કળશ ૩

વિશ્રામ ૧૦

ઉપજાતિવૃત્ત

કહે અભેસિંહ અહો મુનીશ, કહો કથા સ્નેહ ધરી સુણીશ;

તમારી વાણી અતિ મિષ્ટ1 લાગે, ઇચ્છા સુણ્યાની ઉપજે અથાગે. ૧

વર્ણી કહે ભૂપતિ ધન્ય ધન્ય, ભક્તિ તમારી નિરખી અનન્ય;

શ્રદ્ધા ઘણી કૃષ્ણકથા સુણ્યાની, સુરીતિ દીઠી વળી તે પુછ્યાની. ૨

શ્રવણભક્તિ વિષે

કથા સુણે તે કહી આદિ2 ભક્તિ, તેથી વધે છે નવધાની વિક્તિ;

હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. ૩

શરીરનો મેલ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય;

હરિકથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન. ૪

દીઠી અમે ઉત્તમ એક દેવી, તેની દિસે રીત નવાઈ જેવી;

આહાર તે કાન વડે કરે છે, તો પુષ્ટિ પામે નહિ તો મરે છે. ૫

અન્ને યથા જીવ થકી જીવાય, ભક્તિ તણું જીવન છે કથાય;

જે અન્ન છોડે નહિ તેની આશ, કથા તજે ભક્તિ થશે વિનાશ. ૬

પ્રાણી પિયે છે પ્રતિદિન પાણી, તોયે અરૂચી ઉપજી ન જાણી;

કથા સુણે એક જ વારવાર, ન ભક્ત પામે અરુચી લગાર. ૭

સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે;

સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણકથા તજાય. ૮

જેને કથા કેરું અજીર્ણ3 થાશે, કથા સુણ્યાની રુચી ઊઠી જાશે;

આળસ્ય આવે સુણતાં લગાર, તો જાણવું અંગ થયો વિકાર. ૯

શ્રીમુખ વાક્યામૃતમાં4 કહ્યું છે, તે વાક્ય મારી સ્મૃતિમાં રહ્યું છે;

જેને કથા અંતરમાં ન ભાવે, નહીં જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે. ૧૦

સત્સંગનો કૃષ્ણકથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો;

સત્સંગરૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી વહેલી. ૧૧

આહારનો ભાવ જણાય જેને, થશે શરીરે અતિ પુષ્ટિ એને;

ભાસે કથા ઊપર ઉગ્ર5 ભાવ, સત્સંગનો અંગ થશે ચડાવ. ૧૨

કથા વિષે જો રુચી છે તમારી, તેથી કહે છે મનવૃત્તિ મારી;

સત્સંગમધ્યે અતિ શ્રેષ્ઠ થાશો, ભક્તો વિષે મુખ્ય તમે મનાશો. ૧૩

ચોપાઈ

સુણો ભૂપ અભેસિંહ ભ્રાત, કહું જયરામદાસની વાત;

સગાં સંબંધિમાં તેને સ્નેહ, તલભાર તૂટ્યો નહિ તેહ. ૧૪

દીધો હરિએ ઘણો ઉપદેશ, તોય ઓછો થયો નહીં લેશ;

વારે વારે કહે પ્રભુ પાસ, મારે ગામ ચાલો અવિનાશ. ૧૫

કરો ત્યાં જ નિવાસ સદાય, મારા સંબંધિ તમને ચહાય;

મને મોકલ્યો છે એમ કહી, પાછો આવજે કૃષ્ણને લહી. ૧૬

સુણી બોલિયા શ્રીપરમેશ, મારે કરવાં છે તીર્થ વિશેષ;

વળી છે ઘણાં કરવાનાં કામ, નહીં આવું તમારે હું ગામ. ૧૭

જવું હોય તો પાછા જ જાઓ, જ્યારે જગતથી ઉદાસી થાઓ;

ઉર ઊપજે સત્ય વૈરાગ, ત્યારે કરજો સંબંધિનો ત્યાગ. ૧૮

પછી આવજો પશ્ચિમ દેશ, પાસે રાખીશ તમને હંમેશ;

ઉર રાખજો એવો વિચાર, નથી દેહ તણો નિરધાર. ૧૯

સગાં સંબંધિ સાથે જે સ્નેહ, દૃઢ માયાનો પાશ છે તેહ;

અતિ દુઃખદાયક છે અંતે, માટે સદ્ય તજ્યો છે તે સંતે. ૨૦

એમ કહી જયરામ વળાવ્યો, પાછો પુરુષોત્તમપુરી આવ્યો;

આવ્યો તાવ ત્યાં કર્મસંજોગ, થયો શીતળાનો વળી રોગ. ૨૧

એથી આંખે દરદ થયું એને, કહે કષ્ટની વાત તે કેને;

ઘણી પીડા પામ્યો ઘણા માસ, થયું અંતર ત્યારે ઉદાસ. ૨૨

નિજદેહ જાણ્યો નાશવંત, ઘડે ઘાટ અંતરમાં અનંત;

જાણે જો હવે સાજો હું થાઉં, પાછો ઘેર ફરી નહિં જાઉં. ૨૩

પંડ્યે પશ્ચિમ દેશ જઈશ, સ્વામી કેરી સેવામાં રહીશ;

મને હરિએ કહી ઘણી વાણી, પણ મુજને તે તો ન મનાણી. ૨૪

સગાં સંબધિમાં જીવ જોડ્યો, તેથી શ્રીહરિનો સંગ છોડ્યો;

જાણ્યું હમણાં હું ઘેર રહીશ, પછી શ્રીહરિ પાસ જઈશ. ૨૫

ક્ષણભંગુર દેહ ન જાણ્યો, તેથી એવો વિચાર મેં આણ્યો;

એમ કરતાં સાજો થયો જ્યારે, ચાલ્યો પશ્ચિમ દેશમાં ત્યારે. ૨૬

હતા લોજમાં સુંદરશામ, મળ્યો ત્યાં જઈ તે જયરામ;

તેને શામે પૂછ્યા સમાચાર, કહી વાત કરી વિસતાર. ૨૭

વળી હેતે બોલ્યો જોડી હાથ, તમે મુજને કહ્યું ઘણું નાથ;

પણ મુજથી ન વાત મનાણી, હવે વાત જથારથ6 જાણી. ૨૮

ક્ષણભંગુર જાણીયો દેહ, સગાં સંબંધિથી તજ્યો સ્નેહ;

તેથી આવિયો છું તમ પાસ, સદા સેવામાં રહેવાની આશ. ૨૯

એવી વાત સુણી ભગવાન, વળી જાણ્યું છે વૈરાગ્યવાન;

તેથી સાધુ કર્યા ઘનશામે, ધર્યું જિજ્ઞાસાનંદજી નામે. ૩૦

ઘન્ય ધન્ય તેનાં માત તાત, જેને સમજાણી પ્રગટની વાત;

વળી ઉપજ્યો ખરો વૈરાગ, તેથી કીધો સંસારનો ત્યાગ. ૩૧

પૂર્વછાયો

જે જિજ્ઞાસાનંદનું, આ ઉચરશે આખ્યાન;

તેના ઉપર રાજી થશે, ભક્તિતનુજ શ્રીભગવાન. ૩૨

વર્ણવ્યું ત્રણ વિશ્રામથી, એમાં ઊંડો છે મર્મ અપાર;

સુણી મનન મન જે કરે, તે તો સમજે સાર અસાર. ૩૩

આ સંસાર અસારથી, એને ઉપજશે વૈરાગ;

પ્રીતિ થશે પ્રભુને પદે, અને ભલું ગણાશે ભાગ્ય. ૩૪

અંતે તે અક્ષરધામમાં, જઈ પામશે સુખ અપાર;

જન્મમરણની વેદના, તેને નહીં નડે કોઈ વાર. ૩૫

ઉપજાતિવૃત્ત (આપત્તિમાં ઈશ્વર સાંભરવા વિષે)

આવી પડે આપતકાળ જ્યારે, આવે ઉરે શ્રીહરિનામ ત્યારે;

તે કારણે જે પરમાર્થ પ્રીછે,7 તે ભક્ત તો આપતકાળ ઇચ્છે. ૩૬

જ્યારે ઘણું દૈહિક દુઃખ થાય, અસત્ય સંસાર તદા8 જણાય;

સર્વે પ્રકારે સુખ હોય જ્યારે, અત્યંત ભક્તિ નવ થાય ત્યારે. ૩૭

ભક્તો ભલા દૈહિક દુઃખ દેખે, ત્યારે કૃપા શ્રીહરિ કેરી લેખે;

ચાહે નહીં માયિક સુખ ચિત્ત, બ્રહ્માંડ ને પિંડ વિષે ન પ્રીત. ૩૮

આખ્યાન આ જે સમજુ સુણે છે, તે એટલો સાર વિચારી લે છે;

સંસાર મિથ્યા હરિભક્તિ સાચી, કાયા મટોડી ઘટ9 જેવી કાચી. ૩૯

માટે પ્રભુની કરી લેવી ભક્તિ, સંસારથી રાખી સદા વિરક્તિ;10

જેને ન આવે ઉર એવું જ્ઞાન, મનુષ્ય તે પક્ષી પશુ સમાન. ૪૦

પુષ્પિતાગ્રાવૃત્ત

લલિત11 અમૃત કેરી આ લહેરી, કહી સુકથા જિગનાસુનંદ કેરી;

જનમન મળહારી12 જાણી લેશે, ગતિ અતિ દિવ્ય દયાળુ દેવ દેશે. ૪૧

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

જિજ્ઞાસાનંદ-આખ્યાનકથનનામા દશમો વિશ્રામઃ ॥૧૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે