કળશ ૩

વિશ્રામ ૧૫

પૂર્વછાયો

કહે અચિત્યાનંદજી, સુણો ભૂપતિ થૈ સાવધાન;

ભક્ત સુકશીયાભાઈનું, એક કહું ભલું આખ્યાન. ૧

ચોપાઈ

ચરોતરમાં છે નાવલી ગામ, લાલદાસ રહે તેહ ઠામ;

નાતે લેઉવા તે પાટીદાર, કરે ખેતી ને ઘીનો વેપાર. ૨

ઘૃત1 કુંપી2 ભરીને વિશેષ, કર્યો વાંકળ પ્રાંત પ્રવેશ;

તેથી લાભ ઘણેરો તે લાવ્યા, મહી ઊતરી ઉત્તરે આવ્યા. ૩

મહીતટમાં પરમ પાવન, ભાઠામાં3 છે બાવળ તણું વન;

ઇચ્છા થઈ લાલદાસને ત્યાંહી, બ્રહ્મભોજ્ય કરાવું હું આંહી. ૪

આસપાસના વિપ્ર બોલાવી, રુડી રીતે રસોઈ કરાવી;

થયું ભોજનનું ટાણું જ્યારે, એક જોગ બન્યો ભલો ત્યારે. ૫

જેમ સોનાની રજ શોધનાર, પામે સોનાનો મેરૂ તે ઠાર;

જેમ ઇચ્છે પદારથ કાંઈ, કલ્પવૃક્ષ તેને મળે ત્યાંઈ. ૬

પુણ્ય અલ્પનો આદર કીધો, પણ લાભ અલભ્ય તે લીધો;

જે છે અક્ષરધામના વાસી, પુરુષોત્તમ પરમ પ્રકાશી. ૭

જેને અર્થે જોગી જોગ સાધે, ઉમાઈશ4 તે જેને આરાધે;

મહી ઊતરીને મુનિવેષે, આવ્યા શ્રીહરિ એ જ પ્રદેશે. ૮

લાલદાસે દીઠા બ્રહ્મચારી, કર જોડીને વિનંતિ ઉચ્ચારી;

કરો ભોજન વરણીરાય, મારું દ્રવ્ય સુફળ ત્યારે થાય. ૯

એવું વચન સુણી ઉર લીધું, બ્રહ્માચારીએ ભોજન કીધું;

કરી ઇચ્છા એવી હરિરાય, એને પુત્ર પવિત્ર તે થાય. ૧૦

મારી ભક્તિ ભલી કરનાર, આખા કુળનો કરે ઉદ્ધાર;

એવી ઇચ્છા કરી ધર્મલાલ, પછી વીતી ગયો કાંઈ કાળ. ૧૧

લાલદાસના ઘર મોઝાર, એક મુક્તે લીધો અવતાર;

પાડ્યું નામ તે કશિયાભાઈ, વધે પ્રતિદિન બુદ્ધિ સવાઈ. ૧૨

સોળ વર્ષ થયાં તેને જ્યારે, સંગ વેદાંતિનો થયો ત્યારે;

થયા અદ્ધૈતમત માનનાર, જાણે ઈશ્વરને નિરાકાર. ૧૩

પરમેશ્વર જે કહેવાય, જીવરૂપે તે એ જ જણાય;

એવી વિપરીત બુદ્ધિ તે થઈ, સત્ય વાતની સમઝ્ણ્ય ગઈ. ૧૪

જો જો સંગતણું બળ કેવું, મુક્તજનને ભમાવે જ એવું;

માટે કદીયે કુસંગ ન કરવો, સમઝણનો ગરવ પરહરવો.5 ૧૫

ઉપજાતિવૃત્ત (કુસંગ વિષે)

કુસંગીનો સજ્જન કોઈ સંગ, કરે ચડે અંગ કુસંગ રંગ;

જો ઊજળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળ6 સંગ તોય. ૧૬

પવિત્ર જાશે અપવિત્ર પાસે, જરૂર તો તે અપવિત્ર થાશે;

જો કુંભ ગંગાજળનો જણાય, તે મદ્ય છંટાય અશુદ્ધ થાય. ૧૭

કુસંગી સંગે સુજનો પિડાય, તે સંગનો દોષ સદા ગણાય;

લોહી પીને માંકડ નાશી જાય, તે સંગથી માર પલંગ ખાય. ૧૮

સારો છતાં સ્વલ્પ કુસંગ થાય, તે રૂપ તેનું બદલાઈ જાય;

જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ, મીઠાશ જૈને પ્રગટે ખટાશ. ૧૯

કૃપાત્રને સંગ સુપાત્ર જાય, કૃપાત્રમાં તો ગણતાં ગણાય;

જો અંધમાં દેખક એક હોય, તે અંધટોળી જ ગણાય તોય. ૨૦

ચોખા તણું છે નરજાતિ નામ, જો દાળમાં જૈ કરશે વિરામ;

તો તેહનું સૌ પુરુષત્વ જાશે, ખરેખરી તો ખિચડી ગણાશે. ૨૧

કુસંગ જો અંગ કરે પ્રવેશ, ધર્મી તણો ધર્મ રહે ન લેશ;

જો ધર્મરાજા બહુ જાણનાર, જુગારી સંગે રમિયા જુગાર. ૨૨

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

વારિ વારિદ7 એકથી વરસિયું જે છીપમાં8 જૈ પડ્યું,

તેનું મોતી થયું થઈ શરકરા જે શેલડીમાં ચડ્યું;

પેઠું વાંસ વિષે થયું કપુર તે સર્પાસ્ય9 ઝેરી થયું,

જેવો સંગ જણાય તેવું જગમાં જે નીર જ્યાં જ્યાં ગયું. ૨૩

ચોપાઈ

કર્યો શુષ્ક વેદાંતિનો સંગ, ચડ્યો તેથી તેને તેવો રંગ;

ભલા તે પછી કશિયાભાઈ, થયા હરિજન તે કહું ગાઈ. ૨૪

એક અવસરે ભગવદાનંદ, ફરતા હતા લઈ મુનિવૃંદ;

આવ્યા નાવલી ગામમાં જ્યારે, કશિયાભાઈ જૈ મળ્યા ત્યારે. ૨૫

પોતે અદ્વૈતનો પક્ષ ધારી, સાધુ સાથે કર્યો વાદ ભારી;

એક દિવસ ને રજની એક, પ્રશ્ન ઉત્તર કીધા અનેક. ૨૬

ઘણા દિનનો ચડેલો જે મેલ, એ તો ઉતરવો મુશકેલ;

મેલ સંશયરૂપી તે જેહ, કાઢનાર મળ્યા ગુરુ તેહ. ૨૭

ઉપજાતિવૃત્ત (ઈશ્વર જીવરૂપે થાય નહીં તે વિષે)

સ્વામી કહે હે સમજો સુજાણ, વિચારીને વાત કરો પ્રમાણ;

અછેદ્ય10 છે ઈશ્વર એક જેહ, જીવસ્વરૂપે નવ થાય તેહ. ૨૮

જો થાય તે ગર્દભ ઘૂડ શ્વાન, અજ્ઞાન આદીક વિકારવાન;

તો કેમ તેને કહિયે સમર્થ, એ તો દિસે છે અતિવાદ વ્યર્થ. ૨૯

ઇચ્છાથી જો રૂપ અનેક ધારે, સર્વજ્ઞતા તોય તજે ન ક્યારે;

જો નાટકી નારી બને કદાપિ, ભૂલે નહીં પુરુષતા તથાપિ. ૩૦

સ્વતંત્ર છે ઈશ્વર એક સ્વામી, જીવો બિચારા પરતંત્રગામી;11

સર્વજ્ઞ સર્વેશ્વર છે સદાય, અલ્પજ્ઞ જીવો પ્રભુ કેમ થાય? ૩૧

વિજ્ઞાન પામી પ્રભુ જો થવાય, તેનાથી તો સૃષ્ટિ નવી સૃજાય;

હું ભૂપ છું નિશ્ચય એમ જાણે, પ્રજા ન તેને નૃપતિ પ્રમાણે. ૩૨

પાષાણને12 પારસ જો મનાય, તેના થકી કાંચન કેમ થાય;

જો જીવને ઈશ્વરરૂપ જાણે, ઐશ્વર્ય એવું પણ ક્યાંથી આણે? ૩૩

હું છું પ્રભુ લે મન એમ માની, તેને કદાપિ કહિયે ન જ્ઞાની;

હું દાસ છું ને પ્રભુ દેવ મારો, સુજાણ13 તો એમ જ જાણનારો. ૩૪

છે જીવ બ્રહ્માંશ શ્રુતી14 કહે છે, તેમાં ઊંડો અર્થ ખરો રહે છે;

રાજા તણો હાથ પ્રધાન જેમ, છે બ્રહ્મનો અંશ જ જીવ એમ. ૩૫

અંતે જીવો બ્રહ્મ વિષે સમાય, તે વાત સાચી શ્રુતિ એમ ગાય;

જળે સમાયા જળજંતુ જેમ, તે બ્રહ્મમાં લીન થશે જ તેમ. ૩૬

જો નીરમાં ક્ષીર15 મળ્યું જણાય, તથાપિ તે એક કદી ન થાય;

આત્મા તથા જે પરમાત્મ છેય, મળ્યા દિસે તો પણ ભિન્ન બેય. ૩૭

આ દેહમાં જે સુખ દુઃખ ભોગી, તે જીવ છે ઈશ સદા અરોગી;16

આત્મા વિષે અંતરયામિરૂપ, પ્રકાશદાતા પ્રભુ છે અનૂપ. ૩૮

નિરાકૃતિ17 ને સરવત્ર હોય, તેનું પ્રતિબિંબ કહે ન કોય;

અછેદ્ય આદીક ગુણોથી એવું, છે જીવનું રૂપ પરાત્મ18 જેવું. ૩૯

પોતે ગુરુ ને વળી શિષ્ય પોતે, એવું કરે મૂર્ખ ગણાય તો તે;

શિક્ષા વદે19 સ્વપ્રતિબિંબ પાસે, ગાંડો હશે બાળક કાં ગણાશે. ૪૦

ચોપાઈ

એવી વાત સુણીને અપાર, કશિયાભાઈ સમજીયા સાર;

પોતે છે મુક્તનો અવતાર, ચિત્તે આવિયો સત્ય વિચાર. ૪૧

સાચી સાધુની વાત મનાણી, ધર્યા નિયમ ને મુકિયું પાણી;

ભલા ભક્ત થયા તે અનન્ય, એને વાત ગમે નહિ અન્ય. ૪૨

મણિ કાદવમાં લપટાય, ગયે કાદવ ચળકિત થાય;

રવિ ઢંકાય વાદળાં પાસ, જાય વાદળું પ્રગટે પ્રકાશ. ૪૩

પરવતભાઈ કહિયે જેવા, કશિયાભાઈ પણ થયા તેવા;

નિત્યાનંદ ને ગોપાળાનંદ, શુકાનંદ ગુણાતીતાનંદ. ૪૪

આચારજજી રઘુવીર જેહ, કૃપાપાત્ર ગણે સર્વ તેહ;

માંદા સાધુઓની કરે સેવા, ઘૃત આદિક આવે તે દેવા. ૪૫

સેવો પાપડ કે વસ્તુ સારી, તે તો સાધુને આપે સંભારી;

નવું દ્રવ્ય તે જે જે કમાય, ઘરખર્ચે તેમાંથી કરાય. ૪૬

કરકસર કરીને ઉગારે, સતસંગમાં ખર્ચવું ધારે;

નિજ દેવ આચારજ સંત, એને અર્થે તે ખર્ચે અત્યંત. ૪૭

રઘુવીરજીને તો તેડાવ્યા, ઘણીવાર ઘેરે પધરાવ્યા;

સદ્‌ગુરુને મંડળ સહિત, પધરાવ્યા પુરી ધરી પ્રીત. ૪૮

જોગ પર્વણીનો20 વળી જોઈ, ઘણી સંતને દીધી રસોઈ;

દંડવત હરિભક્તને કરે, મહિમા મોટો મનમાં ધરે. ૪૯

દંડવત કરતાં કોઈ વારે, રાતે છાના કરે જઈ ત્યારે;

હરિમંદિરમાં ઝાડું કાઢે, નિત્ય ના’ય જઈ જળ ટાઢે. ૫૦

સેવા ભક્તિ કરે ભલી કેવી, એ તો જાણીએ અમરીષ જેવી;

એની ભક્તિ તો ઉત્તમ લાગે, એવી ભક્તિ મોટા મુનિ માગે. ૫૧

પુષ્પિતાગ્રાવૃત્ત

સનક જનક કીધી ભક્તિ જેવી, કરી કશિયાજી ભલીજ ભક્તિ એવી;

મુનિજન પણ વિશ્વમાં વખાણે, હરિજન સર્વ જથાર્થ વાત જાણે. ૫૨

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

નાવલીગ્રામનિવાસી-કશિયાભાઇપ્રતિ ભગવદાનંદસ્વામી અદ્વૈતમતખંડન -કરણનામા પંચદશો વિશ્રામઃ ॥૧૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે