કળશ ૩

વિશ્રામ ૨૦

પૂર્વછાયો

વર્ણી કહે અભેસિંહજી, તમે સુણો થઈ સાવધાન;

ભૂપતિ ભગવાનસિંહનું, એક ઉત્તમ કહું આખ્યાન. ૧

ચોપાઈ

ભૂપ ભગવાનસિંહજી જેહ, ગામ કૂકડના ધણી તેહ;

ક્ષત્રિ ગોહેલ કુળના ગણાય, બુદ્ધિમાન તે જોતાં જણાય. ૨

પણ ઈશ્વરનું નહીં જ્ઞાન, રહે સંસારમાં સાવધાન;

એક ચારણ મળિયો તેને, વેર શ્રીહરિ ઉપર એને. ૩

મહા અસુર તણો અવતાર, પણ વાણીથી મન હરનાર;

આડું અવળું એણે સમજાવ્યું, વૈર શ્રીહરિ સાથે ઠરાવ્યું. ૪

હરિને નિત્ય પ્રાતઃકાળ, દેતો ચારણ તે શત ગાળ;

ભૂપ સાંભળતો કરી હાસ, જમે તે પછી બેસી બે પાસ. ૫

પીયે હોકા ને ખાય અફીણ, બેય એમ થયા મતિહીણ;

આપે ચારણને તે પગાર, હરિનો ડર ન ધરે લગાર. ૬

એક અવસરે રાતને ટાણે, ભૂપ સુતેલો શયન ઠેકાણે;

કાંઈ સ્વપ્ન ને કાંઈક જાગ્યો, ત્યાં તો દેખાવ અદ્‌ભુત લાગ્યો. ૭

દીઠા સુંદર શ્રીઘનશ્યામ, વસ્ત્ર ભૂષણ અંગે તમામ;

સોટી હાથમાં લીધી છે સ્વામી, મહીનાથના સામી ઉગામી. ૮

કૃષ્ણ બોલ્યા કરી ઘણો ક્રોધ, કેમ રાખો છો અમશું વિરોધ?

તમારું શું બગાડ્યું છે અમે? ગાળો કેમ ભંડાવો છો તમે? ૯

દૂત જમના કહો તો દેખાડું, જમપુર કહો તો પહોંચાડું;

અમ ઉપર રાખે જે વેર, પામે પીડા તે તો ઘણી પેર. ૧૦

દેવરાવશો જો હવે ગાળ, નકી જાણજો આવિયો કાળ;

સુણી ઉપજ્યો ભૂપને ત્રાસ, કાયા કંપે ને નાંખે નિશ્વાસ. ૧૧

પદ વંદી બોલ્યા તેહ સ્થાન, ભૂલ્યો ભૂલ્યો હું હે ભગવાન!

જાણ્યા તમને મેં ઈશ્વર આજ, વાંક માફ કરો મહારાજ. ૧૨

કહો જેમ હું તેમ કરીશ, આજ્ઞા આપની શીશ ધરીશ;

કહે શામ હુકમ ધારો મારો, વર્તમાન નિયમ તમે ધારો. ૧૩

મદ્ય માંસ અને ચોરી જારી,1 સદા તે તજો સમજી વિચારી;

આપ્યાં એમ કહી વર્તમાન, થયા શ્રીહરિ અંતરધાન. ૧૪

વીતી રાત ઊગ્યો રવિ જ્યારે, આવ્યો ચારણ ઊઠીને ત્યારે;

હરિને તેણે ગાળો ઉચ્ચારી, ત્યારે ભૂપતિયે રાખ્યો વારી. ૧૫

કહ્યું રાત્રી તણું ત્યાં વૃત્તાંત, ભૂપે ચારણની ભાંગી ભ્રાંત;

સર્વ વાત તે જુઠી ઠરાવા, લાગ્યો ચારણ બહુ સમજાવા. ૧૬

પણ ચારણને ઉપદેશે, સતસંગ તજ્યો ન નરેશે;

જમ્યા હતા પ્રસાદી જરૂર, એના ઉદય થયા અંકુર. ૧૭

કહે ચારણને અવનીશ, જો તું સ્વામીની નિંદા કરીશ;

કાઢી મુકીશ તો નક્કી તને, સતસંગ થયો હવે મને. ૧૮

ઉપજાતિવૃત્ત

શુની2 તણું જોર જણાય જેવું, કુસંગતીનું બળ હોય એવું;

કચાશ દેખે બળ ત્યાં કરે છે, ખરા થકી તો દિલમાં ડરે છે. ૧૯

હૈયા વિષે હિંમત જો ધરાય, શ્રીજી કરે તેની સદા સહાય;

જો શ્યામનો આશ્રય છોડી જાય, કુસંગતિ તો કરડી જ ખાય. ૨૦

ચોપાઈ

ભાળ્યો ભૂપનો નિશ્ચય ભારી, ત્યારે ચારણ બોલ્યો વિચારી;

તમે નિયમ ધર્યા સ્વામી પાસ, ત્યારે હું પણ સ્વામીનો દાસ. ૨૧

ચાલો ગઢપુર આપણે જૈયે, પદ3 પરસીને4 પાવન થૈયે;

બન્ને અશ્વે થયા અસવાર, ગયા તે ગઢપુર મોઝાર. ૨૨

જીવો ઠક્કર નિજ કામદાર, સગા તેના તે પુર મોઝાર;

લાધો ઠક્કર નામ છે જેનું, ઊતર્યા ઘર પૂછીને તેનું. ૨૩

અશ્વ બાંધીને એને આવાસ, ગયા બે જણ શ્રીહરિ પાસ;

પદ વંદી બેઠા ગુણવાન, આપ્યું મોહને આદર માન. ૨૪

બન્ને જણની પરીક્ષા લેવા, જણાયા હરિ માણસ જેવા;

દિવ્યભાવ ન કાંઈ જણાવ્યો, તેથી બંન્નેને સંશય આવ્યો. ૨૫

ગયા લાધા ઠકકરને ઘેર, પછી ચાલવાની કરી પેર;

લાધો ઠક્કર બોલિયા એમ, ચાલવાનું તરત થાય કેમ? ૨૬

રજા શ્રીહરિની લઈ આવો, પછી ઘેર સુખેથી સિધાવો;

આપ આવ્યા છો દર્શન કરવા, સર્વ સંશયને પરહરવા. ૨૭

રાજી થૈને રહો તમે રાત, સુણો સદ્‌ગુરુઓ તણી વાત;

મહારાજની મૂર્તિ નિહાળો, પૂછી પ્રશ્ન ને સંશય ટાળો. ૨૮

સુણી સાંજે ચાલ્યા રજા લેવા, ભૂપ ઘાટ ઘડે મન એવા;

હવે જાઉં ત્યારે મુનિનાથ, ઝાલે જો જમણો મુજ હાથ. ૨૯

અહીં બેસો કહીને બેસારે, તેને સાચા પ્રભુ ગણું ત્યારે;

કહે ચારણ વાત વિચારો, વળી કાંઈ એવું બીજું ધારો. ૩૦

એક વાનું કદી બની જાય, બીજું થાય તો સત્ય ગણાય;

કહે ભૂપ આપે મને હાર, તો હું જાણું તે જગ કરતાર. ૩૧

વદ્યો ચારણ તે સમે વાચા, ત્રીજું ધારો તે થાય તો સાચા;

ત્યારે ભૂપે ધારી ત્રીજી વાત, રહો જો કહે બે ત્રણ રાત. ૩૨

એ જ રીતના શબ્દ ઉચ્ચારે, માનું હું પરમેશ્વર ત્યારે;

એવું ધારી સભા માંહિ ગયા, દીનબંધુએ દિલ ધરી દયા. ૩૩

એના અંતરની વાત જાણી, હાથ જમણો ઝાલ્યો તેનો તાણી;

અહીં બેસો કહીને બેસાર્યા, તેથી કાંઈક સમરથ ધાર્યા. ૩૪

હરિ પાસે હતો નહીં હાર, ચિત્તે ચારણે કીધો વિચાર;

હાર અપાશે ક્યાં થકી આણી, માટે વ્યર્થ થશે નૃપવાણી. ૩૫

હાર હરિએ નરેશને દીધો, કોણ જાણે તે ક્યાં થકી લીધો;

જોયા બેય ચમત્કાર એવા, તેથી જાણ્યા તે ઈશ્વર જેવા. ૩૬

રજા માગી જવા તણી જ્યારે, મુખે બોલ્યા મહાપ્રભુ ત્યારે;

રહો રાય હજી ત્રણ રાત, સુણો સંતના મુખ તણી વાત. ૩૭

મનના સર્વ સંશય ટાળો, પાકી નિશ્ચયની ગાંઠ વાળો;

સુણી ભગવાનસિંહ ઉચરિયા, મારા અંતરમાં આપ ઠરિયા. ૩૮

તમે સર્વોપરી સરવેશ, પુરુષોત્તમ શ્રીપરમેશ;

સર્વ અવતારના અવતારી, કોટિ બ્રહ્માંડ રચના તમારી. ૩૯

એવી અંતરમાં ગાંઠ વાળી, હવે નહિ ટળે કોઈની ટાળી;

મનના થયા સંકલ્પ સિદ્ધ, નથી બાકી રહ્યા કોઈ વિધ. ૪૦

વર્તમાન નિયમ મને આપો, નાથ હાથ મારે શિર થાપો;

કહે હરિ હરિભક્ત છો તમે, વર્તમાન ધરાવ્યાં છે અમે. ૪૧

સુણી રાજા કહે હે શામ! સાચી વાત છે તે સુખધામ;

સ્વપનામાં દીધાં વર્તમાન, આજ પ્રત્યક્ષ દ્યો ભગવાન. ૪૨

જેથી આપને આશરે થાઉં, નિત્ય ગુણ તમારા હું ગાઉં;

સુણી સ્વામીએ નિયમ ધરાવ્યા, શ્રેષ્ઠ ભક્ત પોતાના ઠરાવ્યા. ૪૩

બોલ્યા ભક્તિતનુજ ભગવાન, કાંઈ માગો મુખે વરદાન;

સુણી ભૂપ કહે હે સ્વામી! મારે સંસારસુખ નથી ખામી. ૪૪

તમે પુરુષોત્તમ પરમેશ, તેમાં સંશય થાય ન લેશ;

એ જ માગું મુખે વરદાન, ભક્ત જાણી આપો ભગવાન. ૪૫

માગો માગો બીજું વળી કાંઈ, એમ શામ બોલ્યા સુખદાઈ;

મને નિશ્ચે તમારો ન જાય, એ જ માગ્યું બીજી વાર રાય. ૪૬

માગો કૃષ્ણે કહ્યું ત્રીજી વાર, તોય એ જ કર્યો ત્યાં ઉચ્ચાર;

સુણી બોલિયા ઈશના ઈશ, ધન્ય ધન્ય તમે ધરણીશ. ૪૭

મુક્તાનંદ ભણી મુખ કરી, વળી હેતથી બોલિયા હરી;

અમે માગો કહ્યું ત્રણ વાર, ભૂપે એમ જ માગ્યું આ ઠાર. ૪૮

માટે છે એ તો પ્રહ્‌લાદ જેવા, મારા ભક્ત અનન્ય તે એવા;

ધ્રુવની પેરે અવિચળ સ્થાન, નવ માગ્યું એવું વરદાન. ૪૯

એક અવિચળ નિષ્ઠા જ માગી, માટે ધન્ય તે ભક્ત સુભાગી;

એની ભક્તિ ભલી વખણાશે, એનું આખ્યાન ગ્રંથે લખાશે. ૫૦

વળી ભૂપ કહે પ્રેમ આણી, વરદાતા સુણો મારી વાણી;

મારો તાત હતા ભોળા જન, હતું મૃગયાનું5 તેને વ્યસન. ૫૧

પુણ્ય આજ સમૈયાનું એને, આપું તો મળે સદ્‌ગતિ તેને;

સુણી બોલિયા શામ સુરંગી,6 તમે જ્યારે થયા સતસંગી. ૫૨

ગયા ત્યારથી તાત તમારો, જહાં છે બ્રહ્મમોલ અમારો;

જોવા હોય તો તમને દેખાડું, સમાધિમાં તહાં પહોંચાડું. ૫૩

અવનીશ7 કહે અવિનાશ, મને આપનો છે વિશ્વાસ;

માટે માનુ છું હું સત્ય વાત, દિવ્ય ધામ ગયા મુજ તાત. ૫૪

બોલ્યો ચારણ જોડીને હાથ, મને આપો નિયમ મુનિનાથ;

સુણી એવું કહે હરિરાય, વર્તમાન તમે ન પળાય. ૫૫

જુદી રીતનો જીવ તમારો, ગમે આશ્રય કેમ અમારો;

આવા જોગમાં આવ્યા છો તમે, ફળ ઉદય થશે કોઈ સમે. ૫૬

વદે વર્ણી અચિંત્યાનંદ, સુણો ભૂપ ચતુર જનચંદ;8

ભક્ત ભગવાનસિંહ જે કહ્યા, એ તો ઉત્તમ હરિજન થયા. ૫૭

રાખી બાળમુકુંદની સેવા, પાળે આચાર ઉત્તમ એવા;

સતસંગી ભલો દ્વિજ જોઈ, તેની પાસે કરાવે રસોઈ. ૫૮

ધરી નૈવૈદ્ય તે પછી જમે, બીજા કોઈનું રાંધ્યું ન ગમે;

તજી ડુંગળી હોકો અફીણ, ભલે નિંદા કરે મતિહીણ. ૫૯

તજી ભૂપપણાનું તે માન, ગાય પ્રગટ તણા ગુણગાન;

સારી સાધુ તણી સેવા કરે, નિજ માથે ચરણરજ ધરે. ૬૦

એવા જનનું સુણે આખ્યાન, થાય પવિત્ર તેહના કાન;

સારા તીર્થતણું ફળ જે છે, સુણે આખ્યાન તો ફળ તે છે. ૬૧

દોહરો

કુકડપતિ ભગવાનને,9 ભેટ્યા શ્રીભગવાન;

ધામ મળ્યું ભગવાનનું, કર્યાં કપડ10 ભગવાન. ૬૨

પુષ્પિતાગ્રાવૃત્ત

ઉર ધરી હરિનું સદા સ્વરૂપ, ભજન કરે ભગવાનસિંહ ભૂપ;

કહી મુદ ધરી તેહની કથાય, હરિજન રાજી થશે સુણી સદાય. ૬૩

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર – અભયસિંહનૃપસંવાદે

કુર્કટગ્રામાધિપતિ ભગવાનસિંહાખ્યાન કથનનામા વિંશતિતમો વિશ્રામઃ ॥૨૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે