વિશ્રામ ૮
પૂર્વછાયો
વર્ણી કહે છે વારતા, તમે સાંભળો સુજ્ઞ નરેશ;
વર્ષ ત્રિજે ઉતારિયા, હરિના પ્રથમ શિરકેશ. ૧
ચોપાઈ
વદી પાંચમ જેઠની આવી, સગાં વહાલાં ને નાત તેડાવી;
તેડ્યા કુળગુરુને પણ પ્રીતે, ચૌળ કરમ1 કરાવા સુરીતે. ૨
દિશા દક્ષિણમાં ગાઉ ચાર, નદી મનવર છે જેહ ઠાર;
મખોડા તીર્થમાં તહાં જૈને, ચૌળ કર્મ કર્યું રાજી થૈને. ૩
ઘેર આવીને સૌને જમાડ્યા, ઘણા દ્વિજને સંતોષ પમાડ્યા;
સૌની સરભરામાં રહ્યાં માય, ભુલ્યાં પુત્રની સંભાળ ત્યાંય. ૪
રહ્યો બે ધડી દિવસ તે જ્યારે, આવી બાળક મંડળી ત્યારે;
વયે કોઈ કિશોર કુમાર, તેડ્યા શ્રીપ્રભુને કરી પ્યાર. ૫
રમતાં રમતાં ગયાં પુર બાર, દિશા પૂર્વના બાગ મોઝાર;
એક આંબાના વૃક્ષને તળે, બાળકૃષ્ણ બેસાર્યા તે પળે. ૬
ગયાં તરુવરનાં ફળ લેવા, જમ્યાં આંબુ જાંબુ આદિ મેવા;
લાગ્યાં રમવાને બાળ સમસ્ત, થયો એ સમે આદિત્ય અસ્ત. ૭
ઉપજાતિવૃત્ત
એવા સમામાં ખળ કાળિદત્ત, સ્ત્રીને કહે વાત થઈ પ્રમત્ત;
હું આજ જાઉં હરિકૃષ્ણ પાસ, નિશ્ચિત તેનો કરી આવું નાશ. ૮
નારી કહે હે પતિ પ્રાણનાથ! જીતે ન કોઈ હરિકૃષ્ણ સાથ;
છે આપણે ઘેર ઘણી સમૃદ્ધિ, તે ભોગવો એવી તજી કુબુદ્ધિ. ૯
બેઠાં જવા આ ગજ બાજ રાજ, બેઠાં જવા સૌ સુખસાજ લાજ;
હે સ્વામી ચેતો ચિત્તમાં ન ચૂકો, માનો કહ્યું મારું મમત્વ મૂકો. ૧૦
જજો ભલે આ ગજ બાજ રાજ, જજો ભલે સૌ સુખસાજ લાજ;
ભલે કદી આયુષ થાય ટૂંકું, તથાપિ હું કેમ મમત્વ મૂકું? ૧૧
જાણ્યું સ્ત્રીએ છે વિપરીત કાળ, પડી ગળા માંહિ મમત્વ જાળ;
જો કોટિ બ્રહ્મા મળીને મનાવે, આવે સમે બુદ્ધિ ભલી ન આવે. ૧૨
સાચું કહે તેપર દ્વેષ આણે, ઊંધુ કહે તે જન મિત્ર જાણે;
પૂર્વે જવું પશ્ચિમ માંહિ જાય, માથું ફરે વાત નહીં મનાય. ૧૩
એવું ગણી ચિત્ત કર્યું નિવૃત્ત, ચાલ્યો ત્વરાથી ખળ કાળિદત્ત;
ગઈ હતી બાળક ટોળી જ્યાંય, ગયો અધર્મિ તતકાળ ત્યાંય. ૧૪
ચોપાઈ
રમતાં તે ગયાં દૂર બાળ, ભૂલ્યાં શ્રીહરિની તે સંભાળ;
ત્યાં તો દુષ્ટ કાળિદત્ત આવ્યો, પોતે બાળક વેશ બનાવ્યો. ૧૫
બાળ ભેળો તે રમવાને ભળિયો, કોઈ બાળકે એને ન કળિયો;
પછી આવ્યો પ્રભુ બેઠા ત્યાંય, મારવાની ઇચ્છા મનમાંય. ૧૬
પૂર્વ કૃત્યા ગઈ છે જે હારી, તેનું વેર રાખ્યું છે સંભારી;
રચી આસુરી માયા એ ઠાર, કર્યો કારમો2 ત્યાં અંધકાર. ૧૭
મેઘ આકાશમાં ચઢી આવ્યો, મોટો ગગડાટ ત્યાં તો મચાવ્યો;
થયા કારમા3 ત્યાં તો કડાકા, ભારે તોપના જેવા ભડાકા. ૧૮
જાણે તુટીને પડશે આભ, છૂટ્યા સિંહણિયો તણા ગાભ;4
ઘણી વીજળિયો સળકે છે, જાણે અગ્નિ પ્રલયનો એ છે. ૧૯
કલપાંતનો5 પવન ગણાય, એવો વાયુ ભયંકર વાય;
જળ ઉપલ6 ત્યાં વરસવા લાગ્યા, ભારે વૃક્ષ ઘણાં પડી ભાંગ્યા. ૨૦
શૈલનાં7 શીખરો તુટી પડે, ધમકે ધરણી તેહ વડે;
પશુ પક્ષીઓનો થયો નાશ, આખા દેશમાં ઉપજ્યો ત્રાસ. ૨૧
કાળિદત્ત આકાશમાં ચડિયો, હતા કૃષ્ણ તે તરુ પર પડિયો;
પડી ભાંગી આંબા તણી ડાળ, બાળકૃષ્ણને આવી ન આળ. ૨૨
ત્યારે વિકરાળ વેશ કરીને, આવ્યો દુષ્ટ તે હણવા હરીને;
કરી હરિયે તેના સામી દૃષ્ટિ, જેમ રુદ્ર દહન કરે સૃષ્ટિ. ૨૩
ત્યારે દુષ્ટ તે દાઝવા લાગ્યો, ભય પામીને ત્યાં થકી ભાગ્યો;
એને ઊંચે ચડાવે ને પાડે, જેમ બાળ દડાને પછાડે. ૨૪
વળી વૃક્ષ સાથે અથડાય, પીડા પામે કહે હાય હાય;
કાયામાં બહુ કંટક વાગે, ભચ્ચોભચ્ચ ભાલા જેવા લાગે. ૨૫
એક હાથ ગયો એનો તુટી, બેય આંખો ગઈ વળી ફૂટી;
મુખમાં બહુ ધૂળ ભરાણી, મૂકે પોક માંગે પાણી પાણી. ૨૬
કૃષ્ણ સાથે કરે જે જે વેર, તે તો પીડા પામે આવી પેર;
મહાકષ્ટથી કાયા પીડાય, માંગે પણ ઝટ મોત ન થાય. ૨૭
બહુ ભટક્યો ઠેકાણે ઠેકાણે, પામ્યો મોત પછી તે જ ટાણે;
ઉડી ગઈ એની આસુરી માયા, ત્યારે તારા આકાશે દેખાયા. ૨૮
સર્વે બાળકને આવ્યું ભાન, લાગ્યા શોધવા શ્રીભગવાન;
નામ લઈને બોલાવે છે બહુ, કલપાંત કરે બાળ સહુ. ૨૯
ત્યાં તો ધર્મની દ્વાદશ નારી, શ્રદ્ધા આદિક સર્વ પધારી;
લીધા શ્રીહરિને ધવરાવા, પ્રભુ બાર રૂપે થઈ ધાવ્યા. ૩૦
એવી લીલા નિહાળવા કાજ, સુર સહિત આવ્યા સુરરાજ;
આવ્યા અજ ભવ શેષ મહેશ, આવ્યા ગિરિજા8 ને દેવ ગણેશ. ૩૧
છાયાં વૈમાન આકાશ દીશ, પુષ્પવૃષ્ટિ કરી પ્રભુ શીશ;
સ્તુતિ કરવા લાગ્યા જોડી હાથ, નમો જે જે નિરંજન નાથ. ૩૨
ત્રિભંગીછન્દ
જય નાથ નિરંજન ખળબળ ગંજન9 જનભય ભંજન ભગવંતા,
જયજય સુખધામા નિર્મળનામા શ્રીઘનશામા શોભંતા;
જયજય વૃષલાલા મૌક્તિકમાળા10 કૃષ્ણકૃપાળા સુખકારી,
જય નરતનુધારી વિશ્વવિહારી અજ11 અવિકારી અસુરારી. ૩૩
જય જય મહારાજા ગરિબનિવાજા સંત સમાજા પદ સેવે,
તવ ગુણ ઉર ધારી શ્રુતિઆકારી કીર્તિ ઉચારી અજ જેવે;
આ અસુર પ્રમત્તા12 કાળીયદત્તા હતિ નિજ સત્તા વિસ્તારી,
જય નરતનુધારી વિશ્વવિહારી અજ અવિકારી અસુરારી. ૩૪
રાવણ રણ રોળ્યો ચાણુર ચોળ્યો ગિરિવર તોળ્યો નાથ તમે,
તેથી પણ ભારી પીડ અમારી શ્યામ વિદારી આજ સમે;
મધુમાંસાહારી કૃત્યાકારી હતો સુરારી દુઃખકારી,
જય નરતનુધારી વિશ્વવિહારી અજ અવિકારી અસુરારી. ૩૫
ઇંદ્રાદિક દેવા કહિયે કેવા અજ ભવ જેવા ભય રાખે,
એવો મહાપાપી પ્રૌઢ પ્રતાપી મંત્રો જાપી બળ ભાખે;
કર શસ્ત્ર ન ધારી આપ અઘારી13 દીધો વિદારી ભય ભારી,
જય નરતનુધારી વિશ્વવિહારી અજ અવિકારી અસુરારી. ૩૬
વળી શ્યામ અમારો ભય સંહારો વિનંતી ધારો નિજ ઉરમાં,
કળિજુગ બહુ વ્યાપ્યો ધર્મ ઉથાપ્યો અધર્મ વ્યાપ્યો પુરપુરમાં;
એ પીડા અમારી હરો મુરારી હરિ તમારી બલિહારી,
જય નરતનુધારી વિશ્વવિહારી અજ અવિકારી અસુરારી. ૩૭
સૌ તીર્થ ફરીને ચરણ ધરીને શુદ્ધ કરીને સુખ આપો,
અસુરોની ટોળી ક્ષિતિમાં14 ખોળી રણમાં રોળી દુઃખ કાપો;
શ્રુતિમાર્ગ બતાવો જન સમઝાવો ધામ રચાવો મનધારી,
જય નરતનુધારી વિશ્વવિહારી અજ અવિકારી અસુરારી. ૩૮
આચારજ થાપો પ્રજળે પાપો અતિ સુખ આપો નિજજનને,
તે કરવા સારુ તમે તમારું છે પ્રભુ ધાર્યું નરતનને;
હરિ હવે પધારો કાજ સુધારો ચિત્ત વિચારો બ્રહ્મચારી,
જય નરતનુધારી વિશ્વવિહારી અજ અવિકારી અસુરારી. ૩૯
જય અક્ષરધામી અંતરજામી અકળ અકામી મુક્તપતિ,
જય ભવજળસેતુ વૃષકુળકેતુ15 હરિજનહેતુ16 હંસગતિ;
જગથી સ્થિતિ ન્યારી નાથ તમારી ખગઉરગારી અનુચારી,17
જય નરતનુધારી વિશ્વવિહારી અજ અવિકારી અસુરારી. ૪૦
પૂર્વછાયો
સ્તુતિ કરીને દેવતા, વળી પ્રભુપદ કરીને પ્રણામ;
મૂર્તિ મનોહર મન ધરી, ગયા પોતપોતાને ધામ. ૪૧
ચોપાઈ
નરપાળ સુણો ધરી પ્રેમ, કહું ગામ વિષે થયું જેમ;
જોતાં શ્યામ જડ્યા નહિ જ્યારે, ગયાં બાળક ગામમાં ત્યારે. ૪૨
જ્યારે જાણ્યું જે કૃષ્ણ ખોવાયા, લોકો ધર્મના ઘરભણી ધાયા;
જ્યારે જાણી ખોવાયાની વાત, રુવે પરિજન માત ને તાત. ૪૩
ભક્તિમાતા વદે મુખ વેણ, વળી આવ્યું સંકટ દુઃખદેણ;
કહ્યું બાળકે સૌ વૃત્તાંત, સુણી માતા કરે કલપાંત. ૪૪
સુખ દેખી ફૂલે જન જાતે, નવ જાણે શું થાશે પ્રભાતે;
એવી દૈવની છે ગતિ ન્યારી, કળી કોણ શકે નરનારી. ૪૫
એમ કહીને કરે પસતાવો, કહે શ્રીહરીને શોધી લાવો;
પછી સઉ નરનારી સમાજ, ચાલ્યાં કૃષ્ણને ખોળવા કાજ. ૪૬
કરી દીવીયો ફાનસે દીવા, પળ રોકાય નહિ જળ પીવા;
લીધી લાકડી કોઈએ હાથે, લીધી તરવાર કોઈએ સાથે. ૪૭
લીધાં કામઠાં ને તીર ભાલા, થઈ ચંચળ ચોંપથી18 ચાલ્યા;
ચાલ્યા શિથિલ તને ધર્મતાત, સાથે રામપ્રતાપજી ભ્રાત. ૪૮
બીજા પરિજનનો નહીં પાર, સૌને નેણે વહે જળધાર;
ચાલ્યાં ભક્તિ સ્ત્રિયો લઈ સાથ, ઝાલ્યા બે સ્ત્રિયે માતાના હાથ. ૪૯
ઘનશ્યામ અહો ઘનશ્યામ, કહી ખોળી વળ્યાં ઠામોઠામ;
ખોળે નાનાં મોટાં છુટાં પડી, થયાં આતુર સૌ તેહ ઘડી. ૫૦
કાળી રાત મળી ઘનઘોર, ત્યાં તો થઈ રહ્યો શોર બકોર;
કોઈ કોઈની નજરે ન આવે, સગાં એકબીજાને બોલાવે. ૫૧
દોહરો એકાક્ષરી
કીકા કીકા કૈક કે’, કીકી કીકી કોક;
કાકા કાકા કૈક કે’, કાકી કાકી કોક. ૫૨
ચોપાઈ
એમ બૂમો બહુ જન પાડે, કોઈ રસ્તે સીધે કોઈ આડે;
ક્યાંય દીઠા ન ધર્મકુમાર, થયાં દિલગીર સહુ નરનાર. ૫૩
આંબો ભાંગી પડેલો છે જેહ, બધાં બાળકોએ દીઠો તેહ;
બોલ્યાં બાળક સૌ તેહ ઠામ, અહીં બેઠા હતા ઘનશ્યામ. ૫૪
સુણી સૌ જનને લાગ્યો ત્રાસ, મૂકી કૃષ્ણ મળ્યા તણી આશ;
આવા આંબા તળે ચગદાય, તે તો બાળકે કેમ જીવાય? ૫૫
તેવે ટાણે શ્રીહરિની મામી, જઈ ઊભી રહી આંબા સામી;
શ્રદ્ધા આદિક માતાઓ જેહ, મૂકી કૃષ્ણને ગઈ દૂર તેહ. ૫૬
મામીએ લીધા બાળમુકુંદ, અતિશે ઉર ઉપજ્યો આનંદ;
જૈને માતાને સોંપ્યો કુમાર, માયે આપિયો મોતીનો હાર. ૫૭
હર્ખ્યાં માતાપિતા અને ભ્રાત, હરખ્યાં સૌ નરનારી જાત;
જેમ નેણ ગયાં ફરી પામે, ધન જેમ ગયું ફરી જામે. ૫૮
જેમ દે કોઈ જીવન દાન, વધ્યો આનંદ એ જ સમાન;
વળી વૃક્ષ તપાસિયાં ફરી, દીઠો દૈત્ય ગયેલો ત્યાં મરી. ૫૯
પૂછ્યું બાળકોને તે વૃત્તાંત, ત્યારે તેણે ભાંગી કાંઈ ભ્રાંત;
જાણ્યું સૌયે જે હરિને પ્રતાપે, મુઓ દૈત્ય તે પોતાને પાપે. ૬૦
પૂર્વછાયો
દીઠું શબ જ્યારે દૈત્યનું, કાન નાક ગયેલ કપાઈ;
એક સખી સખીને કહે, એને હતાં કે ન હતાં બાઈ. ૬૧
ઉત્તર આપ્યો વિચારીને, તે તો સખી છે ચતુર સુજાણ;
નાક ને કાન જો હોય તો, શીદ આવત ખોવા પ્રાણ. ૬૨
એક સમે જ્યાંથી ઉગરે, માંડ માંડ મુકીને માન;
ફરી તે રસ્તે જાય તો, તેને જાણો નથી નાક કાન. ૬૩
ઇંદુ ઉગ્યો આકાશમાં, ત્યારે સૌ જન આવ્યાં ઘેર;
દ્વિજને ભોજન દાન તો, દીધાં પ્રભાતમાં બહુ પેર. ૬૪
વિઘ્ન વિત્યું પ્રિય પુત્રનું, મુઓ કાળીદત્ત વિકરાળ;
નિજસુતનું સામર્થ્ય તે, જાણ્યું માતપિતાએ તે કાળ. ૬૫
પુષ્પિતાગ્રાવૃત્ત
જનનિ જનક દિવ્યભાવ દેખે, સ્મૃતિ મટી જાય સુપુત્ર સત્ય લેખે;
સુર નર મુનિ શું જુવે ચિકિત્સા, અકળ ગણાય મહાપ્રભુની ઇચ્છા. ૬૬
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
કાળીદત્ત-વધોનામા અષ્ટમો વિશ્રામઃ ॥૮॥