કળશ ૩

વિશ્રામ ૧૨

ચોપાઈ

બ્રહ્મચારી કહે સુણ ભૂપ, કથા પાવન પરમ અનૂપ;

વેંકટાદ્રિનું વન છે વિશાળ, તેમાં વિચરે છે દીનદયાળ. ૧

મળ્યો સાધુ ત્યાં સેવકરામ, તેની સાથે ચાલ્યા ધનશ્યામ;

ભાગવત તો ભણ્યો હતો એહ, પછી રસ્તે માંદો પડ્યો તેહ. ૨

સેવા શ્રીહરિએ કરી એવી, બીજો કોઈ કરે નહીં તેવી;

પછી જાણ્યો તે કૃતઘ્ની જ્યારે, તેનો ત્યાગ કર્યો હરિ ત્યારે. ૩

ઉપજાતિવૃત્ત (કૃતિઘ્ની વિષે)

કૃતઘ્નિને તો ગુણ જે કરાય, તે સર્વ તેનો શ્રમ વ્યર્થ જાય;

કૃતઘ્નિ તો ગુણ કશો ન જાણે, અંતે વળી તે ઉર દ્વેષ આણે. ૪

જો ભક્તનો વેષ ધરે તથાપિ, કૃતઘ્નિ જેવો નહિ કોઈ પાપી;

કૃતઘ્નિ લેશે જળ અન્ન જેનું, અંતે બગાડે અતિ કામ તેનું. ૫

કૃતઘ્નિનું દીલ દિસે દગાળું, કૃતઘ્નિનું મોં કરીયે જ કાળું;

કૃતઘ્નિ જેવો જન જે જણાય, તો સંગ તેનો તજીયે સદાય. ૬

જે અન્નદાતાની અકીર્તિ ગાશે, કલ્યાણ તેનું કદીયે ન થાશે;

કરે કૃતઘ્નિ તપ જાપ જેહ, તીર્થાદિ યાત્રા સઉ વ્યર્થ તેહ. ૭

કૃતઘ્નિ જો સેવકરામ જાણ્યો, તો પાપી પૂરો પ્રભુએ પ્રમાણ્યો;

એવો કૃતઘ્ની જન જેહ થાશે, જરૂર તેથી હરિ દૂર જાશે. ૮

ચોપાઈ

કહે વર્ણી સુણો મહિપાળ, ગયા કાંચીપુરીમાં કૃપાળ;

ત્યાંથી શ્રીરંગક્ષેત્રમાં ગયા, માસ બે ત્યાં થઈ સ્થિર રહ્યા. ૯

ગયા ત્યાં થકી શ્રીભગવાન, સેતુબંધ રામેશ્વર સ્થાન;

માસ બે ત્યાં રહી મહારાજ, ગયા જ્યાં વિષ્ણુ સુંદરરાજ. ૧૦

પછી શ્રીહરિ ત્યાંથી સિધાવ્યા, ઘોર વન એકમાં વળી આવ્યાં;

તેમાં ચાલ્યા પ્રભુ દિન ચાર, જળ ફળ નવ પામ્યા લગાર. ૧૧

પાંચમે દિન વિચરતાં પાવ,1 એક આવિયું છોટું તળાવ;

સ્નાનાદિક કર્યું ત્યાં ઘનશ્યામ, સંધ્યા કરી પૂજ્યા શાલગ્રામ. ૧૨

પરબોળિયાની ફળી ચાર, શેકીને કર્યો તેનો આહાર;

રાત એક પ્રહર ગઈ જ્યારે, ચાલ્યા ત્યાં થકી શ્રીહરિ ત્યારે. ૧૩

છઠ્ઠે દિવસ થયો મધ્યાન, વડ વનમાં દીઠો તેહ સ્થાન;

એક કૂપમાંથી જળ લીધું, નાહીને નિત્યનું કર્મ કીધું. ૧૪

એક પત્રમાં શાલગરામ, બેસાર્યા નવરાવાને કામ;

જળ નાખ્યું ભરીને કઠારી,2 તે તો શોષી ગયા બધું વારી. ૧૫

વળી નીર નાખ્યું ઘણું જેમ, શોષ્યું શાળગરામે તે તેમ;

ત્યારે વિચારિયું ઘનશામે, ઘણું જળ પીધું શાલગરામે. ૧૬

એવી તરસ લાગી તેને જ્યારે, હશે લાગી ક્ષુધા પણ ત્યારે;

નથી નૈવેદ્ય કાંઇયે ધરવા, લાગ્યા એમ વિચાર તે કરવા. ૧૭

એવે અવસરે આવ્યા મહેશ,3 અંગે કાપડીનો4 ધરી વેશ;

બેઠા નંદી ઉપર સિદ્ધનાથ,5 સતી પારવતી હતાં સાથ. ૧૮

દોહરો

વિષધર6 સુત7 છે ભાલમાં, કંઠે વિષધર8 વાસ;

વિષધર9 આવ્યા વન વિષે, વિષધરસમ તનું10 પાસ. ૧૯

ચોપાઈ

શિવે મીઠું ને સાથવો ધર્યો, હરિકૃષ્ણે અંગીકાર કર્યો;

તે તો શાળગરામને ધરી, હેતે સહિત જમ્યા પોતે હરી. ૨૦

કહે ભૂપ અહો વરણીશ, આવ્યા શા કારણે ઉમા11 ઈશ?12

તેનું કારણ કહી સમજાવો, મારો સંશય તે તો તજાવો. ૨૧

કહે વર્ણી સુણો ચિત્ત ધરી, હતા જ્યારે છપૈયામાં હરિ;

માતા ભક્તિ પ્રભુને લઈને, નારાયણસર નાયાં જઈને. ૨૨

બ્રહ્મા વિષ્ણુ ને શંકર દેવ, ત્યાં તો આવ્યા હતા તતખેવ;

કથા તે કહી છે તમ પાસ, પછી શંભુ ગયા કૈલાસ. ૨૩

દીઠી મૂર્તિ તે ધ્યાનમાં લાવી, બેઠા શંભુ સમાધિ ચડાવી;

લાગી લગની પ્રભુપદ ભારી, ઘણે કાળે જાગ્યા ત્રિપુરારી.13 ૨૪

એવે આવ્યા નારદમુનિ રાય, વંદ્યા ભવ ને ભવાનીના પાય;

શિવે પૂછ્યા સમાચાર જ્યારે, મુનિ નારદ બોલિયા ત્યારે. ૨૫

મૃત્યુલોક જઈને હું આવ્યો, એક સારા સમાચાર લાવ્યો;

જે છે અક્ષરધામના વાસી, પુરુષોત્તમ પરમ પ્રકાશી. ૨૬

સર્વ અવતારના અવતારી, જેનાં દર્શન દુર્લભ ભારી;

તેણે ભૂમિનો હરવાને ભાર, ધર્મઘેર ધર્યો અવતાર. ૨૭

ધરી વર્ણીનો વેષ તે તનમાં, ફરે દક્ષિણ દેશના વનમાં;

તેનાં દર્શનનો લાભ લઈ, અહીં આવ્યો કૃતારથ થઈ. ૨૮

સુણી વાત બોલ્યા ત્રિપુરારી, અમે નિરખ્યા છે ભવભયહારી;14

ના’તાં દીઠા નારાયણસરમાં, ધરી મૂર્તિ મેં એ જ અંતરમાં. ૨૯

ગયા છે હરિ તીર્થમાં ફરવા, હવે જૈશ ત્યાં દરશન કરવા;

સુણી બોલ્યાં પારવતી રાણી, મારી વિનતિ સુણો શૂલપાણી.15 ૩૦

વ્રત યજ્ઞ કે તીર્થ આચરવું, સાથે પત્નિને રાખીને કરવું;

સર્વ શાસ્ત્રમાં લખિયું છે એમ, પાળતા નથી તમે તે કેમ? ૩૧

નારાયણસર દર્શન કાજ, ગયો જે સમે સુરનો સમાજ;

ત્યારે સાથે ન લઈ ગયા અમને, તેમ કરવું તે નવ ઘટે તમને. ૩૨

એકવાર હરિનો પ્રસાદ, મને મુકી તમે કર્યો સ્વાદ;

ત્યારે કલહ થયો તો અતિશે, કથા તેહ પુરાણમાં દિસે. ૩૩

આવ્યા અક્ષરધામના ધામી, જેનાં દર્શન દુર્લભ સ્વામી;

મને મેલી જો એકલા જાશો, પ્રાણનાથ પછી પસતાશો. ૩૪

માટે રાખો મને નિજ સંગ, મને દર્શનનો છે ઉમંગ;

સુણી શંકર સમજ્યા તે મનમાં, આવ્યા પારવતી સુધાં16 વનમાં. ૩૫

કૃપાનાથનું દર્શન કરિયું, ત્યારે શૈલસુતા17 મન ઠરિયું;

કરી પૂરી ઉમા કેરી આશ, ગયા શંકર દેવ કૈલાસ. ૩૬

કહે વર્ણી તમે પૂછ્યું જેહ, શિવ આવ્યાનું કારણ એહ;

સંભળાવ્યું તને સાક્ષાત, હવે શ્રીહરિની કહું વાત. ૩૭

પૂર્વછાયો

વાલમ વિચર્યા ત્યાં થકી, આવ્યો ઝાડી તણો કાંઈ પાર;

ગામ રહ્યું ગાઉ18 ચ્યાર ત્યાં, મોટા સિદ્ધ દીઠા તે ઠાર. ૩૮

દૂધાધારી19 એક છે, અન્ન ફળ ન કરે આહાર;

બાવો દિશાયે20 જાય નહિ, નવ રહે વસ્તી મોઝાર. ૩૯

તેથી તેની માનતા, બહુ વિસ્તરી દેશ વિદેશ;

રાજા તથા રઇયત ઘણી, આવે દર્શન કાજ હમેશ. ૪૦

ભેટ ધરે જન ભાવથી, બાવા આગળ ધન કે ધાન;

શિષ્ય કહે એથી પાળીએ, અમે ચકલિયો ને શ્વાન. ૪૧

બાવે મુનિવ્રત મુખ ધર્યું, નવ બોલે કદીયે બોલ;

શિષ્ય તેના સાત આઠ તે, એવું કહી વધારે તોલ.21 ૪૨

કપટ કોઈ ન કળી શકે, ઘણા ભોળા જન ભોળવાય;

ઉપજ તેને તે થકી, નિત્ય શત22 રુપૈયા થાય. ૪૩

વડ તળે ખણી23 ખોતરી, કરી રાખ્યું ભોંયરું એક;

અન્ન આદિક એમાં ભરે, વળી અવર24 વસ્તુ અનેક. ૪૪

ઢાંકણું ઢાંકીને કરે, પછી એહ ઉપર આસન;

બાવા આગળ કશુંયે નથી, જોઈ એમ કહે સૌ જન. ૪૫

ચોપાઈ

બ્રહ્મચારી કહે સુણ ભૂપ, કહું વર્ણવી બાવાનું રૂપ;

સાથે છે સાત આઠક ચેલા, રહે ગાંજાને કેફે છકેલા. ૪૬

ધૂણી સળગતી રાખે અખંડ, મહાકુકર્મનો એ જ કુંડ;

મોટો ચીપીયો પાવડી25 રાખે, ચિત્તે કાળીરોટી26 અભિલાખે.27 ૪૭

પાળે કુતરાં પાંચ કે સાત, વધે સ્નેહ તે જેમ સ્વજાત;

પડી ત્યાં રહે ગાંજાની થેલી, વળી ત્યાં દિસે ચલમો ભરેલી. ૪૮

ગાંજો ભાંગ્ય પીયે અને પાય, ઘણા વિપ્ર આવી વટલાય;

રાતી આંખો બાવાની જણાય, બળીને કંઠ ઘોઘરો થાય. ૪૯

ઘણા ધૂમ્રના ગોટા ઉડે છે, જાણે વાદળાં મેઘનાં એ છે;

સારૂં માણસ ત્યાં જાય જેહ, નાકે વસ્ત્ર આડું ધરે તેહ. ૫૦

દિસે ઢોંગી તણો કેવો ઢંગ, ચોળી અધમણ રાખોડી અંગ;

માથે દેખાય છે જટા મોટી, વાળ સાંધી વધારેલી ખોટી. ૫૧

વાળે કોપીન નગ્ન જણાય, તોય નિર્લજ તે ન લજાય;

આવે નારિયો દર્શને જ્યારે, ઘણી સિદ્ધાઈ દાખવે ત્યારે. ૫૨

માઈ માઈ કહી દે છે માન, હૈયે કામના હોળી સમાન;

દોરા ચીઠી28 ઘણી કરી આપે, કોઈને તો ચેલી કરી થાપે. ૫૩

બાવો કોઈને આપે ભભૂત,29 કહે આથી થાશે તારે પૂત;30

કહે પુરુષને મંત્ર હું જાપું, તારી નારીને વશ કરી આપું. ૫૪

આપે કોઈને તો જડીબૂટી, લે છે એમ ઠગી ધન લૂંટી;

કહે કોઈને કીમીયો જાણું, એમ કહીને ઠગી લે છે નાણું. ૫૫

જ્યારે હોય ઘણી સ્ત્રીજાત, કહે કામરુદેશની વાત;

અમે કામરુદેશ ગયાજાતા, ખટ માસ ત્યાં જઈને રહ્યા’તા. ૫૬

સ્ત્રિયારાજ છે ત્યાં તો સદાય, જોતાં પુરુષ ન કોઈ જણાય;

શ્વેત બગલો જો બેઠો દેખાય, જાણી પુરુષને નારિયો ધાય. ૫૭

ઉડી જાય તે બગલો આકાશ, વળે નારિયો થઈને નિરાશ;

નર કોઈ કદી હાથ આવે, તેને દિવસે તો બળદ બનાવે. ૫૮

એવી ગપ્પો ચલાવે વિશેષ, તેમાં સાચું નહી લવલેશ;

એકટંગીયા દેશની વાત, ભાખે ભોળાની આગળ ભ્રાત. ૫૯

ભક્તમાળની વાત સુણાવે, સાધુનો મહિમા સમઝાવે;

તન મન ધન સાધૂને દૈયે, માઈ ત્યારે કૃતારથ થઇયે. ૬૦

કહે સિદ્ધાઈ ગુરુની અપાર, થયાં વર્ષ ગુરુને હજાર;

શત વર્ષ સેવ્યો ગિરનાર, સેવ્યો આબુ વરસ શત ચાર. ૬૧

શત વર્ષ હિમાળામાં ફરિયા, બીજાં વર્ષોમાં તીર્થે વિચરિયા;

હતો આ ઠામ સાગર જ્યારે, ગુરુ આવ્યા હતા અહિં ત્યારે. ૬૨

ઉપજાતિવૃત્ત

શિષ્ય વધારે ગુરુની વડાઈ, કુચાલ ઢાંકી ગુણગાન ગાઈ;

તે પાપનો કુંભ ભરાય જ્યારે, પડે ઉઘાડી બધી વાત ત્યારે. ૬૩

એકાંત બેશી શિર વસ્ત્ર છાઈ, બેસે ગુરુજી બહુ ધ્યાનમાંઈ;

તે ઘાટ કેવા મનમાં ઘડે છે, અંતે ઉઘાડું સઘળું પડે છે. ૬૪

સ્વભાવથી સજ્જન સર્વ ભાસે, તેની પરીક્ષા તપવાથી થાશે;

ભાસે ભલું પીતળ હેમ જેવું, તાપે તપે તો ન રહે જ તેવું. ૬૫

પુષ્પિતાગ્રાવૃત્ત

નહિ કદી જળપૂર મધ્ય ધાવું, નહિ કદી બુદ્ધિ છતાંય મૂર્ખ થાવું;

નહિ ઠગ ગુરુથી કદી ઠગાવું, નહિ વિષનેય પિયૂષ જાણી ખાવું. ૬૬

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

ખળગુરુ-ગુણકથનનામા દ્વાદશો વિશ્રામઃ ॥૧૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે