વિશ્રામ ૧૯
પૂર્વછાયો
ધોળેરા થકી ધર્મસુત, ચાલી ગયા ગોરાસે ગામ;
પશ્ચિમ તીર તળાવને, ખોડિયાર દેવી જે ઠામ. ૧
ચોપાઈ
રહે ત્યાં સેવાગર ગોસાંઈ, દિસે દૈવીપણું દિલમાંઈ;
પ્રભુ ત્યાં રહ્યા રજની નિવાસ, જમ્યા રાંધીને રોટલો છાશ. ૨
ગયા ત્યાં થકી વાગડ ગામ, હતો એક કુંભાર તે ઠામ;
રાણો બાવળવો જ વિખ્યાત, તેને ઘેર રહ્યા હરિ રાત. ૩
ઘણી મૃત્તિકા ત્યાં પડી હતી, સૂતા તે ઉપરે પ્રાણપતિ;
કુંભકારે તો ગોદડું દીધું, પણ તે ધર્મપુત્રે ન લીધું. ૪
બીજે દિવસ ઊઠી બળવાન, ભીમનાથ ગયા ભગવાન;
નીલકા નદીમાં કર્યું સ્નાન, કરી નિત્ય ક્રિયા તેહ સ્થાન. ૫
ભીમનાથનાં દર્શન કરી, સદાવ્રત લઈને જમ્યા હરી;
ગયા પોલારપર અવિનાશ, જેઠા બનાણી કણબીને વાસ. ૬
તે જ દિવસ તેની માતાનું, હતું ખર્ચ જનોને જમ્યાનું;
જોગીરાજને તપશી જાણી, આપી ઉત્તમ સુખડી આણી. ૭
ગયા લૈને તળાવને તીર, કાઢ્યું ત્યાંના કુવામાંથી નીર;
ખીજડા તળે આસન કીધું, જમ્યા સુખડી ને જળ પીધું. ૮
પછી બાકી પ્રસાદીનું પાણી, નાંખ્યું તે કૂપમાં કૃપા આણી;
પુરવાસી કરે જળપાન, થાય નિર્મળ બુદ્ધિ નિદાન. ૯
તે કુવાને પ્રસાદીનો જાણી, મહિમા મોટો મનમાં આણી;
સુત ત્રીકમ ને શા ઝવેર, તેણે બંધાવ્યો છે રુડીપેર. ૧૦
બરવાળે ગયા ગિરધારી, દીઠી દેરી નદીતટ સારી;
ગામ કુંડળ જ્યાંથી જવાય, રહ્યા તે દેરીમાં મુનિરાય. ૧૧
રુડી રીતે રહી એક રાત, પ્રભુ ઉઠીને ચાલ્યા પ્રભાત;
વળા1 ગામ ગયા વનમાળી, નાથે પ્રાચીન જગ્યા નિહાળી. ૧૨
ત્યાંથી શામ શિહોર પધારી, બ્રહ્મકુંડે ગયા બ્રહ્મચારી;
નરનારીની ગડબડ ભાળી, માટે નાયા નહીં વનમાળી. ૧૩
ત્યાંથી દક્ષિણે ગૌતમકુંડ, પછી ત્યાં ગયા બાલમુકુંદ;
સ્નાન સંધ્યા કરી તેહ સ્થાન, ગયા પૂર્વ દિશે ભગવાન. ૧૪
ગૌત્તમેશ્વર પૂજન કીધું, ત્યાંના વર્ણીએ ભોજન દીધું;
રહ્યા ત્યાં જ પ્રભુ એક રાત, ગયા ભાવનગર પરભાત. ૧૫
ભક્ત દેવજીની ધર્મશાળા, રહ્યા ત્યાં જઈ દીનદયાળા;
ત્યાંના બાવાજીએ કરી સેવા, અન્ન પાણી અને દીધા મેવા. ૧૬
દીધો બાવાજીને ઉપદેશ, તેથી જાણ્યા તેણે પરમેશ;
બાવે તો વિનતિ કરી ઘણી, તમે થાઓ આ જગ્યાના ધણી. ૧૭
ધર્મપુત્રે તો તેની ના પાડી, પણ ત્યાં ત્રણ રાત વિતાડી;
ગયા કુકડ ત્યાંથી કૃપાળ, હતા ભગવાનસિંહ ભૂપાળ. ૧૮
ખોજા જીવો ઠકર કામદાર, બેઠાં બંન્ને તે ડેલી મોઝાર;
ઊભા ત્યાં જઈ શ્રીઘનશામ, પૂછ્યું નરપતિએ નામ ઠામ. ૧૯
કહે હરિ ફરતા અમે છૈયે, અનિર્દેશ2 વિષે અમે રહિયે;
જન્મકર્મથી નામ અનંત, ગણતાં કોઈ પામે ન અંત. ૨૦
ગણતાં બહુ જુગ વહી જાય, મુજથી પણ તે ન ગણાય;
એટલું કહીને હરિ ગયા, કારભારી તે વિચારી રહ્યા. ૨૧
હતો મંત્રી મહામતિમાન, તેણે જાણિયા જોગી મહાન;
તેથી અંતરમાં ગુણ આણી, વદ્યા ભૂપની આગળ વાણી. ૨૨
ઉપજાતિવૃત્ત
તે જોગી મોટા જન કોઈ હોય, મોટા વિના એમ કહે ન કોય;
કર્યો ન તેનો સતકાર જેહ, ખોયો ખરો લાભ અલભ્ય તેહ. ૨૩
કહે ગૃહસ્થાશ્રમ શાસ્ત્ર એવું, અતિથિને અન્ન સદૈવ દેવું;
કદી મહાપુરુષ કોઈ આવે, તો જન્મ મૃત્યુ થકી તે મુકાવે. ૨૪
જો વિપ્ર કે કોઈક ભેખધારી, અન્નાર્થી આવે વળી જે ભિખારી;
ગૃહસ્થને ઘેર નિરાશી જાય, સમર્થને તો અતિ પાપ થાય. ૨૫
જો સર્વને અન્ન નહીં અપાય, તથાપિ રાખે દિલમાં દયાય;
જે દિલથી તો સતકાર દે છે, ગૃહસ્થનો ઉત્તમ ધર્મ એ છે. ૨૬
ચોપાઈ
મોટો તપસી નિરાશી તે ગયો, એ તો અઘટિત અન્યાય થયો;
એમ મંત્રીએ વાણી ઉચ્ચારી, રાયે સાંભળી ઉરમાં ઉતારી. ૨૭
જણ બેય ગયા નદીતીર, આંબા હેઠે હતા મુનિ ધીર;
ભૂપ પ્રણમીને ઉચર્યા વચન, જોગીરાજ જમો મુજ અન્ન. ૨૮
કરો જો મુજ અન્ન આહાર, મારો થાય સુફળ અવતાર;
આપ્યું એમ કહી અન્ન આણી, જમ્યા રાંધીને સારંગપાણી. ૨૯
વનમાળીએ કીધો વિચાર, આ છે ઉત્તમ ભક્ત થનાર;
જમીને આપી પ્રસાદી શેષ, જમ્યા મંત્રીને જમીયા નરેશ. ૩૦
ત્યાંથી વિચર્યા પછી વૃષલાલ, ગયા ગામમાં મંત્રી ભૂપાળ;
ધન્ય ધન્ય એવા કામદાર, કહ્યો ભૂપને સત્ય વિચાર. ૩૧
ઉપજાતિવૃત્ત (પ્રધાનના ગુણ વિશે)
આ લોકનું ને પરલોક કેરું, નરેશનું હીત ચહે ઘણેરું;
આપે સુબુદ્ધિ નૃપને નિદાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૨
અનીતિ માર્ગે નરનાથ જાય, જુક્તિથી તેનો અટકાવ થાય;
નૌકા ગતિ જેમ કરે સુકાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૩
જનાનખાને3 બહુધા ન જાય, દાસી તણી દોસ્તી દિલે ન ચા’યઃ
પરસ્ત્રી જાણે જનિતા4 સમાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૪
પોતા તણો અર્થ કદી વિસારે, રાજા તણું શ્રેય સદૈવ ધારે;
જાણે બધાં નીતિ તણાં વિધાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૫
સદા ખુશી રાજ સુધારવામાં, રાજી નહીં વૈર વધારવામાં;
કરે નહીં માદક કેરું પાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૬
કદી ન લે લોકની લાંચ લેશ, કરે નહીં પાપ પથે પ્રવેશ;
ધરે નહીં અંતર સ્વાભિમાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૭
જો ભૂપતિની અપકીર્તિ થાય, સુમંત્રી તે તો દિલમાં દઝાય;
સદૈવ રાજા પર પ્રેમવાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૮
આલસ્ય દિસે નહિ લેશ અંગ, કરે નહીં જે કદીયે કુસંગ;
વધારવા કોશ5 સદૈવ તાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૯
ચોપાઈ
જીવો ઠક્કર એવા પ્રધાન, જેણે આપ્યું નરેશને જ્ઞાન;
પેટે અન્ન પ્રસાદીનું ગયું, બીજબળ તેનું અદભુત થયું. ૪૦
હતો ભૂપને પ્રથમ કુસંગ, ચડ્યો ભારે કુસંગનો રંગ;
પછી પુણ્ય પ્રગટ થયું જ્યારે, ભારે ભક્ત થયા તેહ ત્યારે. ૪૧
સૂકી અવની ઉનાળે તો ભાસે, ઊગે અંકુર અધિક ચોમાસે;
કાળ પુણ્ય ઉદય તણો આવે, ત્યારે તેહને સતસંગ ભાવે. ૪૨
તેમ ભગવાનસિંહ ભૂપાળ, જ્યારે પામ્યા પુણ્યોદય કાળ;
ત્યારે શ્રેષ્ઠ થયા સતસંગી, પામ્યા ભક્તિ પ્રભુની અભંગી. ૪૩
સુણી બોલ્યા અભેસિંહ ભૂપ, અહો વર્ણિજી પરમ અનૂપ;
કેમ ભગવાનસિંહને અંગ, ચડ્યો હતો કુસંગનો રંગ? ૪૪
વળી ભક્તિ પામ્યા કેમ એવી? એ તો વાત છે અચરજ જેવી;
કથાનો છે પ્રસંગ આ સ્થાન, માટે એનું કહો આખ્યાન. ૪૫
એ તો સાંભળવાને અત્યારે, થઈ આતુરતા ઉર મારે;
કરુણાનિધિ કરુણા લાવો, સ્નેહે તેહ કથા સંભાળાવો. ૪૬
પુષ્પિતાગ્રાવૃત્ત
સુણી વરણી કહે સુણો સુરાય, કહું ભગવાનજીસિંહની કથાય;
સુણી જનમન પ્રેમભક્તિ પામે, સુધરમ જીવ વિષે વિશેષ જામે. ૪૭
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિકુર્કટગ્રામ-પ્રાપ્તનામા એકોનવિંશતિતમો વિશ્રામઃ ॥૧૯॥