કળશ ૩

વિશ્રામ ૧૭

પૂર્વછાયો

વર્ણી કહે નૃપ સાંભળો, કહું કૃષ્ણકથા સુખકંદ;

જે સુણતાં જન જાતિના, ટળે જન્મ મરણના ફંદ. ૧

ચોપાઈ

લાલદાસનું કલ્યાણ કરી, મહીકાંઠેથી ચાલિયા હરિ;

આવ્યા બામણગામની પાસ, ઊભા ભાગોળમાં અવિનાશ. ૨

વિપ્ર ખોડો પંડ્યો કહેવાય, ગામમાંથી આવી ચડ્યા ત્યાંય;

તેણે ભાળ્યા તપસ્વી તે ભારી, પદ વંદીને વિનતિ ઉચારી. ૩

મારે ઘેર ચાલો મહારાજ, મારા પૂરો મનોરથ આજ;

એવું સાંભળી દેવના દેવ, તેને ઘેર ગયા તતખેવ. ૪

પંડ્યે પાટ ઉપર પધરાવ્યા, પછી નીર ઉને નવરાવ્યા;

હેતે પૂજીને હાર ચડાવ્યો, ભાવે ભોજનથાળ ધરાવ્યો. ૫

રોટલો અને મઠની દાળ, જમ્યા ભાવથી જનપ્રતિપાળ;

કોટિ જજ્ઞ તણું ફળ આપ્યું, જન્મમરણનું સંકટ કાપ્યું. ૬

ત્યાંથી સંચર્યા શ્રીઘનશામ, આવ્યા ગુણનિધિ આણંદગામ;

ત્યાંથી નાથ ગયા છે ડાકોર, દીઠા ડાકોરના તે ઠાકોર. ૭

કરી રણછોડરાયની ભેટ, ત્યાંથી નાથ ગયા ઉમરેઠ;

જાગનાથની જગ્યા છે જ્યાંય, રાતવાસો રહ્યા હરિ ત્યાંય. ૮

શિવદર્શને સાયંકાળ, આવ્યા વિપ્ર ત્યાં બે ખેડાવાળ;1

એક તો દવે નરભેરામ, બીજા ઠાકર તે રૂપરામ. ૯

પ્રેમે શંકરને પગે લાગે, ભગવાનને મળવાનું માગે;

દીઠા તેઓએ શ્રીઘનશામ, મનવૃત્તિ તણાણી તે ઠામ. ૧૦

જેમ લોહ ચમકભણી ચળે,2 સરીતા તો સાગર ભણી વળે;

તેમ જીવ જે દૈવી જણાય, પ્રભુમાં તેનું ચિત્ત તણાય. ૧૧

બન્ને બ્રાહ્મણોએ તેહ ઠામ, પ્રેમે કીધો પ્રભુને પ્રણામ;

ફળાહાર મંગાવીને દીધો, કૃપાનાથે અંગીકાર કીધો. ૧૨

બીજે દિવસ તજી તેહ સ્થાન, આવ્યા ભાળજ3 શ્રીભગવાન;

વળી ત્યાંથી આવ્યા વરતાલે, પ્રભુ બેઠા તળાવની પાળે. ૧૩

પગી જોબને તે જોગી જાણી, પદ વંદી કહી એમ વાણી;

આપું ઓરડી કરી આ ઠામ, જોગીરાજ રહો આ જ ગામ. ૧૪

સુણી શ્રીહરિ લાગ્યા ઉચરવા, મારે જાવું છે તીરથ કરવા;

અમે આવશું વળતાં જ્યારે, ગામ રહેશું તમારે જ ત્યારે. ૧૫

પછી જઈ તે પગીને ભવન, ભાવે રાંધીને કીધું ભોજન;

દેવકરણ પગી તણે ઘેર, પોઢ્યા એકાંતની જાણી પેર.4 ૧૬

બ્રહ્મચારી કહે સુણ ભૂપ, કથા એટલી પરમ અનૂપ;

પગી જોબન મુખ સાક્ષાત, એ તો સાંભળેલી છે મેં ભ્રાત. ૧૭

મારા અંતરમાં સ્મૃતિ રહી, તેથી મેં તમને આજ કહી;

ચાલ્યા ત્યાંથકી ધૈર્યનિધાન,5 ગયા બોચાસણે બળવાન. ૧૮

જોઈ ત્યાંના તળાવની પાળ, એક બાવાની જગ્યા વિશાળ;

પ્રભુ ઉતર્યા જઈ તેહ ઠામ, પ્રેમે બાવાએ કીધો પ્રણામ. ૧૯

પાટીદાર રુડા કાનદાસ, બોચાસણ માંહી તેનો નિવાસ;

તેણે તે દિવસે રુડી પેર, સર્વ વિપ્ર જમાડિયા ઘેર. ૨૦

દેવા નોતરું બાવાની પાસ, સુત મોકલ્યો જે કાશીદાસ;

તેણે બાવાજીને નોતરીને, વળી નોતરું દીધું હરીને. ૨૧

તેને ઘેર તે બાવાની સાથ, ગયા જમવા મુનિજનનાથ;

બાવો જઈ ફળીયા માંહિ બેઠા, ઘર ઓસરી આગળ હેઠા. ૨૨

કાશીદાસની મા નાનીબાઈ, દૈવી જીવ તે દિલની ડાઈ;

તેણે શ્રીહરિની છબી દીઠી, મનડામાં લાગી બહુ મીઠી. ૨૩

તેણે મુક્ત મોટા કોઈ ધાર્યા, તેથી ઓશરી માંહી બેસાર્યા;

પીરસાવી રસોઈ મંગાવી, લાડુ બે પીરસ્યા દ્વિજે લાવી. ૨૪

ભલાં પિરસિયાં દાળ ભાત, ઘણાં શાક જુદી જુદી જાત;

ભગવાને ભર્યા બે જ ગ્રાસ, પછી ઊઠવાની કરી આશ. ૨૫

કાશીદાસ તણી કાકી જેહ, ગાય દોતી હતી તહાં તેહ;

તેની સામું જોયું હરિ જ્યારે, કાશીદાસની માતાએ ત્યારે. ૨૬

પીરસાવ્યું પ્રભુજીને દૂધ, જમ્યા ભાત ને દૂધ તે શુદ્ધ;

જમીને ગયા હરિ સાક્ષાત, રહ્યા બાવાની જગ્યામાં રાત. ૨૭

ભાનુ6 ઉગતાં ભવભયહારી, ગયા દેવાણ દેવ મુરારી;

નાનીબાઈ તણી કહું વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત. ૨૮

પૂર્વછાયો

નિર્મળ મન નાનીબાઈનું, તેમાં શ્રીહરિ છબી સાક્ષાત;

નિશ્ચળ થઈને ઠરી રહી, જેમ પડે પટોળે7 ભાત્ય. ૨૯

ચોપાઈ

રટના તો રહી આખી રાત, જાણે પ્રગટશે ક્યારે પ્રભાત;

જોગીરાજને ઘેર તેડાવું, ફરી ભોજન ભારે કરાવું. ૩૦

વારે વારે જઈ ઘર બહાર, જુવે તારામંડળનો આકાર;

બાકી જામિની8 ઝાઝી જણાય, જઈ સજ્યા ઉપર સુઈ જાય. ૩૧

પણ નેણમાં નિદ્રા ન થાય, અતિ અંતરમાં અકળાય;

થઈ જામિની તો જુગ જેવી, મોટી કદીયે દીઠી નહિ એવી. ૩૨

વળી અંતરમાં એમ આણે, રાત મોટી હતી રાસ ટાણે;9

એમ આજ વિધાતાએ આવી, ખટ માસની રાત ઠરાવી. ૩૩

એવું ધારી નાખે તે નિશ્વાસ, જાણે ક્યારે વિતે ખટ માસ;

એવામાં સુણ્યો કુર્કટરાગ, એથી આનંદ ઉપજ્યો અથાગ. ૩૪

કાશીદાસને જાણે બોલાવું, જોગીદાસને જમવાનું કહાવું;

વળી ઉરમાં વિચારે છે એમ, બાળો જોગી જગાડીયે કેમ. ૩૫

એમ કરતાં સમો થયો પ્રાપ્તઃ, કાશીદાસ પ્રત્યે કહે માત;

પુત્ર જાઓ તે જોગીની પાસ, કહો જમવાનું આપણે વાસ. ૩૬

કાશીદાસ સુણીને સિધાવ્યા, એ તો બાવાની જગ્યામાં આવ્યા;

જોગીરાજ ગયા એવું જાણી, એની આંખમાં આવિયાં પાણી. ૩૭

નાનીબાઈને નવ રહી ધીર, ગયાં તેહ તળાવને તીર;

એણે પણ સાંભળી એવી વાત, ગયા જોગી ઊઠીને પ્રભાત. ૩૮

જ્યાં જ્યાં હરિએ ભરેલાં છે ડગલાં, પડ્યાં પાતળી રેતીમાં પગલાં;

સોળે ચિહ્ન દીઠાં સુખકારી, તેથી જાણિયા દેવ મુરારી. ૩૯

ખૂબ ખોળ ચારે દીશ કરી, નવ જાણ્યું જે ક્યાં ગયા હરી;

નાનીબાઈ થયાં તે નિરાશ, આવ્યાં આંસુ ને નાખે નિશ્વાસ. ૪૦

કાશીદાસ કહે હે માત! ધરો ધૈર્ય રહો રળિયાત;10

કૃપાનાથે જો કૃપા છે કરી, તો તે આવીને મળશે ફરી. ૪૧

રાખે આપણને હરિ જેમ, રાજી થૈને રહેવું જ તેમ;

રાખે કોઈ સમે તો હજૂર, વળી કોઈ સમે કરે દૂર. ૪૨

તોય મનમાં કદી ન મૂંઝાવું, રાખે તેમ સદા રાજી થાવું;

એવામાં થઈ આકાશવાણી, મળશે ફરી સારંગપાણી.11 ૪૩

એવું સાંભળી ધીરજ ધારી, દિલમાંથી ઉદાસી વિસારી;

ઉરમાં અતિ આનંદ લાવ્યાં, માતા પુત્ર મળી ઘેર આવ્યાં. ૪૪

કથા કૃષ્ણની કહું હવે ધારી, ગયા દેવાણ દેવ મુરારી;

રાજા બાદરસિંહજી જ્યાંય, ગયા શ્રીહરિ દરબારમાંય. ૪૫

બોલ્યા ભૂપ પ્રત્યે મહારાજ, કેણે આપ્યું છે તમને રાજ;

સુણી ભૂપે કર્યો ત્યાં ઉચ્ચાર, મને રાજ્ય તમે આપનાર. ૪૬

સુણી હેતે બોલ્યા પછી હરિ, રાજ્ય કરજો પ્રભુ થકી ડરી;

સુણી ભૂપ કહે બહુ સારું, શિર ધારીશ વચન તમારું. ૪૭

નાથે આપ્યું તેને નિજજ્ઞાન, કર્યું ભોજન ત્યાં ભગવાન;

અનુકંપા કરી અવિનાશ, કર્યો ત્યાં એક રાત નિવાસ. ૪૮

વીતી રાત ને પ્રગટ્યું પ્રભાત, પ્રભુ ત્યાંથી પધાર્યા ખંભાત;

હરિદાસનો જ્યાં છે અખાડો, રહ્યા ત્યાં હરિ રાત દહાડો. ૪૯

હરિદાસ એવું વ્રત ધરે, કોઈ આપે તો ભોજન કરે;

હતો તે દિન તો ઉપવાસ, આપનાર મળ્યો નહિ દાસ. ૫૦

અન્ન જાચ્યું જઈ મહારાજે, કહ્યું કોરા કડાકા છે આજે;

સુણી બોલિયા શ્રીઅવિનાશ, અમે પણ કરશું ઉપવાસ. ૫૧

નારેસર છે સરોવર નામ, નાહ્યા ત્યાં જઈ સુંદરશામ;

ત્યાંથી નગરે ગયા મુનિનાથ, ભેટ્યા બ્રહ્માની મૂરતી સાથ. ૫૨

ગયા બુધેજ તે બળવાન, કર્યું ત્યાંના તળાવમાં સ્નાન;

એક દૈવી જને ત્યાં તો આવી, ઘૌંનો પોક આપ્યો તાજો લાવી. ૫૩

સંધ્યા પૂજા આદિક ક્રિયા કરિ, ઘણે હેતે જમ્યા પોતે હરિ;

જળ કાઢી કુવામાંથી પીધું, પછી ગામને પાવન કીધું. ૫૪

ગયાં સંવત શતક અઢારે, પંચાવનની હુતાશની જ્યારે;

ગયા બુધેજમાં બહુનામી, જે છે અક્ષરધામના ધામી. ૫૫

હતા રાઠોડ ત્યાં ખોડાભાઈ, ગયા તેહના દરબારમાંઈ;

બેઠા લખતા હતા તે તો નામુ, પૂછ્યું શામે જોઈ તેના સામું. ૫૬

સદાવ્રત અહીં ક્યાંથી મળે છે, કહ્યું જાઓ સામે ઘેર દે છે;

એવું સાંભળીને શુભ પેર, ગયા નાથ તેને સામે ઘેર. ૫૭

જાચ્યું અન્ન તહાં અવિનાશી, ત્યારે બોલી ત્યાં રળિયાત દાસી;

હું છું કામમાં ધીરજ ધરો, હમણાં અહિંયા ફેરા ફરો. ૫૮

સાત ફેરા ફર્યા ત્યારે હરિ, એમ ઓશરી પાવન કરી;

કડું લોઢાનું લટકતું ભાળી, ઝાલી ઊભા રહ્યા વનમાળી. ૫૯

ત્યારે દાસીએ દીધી જુવાર, નવ જાણ્યા જગતકરતાર;

કહે કૃષ્ણ અમે આ શું કરીએ? સિધું આપો રસોઈ આદરીએ. ૬૦

ત્યારે દાસી તે લાગી કહેવા, ઘણા આવે જોગી તમ જેવા;

સિધાં સૌને પૂરાં કેમ થાય? અપાતું હોય એ જ અપાય. ૬૧

કહે કૃષ્ણ છે જોગી અનેક, અમો જેવા છૈયે અમે એક;

સુણી દાસી લાગી સમજાવા, બીજા આવે છે બહુ બહુ બાવા. ૬૨

ઉંચા તમથી ને તમ થકી જાડા, જેવા પાળેલા ઉન્મત્ત પાડા;

મોટા મોટા તે ચીપિયાવાળા, માથા ઉપર મોટી જટાળા. ૬૩

કોટે બાંધે મોટા મોટા પારા, રોજ પાશેર12 ગાંજો પિનારા;

આખે અંગે ભભૂત લગાવે, નાના બાળકને બિવરાવે. ૬૪

એવો વેષ દિસે વિકરાળ, મોટાં ટીલાં કરેલાં કપાળ;

વાંઝિયાને તે છોકરાં આપે, દોરા ચીઠી કરી દુઃખ કાપે. ૬૫

જોગી આવે છે અવધૂત13 એવા, તમે જોગી નથી એહ જેવા;

લેવી હોય તો લ્યો તે જુવાર, નહિ તો જાઓ અહીંથી બાર. ૬૬

એવી દાસીની સાંભળી વાણી, પાંચ દાણા જમ્યા પદ્મપાણી;

કુવા કાંઠે ગયા ગામ બાહાર, પાણી પીધું હતું જેહ ઠાર. ૬૭

શમી14 ઝાડ ઉપર પારેવાં, બોલતાં હતાં જાચક15 જેવાં;

માવે જાણ્યું માગે છે આહાર, તેથી તેઓને નાખી જુવાર. ૬૮

ભાવે સાંભળો તમે ભૂપાળ, હરિકૃષ્ણ છે એવા કૃપાળ;

સૌના અંતરની ગતિ જાણે, દુઃખી દેખી દયા દિલ આણે. ૬૯

પુષ્પિતાગ્રાવૃત્ત

અવગુણ ઉર જીવના ન આણે, હરિગુણ એહ મુનીશ્વરો વખાણે;

જન ગુણ લવ શ્રેષ્ઠ માનિ લે છે, કરી કરુણા અવિનાશી સુખ દે છે. ૭૦

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીંદ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિબુધેજગ્રામ-પ્રાપ્તનામા સપ્તદશો વિશ્રામઃ ॥૧૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે