વિશ્રામ ૧૧
પૂર્વછાયો
વર્ણી કહે નૃપ સાંભળો, રતાબસિયાનું કહું આખ્યાન;
જે સુણતાં સમજાય છે, કેવા સમરથ શ્રીભગવાન. ૧
ધર્મતનુજ નરતન ધરી, વન વિચરતા વિખ્યાત;
આદિકુરમ જ્યાં તીર્થ છે, ત્યાં આવ્યા પ્રભુ સાક્ષાત. ૨
ચોપાઈ
ત્યાંથી માનસપુર ગયા લાલ, સત્રધર્મા છે ત્યાંનો ભૂપાળ;
તેની ઊપર ઉર દયા લાવી, તેને સદ્ય સમાધિ કરાવી. ૩
એને દેખાડ્યું અક્ષરધામ, કર્યો આશ્રિત સુંદરશામ;
નૃપ દ્વારે વળી તેહ ઠાર, કર્યો અસુર ઘણાનો સંહાર. ૪
ગયા શ્રીહરિ તૈલંગ1 દેશ, કર્યો ત્રિપદીપુરમાં2 પ્રવેશ;
ત્યાં તો હળ ને મુશળ ધરનાર, દીઠી બાલાજીની છબી સાર. ૫
તેનાં આદરે દર્શન કરી, વેંકટાદ્રિ વિષે ગયા હરી;
વળી ત્યાં થકી વાલો વિચરતા, એક ઝાડી વિષે ગયા ફરતા. ૬
તેમાં ભૂલા પડ્યા ભયહારી, કર્યું મનુષ્યચરિત્ર મુરારી;
આવી ભૂમિ ભયંકર છેક, સુતો દીઠો ત્યાં રાક્ષસ એક. ૭
તેના મસ્તકમાં લાત મારી, ત્યારે ઉભો થયો તે ખુંખારી;
હતો ક્રોધી વિરોધી તે ઘણો, પદસ્પર્શ થયો પ્રભુ તણો. ૮
વળી હરિની ઇચ્છા બળવાન, પૂર્વભવનું થયું તેને જ્ઞાન;
પુરુષોત્તમ પ્રભુને પિછાણ્યા, જગદીશ્વર સાક્ષાત્ જાણ્યા. ૯
કર્યો પ્રેમથી દંડપ્રણામ, સ્તુતિ ઉચ્ચારી ઉચ્ચર્યો આમ;
કૃપાનાથ તમે કૃપા કરી, મને આવી મળ્યા આજ હરી. ૧૦
સ્વામી છો સર્વજ્ઞ સુજાણ, તોય આપું મારી ઓળખાણ;
પૂર્વજન્મે હતો હું નરેશ, પ્રીતે પાળતો તૈલંગ દેશ. ૧૧
એવે અવસરે બે દ્વિજ લડિયા, ન્યાય લેવા રાજદ્વાર ચડિયા;
તેમાં એકનું જયદેવ નામ, કન્યા કુંવારી તેહને ધામ. ૧૨
બીજો નામે મુકુંદદેવ સારો, તેને એક જ પુત્ર કુંવારો;
શિશુપણમાંહિ સગપણ કીધું, વાગદાન તે જયદેવે દીધું. ૧૩
વિત્યાં પાંચ વરસ પછી જ્યારે, શીળી નીકળી વરને ત્યારે;
એ તો આંખે થયો અંધ એથી, જયદેવને નવ ગમ્યો તેથી. ૧૪
ત્યારે તે સાથ સગપણ તોડી, બીજા સાથે સગાઈ તે જોડી;
પિતા વરનો મુકુંદદેવ જેહ, આવ્યો રાજસભા મધ્ય એહ. ૧૫
મુજ પાસ માગ્યો એણે ન્યાય, સુત માટે તે માગી કન્યાય;
કહે કેમ મુકાય સગાઈ? ખાધા બહુ દિન મેવા મીઠાઈ. ૧૬
અમે ભૂષણ વસન ચડાવ્યાં, કરી જીર્ણ પાછાં મોકલાવ્યાં;
અહો છો તમે નૃપ ધર્મરાય, એવો અન્યાય તે કેમ થાય? ૧૭
એવું સુણીને મુનિકૃતમાત્ર,3 જોયાં વિચારી બહુ ધર્મશાસ્ત્ર;
એમાં તો એવી વાત જણાઈ, કરી હોય કન્યાની સગાઈ. ૧૮
પછી જો વર અપંગ થાય, તો તે કન્યા તેને ન દેવાય;
વસ્ત્ર ભૂષણ જીરણ જેવાં, હોય તે તેને પાછાં જ દેવાં. ૧૯
એવી રીતે કર્યો અમે ન્યાય, ત્યારે બોલિયો વરનો પિતાય;
ધર્મશાસ્ત્રની વાત શું ધારો? કુળાચાર4 છે એવો અમારો. ૨૦
કોઈ રીતે સગાઈ ન છૂટે, વર નાશ પામે તો જ તૂટે;
શાસ્ત્રાચાર થકી કુળાચાર, બળવાન છે વિશ્વ મોઝાર. ૨૧
એવી તેણે કરી તકરાર, મને તો ગમ્યો શાસ્ત્રઆચાર;
તેથી તેવો હુકમ મેં કીધો, વરતાતે5 મને શાપ દીધો. ૨૨
બન્ને વિપ્ર પવિત્ર તે એવા, સમરથ વર કે શાપ દેવા;
વરતાત કહે નવ માસે, નૃપ તું મોટો રાક્ષસ થાશે. ૨૩
એવી વાણી સુણી શાપ તણી, મેં તો જોયું કન્યાપિતા ભણી;
ત્યારે તેણે તે વિચારી લીધું, દયા આણીને વરદાન દીધું. ૨૪
તને મળશે પ્રગટ ભગવાન, ત્યારે થાશે પૂરવભવ જ્ઞાન;
તજાવીને તે રાક્ષસ દેહ, ગતિ ઉત્તમ આપશે એહ. ૨૫
નવ માસે મટી ભલો ભૂપ, થયો હું પછી રાક્ષસરૂપ;
ઘણા રાક્ષસને રાક્ષસી, રહ્યાં મારા તાબા માંહિ વસી. ૨૬
ઉપજાતિવૃત્ત
બે માણસો મધ્ય લડાઈ થાય, બન્ને જણા તે નૃપ પાસ જાય;
તે થાય જેના ગમતા પ્રમાણે, તે ભૂપનો ન્યાય ભલો વખાણે. ૨૭
ધાર્યા થકી જો ઉલટું જ થાય, એ તો કહે આજ થયો ન ન્યાય;
બન્ને જણાના મન માંહિ ભાવે, એવો કદી ન્યાય બની ન આવે. ૨૮
જે રાય અન્યાય કદી કરે છે, અંતે જઈ તે નરકે ઠરે છે;
જે પક્ષ કે પાત કરે નરેશ, તે ઉપરે કોપ કરે મહેશ. ૨૯
ચોપાઈ
એવો સમય આવ્યો પ્રભુ મારે, પામ્યો રાક્ષસનો દેહ ત્યારે;
વળી બીજું સંકટ આવી પડિયું, તે તો નિશ્ચે મને ઘણું નડિયું. ૩૦
એક રાક્ષસ નામ વૈતાળ, સર્વે રાક્ષસનો તે ભૂપાળ;
તેણે મેળવી રાક્ષસ નાત, ગયા સર્વ ત્યાં રાક્ષસ જાત. ૩૧
મુજ પાસે હતા ઘણા જેહ, ગયા રાક્ષસ રાક્ષસી તેહ;
રહ્યો હું એકલો મુજ વનમાં, ત્યાં તો ભૂખ લાગી મારા તનમાં. ૩૨
વિપ્રપુત્ર ચતુરભુજ નામ, જતો હતો તે જાત્રાને કામ;
કાંચીપુરીએ જવાનું છે મનમાં, જતાં ભૂલો પડ્યો મારા વનમાં. ૩૩
તેને પકડ્યો મેં કરવા આહાર, ત્યારે તેણે કર્યો ત્યાં ઉચ્ચાર;
મારી ભગિની કુંવારી છે બેય, કન્યાદાન દેવાં તેનાં છેય. ૩૪
કાંચીપુરમાં મોટા જન પાસે, હું તો જાઊં છું દ્રવ્યની આશે;
મારી બેહેનો જોશે ઘેર વાટ, નહીં જાઉં તો કરશે ઉચાટ. ૩૫
મારાં માતા પિતા વૃદ્ધ છેક, પાળનાર તેને હું છું એક;
મને મારીશ તો થશે પાપ, તને લાગશે માહરો શાપ. ૩૬
પડ્યો અજગરસમ તું રહીશ, પંડે પીડા ઘણી જ પામીશ;
એવાં વચન કહ્યા તેણે લક્ષ, તોય કીધો મેં તેહનો ભક્ષ. ૩૭
તેથી પામ્યો પીડા હું તો ભારી, થઈ અજગરસમ સ્થિતિ મારી;
તમે મુજને મળ્યા મહારાજ, અતિ કીધો અનુરાગ આજ. ૩૮
હવે રાક્ષસદેહ છોડાવો, ગતિ ઉત્તમ મુજને અપાવો;
એવું સાંભળીને ઘનશામ, તેનો દેહ તજાવ્યો તે ઠામ. ૩૯
કહ્યું જા હવે સોરઠમાંય, જેતપુર છે વાળાનું જ્યાંય;
કાઠી બશિયાના કુળ મોઝાર, ધરજે જઈને અવતાર. ૪૦
રતો નામ તારું કહેવાશે, તને મારો સમાગમ થાશે;
મારી ભક્તિ કરી તેહ ઠામ, પછી પામીશ અક્ષરધામ. ૪૧
કહે વર્ણી સુણો અવનીશ, બોલ્યા વેણ જે જે જગદીશ;
બની વાત તે એ જ પ્રમાણે, સતસંગી સરવ જન જાણે. ૪૨
ભલો ભક્ત થયો રતો બશિયો, સદા શ્યામસમીપે તે વશિયો;
પૂર્વભવનું હતું તેને જ્ઞાન, વાત કરતો થઈ સાવધાન. ૪૩
એનાં લક્ષણ એવાં જણાય, પૂર્વભવનો તે ભક્ત મનાય;
કરી ઉત્તમ ભક્તિનું કામ, અંતે પામ્યો તે અક્ષરધામ. ૪૪
ઉપજાતિવૃત્ત (પૂર્વસંસ્કાર વિષે)
ત્રણ પ્રકારે હરિભક્ત જાણો, મુક્તો તથા યોગચ્યુત6 પ્રમાણો;
સંસ્કાર પૂર્વે શુભ કાંઈ થાય, સાધુ તણી વાત સુણી મનાય. ૪૫
જે મુક્ત મોટા નરદેહ ધારી, સંસારથી રીત સમગ્ર ન્યારી;
અખંડ મૂર્તિ પ્રભુ કેરી દેખે, દેહાદિ વસ્તુ તૃણ તુલ્ય લેખે. ૪૬
સત્સંગ પામે જન જોગભ્રષ્ટ, ગણે નહીં તે કદિ કાયકષ્ટ;
મંડ્યો રહે તે હરિભક્તિ માંહી, કરે ન આસ્થા સ્થળ અન્ય ક્યાંહી. ૪૭
જે સ્વલ્પ સંસ્કાર તણે પ્રતાપે, સત્સંગ સેવે થઈ ભક્ત આપે;
મંડ્યો રહે ઉત્તમ ભક્ત થાય, કુસંગ પામે જડ મૂળ જાય. ૪૮
સંસ્કાર જો પૂર્વ તણો ન હોય, સત્સંગી સારો નવ થાય કોય;
ઊંડી ન પેસે ઉર માંહિ વાત, જાતિ વિના જેમ પડે ન ભાત.7 ૪૯
મળે હરિ કે હરિના મળેલા,8 સત્સંગી જે તેહ થકી થયેલા;
તેઓ તણાં ઉત્તમ અંગ જેવાં, પરંપરા અંગ ન હોય એવાં. ૫૦
ચોપાઈ
કહે વર્ણી અહો સુણ રાય, રતા બશિયાનું આખ્યાન આંય;
કોઈ શીખે સુણે કે જો ગાશે, પ્રાપ્ત ચારે પદારથ થાશે. ૫૧
ઘણા રાજી થશે ઘનશામ, અંતે આપશે અક્ષરઘામ;
મોટા ભક્ત તણો મહીમાય, પ્રીતે સુણતાં પવિત્ર થવાય. ૫૨
દીધું રાક્ષસને જ્ઞાનદાન, એવા સમરથ શ્રી ભગવાન;
તેની ભક્તિ કરે નહિ જેહ, મોટો મૂરખ માણસ તેહ. ૫૩
પુષ્પિતાગ્રાવૃત્ત
વૃષસુત હરિ છે કૃપાળુ કેવા, અવર ન કોય દયાળુ દેવ એવા;
અગણિત અઘ9 ટાળી મોક્ષ આપે, કરી નિજદાસ અનેક કષ્ટ કાપે. ૫૪
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર – અભયસિંહનૃપસંવાદે
રતાબશિયાખ્યાન-કથનનામા એકાદશો વિશ્રામઃ ॥૧૧॥