કળશ ૩

વિશ્રામ ૧૩

પૂર્વછાયો

વર્ણી કહે નૃપ સાંભળો, હવે કહું હરિની વાત;

દૂધાધારી વડ તળે છે, રહ્યા હરી ત્યાં રાત. ૧

જ્યારે ત્યાં હરિ આવિયા, ત્યારે આદિત્ય પામ્યો અસ્ત;

જાઓ સાધુરામ ગામમાં, એમ બોલ્યા બાવા સમસ્ત. ૨

ડર ઘણો અહીં વાઘનો, વળી ભાસે ભયંકર ભૂત;

રાતે અહીં તો રહીં શકે, કોઈ જોગી વડા અવધૂત. ૩

હરિ કહે નહિ જાઊં હું, ગામ છે અહીંથી ગાઉ ચાર;

રહો ભલે બાવે કહ્યું, જાણી બાળક તન સુકુમાર.1

ચોપાઈ

સુતા શ્રીહરિ આસને જ્યારે, બાવે જાણ્યું તે ઊંઘ્યા છે ત્યારે;

ભોંયરામાંથી સામાન લાવી, સારી રીતે રસોઈ બનાવી. ૫

તેના શિષ્ય બીજા જણ ચાર, વેષ વિપ્ર તણો ધરનાર;

દિવસે તો રહે છે તે દૂર, રાતે આવે બાવાની હજૂર. ૬

ગામમાંથી જણસ2 લાવી દે છે, બાવો રાતે હિસાબ પૂછે છે;

બેઠા જમવાને તે સહું જ્યારે, બાળ વર્ણીને બોલાવ્યા ત્યારે. ૭

પણ પાપીના હાથનું અન્ન, લેવા નાથ ન થયા પ્રસન્ન;

તેથી જમવાની ના કહી દીધી, બાવે તાણ ઝાઝી નવ કીધી. ૮

બાવા જમતાં કરે બહુ વાત, સુતા સાંભળે હરિ સાક્ષાત;

કહે રોટી તો ખાની સક્કરસેં, ઔર દુનિયા તો ખાની મક્કરસેં.3

સીધા ચાલે તે તો ન પોસાય, વાંકી આંગળિયે ઘી ચટાય;

કળિજુગના છે લોક કઠોર, ઢોંગ વગર ન દે એક બોર. ૧૦

ચંદ્ર બીજનો વાંકો જણાય, તેથી માન પામે ને પૂજાય;

બાવા ઊઠ્યા કરીને આહાર, ગયા ગામ વિષે જણ ચાર. ૧૧

એક શેઠને ઘેર ગયા તે, પાડ્યું ખાતર4 અરધી રાતે;

જે જે માલમતા હાથ આવી, ભોંયરામાં ભરી તે તો લાવી. ૧૨

ચિત્તે હરિએ વિચાર્યું ત્યાં એવું, આવા પાપીની પાસે ન રેવું;

પછી રાત રહી ઘડી ચાર, કર્યો ત્યાં થકી હરિએ વિહાર. ૧૩

પડ્યું ખાતર રાજાએ જાણ્યું, ત્યારે અંતરમાં એમ આણ્યું;

જેના રાજ વિષે ચોરી થાય, તે તો રાજા ઘણો જ નિંદાય. ૧૪

કહે ચોકીવાળાને ભૂપાળ, લાવી આપો તેનો બધો માલ;

થશે નહિ તો તમારો જ દંડ, પીડા ભોગવશો તમે પંડ. ૧૫

પછી પગિયે પગેરું ચલાવ્યું, તે તો બાવાની આગળ આવ્યું;

ભલો ડાયો હતો કારભારી, ઉપડાવી બાવાની પથારી. ૧૬

જટા તેની ખેંચાવી ત્યાં જ્યારે, સાંધેસાંધા છૂટા પડ્યા ત્યારે;

ભોંયરાથી મળ્યો બધો માલ, બાંધ્યો બાવાને ત્યાં હાલહાલ.5 ૧૭

બેડી પગમાં વળી પહેરાવી, પૂર્યા કેદખાના માંહિ લાવી;

દૂધાધારીનું કપટ જણાણું, ભોંયરેથી મળ્યું ઘણું નાણું. ૧૮

કારભારી તે લૈ ગયો ત્યાંય, ભર્યું ભૂપના ભંડારમાંય;

કરી અરજી મળી મહાજન, એક વિનતી સુણો હે રાજન. ૧૯

બધો ચોરીનો માલ મળ્યો છે, વળી બાવાને દંડ કર્યો છે;

અમે કહિયે છૈયે કર જોડી, હવે મૂકો બાવાજીને છોડી. ૨૦

મહાજન તણું રાખવા માન, કહ્યું છોડશું તે બંધીવાન;

ગયા મહાજન તે સર્વ જ્યારે, રાયે હુકમ કર્યો એમ ત્યારે. ૨૧

દૂધાધારીની મુંડ6 મુંડાવો, તેને માથે ચુનો ચોપડાવો;

એક ભાગની મુંડવી ડાઢી, બીજા ભાગ તણી મૂછ કાઢી. ૨૨

નાંખો ખાસડાંની ગળે માળા, મુખ સહિત કરો ગાલ કાળા;

મુખે અવળે ગધાડે ચડાવો, તેનું પૂંછડું કર7 પકડાવો. ૨૩

ઢોલ એની પાછળ વગડાવો, આખી નગરી વિષે ફેરવાવો;

કાઢી મૂકો દક્ષિણ દરવાજે, આવું કરતાં બીજા જન લાજે. ૨૪

એવો હુકમ સુણી અનુચર,8 લાવ્યા જઈને તરત એક ખર;9

વેષ બાવાનો વરવો બનાવ્યો, તેને અવળે ગધાડે ચડાવ્યો. ૨૫

બાવા આગળ ઢોલ બજાવે, જોવા ટોળે ટોળાં જન આવે;

ઘણાં બાળક કાંકરા મારે, મહુડી મહુડી તે ઉચારે. ૨૬

એવું વચન કહે કોઈ નારી, એણે ધૂતી લીધી મુડી મારી;

મારા પીટ્યા તારો છેડો વાળું, ભલે કીધું તારું મુખ કાળું. ૨૭

બાવો મુખ થકી બડબડે આમ, કેસી બુદ્ધિ ભઈ મેરે રામ;

પૂરો મનમાં કરે પસતાવો, જાણ્યું નહિ દિન આવશે આવો. ૨૮

પછી કાઢી મૂક્યો પુર બહાર, થઈ તેની ફજેતી અપાર;

જેઓ બાવાના શિષ્ય થયા’તા, બધા તે તો ફરે શરમાતા. ૨૯

ઉપજાતિવૃત્ત (અસંત સંત વિષે)

જે ઢોંગ ધારી જન ધૂતિ ખાશે, અંતે ફજેતી અતિ તેની થાશે;

તેનાં ફળો ભોગવશે જરૂર, આ લોકમાં કે જમની હજુર. ૩૦

જેણે તજી અષ્ટ પ્રકાર નારી, જેણે તજ્યાં છે વ્યસનો વિચારી;

ન દ્રવ્ય રાખે નહિ ગાળ ભાખે, એવા ગુરૂ સેવન શાસ્ત્ર દાખે. ૩૧

અસંત ને સંત સમાન જાણે, તે તો જનો જાણ પશુ પ્રમાણે;

વિવેકની દૃષ્ટિ વિનાશ થાય, તે લોક એવા ઠગથી ઠગાય. ૩૨

સારું નઠારું સમજૂ જ જાણે, શ્રીકાર10 વસ્તુ પરખી વખાણે;

અજ્ઞાનીને તો સઘળું સમાન, શ્રીકાર11 કે હોય વિકારવાન.12 ૩૩

શાસ્ત્રો વિષે સંત અસંત કેરાં, લખ્યાં દિસે લક્ષણ તો ઘણેરાં;

તથાપિ તે દીપક હાથ લૈને, પડે કુવામાં જડબુદ્ધિ13 જૈને. ૩૪

સાધુ તણાં લક્ષણ હોય કેવાં, તે સાંભળીને દિલ ધારી લેવાં;

વૈરાગ્ય સાચા થકી સાધુ થાય, તેના થકી સાધુપણું પળાય. ૩૫

વૈરાગ્ય સાચો ઉર હોય જેને, કદી રજોગુણ ગમે ન તેને;

ત્યાગી ઝિણાં વસ્ત્ર ધરે ન અંગે, ધરે ન રંગેલ વિચિત્ર રંગે. ૩૬

દીવો વસે ફાનસ મધ્ય જ્યારે, દેખાય બાહાર પ્રકાશ ત્યારે;

જો કામના14 અંતરમાં વસે છે, દેહે રજોગુણ તદા દિસે છે. ૩૭

પૂજા વિષે વસ્તર મૂલ્યવાળું, રાખે નહીં રેશમનું રુપાળું;

જે રાખશે શોભિત વસ્તુ પાસે, તો વાસના તેહ વિષે જડાશે. ૩૮

આજ્ઞા કરી છે હરિ આપ એમ, સાધુ રહે આર્ષભ15 વિપ્ર જેમ;

કલ્યાણ કાજે જન સાધુ થાય, આજ્ઞા પ્રમાણે વરતે સદાય. ૩૯

વૈરાગીને તો તપશા ગમે છે, તે એકવારે દિનમાં જમે છે;

જે ભૂખના દુઃખથી સાધુ થાય, તે પુષ્ટ થાવા બહુ વાર ખાય. ૪૦

શરીરને સાધુ અસત્ય જાણે, ઇચ્છા ઘણાં ઔષધની ન આણે;

દૈહિક દુઃખે દુઃખિયા ન થાય, તે સાધુ સાચા શ્રુતિશાસ્ત્ર ગાય. ૪૧

શરીર સાજું નિજનું નકી છે, તો અંતરે વાહનને ન ઇચ્છે;

જો ચા’ય સંસારિક સુખ ત્યાગી, સંસાર શા માટ તજ્યા અભાગી? ૪૨

સ્ત્રી પુત્ર ત્યાગી વિતરાગિ થાય, ચેલા વિષે વૃત્તિ પછી જડાય;

મમત્વ રાખે મનમાં ધરીને, તો શું કર્યું તે ભગવાં કરીને? ૪૩

ત્યાગી થયો ને ઘરબાર છોડ્યું, શરીર સુખે વળી ચિત્ત જોડ્યું;

ગમ્યું ન તીર્થે ઘર તો લજાડ્યું, બન્ને પ્રકારે નિજનું બગાડ્યું. ૪૪

જતી થયા વિશ્વ અસત્ય જાણી, દેહાંત શ્રદ્ધા નહિ તે રખાણી;

ધીમે ધીમે વસ્ત્ર ધર્યાં રુપાળાં, રાખ્યાં ગૃહસ્થો સમ પેટી તાળાં. ૪૫

અતીત તો વિશ્વવ્યતીત થૈને,16 વસ્યા હતા તે વનવાસ જઈને;

ધીમે ધીમે ત્યાગીપણું ગયું છે, ગૃહસ્થ માથે ભગવું રહ્યું છે. ૪૬

માયા મહાપાપ લગાડનારી, ધીમે ધીમે ધર્મ બગાડનારી;

જોગી જને જાગ્રત થૈ રહેવું, ચેતાય તો અંતર ચેતી લેવું. ૪૭

કહે ગુરુ વિકૃત વેષ ધારો, સભા વિના લોકગૃહે પધારો;

ભિક્ષા સભા કારણથી જ જાય, આજ્ઞા ન લોપે હરિની કદાય. ૪૮

દૈવી તથા આસુરી જીવ જાતી, જો હોય તે બે સરખી જણાતી;

સત્સંગમાં જો કદી તે રહે છે, જાતિ સ્વભાવે ગુણને ગ્રહે છે. ૪૯

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

આંબા આંબલિ લીંબડા સરગવા સીતાફળ શેલડી,

દ્રાક્ષા દાડમ કોઠ કૌચ કદળી વૃક્ષો તથા વેલડી;

સર્વે એક જ પૃથ્વીનું જળ પિયે સર્વે સમીપે રહે,

જેવો જાતિસ્વભાવ હોય જગમાં તેવા ગુણો તે લહે. ૫૦

શિખરિણીવૃત્ત

સતી થાવા ચાલી પછિથી પતિ સાથે નવ બળે,

શૂરો સંગ્રામે17 જૈ અધિક ડર દેખી ઘર વળે;

તજીને સંસાર પ્રથમ પછી દેહે સુખ ચહે,

ત્રણેને ધિક્કાર ક્ષિતિતળ18 મનુષ્યો સુર કહે. ૫૧

પુષ્પિતાગ્રાવૃત્ત

સુગુરુ19 કુગુરુના ગુણો વિચારી, નૃપ તુજ પાસ કહ્યા સુપાત્ર ધારી;

કુગુરુ કપટી એમ જાણી લેજો, સુગુરુ તણા સતસંગમાં રહેજો. ૫૨

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

કુગુરુસુગુરુ-ગુણકથનનામા ત્રયોદશો વિશ્રામઃ ॥૧૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે