વિશ્રામ ૨
પૂર્વછાયો
હે નરપતિ હું હવે કહું, હરિના વિચરણની વાત;
ચાલ્યા પ્રભુ વટ વૃક્ષથી, થયું પ્રગટ જ્યારે પ્રભાત. ૧
ચોપાઈ
જ્યારે વિચર્યા વને મહારાજ, ત્યારે હરખિયો સુરનો સમાજ;
પ્રભુ તીર્થોને પાવન કરશે, સઉ અસુર તણો મદ હરશે. ૨
વેદધર્મનો કરશે પ્રકાશ, થશે દેવોનાં સંકટ નાશ;
સર્વ દુષ્ટનો કરશે સંહાર, ભૂમિ કેરો ઉતારશે ભાર. ૩
પ્રભુ ચાલ્યા જ્યાં કરવા પ્રવાસ, સર્વે અસુરને ઉપજિયો ત્રાસ;
થઈ પૃથવી તો મનમાં પ્રસન્ન, મને પદ રજે કરશે પાવન. ૪
તીર્થ લાગ્યાં હરખ મન ધરવા, પ્રભુ આવશે પાવન કરવા;
મન નિશ્ચે કરે શેષનાગ, મારાં પ્રગટિયાં પૂરણ ભાગ્ય. ૫
જે મેં પૃથ્વી ધારી છે શીશ, તેના ઉપર ફરશે મુનીશ;
પૃથ્વી કરશે ચરણરજરૂપ, સદા તે શિર ધરીશ અનૂપ. ૬
વસે નભમાં જે સૂરજ ચંદ, એને ઉપજ્યો વિશેષ આનંદ;
પ્રભુ પોઢતા મંદિરમાંય, ત્યારે નવ થતાં દર્શન ત્યાંય. ૭
વન વિચરશે વસ્તિને ત્યાગી, તેથી દર્શનની આડ ભાંગી;
હવે સાંભળો નૃપ ચિત્ત ધારી, ચાલ્યા જાય છે વનમાં મુરારી. ૮
જવા ઇચ્છા હિમાચળ ભણી, વાટ લીધી ઉત્તર દિશ તણી;
જે જે મારગે શ્યામ પધારે, રસ્તો તે આવી પવન સુધારે. ૯
વળી મેઘ કરે છંટકાવ, ભલો પ્રભુપદમાં ધરી ભાવ;
વળી મંદ સુગંધ ને શીત, એવો વાયુ વહે હરિ હીત. ૧૦
જ્યારે સૂરજનો તાપ તપે છે, શિર છાયા ત્યાં મેઘ કરે છે;
જ્યારે વાદળાં નભમાં છવાય, ત્યારે દર્શન રવિને ન થાય. ૧૧
શોષે મેઘનું જીવન1 ભાનુ,2 તે તો વેર તે કારણ માનુ;
પશુ પક્ષી વસે છે જે વનમાં, દેખી હરિને તે હરખે છે મનમાં. ૧૨
મૂર્તિ માવની છે ચિત્તચોર, જુએ સૌ જેમ ચંદ્ર ચકોર;
કોઈ પ્રાણી સમાધિમાં જાય, હરિધામ દેખી હરખાય. ૧૩
કોઈ પામે પૂરવભવ જ્ઞાન, કોઈ તો ધરે મૂર્તિનું ધ્યાન;
પોત પોતા તણી ભાષામાંય, પશુ પક્ષી હરિગુણ ગાય. ૧૪
ડોલે પવનથી ઝાડની ડાળી, જાણે નાચે છે નાથને ભાળી;
નાની ડાળખી પવને ફરે છે, જાણે કૃષ્ણને ચમર કરે છે. ૧૫
પત્ર પુષ્પ કે ફળ પડે આવી, જાણે પ્રભુજીને પૂજા ચડાવી;
પક્ષી ઉચરે મધુર સ્વર એમ, પૂજા મંત્ર ભણે વિપ્ર જેમ. ૧૬
કરે મોર ત્યાં મોટો ઉચ્ચાર, જેમ બોલે મુખે છડીદાર;
વનવાસીને તે ચેતાવે છે, નિઘા3 રાખો નિહાળો કહે છે. ૧૭
લીલાં ઘાસ દિસે મનહરણાં, જાણે પાથર્યાં હોય પાથરણાં;
નભે મેઘે અખાડો મચાવ્યો, જાણે ઇન્દ્ર તે દર્શને આવ્યો. ૧૮
તાણ્યું ઇન્દ્રે ધનુષ્ય આકાશ, જાણે તજીયો અસુરનો ત્રાસ;
હવે હરિની સહાયતા જાણી, રહ્યો અસુર ઉપર ચાપ4 તાણી. ૧૯
કરે વિજળી બહુ સળકારા,5 જાણે ખડગ તણા ચળકારા;
ગાજે વ્યોમ વિષે વરસાદ, જાણે નોબતનો એ તો નાદ. ૨૦
હરિને શિર વરસે છે મેહ, અભિષેક કરે છે શું એહ;
ચાલ્યા નાના પ્રવાહ તે ત્યાંય, મળ્યું હરિચરણોદક માંય. ૨૧
તે તો જઈ મળિયા સરિતાને, જેમ પુત્ર કમાઈ દે માને;
સતીને મળે જો વસ્તુ સારી, તે તો સ્વામીને સોંપે વિચારી. ૨૨
તેમ નદી ચરણોદક લૈને, સોંપે સાગરને સર્વ જૈને;
નીચી ભૂમિકા જ્યાં જ્યાં જણાય, જળ ત્યાં ત્યાં જઈને ભરાય. ૨૩
જેમ નમ્રતા જેહ ધરે છે, તેમાં સદ્ગુણ જૈને ઠરે છે;
અભ્રવૃંદ6 આવે અને જાય, જેમ દર્શને સુર સમુદાય. ૨૪
કળા પૂરીને મોર નાચે છે, જાણે મુગટ થવાને ઇચ્છે છે;
ઘણા દાદુરના શબ્દ થાય, જાણે હરિજન હરિગુણ ગાય. ૨૫
ઇન્દ્રગોપ7 નજર બહુ આવે, જાણે સુર મણિ લાલે વધાવે;
પ્રભુ ખેપી પાપી બળી જાય, તેમ સર્વે જવાસા8 સુકાય. ૨૬
ધરા ઉપર ધૂળ ન ભાસે, જેમ પ્રભુ પરસે અઘ નાસે;
જળ નવ રહે ખંડિત સરમાં, જેમ ગુણ ન રહે ખળ નરમાં. ૨૭
જળ થાય મેલું મહિસંગ,9 જાણે સંગનો લાગ્યો છે રંગ;
શોભે ધાન્ય અંકુર શુભપેર, જાણે લક્ષ્મીની એ તો લહેર. ૨૮
બહુ ઉપજ્યા દિસે જીવજંત, ધર્યા દેહ શું મુક્ત અનંત;
પુણ્યશાળી ન હોય જો પ્રાણી, કેમ દર્શન દે પદ્મપાણી. ૨૯
બ્રહ્મા ભવ જેહ દર્શન ચહાય, પૂરાં પુણ્ય વિના ક્યાંથી થાય;
જ્યારે ચાલ્યા પ્રભુ જુગ જામ,10 ત્યારે આવ્યું ત્યાં તો એક ગામ. ૩૦
પૂર્વછાયો
પાણી પીવા પ્રભુજી ગયા, પાસે સરોવર તીર;
ગામની નારી અનેક મળી, ભરતી હતી ત્યાં નીર. ૩૧
ત્યાંથી તટ એકાંત જૈ, ગળી લીધું જળ તતકાળ;
શાલગ્રામને તે ધરી, પછી પીધું દીનદયાળ. ૩૨
ચોપાઈ
ત્યાં તો આવી ચડી એક નારી, તેણે દીઠા બટુક બ્રહ્મચારી;
રુડી મૂર્તિ મનોહર જોઈ, ઘણીવાર રહી ચિત્ત પ્રોઈ. ૩૩
પછી જૈ કહી બીજીને વાત, એક અરચજ છે સાક્ષાત;
ચાલો નિરખો બટુક બ્રહ્માચારી, છબી તેની ત્રિલોકથી ન્યારી. ૩૪
એવું સાંભળીને સહુ બાઈ, બેડાં11 મૂકી તે જોવાને ધાઈ;
રાંક સોનું તે લૂંટવા જાય, તેમ સર્વ ઉતાવળી ધાય. ૩૫
કોઈ દોડતી ભોંય પડે છે, ઉઠી તરત ફરીને દોડે છે;
જઈ નિરખિયા તે બ્રહ્મચારી, દેખી વિસ્મિત થઈ સૌ નારી. ૩૬
છબી અદ્ભુત છે એમ જાણી, વનિતા એક ઉચ્ચરી વાણી;
આ તો છે કોઈ રાજકુમાર, કાં તો દેવ તણો અવતાર. ૩૭
જેહ માત આવો પુત્ર પામી, તેના ભાગ્ય વિષે નહીં ખામી;
પૂરાં પુણ્ય કર્યાં હોય જ્યારે, આવો પુત્ર તો પામીયે ત્યારે. ૩૮
ત્યારે બોલી બીજી એક બાઈ, ક્યાંથી આવ્યો હશે એહ ભાઈ?
કાં તો ક્યાંઈ જતાં ભૂલો પડિયો, તેથી આ ઠેકાણે આવી ચડિયો. ૩૯
પડે છે મારા મન માંહિ ભ્રાંત, માતા કરતી હશે કલપાંત;
આવું રત્ન તે ખોવાયું જેનું, ધરે ધીરજ મન કેમ તેનું? ૪૦
ત્રીજી બાઈ બોલી મર્મ એવો, આનો વેષ છે જોગીના જેવો;
કોઈ જોગિયે કરવાને ચેલો, ભૂતિ12 નાંખી હશે ભ્રમાવેલો. ૪૧
પછી ત્યાંથી હશે લાગ ફાવ્યો, ત્યારે નાસીને આ ગામ આવ્યો;
ત્યારે બોલી વળી એક નારી, એને પૂછિયે વાત વિચારી. ૪૨
એવો અંતરમાં મર્મ ધારી, કહ્યું બોલો બાળા બ્રહ્મચારી;
કહો તમને કેણે ભરમાવ્યા? કહો ક્યાં થકી આ ગામ આવ્યા? ૪૩
તમે વાસ વસો કિયે ગામ? કહો શું છે તમો તણું નામ?
તમે જનમિયા તે કઈ જાત? કહો કોણ છે માત ને તાત? ૪૪
કેમ દેશનો ત્યાગ કર્યો છે? કેમ જોગીનો વેષ ધર્યો છે?
હજુ ઉમ્મર છે છોટી છેક, ક્યાંથી આવ્યા તમે એકાએક? ૪૫
કોઈ ધૂતારે દેખાડી માયા, કે શું માતપિતાથી રિસાયા?
કે શું ભાભીએ મેણલું માર્યું? તેથી હેત સગાનું ઉતાર્યું. ૪૬
અતિ કોમળ દિસે છે અંગ, કેમ શોધ્યો ન કોઈનો સંગ?
નથી કેમ પગરખાં પગમાં, કેમ ચાલી શક્યા જ મારગમાં? ૪૭
ચાલો ગામમાં બાળક બાવા, દેશું માખણ રોટલો ખાવા;
દિસે દૂધિયા દાંત તમારા, તમે છો પરણ્યા કે કુંવારા? ૪૮
પુરાં વસ્ત્ર નથી તમ પાસે, કેમ નીસર્યા ભર ચોમાસે?
જ્યારે ચોમાસું જગતમાં થાય, ત્યારે જન પરગામ ન જાય. ૪૯
જાય વેપારી પરદેશ જેહ, આવે ઘેર ચોમાસે તો એહ;
રાજા જીતવા જાય વિદેશ, વસે ચોમાસે આવી સ્વદેશ. ૫૦
જોગી પણ જ્યારે ચાતુરમાસ, વસે એક સ્થળે સ્થિર વાસ;
પંખી માળો રચી સ્થિર થાય, દુર દેશ ચોમાસે ન જાય. ૫૧
તમે નિસર્યા ઉતાવળા આમ, એવું શું છે ઉતાવળું કામ?
સાચે સાચી કહો વાત અમને, નહિ તો જવા નહિ દૈયે તમને. ૫૨
પત્ર લખશું તમારા સગાને, તેથી આવશે તે તેડવાને;
એવાં ઉચાર્યાં વચન અનેક, આપ્યો હરિએ ન ઉત્તર એક. ૫૩
ત્યારે એક કહે સુણો બાઈ, કાં તો બાળ ગયો ગભરાઈ;
કાં તો ભૂતિથી મન છે ભ્રમાતું, તેથી બોલી નથી જ શકાતું. ૫૪
એક પ્રમદા પકડવા ધાય, ત્યારે જીવન વેગળા જાય;
નથી ગમતો નારીતન ગંધ, નથી ગમતો બોલ્યાનો સંબંધ. ૫૫
નથી ગમતું જ વસ્તિમાં વસવું, નથી ગમતું કોઈ સાથે હસવું;
ચાલ્યા ચપળ13 ગતી બ્રહ્માચારી, તેને પકડી શકી નહિ નારી. ૫૬
જ્યારે દીઠા નહીં અવિનાશ, વળી પાછી થઈને નિરાશ;
પણ મૂર્તિ વશી મનમાંય, તે તો કદીયે ન વીસરી જાય. ૫૭
સદ્ગુણ તેના સાંભરે જ્યારે, સ્નેહ ઉપજે અંતરે ત્યારે;
એવી રીત્યે જ્યાં જ્યાં હરિ જાય, કોટિ જીવનાં કલ્યાણ થાય. ૫૮
જેના મનમાં વસે પ્રભુ આપ, તેનાં પળમાં પ્રલય થાય પાપ;
અંતકાળે જો સાંભરી આવે, એ તો અક્ષરધામ સિધાવે. ૫૯
પુષ્પિતાગ્રાવૃત્ત
હરિવર વિચરી તહાંથી દૂર, રજનિ રહ્યા વનમાં જઈ જરૂર;
અસુર અધિક આવતા વિલોકી, દિગપતિ14 દેવ કરે સદૈવ ચોકી. ૬૦
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિવનવિચરણે વર્ષાવર્ણનનામા દ્વિતીયો વિશ્રામઃ ॥૨॥