કળશ ૩

વિશ્રામ ૧૬

પૂર્વછાયો

વર્ણી કહે વસુધાપતિ, સુણો અંતર ધરીને ઉમંગ;

વળી કહું એક વારતા, શુદ્ધ જાણી કથાનો પ્રસંગ. ૧

ચોપાઈ

થયો વિક્રમ વસુધાધીશ, વીત્યાં વર્ષ તો શત ઓગણીશ;

પછી સોળમી1 સાલ ગણાઈ, માસ ચૈત્ર આવ્યો સુખદાઈ. ૨

કશિયાભાઇયે કરી પ્રીત, રઘુવીર તેડ્યા રુડી રીત;

જાણ્યો ભક્તનો ભાવ તે ઠામ, આચારજ ગયા નાવલી ગામ. ૩

ભાઈ સદ્‌ગુરુ આતમાનંદ, શુકમુનિ ગુણાતીતાનંદ;

અદ્‌ભુતાનંદ આનંદાનંદ, અક્ષરાનંદ પવિત્રાનંદ. ૪

વર્ણી નારાયણાનંદ નામ, હતો હું પણ સાથે તે ઠામ;

હતાં સંતનાં મંડળ ઘણાં, વૃંદ પાળા ને હરિજન તણાં. ૫

સૌની સેવા ઘણો સ્નેહ ધરી, કશિયાભાઈએ બહુ કરી;

એક અવસરે પ્રભાતમાંય, કથાવાર્તા થતી હતી ત્યાંય. ૬

એક ચોપડી કીર્તન કેરી, જેમાં રેશમી2 પાટી ઘણેરી;

લઈ બેઠા હતા સાધુ કોઈ, આતમાનંદ સ્વામીએ જોઈ. ૭

ત્યારે બોલ્યા ઊંચો સ્વર તાણી, સુણો સદ્‌ગુરુ સૌ મુજ વાણી;

સર્વ છૈયે શ્રીજીના મળેલા, ધર્મ શ્રીજીમુખે સાંભળેલા. ૮

દત્તપુત્ર પ્રભુ તણા જેહ, બિરાજે છે આ પ્રત્યક્ષ તેહ;

તેમ છતાં રજોગુણ લેશ, કરે ત્યાગીમંડળમાં પ્રવેશ. ૯

એ તો અતિ અઘટિત કહેવાય, ઘટે સંત તણો મહિમાય;

રવિ કિરણો છતાં અંધકાર, જ્યારે વ્યાપે તે મુલક મોઝાર. ૧૦

ત્યારે કિરણોનો શો મહિમાય, એમ બોલશે લોક બધાય;

સંતે માયાને કીધી ખુવાર,3 વેર વાળવા તે છે તૈયાર. ૧૧

કળિજુગ રહ્યો લાગ4 તપાસે, ફાવશે તો તે બળવાન થાશે;

સતસંગમાં કરશે પ્રવેશ, માટે ચેતતા રહેવું હંમેશ. ૧૨

એક અવસરે સાધુમાં કોઈ, ઓઢવા લાગ્યા છત્રિયો જોઈ;

ત્યારે ગોપાળસ્વામીએ આવી, સૌની છત્રિયો ત્યાગ કરાવી. ૧૩

એમ રેશમી પાટી તે આજ, જુઓ રાખે છે સંતસમાજ;

એ છે ત્યાગીને ત્યાગવા જેવી, આજ ન ઘટે પ્રવૃત્તિ તો એવી. ૧૪

જ્યારે આપણ છતાં જ આમ, રજોગુણ કરશે આવી ઠામ;

ત્યારે આગળ શી ગતિ થાશે, નકી ત્યાગીનો ધર્મ લોપાશે. ૧૫

સુણી બોલ્યા ગુણાતીતાનંદ, સત્ય વાત કહો છો મુનીંદ્ર;

આપે રાખશું ગફલત લેશ, નકી કળિયુગ કરશે પ્રવેશ. ૧૬

માટે ટાળી દેવો થતો રોગ, જેથી વધવાનો પામે ન જોગ;

રઘુવીરજીએ સુણી વાત, પ્રભુપુત્ર બોલ્યા સાક્ષાત. ૧૭

સર્વ સાધુની ચોપડી લાવો, પાટી રેશમની ઉખેળાવો;

સુણી સંતે પાટી તજી છેક, મોટો ઢગલો થયો તેનો એક. ૧૮

આચારજજીએ આજ્ઞા કીધી, બધી પાટી બળાવી તે દીધી;

ધન્ય ધન્ય તે સંત વિરાગી, ધન્ય આચારજજી બડબાગી. ૧૯

એમ ધર્મનું રક્ષણ કરે, સંત હરિજન આગન્યા ધરે;

ગુરુ શિષ્યનો છે એ જ ધર્મ, હોય સમઝુ તે સમઝે છે મર્મ. ૨૦

ઉપજાતિવૃત્તિ (આચાર્યના અંકુશ વિષે)

જો ધર્મ આચારજજી રખાવે, અધર્મનું જોર કદી ન ફાવે;

આજ્ઞા તજી શિષ્ય સ્વતંત્ર થાય, તેના થકી ધર્મ નહીં પળાય. ૨૧

જેનો નહીં કોઈ તપાસનાર, બગાડ તે વસ્તુ તણો થનાર;

રાજા વિના ઊજડ દેશ થાય, જનો લુટારા જર5 લૂંટી જાય. ૨૨

જો નાવને નાંગળ6 નોય ભાઈ, તો સિંધુમાં નાવ જશે તણાઈ;

દોરી તુટે જાય પતંગ જેમ, ગુરૂ વિનાના જનજાતિ7 તેમ. ૨૩

માયિક છે આ મન-ઇન્દ્રિ જેહ, માયા વિષે જાય તણાઈ તેહ;

અંકુશ આચારજનો ન હોય, તો ધર્મનો પંથ નભે ન કોય. ૨૪

શાસ્ત્રો તથા સદ્‌ગુરુ હોય જેહ, અંકુશ આચારજ શીશ એહ;

સ્વતંત્ર તો કોઈ સમે ન થાવું, સિદ્ધાંત આ સત્ય કહી બતાવું. ૨૫

અનેક નેવાં વળીયો અનેક, આધાર એનો પણ મોભ8 એક;

આચાર્યથી તેમ જ સંપ્રદાય, ટોયા9 વિના તેતર ખેત્ર ખાય. ૨૬

રાજા વડે સૈન્ય સદા નભે છે, સેના વડે રાયપણું રહે છે;

એ રીતે આચારજ સંપ્રદાય, નભે મળી ધર્મ ભલો પળાય. ૨૭

ચોપાઈ

એમ નાવલી ગામમાં આવી, ત્યાગી પાસેથી પાટી તજાવી;

વાત પ્રખ્યાત થઈ સહુ ઠામ, રહ્યું નાવલીનું પણ નામ. ૨૮

ધન્ય ધન્ય તે કશિયાભાઈ, જેની ભક્તિ ભલી વખણાઈ;

ધન્ય ધન્ય એનો અવતાર, ધન્ય માત પિતા પરિવાર. ૨૯

એનો અંત સમો આવ્યો જ્યારે, રઘુવીરજીને તેડ્યા ત્યારે;

તેને સર્વસ્વ અર્પણ કરી કીધું, સ્ત્રીને અર્થે થોડું રાખી લીધું. ૩૦

અંતે તેડવાને હરિ આવ્યા, સાથે મુક્તનાં મંડળ લાવ્યા;

કૈક લોકની દૃષ્ટિએ થયા, એવી રીતે તે ધામમાં ગયા. ૩૧

હેતબા તેની નારીનું નામ, સતસંગી ને સદ્‌ગુણધામ;

એણે પણ કર્યું એ જ પ્રમાણે, તે તો જગતમાં જન બહુ જાણે. ૩૨

જીવીકા જેટલું જ સંઘર્યું, બીજું સર્વસ્વ અર્પણ કર્યું;

હતાં ઘરમાં ઘરાણાં જેહ, ભક્તિમાતાને અર્પિયાં એહ. ૩૩

દંપતિ જ્યારે ધામ પધાર્યાં, થયાં ઉત્તર કારજ સારાં;

લાવ આ લોકમાં પણ લીધો, અંતે અક્ષરમાં વાસ કીધો. ૩૪

ભક્તિ એવી તો ઉત્તમ કીધી, થઈ સતસંગ માંહી પ્રસિદ્ધી;

એવા ભક્તનું આખ્યાન ગાય, એનું અંતર નિર્મળ થાય. ૩૫

આવાં આવાં સુણે જે આખ્યાન, થાય પવિત્ર તેહના કાન;

તનશુદ્ધિ તો તીરથ સ્નાને, મનશુદ્ધિ આવાં આખ્યાને. ૩૬

એવા થાય હરિજન જેહ, તેનો સુફળ થયો નરદેહ;

સુણી બોલ્યા અભેસિંહ ભૂપ, કશિયાભાઈ ભક્ત અનૂપ. ૩૭

પરમેશ્વરને પાય લાગું, એવું ભક્તપણું ભલું માગું;

જેહ અક્ષરના હોય મુક્ત, એ જ થાય એવા ભલા ભક્ત. ૩૮

અહો બ્રહ્મચારી મહારાજ, આપે કીધી કૃપા ઘણી આજ;

આવાં સાંભળતાં આખ્યાન, નથી તૃપ્ત થતા મુજ કાન. ૩૯

સુધા10 સરખી છે આપની વાણી, પીયે તે તો અમર થાય પ્રાણી;

અનુકંપા ઘણી ઉર લાવો, વળી કૃષ્ણકથા સંભળાવો. ૪૦

પુષ્પિતાગ્રાવૃત્ત

મુનિમુખ થકી જે સુધા શ્રવે11 છે, મહિપતિ પ્રેમ કરી કરી પિયે છે;

બહુ જન સુણી શુદ્ધ બુદ્ધિ થાશે, પરઉપકાર અપાર તે ગણાશે. ૪૧

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

નાવલીગ્રામનિવાસી કશિયાભાઈ ગૃહે રઘુવીરાચાર્ય કૌશેયપટ્ટિકાદહનનામા12 ષોડશો વિશ્રામઃ ॥૧૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે