વિશ્રામ ૭
પૂર્વછાયો
ભૂપ કહે વર્ણીન્દ્રને, અનુકંપા કરો વળી આજ;
અદ્ભુત લીલા હરિ તણી, સંભળાવો મને મુનિરાજ. ૧
ચોપાઈ
વરણીન્દ્ર કહે સુણ રાય, કહું પારણાની રચનાય;
જેમાં પોઢે છે સુંદર શામ, તે તો છે ઘણી શોભાનું ધામ. ૨
સાવ સોનાનું શોભે અથાગ, માંહિ કોતર્યા સુર નર નાગ;
માંહિ કોતર્યાં ચિત્ર વિચિત્ર, વૃક્ષ વેલી ને પુષ્પ પવિત્ર. ૩
માંહિ પર્વત મેરુ રહે છે, માંહિ સાગર સરિતા વહે છે;
હંસ પોપટ ઉપર જે છે, જાણે પક્ષી સજીવન તે છે. ૪
જોઈ ચિત્તમાં કરતા વિચાર, ભાસે બ્રહ્માંડનો જ આકાર;
મોરવાયા1 દિસે છે બે કેવા, ધ્રુવ ઉત્તર દક્ષિણ જેવા. ૫
દાંડી છે શિશુમાર સમાન, તેમાં હીરા છે તેજનિધાન;
શોભે ઝુમ્મર સૂરજ ચંદ, હીરા તે તો તારા તણાં વૃંદ. ૬
તેમાં પારણું પૃથ્વી અનૂપ, દોરી હીરાની શેષ સ્વરૂપ;
આખા વિશ્વના અંતરજામી, તે તો પોઢ્યા છે પારણે સ્વામી. ૭
ઊંચે નીચે તેને ચારે પાસે, મણિ માણેક જડિત પ્રકાશે;
એક સમય સુવાસિની બાઈ, લેવા હરિને ગયાં હરખાઈ. ૮
જઈ પારણામાં જોયું જ્યાંય, અતિ અચરજ દીઠું છે ત્યાંય;
ઘણા હીરામાં હરિવર કેરાં, પ્રતિબિંબ પડ્યા છે ઘણેરાં. ૯
ઊપજ્યો ઉર સંભ્રમ એવો, કયા બાળકને તેડી લેવો;
તે તો બાઈ છે બુદ્ધિનિધાન, તેણે કેમ જાણ્યા ભગવાન. ૧૦
જમણે ગાલે ટિબકડી છે જેહ, પ્રતિબિંબે ડાબે દીઠી તેહ;
તેથી સત્ય સ્વરૂપને જાણી, તેડી લીધા અતિ પ્રેમ આણી. ૧૧
સુણી બોલ્યા અભેસિંહ ભૂપ, અહો આશ્ચર્ય એ તો અનૂપ;
ધન્ય ધન્ય સુવાસિની બાઈ, ધન્ય ધન્ય તેની ચતુરાઈ. ૧૨
એવો ઊંડો મરમ કોણ જાણે, બીજા તો પડે ભ્રમણાની ખાણે;
વળી વર્ણી કહે શુભ વાત, તમે સાંભળો નૃપ સાક્ષાત. ૧૩
પોઢે હરિવર પારણે જ્યારે, પ્રેમે માતા ઝુલાવે છે ત્યારે;
ગીત ગાય છે પુરની બાળ, પોઢ્યા પારણે ભક્તિનો લાલ. ૧૪
પદ – ૧
(સોનાનાં બોર ઝુલે નંદકિશોર – એ રાગ)
ભક્તિનો લાલ હરિકૃષ્ણ કૃપાળ,
પોઢ્યા પારણિયે ભક્તિનો લાલ… ટેક
ઝાઝાં જતન કરી માતા ઝુલાવે,
નેણાં ભરીને થાય નિરખી નિહાલ… પોઢ્યા꠶ ૧૫
વારે વારે મુખ માતાજી નીરખે,
ગોરા રુડા છે ગિરધારીના ગાલ… પોઢ્યા꠶ ૧૬
શોભાનું ધામ શામ સારા શોભે છે,
જેને જોતાં જાય જગની જંજાળ… પોઢ્યા꠶ ૧૭
પુરની નિવાસી નારી આવી વધાવે,
મોતી ભરીને લાવી સોનાના થાળ… પોઢ્યા꠶ ૧૮
મહા મનોહર માવાની મૂરતી,
જોઈ રહે છે વૃદ્ધ જુવાન બાળ… પોઢ્યા꠶ ૧૯
ઝભલું પહેર્યું છે માથે મોતીની ટોપી,
રાજે છે રેશમી રૂડો રૂમાલ… પોઢ્યા꠶ ૨૦
સોના રૂપાનાં શોભે રુડાં રમકડાં,
મેના પોપટ મોર ઢેલો મરાલ2… પોઢ્યા꠶ ૨૧
માતાપિતાને અતિ પોતાના પ્રાણથી,
વહાલા લાગે છે વિશ્વવિહારીલાલ… પોઢ્યા꠶ ૨૨
પદ - ૨
ધર્મકુમાર અક્ષરનો આધાર,
પોઢ્યા પારણિયે ધર્મકુમાર… ટેક.
જે છે વ્યાપક આપ સૌના અંતરમાં,
જેને કદાપિ નહિ વળગે વિકાર… પોઢ્યા꠶ ૨૩
સાધી અષ્ટાંગ જોગ જોગી ન દેખે,
એ તો વસ્યા છે આવી ધર્મ અગાર3… પોઢ્યા꠶ ૨૪
આવો આવિર્ભાવ4 આજ સુધીમાં,
થયો નથી ને વળી નથી થનાર… પોઢ્યા꠶ ૨૫
ભક્તિમાતા પુત્રભાવે નિહાળે,
લૂણ ઉતારે5 વળી વારમવાર… પોઢ્યા꠶ ૨૬
ચુંબન કરીને માતા ચિત્તે હુલાસે,
હેતે લડાવે કરી હઇયાનો હાર… પોઢ્યા꠶ ૨૭
આકાશમાં ચંદ્ર દેખી ચળકતો,
હઠ લઈ માત પાસ માગે મુરાર… પોઢ્યા꠶ ૨૮
માતા કુંવરનું મનડું મનાવે,
અનેક જુક્તિના6 કરી ઉચ્ચાર… પોઢ્યા꠶ ૨૯
બાળરૂપે બની લાલવિહારી,
બાળચરિત્ર એમ કરે અપાર… પોઢ્યા꠶ ૩૦
પદ - ૩
શ્રીઘનશામ આજ ધર્મને ધામ,
શોભે પારણિયે શ્રીઘનશામ… ટેક
પારણું લાવ્યા છે વિશ્વકર્મા કરીને,
કારીગરીનું ઘણું કીધું છે કામ… શોભે꠶ ૩૧
હીરા માણેક મોતી જડિયાં પારણિયે,
રૂડું રચ્યું છે સાવ સોને તમામ… શોભે꠶ ૩૨
આ લોકમાં એવું ન મળે પારણિયું,
દેતાં હજાર લાખ કરોડ દામ… શોભે꠶ ૩૩
રીઝ્યા ધરમદેવ દેખી પારણિયું,
આપ્યું અલૌકિક મોટું ઇનામ… શોભે꠶ ૩૪
તે પારણામાં મહાપ્રભુ ઝૂલે છે,
જે છે હરિજનોને ઠરવાનું ઠામ… શોભે꠶ ૩૫
ભાવ ભલાથી ભક્તિમાતા ઝુલાવે,
પામે નહીં પલમાત્રે વિરામ… શોભે꠶ ૩૬
માતાપિતાના ફળ્યા મનના મનોરથ,
પૂરી થઈ છે તેના હાઇયાની હામ… શોભે꠶ ૩૭
વિહારીલાલજીની મૂર્તિ વિલોકી,
પ્રેમે કરે છે વારે વારે પ્રણામ… શોભે꠶ ૩૮
પદ - ૪
માતાની પાસ પ્રભુ પામી હુલાસ,
પોઢ્યા પારણિયે માતાની પાસ… ટેક
દેવાંગનાઓ દીનબધું પ્રભુને,
આપે આશીષ ચઢી આવી આકાશ… પોઢ્યા꠶ ૩૯
ઉદ્ધવ આદિક નિજજના અંતરની,
આવ્યા છે પોતે હરિ પુરવાને આશ… પોઢ્યા꠶ ૪૦
જાણે અજાણે જે હરિને જુએ છે,
તેના તો પાપ સર્વ પામે છે નાશ… પોઢ્યા꠶ ૪૧
ચંપા ચંબેલી જાઈ જુઈ ને ગુલાબનાં,
સારાં ફુલોની ત્યાં પ્રસરે સુવાસ… પોઢ્યા꠶ ૪૨
દશે દિશાના દિગપાળ દેવતાઓ,
એવા દિસે છે જેના દાસાનુદાસ… પોઢ્યા꠶ ૪૩
કાલાં કાલાં વેણ વહાલો બોલે છે,
જેમાં સુધાથી ઘણી સારી મિઠાશ… પોઢ્યા꠶ ૪૪
દાડમ કળી સમ દંતુડી દેખીયે,
હેતે કરે છે જ્યારે હરિવર હાસ… પોઢ્યા꠶ ૪૫
જો જો સખી આજ ધર્મના ધામમાં,
નવલ વિહારીલાલ કરે વિલાસ… પોઢ્યા꠶ ૪૬
પૂર્વછાયો
ભૂપ અભેસિંહ સાંભળો, કહે વર્ણી અચિંત્યાનંદ;
કહું ચરિત્ર શ્રીકૃષ્ણનાં, ઉરમાં ધરી આનંદ. ૪૭
ચોપાઇ
વર્ષ બીજા તણી કહું વાત, આવી શરદ પૂનમની રાત;
ફળિયામાં પલંગડી ઢાળી, માયે પોઢાડ્યા ત્યાં વનમાળી. ૪૮
માતા લાલને લાડ લડાવે, સામું જોઈ હસીને હસાવે;
પાસે બેઠાં સુવાસિની બાઈ, બેઠાં પરિજન પણ હરખાઈ. ૪૯
કેવા શોભે છે શ્રીવૃષનંદ, દિસે તારા વિષે જેમ ચંદ;
ચઢી આવ્યો ત્યાં ચંદ્ર આકાશે, જાણે આવ્યો છે દર્શન આશે. ૫૦
કાલુ કાલુ બોલી ધર્મલાલે, માંગ્યો રમવાને ચંદ્ર તે કાળે;
માંગ્યો માતા પાસે હઠ લઈને, ત્યારે માતા બોલ્યાં ખુશી થઈને. ૫૧
નવ આવે અમારે બોલાવ્યે, તમે બોલાવો તો શશી આવે;
ભાળી ચંદ્ર સામું ભગવાન, નિજ આંગળીની કરી સાન. ૫૨
જેની ઇચ્છાના અલ્પ પ્રકાશે, કોટિ બ્રહ્માંડ ઉપજે ને નાશે;
જેની આજ્ઞાથી શેષ સુરેશ, રહે હાજર દેવ હમેશ. ૫૩
એની ઇચ્છા છે જાણીને એમ, પાસે ચંદ્ર આવે નહિ કેમ;
નરરૂપ તેજોમય ધારી, સાથે લૈને સત્યાવીશ નારી. ૫૪
વળી પોતાના પાર્ષદ લૈને, ચંદ્ર આવ્યો ચિત્તે રાજી થૈને;
ભાતભાતનાં ભૂષણ લાવી, ધર્મકુંવરને ભેટ ધરાવી. ૫૫
રામા રોહિણી આદિક જેહ, લાવી ઝભલાં ને ટોપિયો એહ;
પૂજી અર્ચિને લાગિયાં પાય, ત્યારે રીઝિયા ત્રિભુવનરાય. ૫૬
મુખે બોલિયાં શ્રી ભક્તિમાત, તમે કોણ છો તે કહો વાત?
હું છું ચંદ્ર વસું છું આકાશે, આવ્યો છું અહિ મોક્ષની આશે. ૫૭
ઘણા દેવોનાં દર્શન કીધાં, ઘણાં તીર્થો તણાં જળ પીધાં;
રોજ રખડું છું ઠામોઠામ, પણ પામ્યો ન અક્ષરધામ. ૫૮
શાર્દૂલવિક્રીડિતવૃત્ત
માતા હું ધરી મોક્ષ આશ મનમાં વારીધિગર્ભે7 વસ્યો,
ત્યાં તીર્થોથી મળ્યો ન મોક્ષ મુજને ત્યારે હું ત્યાંથી ખસ્યો;
સેવી શંકરની જટા વળી વસ્યો વિઘ્નેશના ભાલમાં,
પામ્યો મોક્ષ નહીં રહ્યો રખડતો કલ્પો ઘણા કાળમાં. ૫૯
ઉપજાતિવૃત્ત
આ છે પ્રભુ અક્ષરના નિવાસી, મને નહીં તે કરશે નિરાશી;
હું એવી ઇચ્છા ઉરમાં ધરાવું, આ દેહ છૂટ્યે પ્રભુધામ આવું. ૬૦
એવું કહીને વળી શ્રીહરિની, સ્તુતિ કરી મુક્તિ તણા પતિની;
વાંછીત તેને વરદાન આપ્યું, ને કલ્પ કોટી તણું કષ્ટ કાપ્યું. ૬૧
પુષ્પિતાગ્રાવૃત્ત
સહિત સકળ પત્નિ ચંદ્ર ચાલ્યો, નિજગતિનો નભ માંહિ માર્ગ ઝાલ્યો;
અગણિત હરિનાં ચરિત્ર એવાં, ભવજળ પાર કરે પવિત્ર તેવાં. ૬૨
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિબાળચરિત્રે ચંદ્રઆગમનનામા સપ્તમો વિશ્રામઃ ॥૭॥