી સર્વ પામી, જાણ્યા પ્રભુને સકળેશ સ્વામી;
ગઈ હરિને લઈ ગામમાં તે, ગયા વિધાતાદિ સ્વધામમાં તે. ૫૬
પુષ્પિતાગ્રાવૃત્ત
પછી પરિજન22 ધર્મ પાસ જૈને, સકળ કથા સુકહી પ્રસન્ન થૈને;
સુણી સુણી મન માંહિ સર્વ ફૂલ્યાં, પ્રભુની અજાથી23 પછીથી વાત ભૂલ્યાં. ૫૭
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે દ્વતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
બાળચરિત્રે નારાયણસરે બ્રહ્માદિ આગમનવર્ણનનામા ષષ્ઠો વિશ્રામઃ ॥૬॥