॥ શ્રીહરિલીલામૃતમ્ ॥
કળશ ૩
વનવિહારનામતૃતીયકલશપ્રારંભઃ ॥
વિશ્રામ ૧
શાર્દૂલવિક્રીડિતવૃત્ત
વંદૂં શ્રીવરણીન્દ્રવેષ ધરીને જે તીર્થમાં જૈ ફર્યા,
દૈવીને નિજ જ્ઞાનદાન દઈને દુષ્ટો વિનષ્ટો કર્યા;
હીમાદ્રી પુરુષોત્તમાખ્ય પુરી1 જૈ શ્રીસેતુબંધે ગયા,
કાંચીથી2 ગુજરાત પ્રાંત થઈને જે લોજમાં જૈ રહ્યા. ૧
ઉપજાતિવૃત્ત
વર્ણી કહે સાંભળ ભૂપ ભ્રાત, કહું અયોધ્યાપુર કેરી વાત;
શ્રીશામ જ્યારે ઘરથી સિધાવ્યા, પ્રભુ તણા મિત્ર પછીથી આવ્યા. ૨
જ્યારે ન જોયા ઘરમાં હરિને, જોયાં બીજાં સ્થાનક તે ફરીને;
સરિત્તટે3 ને સુરમંદિરોમાં, ક્રીડા કર્યાની સઘળી જગોમાં. ૩
આશા મળ્યાની મનથી તજીને, કહ્યું જઈ રામપ્રતાપજીને;
જોયું અમે સ્થાન બધે ફરીને, દીઠા નહીં કોઈ સ્થળે હરિને. ૪
તે સાંભળીને પડી પેટ ફાળ,4 લાગી રુદેમાં5 વિરહાગ્નિ ઝાળ;
ભોજાઈ ભાઈ ભયભીત થૈને, રુએ ઘણાં સાસ ઉસાસ લૈને. ૫
પછી જઈ રામપ્રતાપજીયે, જોયું પુરીમાં વળતી નદીયે;
જોઈ જઈને સહુ ફૂલવાડી, જોવા તણી સર્વ મણા મટાડી. ૬
પછી ઉદાસી થઈ ઘેર આવ્યા, પ્રભુ તણી ભાળ કશી ન લાવ્યા;
કુટુંબ સૌને ઉપજ્યો કલેશ, રહી નહીં ધીરજ ચિત્ત લેશ. ૭
થયા ઉદાસી પુરવાસી લોક, સૌને થયો ચિત્ત અથાગ6 શોક;
રહ્યાં ઘરોઘેર સુઅન્ન રાંધ્યાં, શોકે સહુ ઊપર બાણ સાંધ્યાં. ૮
દિસે અયોધ્યાપુર આજ કેવું, આત્મા વિના હોય શરીર જેવું;
રુવે જનો બાળક ને જુવાન, વૃદ્ધો તણી તો ગઈ શુદ્ધ સાન. ૯
રુએ અતિશે વળી ભાઈ છોટા, ભાઈ ગયા ક્યાં મુજથી જ મોટા;
માતા પિતા તો ગત7 બાળ મેલી, મેં જાણ્યું મારો ઘનશામ બેલી.8 ૧૦
તે પાળશે સૌ મુજ લાડ કોડ, મનોર્થ મારા ફળશે કરોડ;
લગાડી તેણે તજતાં જ વાર, દયા ન આવી દિલમાં લગાર. ૧૧
ઇચ્છારામભાઈનો વિલાપ
પદ – ૧
(‘લખમણા જાગને હોજી રે બંધવા બોલ દે એકવાર’ એ રાગ)
હવે હું ક્યાં જઉં હો જી રે સુખનિધિ ક્યાં મળે ઘનશામ... ટેક.
સગાં તજીને શ્રીહરિ ગયા તીરથ કરવા કામ,
છાતિ ફાટે તેમ છેક રુએ છે અનુજ9 ઇચ્છારામ... હવે હું꠶ ૧૨
અધર ફરકે અને વહે છે આંખે આંસુડાની ધાર,
મુખે વિરહની વેદનાનો કરે ઘણો પોકાર... હવે હું꠶ ૧૩
માત પિતા મરતાં મને હતી અંતર એવી આશ,
શ્રીહરિ લાડ લડાવશે મને રાખી પોતાની પાસ... હવે હું꠶ ૧૪
આને સદા સંભાળજો એમ કહી ગયાં માત તાત,
માતા પિતાનાં વચન તે કેમ ભૂલી ગયા તમે ભ્રાત... હવે હું꠶ ૧૫
બાળપણામાં મુક્યો રખડતો દયા ન આવી દયાળ,
હે કૃષ્ણ તમને કોણ કહેશે પ્રણતજનપ્રતિપાળ... હવે હું꠶ ૧૬
મુખે માગું તે આપતા ઘણો નેહ જણાવતા નાથ,
રુદન કરતો દેખતા ત્યારે ચાંપતા છાતી સાથ... હવે હું꠶ ૧૭
મારી આંખે આંસુ આવતાં ત્યારે નેણે ભરતા નીર,
આજ આંસુ લૂવા આવતા નથી વાલપ ક્યાં ગઈ વીર... હવે હું꠶ ૧૮
છેક છોટો મુને જાણીને હરિ રાખો રુદેમાં વહાલ,
મુજને લાડ લડાવવા આવો વિશ્વવિહારીલાલ... હવે હું꠶ ૧૯
પદ – ૨
હરિ તમે ક્યાં ગયા હો જી રે તમ વિના ટળવળું છું હુંય... ટેક.
મુજ વિના નવ બેસતા કદી ભોજન કરવા કાજ,
હવે ભોજન કેમ ભાવશે અરે મુજ વિના મહારાજ... હરિ તમે꠶ ૨૦
દર્શન કરવા દેવનાં મને તેડી જતા નિજ સાથ,
કઠણ કરીને કાળજું કેમ નાશી ગયા તમે નાથ... હરિ તમે꠶ ૨૧
દિવસે દિલ નથી ગોઠતું ને રાતે રહ્યું નવ જાય,
શામ વિના અતિ સુનું લાગે મને મંદિર ખાવા ધાય... હરિ તમે꠶ ૨૨
સંકટ બીજાં સાંખીએ પણ આ દુઃખ અપરમપાર,
જગતમાં કેમ જીવીએ ગયો જીવનનો આધાર... હરિ તમે꠶ ૨૩
મેડી મંદિરને માળિયાં વળી ચૌટા ચોક બજાર,
તમ વિના ત્રિભુવનપતિ મને ભાસે બધું ભયંકાર... હરિ તમે꠶ ૨૪
રોઈ આંખો રાતી થઈને નેણનું ખૂટ્યું નીર,
દુઃખસાગરમાં ડુબતાં કરો સહાય શામશરીર... હરિ તમે꠶ ૨૫
પાળી પોષી મોટો કર્યો પછી માર્યાં વિરહનાં બાણ,
હે જગજીવન તમ જતાં કેમ જીવાય જીવનપ્રાણ... હરિ તમે꠶ ૨૬
આગ્ય થકી અતિ આકરી લાગે વીર વિરહની ઝાળ,
ઉતાવળા આવી ઓલાવી નાંખો વિશ્વવિહારીલાલ... હરિ તમે꠶ ૨૭
પદ – ૩
હવે હું શું કરું હો જી રે હરિ વિના કેમ મેં રહેવાય... ટેક.
ભણકારા મને ભાઈના વાગે જાણું કરે છે સાદ,
પળે પળે પુરુષોત્તમ કેરા આવે ગુણ મને યાદ... હવે હું શું꠶ ૨૮
મને મૂકી તમે બાંધવ મારા નહિ પીતા કદી નીર,
એવો અપૂરવ સ્નેહ સદાનો કેમ વિસાર્યો વીર... હવે હું શું꠶ ૨૯
મેં જાણ્યું મને પરણાવશે હરિ અંગ ધરીને ઉમંગ,
નોતું જાણ્યું નીલકંઠજી આમ રંગમાં કરશો ભંગ... હવે હું શું꠶ ૩૦
ભાઈ મને ભલી વિદ્યા ભણાવશે એવી હતી ઘણી આશ,
હામ હૈયાની રહી હૈયામાં કીધો અતિશે ઉદાસ... હવે હું શું꠶ ૩૧
વાંક કરમના આંકનો એમાં કરી શકે શું કોય,
બાળપણે શીદ માતા મરે જો કરમમાં સુખ હોય... હવે હું શું꠶ ૩૨
માત પિતા વીસર્યાં હતાં મને દેખી હરિનું હેત,
તે તો હરિ મને તજી ગયા તેથી આજ થયો છું અચેત... હવે હું શું꠶ ૩૩
વિવેકહીન તું દિસે વિધાતા10 મનમાં ન રાખે મેહેર,
વાલા વીરાનો વિજોગ લખીયો કર્યો તેં કાળો કેર... હવે હું શું꠶ ૩૪
કોણ જાણે હવે કેટલો જાશે વીર વિજોગે કાળ,
મને ફરીથી ક્યારે મળશે વિશ્વવિહારીલાલ... હવે હું શું꠶ ૩૫
પદ – ૪
ધીરજ કેમ ધરું હો જી રે વિરહની વેદના ન ખમાય... ટેક.
પાંખોવાળાં પંખીયો તમે વિચરો દેશ વિદેશ,
ભાઈ તમારો ટળવળે એમ શામને કહો સંદેશ... ધીરજ કેમ꠶ ૩૬
ઉચ્ચરજો વળી એટલું જે ઘેર આવો ઘનશામ,
તમ વિના ત્રિભુવનપતિ અતિ રુએ છે ઇચ્છારામ... ધીરજ કેમ꠶ ૩૭
દયા કરીને દયાનિધિ ક્યારે દેશો દર્શનદાન,
ભુજા ભીડીને ભાવથી ક્યારે ભેટશો શ્રીભગવાન... ધીરજ કેમ꠶ ૩૮
વિસારતાં નવ વીસરે વાલા વાલપ કેરાં વેણ,
નાથ ક્યારે નિરખાવશો રૂડાં નેહ ભરેલાં નેણ... ધીરજ કેમ꠶ ૩૯
સાંભળ પોપટ પંખીયા તને આપીશ દાડમ દ્રાખ,
જૈ જગજીવન આગળે મારું દુઃખ દેખીને દાખ્ય... ધીરજ કેમ꠶ ૪૦
કોઈ તણું દુઃખ દેખી ન શકતા તેવી તમારી ટેવ,
આવું દુઃખ મને આપતાં કેમ કઠણ દિલ કર્યું દેવ... ધીરજ કેમ꠶ ૪૧
રુદન ઇચ્છારામનું સુણી લોક કરે ત્રાયત્રાય,
નિરખીને નર નારીયો સૌ દિલથી દિલગીર થાય... ધીરજ કેમ꠶ ૪૨
ભોજન જળ ભાવે નહિ રુએ વૃદ્ધ તરુણ ને બાળ,
કહે જનો નિરદય થયા કેમ વિશ્વવિહારીલાલ... ધીરજ કેમ꠶ ૪૩
ઉપજાતિવૃત્ત
વળી રુએ રામપ્રતાપ આપ, ઘણે પ્રકારે કરીને વિલાપ;
કહે ગયા ક્યાં ઘનશામ ભાઈ, શું તોડી ચાલ્યા પળમાં સગાઈ? ૪૪
કરતા હતા વાત વને જવાની, તથા તહાં જૈ તપસી થવાની;
હું જાણું છું જે હરિ એ જ કાજ, લીધી હશે શું વનવાટ આજ. ૪૫
લલિતવૃત્ત
રામપ્રતાપભાઈકૃત વિલાપ
અરર ભાઈ રે ક્યાં તમે ગયા, દિલ થકી તજી કેમ રે દયા;
તમ વિના અમે કેમ જીવશું, નવ વિચારિયું તે તમે કશું. ૪૬
અધવચે તજ્યાં સિંધુમાં તમે, ઉગરશું હવે કેમ રે અમે;
સુખદ શામને ક્યાં હવે મળું, વિરહ આગની ઝાળમાં બળું. ૪૭
વરત વાઢિયો કૂપમાં ધરી,11 નવ ઘટે તને ભ્રાત હે હરી;
અધિક સુખની આશ આપીને, સુખ તણાં ગયો મૂળ કાપીને. ૪૮
સુખ તણા હતા દિન તે ગયા, દુઃખ તણા હવે સિંધુ રેલિયા;
અમ પરે અરે દૈવ કોપિયો, દુઃખ તણો શિરે દર્ભ રોપિયો. ૪૯
જલધિમાં12 જતાં નાવ ભાંગિયું, જરુર કષ્ટ આ એવું જાગિયું;
ખુટલ થૈ પડ્યા ખેડું ખારવા, નવ રહ્યા ઉભા નાવ તારવા. ૫૦
હરિ તમે ક્રિયા એવી આચરી, કઠણ થૈ દિલે ક્રૂરતા ધરી;
અરર આવડું નોતું જાણિયું, ઉર વિષે અમે હેત આણિયું. ૫૧
પ્રિય ગણી અમે પ્રાણ સોંપિયા, તદપિ હે હરિ કેમ કોપિયા;
જળ વિના રહી મત્સ તો મરે, ધીરજ તે ધરી કેમ ઊગરે. ૫૨
નવ લઈ ગયો સાથ મુજને, તજી જતાં ગમ્યું કેમ તુજને;
કરત સેવના વાટ ઘાટમાં, પડત હું નહીં આ ઉચાટમાં. ૫૩
અમ તણાં તમે ચિત્ત ચોરિયાં, તપિત તેલમાં આજ ઓરિયાં;
ધીરજ અંતરે કેમ આણિયે, મરણ આ થકી મિષ્ટ જાણિયે. ૫૪
વિરહવેદના કેમ રે ખમું, સુખદ13 શોધવા ક્યાં હવે ભમું;
પરમ શાંતિ તે કેમ પામિયે, હરિ વિના હવે ક્યાં વિરામિયે. ૫૫
દુઃખદ દૈવ રે શું તને ગમ્યું, કઈ રીતે જશે દુઃખ આ ખમ્યું;
સુખ તણાં અરે સ્વપ્ન થૈ ગયાં, સ્મરણ રૂપી તો દાહ દૈ ગયા. ૫૬
નવ મળી કદી વસ્તુ જેહને, બળતરા નહીં તેની તેહને;
પ્રથમ પ્રાપ્ત થૈ જો પછી ટળે,14 સતત સાંભરે કાળજું બળે. ૫૭
સુત સુતા તથા નારી સાંપડે, જગતમાં હિરા મોતી તો જડે;
સરવ વસ્તુની ખામી તો ટળે, પણ અરે સગો ભાઈ ક્યાં મળે. ૫૮
વન વિષે હરિ જો ગયા હશો, વનનિવાસી ત્યાં શી રીતે થશો;
જઈ ઉજાડમાં15 કેમ ગોઠશે, સમ વયે સખા કોણ ત્યાં હશે. ૫૯
વય તમારી છે છોટી છેક રે, નથી ગયા કદી કોશ એક રે;
વન વિલોકીને બીક લાગશે, મૃદૃલ16 પાવમાં ભ્રંઠ17 વાગશે. ૬૦
વન વિષે વસે સિંહ સિંહણો, રવિ તણો તપે તાપ ત્યાં ઘણો;
મૃદુલ પાવમાં મોજડી નથી, ફિકર તો મને થાય તેહથી. ૬૧
કઠણ કાંકરા ખૂબ ખૂંચશે, ચરણ કંટકો18 કોણ કાઢશે;
સમીપ હોત જો સેવકો અમે, ધરત ચાલતાં હાથ તે સમે. ૬૨
ધરત શીશ તો છત્ર શામને, કરત ચિત્તની પૂર્ણ હામને;19
સરજ20 દૈવ જો વાદળું મને, જઈ કરું શિરે છાય કૃષ્ણને. ૬૩
અતિ સુભાગિ તો ગૂટકો થયો, વળગીને ખભે સાથ તે ગયો;
વિધિ મને નહીં કેમ તેં કર્યો, અતિ અભાગિયો એથી હું ઠર્યો. ૬૪
વિચરતાં વને થાક લાગશે, ચરણ તે સમે કોણ ચાંપશે;
સમીપ હોત હું દાસ તત્ર તો, કરત સાથરો21 કેળપત્ર તો. ૬૫
તરસ લાગશે મુજ વીરને, તરત આપશે કોણ નીરને;
વળતી લાગશે ભૂંડી ભૂખડી, સરસ આપશે કોણ સૂખડી. ૬૬
રુદન હું કરું દિન રાતડી, નથી જ ફાટતી કેમ છાતડી;
મુજ જતો નથી કેમ પ્રાણિયો, અધિક જીવી શો લાભ જાણિયો. ૬૭
વિલપિ એ રીતે વીર ત્યાં રડે, ઉભય આંખથી આંસુડાં પડે;
પુરજનો રડે દુઃખ જોઈને, નવ રહ્યું દિલે ધૈર્ય કોઈને. ૬૮
સકળ શોકના સિંધુમાં પડ્યા, અતિ ઉચાટ તો ચિત્તમાં ચડ્યા;
પણ ઉપાય તો કાંઈ ના સુજે, અધર ફર્ફડે અંગ તો ધ્રુજે. ૬૯
વીરવધૂ22 રુએ ત્યાં સુવાસિની, મૂરતિ સાંભરે સુખ રાશિની;
અધિક આંખથી આંસુઓ ઝરે, વિરહની મુખે વાણી ઉચ્ચરે. ૭૦
રાગ વણઝારાનો
અથ સુવાસિનીકૃત વિલાપ
અમને તજી તમે ક્યાં ગયા, પ્રાણ પ્યારા રે,
આવા કઠણ થયા છો કેમ, દિયરજી23 મારા રે;
આવી રીતે દુઃખ આપિયું પ્રાણ꠶
દયાવંતને ન ઘટે એમ દિયરજી꠶ ૭૧
મૂર્તિ તમારી માધુરી, પ્રાણ꠶
વાલાં લાગે મીઠાં મુખ વેણ, દિયરજી꠶
પળ એક પણ કેમ વીસરે, પ્રાણ꠶
રૂડાં નેહ ભરેલાં નેણ, દિયરજી꠶ ૭૨
અરુણ24 વરણ બે ચરણ છે, પ્રાણ꠶
ચિત્ત ચોરે ચટકતી ચાલ, દિયરજી꠶
ચરણ વિષે સોળ ચિહ્ન છે, પ્રાણ꠶
હું તો નિરખીને થાતી નિહાલ, દિયરજી꠶ ૭૩
ધરે શંકર જેહનું ધ્યાન, દિયરજી꠶
સિંહના સરખી કેડ છે, પ્રાણ꠶
નાભી બ્રહ્માનું જન્મસ્થાન દિયરજી꠶ ૭૪
પોયણીપત્ર27 શું28 પેટ છે, પ્રાણ꠶
જેમાં બ્રહ્માંડ રહે છે અનેક, દિયરજી꠶
સુંદર છાતી વિશાળ છે, પ્રાણ꠶
એમાં શ્રીવત્સ ચિહ્ન છે એક, દિયરજી꠶ ૭૫
લાંબા ભલા ભુજ દંડ છે, પ્રાણ꠶
નખપંક્તિ મનોહર લાલ, દિયરજી꠶
હોઠ રાતા રળિયામણા, પ્રાણ꠶
શોભે ગોરા રુપાળા ગાલ, દિયરજી꠶ ૭૬
દાંત દાડમનાં બીજ છે, પ્રાણ꠶
શુકના29 જેવું નમણું નાક, દિયરજી꠶
લોચન પદ્મની પાંખડી, પ્રાણ꠶
એની શોભા તો કહીયે અથાગ, દિયરજી꠶ ૭૭
ભ્રકુટી ભમરની પાંખ છે, પ્રાણ꠶
સારું શોભે છે ભાલ વિશાલ, દિયરજી꠶
તિલક કેસર કેરું કર્યું, પ્રાણ꠶
વચ્ચે કંકુનો ચાંદલો લાલ, દિયરજી꠶ ૭૮
વામ કરણમાં ચિહ્ન છે, પ્રાણ꠶
હું તો જીવતી તેને જોઈ, દિયરજી꠶
જીવનદોરી માહરી, પ્રાણ꠶
તે તો નાંખી ખરેખરી ખોઈ, દિયરજી꠶ ૭૯
આંહી ફરી ક્યારે આવશો, પ્રાણ꠶
ક્યારે દર્શન દેશો દયાળ, દિયરજી꠶
આગ ઓલાશે ઉર તણી, પ્રાણ꠶
જ્યારે પેખીશ જનપ્રતિપાળ, દિયરજી꠶ ૮૦
આ જગમાં ધિક જીવવું, પ્રાણ꠶
દીનબંધુ થકી થઈ દૂર, દિયરજી꠶
જીવન જો નહિ આવશો, પ્રાણ꠶
જશે જીવ જરુરા જરૂર, દિયરજી꠶ ૮૧
ધામ30 મને ખાવા ધાય છે, પ્રાણ꠶
ભાસે શેહેર ભયંકર રાન,31 દિયરજી꠶
ભોજન તો ભાવે નહીં, પ્રાણ꠶
મને ગમતાં નથી ગીતગાન, દિયરજી꠶ ૮૨
રસકસ વિષ સરખા થયા, પ્રાણ꠶
ભાસે શૂળી સમો સંસાર, દિયરજી꠶
આવો મને સુખ આપવા, પ્રાણ꠶
મારા આતમાના આધાર, દિયરજી꠶ ૮૩
જીવન મુખ જોયા વિના, પ્રાણ꠶
મારે પળ એક જુગ જેવી જાય, દિયરજી꠶
મળવા રહ્યું મન ટમટમી,32 પ્રાણ꠶
જીવ આકુળ વ્યાકુળ થાય, દિયરજી꠶ ૮૪
આ દુઃખ સહન થતું નથી, પ્રાણ꠶
હું તો ઇચ્છું છું દેહનો અંત, દિયરજી꠶
જીવની વાત જાણો તમે, પ્રાણ꠶
વળી છોજી દિલે દયાવંત, દિયરજી꠶ ૮૫
આવો હરિ એકવાર તો, પ્રાણ꠶
ઝાઝી ઓલાવો વિરહની ઝાળ, દિયરજી꠶
વળતી33 વિચરજો વન વિષે, પ્રાણ꠶
વાલા વિશ્વવિહારીલાલ, દિયરજી꠶ ૮૬
વસંતતિલકાવૃત્ત
કીધો વિલાપ અતિ તે સુણી કષ્ટ થાય,
જેથી કઠોર પણ પત્થર ફાટી જાય;
તે સાંભળી દશ દીશે દિગપાળ ડોલ્યા,
ત્યાં ત્રાહિત્રાહિ34 મુખથી સુર સર્વ બોલ્યા. ૮૭
જાણ્યું જરૂર સતીનો ઝટ જીવ જાશે,
કાં તો પ્રલે વિરહપાવકથી જ થાશે;
ચિંતા વિષે જન પડ્યા વળી સર્વ દેવ,
આવ્યા તહાં સુર કપીશ્વર35 તર્તખેવ. ૮૮
તેણે કહેલી હરિની મુખવાત કીધી,
દેખી દુઃખી સ્વજન ધીરજ ખૂબ દીધી;
જૈ ગુજરાત રચશે હરિ ધામ36 જ્યારે,
તેડાવશે સ્વજનને નિજપાસ ત્યારે. ૮૯
જેવી પ્રભુની મરજી સ્વજને રહેવું,
જો દુઃખ સુખ ઉપજે સહુ તે સહેવું;
કંકાસ ક્લેશ કરતાં અતિ કષ્ટ થાય,
રાજી રહે ત્રિકમ તેમ રહો સદાય. ૯૦
શ્રીશામ કેરું ધરશો ઉર ધ્યાન જ્યારે,
દેશે સદૈવ તમને હરિ દર્શ ત્યારે;
ચિંતા તજી મન પ્રસન્ન સદા રહેજો,
શ્યામે મને મુખ કહ્યું જઈને કહેજો. ૯૧
તીર્થો પવિત્ર કરવા વનમાં ગયા છે,
સ્નેહી સગાં ઉપર શ્રીહરિની દયા છે;
કાર્યો અનેક કરવા હરિ જન્મિયા છે,
તેથી સનેહ તજી શામ સિધાવિયા છે. ૯૨
તે સાંભળી સ્વજન ધીરજ ચિત્ત ધારી,
મેલી ઉદાસી મનની મનથી વિસારી;
ઇચ્છા હરિની ઉરમાં સમજી લઈને,
છાનાં રહ્યાં સ્વજન સ્વસ્થ સહુ થઈને. ૯૩
પુષ્પિતાગ્રાવૃત્ત
પછી હનુમત ત્યાંથી તે ઘડીમાં, તરત ગયા હનુમાનની ગઢીમાં;
સ્વજન સકળ સર્વદા હરિને, સ્મરણ કરે છબી ધ્યાનમાં ધરીને. ૯૪
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિવનગતે સંબંધિજનવિલાપકરણનામા પ્રથમો વિશ્રામઃ ॥૧॥