કળશ ૨

વિશ્રામ ૯

 

ઉપજાતિવૃત્ત

અનેક વિઘ્નો અસુરે કરાવ્યાં, તે દંપતીને દિલમાં ડરાવ્યાં;

ધર્મે વિચાર્યું મન માંહિ આવું, હવે રહેવા પુર અન્ય જાવું. ૧

નીતિ વિષે ધર્મ ઘણા સુજાણ, તેથી તપાસ્યાં વચનો પ્રમાણ;

તેમાં કહ્યાં છે કવિએ ઘણેરાં, કેવાં દિસે લક્ષણ મૂર્ખ કેરાં. ૨

મૂર્ખ વિષે

આ કામનો શો પરિણામ થાશે, પૂર્વેથી તે કાંઈ નહીં તપાસે;

દે છે ગમે ત્યાં દૃગ મીંચિ દોટો, તે જાણવો જે જન મૂર્ખ મોટો. ૩

પોતા તણી શક્તિ નહીં વિચારે, ખર્ચે ઘણું ફોગટ ફૂલ્ય ધારે;

તોટો1 ઘણો લે જઈ લાભ છોટો, તે જાણવો જે જન મૂર્ખ મોટો. ૪

વૈરી તણો જે વિશવાસ રાખે, બેઠા તણી ડાળ વિદારિ નાંખે;

વાળે બધી વાત વિષે જ ગોટો, તે જાણવો જે જન મૂર્ખ મોટો. ૫

જ્યાં જીવિકા તો ન મળે જ લેશ, જ્યાં આપના શત્રુ વસે વિશેષ;

તે વાસ છોડે નહિ જાણી ખોટો, તે જાણવો જે જન મૂર્ખ મોટો. ૬

એવાં નીતિનાં વચનો વિચારી, ધર્મે સતીને મળી વાત ધારી;

હવે અહીંની તજી છેક આશ, જઈને અયોધ્યા કરવો નિવાસ. ૭

જે મંત્ર પાણિગ્રહણે2 ભણે છે, સતી પતિમાં મન બે મળે છે;

જે એકને વાત ગમી જણાય, તેમાં બીજાનું મન રાજી થાય. ૮

ઠરાવ બન્ને મળીને ઠરાવ્યો, ગાડા વિષે ભાર બધો ભરાવ્યો;

જમી પ્રભાતે કરી નિત્યકર્મ, બેઠાં રથે રામપ્રતાપ ધર્મ. ૯

સુવાસિની ને સતી ભક્તિમાય, બેઠાં જુદાં બે સુખપાલમાંય;

માતાની પાસે ઘનશામ શોભે, શું વ્યોમ પાસે ઘનશામ3 શોભે. ૧૦

ચાલ્યાં સહુ વાત થઈ પ્રકાશ, સૌ ગામનાં લોક થયાં ઉદાસ;

જાણે છપૈયાપુર દેહરૂપ, આત્મા ગયો શ્રીવૃષવંશભૂપ. ૧૧

લોકો મળી સૌ પુરબાર આવ્યાં, પ્રવાસી સૌને સ્થિર ત્યાં રખાવ્યાં;

સર્વે મળ્યા પૂરુષ ધર્મ સાથે, હેતે કર્યું વંદન જોડી હાથે. ૧૨

નારી નરો બાળક ગામવાસી, દીસે તહાં સૌ દિલમાં ઉદાસી;

ફરી ફરી શ્રીહરિમુખ ભાળે, સૌ આંખમાંથી બહુ આંસુ ઢાળે. ૧૩

માતા સમીપે પુરનારી આવી, વાણી વદે છે દૃગ નીર4 લાવી;

અમે અભાગી અબળા સમાજ, જશો અમોને તજી આપ આજ. ૧૪

‘સખી કારતક કેમ કરી જાય મોહન મેલી ગયા’ એ રાગ છે

માતા અમને મેલીને આજ તમે દૂર થાઓ છો,

   સૌના જીવન છે મહારાજ તેને તેડી જાઓ છો;

માજી જીવ વિનાની કાય કહો કેમ રહી શકે,

   એ તો ગણતાં નકામી ગણાય ઝાઝા દિન નવ ટકે. ૧૫

અમને આપી અલૌકિક સુખ અધિક સુખિયાં કર્યાં,

   હવે દેવા ઇચ્છો છો દુઃખ અભાગી અમે ઠર્યાં;

નેણે નિરખી તમારો લાલ હરખ ઉર આણિયે,

   હવે જીવવામાં કાંઈ માલ અમે નવ જાણિયે. ૧૬

અમે જાણ્યું જે સુખમાં સદાય અમોને નિભાવશે,

   નોતું જાણ્યું પ્રથમ અમે માય આવા દિન આવશે;

લાગે વિરહ વિજોગની લા’ય5 તે કેમ ટાળી નાંખિયે,

   એનો શીખવો અમને ઉપાય અમે શીખી રાખિયે. ૧૭

માજી ચાલશું ચાલશું એમ વારેવારે શું કહો,

   આવાં ક્રૂર થયાં તમે કેમ ઘડિક ઊભાં રહો;

સુખસાગર શામનું મુખ ફરી ક્યારે દેખશું,

   ક્યારે ભાંગશે મનની ભૂખ જીવન ધન્ય લેખશું. ૧૮

અમે જાણ્યું જે જગમાં એક અમે જ સભાગિયાં,

   હવે થઈ પડ્યાં છતમાં છેક6 અમે જ અભાગિયાં;

અમે પળ પણ પડતાં દૂર ત્યારે દુઃખિયાં થતાં,

   દેતાં દૈવને ઠપકો જરૂર એવાં અધિરાં હતાં. ૧૯

અમને ઝભલાં કે ટોપીરૂપ નહીં સરજાડિયાં,

   તને ધિક સત્યલોકના ભૂપ પલક જુદાં પાડિયાં;

ધન્ય મોજડીનો અવતાર રહે હરિચરણમાં,

   અમને સર્જ્યાં નહીં સ્રજનાર એકે ઉપકરણમાં. ૨૦

કરી અદભૂત જેવાં કાજ મોહની જાળે પાડિયાં,

   હવે મેલી ચાલ્યા મહારાજ ઊંચેથી પછાડિયાં;

આજ સૂધી અમો પર ઉર ભલો રાખ્યો ભાવજી,

   હવે ભરદરિયાને પૂર મેલી ચાલ્યા માવજી. ૨૧

હરિવિરહની ઝાળે આ કાય બળીને રખ્યા થજો,

   તેનું કાજળ કરીને માય હરિની આંખે આંજજો;

ક્યારે આવા ગોરા રુડા ગાલ ફરી નિરખાવશે,

   ક્યારે વિશ્વવિહારીલાલ અહીં ફરી આવશે. ૨૨

પૂર્વછાયો

વેણ સુણી પુરવાસિનાં, માને ઉપજી દિલમાં દયાય;

બોલ મીઠા મીઠા બોલીને, દીધી ધીરજ સૌને ત્યાંય. ૨૩

ચોપાઈ

ધર્મે પણ સૌને ધીરજ દીધી, વાત સૌ જને સાંભળી લીધી;

કહે ધીરજ ધરો તમે ઉર, નથી જાતાં અમે દેશ દૂર. ૨૪

અમે રહેશું અયોધ્યા માંહિ, તમે આવજો કોઈ સમે ત્યાંહી;

કૃષ્ણ તમને તજી નહીં જાશે, જો જો અંતર માંહી જણાશે. ૨૫

ધર્મ પાળજો થઈ સાવધાન, વળી ધરજો આ મૂરતિનું ધ્યાન;

અમે રહીયે અયોધ્યામાં જઈ, એવી ઇચ્છા શ્રીહરિની થઈ. ૨૬

હરિભક્ત ભલા જે ગણાય, હરિ ઇચ્છા વિષે રાજી થાય;

એમ સમજીને સુખિયા થાવું, નહિ અંતરમાં અકળાવું. ૨૭

જુદા પડતાં જો મનમાં મુંઝાય, સુખ પ્રથમ લીધેલું તે જાય;

જેમ રાખે પ્રભુ તેમ રહેવું, કદી કુત્સિત7 કથન ન કહેવું. ૨૮

એમ સમજાવીને શોક ટાળ્યા, સર્વ પુરજનને પાછા વાળ્યા;

પ્રેમે સૌને કરીને પ્રણામ, ઠરીને રહ્યા લોક તે ઠામ. ૨૯

ધર્મ ભક્તિએ આશીષ દીધી, પછી વાટ અયોધ્યાની લીધી;

લોકે દીઠો નહીં રથ જ્યારે, ગયા પુરમાં નિરાશથી ત્યારે. ૩૦

સૌએ હરિનાં ચરિત્ર સંભારે, નિત્ય નિયમથી નામ ઉચ્ચારે;

સકુટુંબ શ્રીધર્મ સિધાવ્યા, તે તો તીર્થ મખોડે આવ્યા. ૩૧

જળપાન કરી ચાલ્યા વાટે, જઈ પહોંચિયા મીરન ઘાટે;

વળી ત્યાં કરીને વિશ્રામ, એક નાવ મગાવ્યું તે ઠામ. ૩૨

કર્ણધાર હતો દૈવી કોઈ, લીધાં પ્રભુ પદમાં ચિહ્ન જોઈ;

એણે ઓળખ્યા અંતરજામી, સ્તુતિ મનમાં કરી શિર નામી. ૩૩

ધર્મે દેખાડ્યું ભારનું ગાડું, પૂછ્યું શું લેશો નાવનું ભાડું?

ધર્મ પ્રત્યે બોલ્યો કર્ણધાર, ભાડું નહિ લઉં લઈ જાઉં પાર. ૩૪

‘દોઉ ઠાડે કદમ વાકિ છૈયા’ એ રાગ

ભાડું ભાડું ભાડું રે, નહીં લઉં હું નાવનું ભાડું,

   પાર સામે મફત પહોચાડું રે; નહીં લઉં હું નાવનું ભાડું. ટેક.

હું કર્ણધાર છું સરજુ નદીનો,

   સાચું કહી દેખાડું રે… નહીં લઉં꠶ ૩૫

આ કર્ણધાર છે ભવસાગરનો,

   તે બાળને હું રમાડું રે… નહીં લઉં꠶ ૩૬

ભાડાને બદલે રમાડવા દ્યો,

   માનીશ મોટું સપાડું8 રે…નહીં લઉં꠶ ૩૭

તે કર્ણધાર ને હું કર્ણધાર છું,

   નામને કેમ લજાડું રે… નહીં લઉં꠶ ૩૮

નાતિલે નાતનું ભાડું ન લેવું,

   તે કેમ રીત મટાડું રે… નહીં લઉં꠶ ૩૯

ભાડું લીધું નહીં ગુહરાજાયે,

   ચાલ નવો કેમ પાડું રે… નહીં લઉં꠶ ૪૦

કુટુંબ સહિત હું તમને ઉતારું,

   કહો તો ઉતારું ગાડું રે… નહીં લઉં꠶ ૪૧

લાલ વિહારીના ધામમાં જાતાં,

   આવે ન મને કાંઈ આડું રે… નહીં લઉં꠶ ૪૨

ઉપજાતિવૃત્ત

તે કર્ણધારે કહિયો સુમર્મ, તે સાર સર્વે સમજ્યા જ ધર્મ;

નાવે બધો ભાર પછી ભરાવ્યો, કુમાર તે નાવિકને અપાવ્યો. ૪૩

સંભાળજે સ્નેહ સહીત એને, તાતે કહ્યું તે તક એમ તેને;

શ્રીધર્મને સૌ પરિવાર સાથે, નાવે ચડાવ્યા તહિં નાવનાથે.9 ૪૪

સર્યૂ વિષે નાવ પછી ચલાવ્યું, ત્યાં તે નદીમાં જળપૂર આવ્યું;

જાણ્યું વૃષે10 જે પ્રભુપાવ ધોવા, સર્યૂ અધીરી થઈ દોષ ખોવા. ૪૫

નીરે અડાડ્યો પ્રભુપાવ જ્યારે, મટી ગયું તે જળપૂર ત્યારે;

આશ્ચર્ય પામ્યા જન સર્વ જોઈ, કરે ન એવું પ્રભુ પખી11 કોઈ. ૪૬

સર્યૂ તણો ઘાટ પવિત્ર ભારી, જેને કહે છે જન સ્વર્ગદ્વારી;

ત્યાં નાવ આવ્યું તરી તીર જ્યારે, સામાન લૈ સૌ ઉતર્યા જે ત્યારે. ૪૭

સોંપ્યા સતીને હરિ નાવનાથે, નાવીકને ત્યાં હરિ આપ હાથે;

કરી સમશ્યા12 બહુ ન્યાલ કીધો, સ્વધામ દેવા કર કોલ દીધો. ૪૮

તે તીર્થમાં સ્નાન કર્યું સહુયે, પ્રસન્ન કીધી સરિતા પ્રભુયે;

સંધ્યાદિ કરમો કરી તાત પુત્ર, દિધાં દ્વિજોને બહુ દાન તત્ર. ૪૯

પૂર્વછાયો

નારી છપૈયાની તહાં, એક નાતિતી નિરમળ નીર;

તેણે છપૈયે જૈ કહ્યું, હરિ જોયા મેં સરજૂ તીર. ૫૦

રાગ પ્રથમનો

તીરે તીરે તીરે રે સખી જોયા મેં સરજૂ તીરે,

શ્રીહરિ શામ શરીરે રે; સખી જોયા મેં સરજૂ તીરે. ટેક.

સરજૂ કિનારે સુંદર શોભે,

   ગિરિધર ગુણગંભીરે રે… સખી જોયા꠶ ૫૧

આનંદ વળી અદકો13 ઉપજાવ્યો,

   શીતળ મંદ સમીરે રે… સખી જોયા꠶ ૫૨

માતાએ ત્યાં હરિને નવરાવ્યા,

   નદીના નિરમળ નીરે રે… સખી જોયા꠶ ૫૩

શ્રી હરિનું માયે શરીર લુયું,

   ચંપક વરણા14 ચીરે15 રે… સખી જોયા꠶ ૫૪

તેમની પાસેથી લઈ વળી તેડ્યા,

   રામપ્રતાપજી વીરે રે… સખી જોયા꠶ ૫૫

માળણ એક છાબ ભરી લાવી,

   ફળ અનાર16 અંજીરે રે… સખી જોયા꠶ ૫૬

ભક્તિમાતાયે તે ભેટ લીધી,

   પછી ચાલ્યાં ધીરે ધીરે રે… સખી જોયા꠶ ૫૭

લાલ વિહારીની ટોપી ભરેલી,

   માણેક મોતી ને હીરે રે… સખી જોયા꠶ ૫૮

ઉપજાતિવૃત્ત

હે ભૂપ ત્યાં અસ્ત દિનેશ લાગ્યા, દેવાલયોમાં બહુ ઘંટ વાગ્યા;

કોઈ કરે પૂજન સર્યૂ કેરૂં, માહાત્મ્ય જાણી મનમાં ઘણેરૂં. ૫૯

શ્રીધર્મ ત્યાંથી પુરમાં સિદ્ધાવ્યા, તે રામઘાટે સકુટુંબ આવ્યા;

પરું તહાં સુંદર બર્હટા છે, જ્યાં આપની જુની ભલી અટા17 છે. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

સ્વભુવન વિચરી નિવાસ કીધો, નિજ સુતને વૃષદેવ તેડી લીધો;

સુણી બહુ વૃષશિષ્ય ચાલી આવ્યા, ભલીભલી વસ્તુ વિશેષ ભેટ લાવ્યા. ૬૧

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

સકુટુંબ શ્રીધર્મઅયોધ્યાગમનનામા નવમો વિશ્રામઃ ॥૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે