કળશ ૩

વિશ્રામ ૨૧

પૂર્વછાયો

કુકડ ગામથી ચાલિયા, ગયા દિયોર ગામ દયાળ;

જઈને ચોરામાં ઉતર્યા, જન જોવા મળ્યાં વૃદ્ધ બાળ. ૧

ઉપજાતિવૃત્ત

પ્રભુ તહાં પથ્થર જોઈ બેઠા, બેઠા બીજા ત્યાં બહુ લોક હેઠા;

દયાનિધિએ ઉપદેશ દીધો, શ્રોતાજનોએ સુણી સર્વ લીધો. ૨

સંસાર આ સ્વપ્ન સમાન જાણો, પાપો તથા પુણ્ય ખરાં પ્રમાણો;

આ લોકમાં ઈશ્વરભક્તિ સાચી, તેના વિના વાત સમસ્ત કાચી. ૩

સ્વપ્ના વિષે દ્રવ્ય મળ્યું જુવે છે, તે જાય તો છાતી કુટી રુવે છે;

જાગ્યા પછી દ્રવ્ય નથી જણાતું, છાતી કુટ્યાનું નથી દુઃખ જાતું. ૪

સંસાર કેરું સુખ સત્ય જાણી, કરે સુખાર્થે બહુ પાપ પ્રાણી;

તે સુખ સ્વપ્નાવત નાશ થાય, જે કર્મ કીધાં નહિ તેહ જાય. ૫

માટે કદી પાપ કરો ન કોઈ, મુવા મરે છે જન તેહ જોઈ;

કરો સદા ઈશ્વરભક્તિ ભાવે, ભવાબ્ધિનો1 જે થકી પાર આવે. ૬

ચોપાઈ

વાત સાંભળીને શુભ પેર, જનો ચાલ્યા ગયા નિજ ઘેર;

ભાવસારની ભામિની એક, જેના ઉરમાં વિશેષ વિવેક. ૭

તેનો બાળક મુળજી નામ, બન્ને ઊભાં હતાં એહ ઠામ;

કર્યો બાઇયે ચિતમાં વિચાર, તપસી રહ્યા છે નિરાહાર. ૮

પૂછે ભોજનનું નહીં કોઈ, આણી આપું હું એને રસોઈ;

લેવા તપસીને વિનંતિ કરી, લાવી આપ્યું બેડું જળ ભરી. ૯

પ્રીતે પોતાના પુત્રને સંગે, સીધું મોકલ્યું અધિક ઉમંગે;

જમ્યા રાંધીને ઈશ અનાદી, આપી એહને શિષ્ટ2 પ્રસાદી. ૧૦

અવશેષ3 પ્રસાદી તે લઈ, માતા પુત્ર જમ્યાં ઘેર જઈ;

પુત્ર પાસે સાંજે કે’વરાવ્યું, જોગી પોઢો પલંગ હું લાવું. ૧૧

ઉપજાતિવૃત્ત (ત્યાગીના ધર્મ વિષે)

કહે મહારાજ સુણો સુભક્ત, સંસારથી હોય સદા વિરક્ત;

ઇચ્છે ન સંસારિક સુખ અંગે, પોઢે નહીં કષ્ટ વિના પલંગે. ૧૨

માંદા થયાનો મિષ4 ઉર આણી, પોઢે પલંગે જન ત્યાગી જાણી;5

ઠગે જનોને પ્રભુ શું ઠગાશે? જોગી થયાનું ફળ વ્યર્થ જાશે. ૧૩

અસંત એ તો નહિ સત્ય સંત, આવે ન એને ભવદુઃખ અંત;

સેવા સજે એની સુસંત જાણી, ન પુણ્ય પામે પસ્તાય પ્રાણી. ૧૪

જોગી થઈને ભરતાદિ જેમ, વર્ત્યા સદા જે વરતે ન તેમ;

ગૃહસ્થને જોગ્ય પદાર્થ અર્થ,6 જો તેહ ઇચ્છે વ્રત તેનું વ્યર્થ. ૧૫

સંસાર કેરું સુખ સર્વ છોડ્યું, તેવાં સુખોમાં વળી ચિત્ત જોડ્યું;

માનાપમાને સુખ દુઃખ થાય, તો ત્યાગી સાચો નહિ તે ગણાય. ૧૬

જો વૃદ્ધ કે આતુર7 તે ન હોય, બેસે જતી8 વાહનમાં ન કોય;

કાયા કરી કૃષ્ણ પ્રસન્ન કાજ, ધરે નહીં તે લવ લોકલાજ. ૧૭

ચોપાઈ

કહ્યા શ્રીજીએ ત્યાગીના ધર્મ, જન સમજુ તે સમજી લે મર્મ;

કહે ભૂપ અહો ધર્મવાન, કહો મૂળજીનું આખ્યાન. ૧૮

જમ્યા હરિની પ્રસાદી તે જેહ, કેવા ભક્ત થયા પછી તેહ;

એ તો સાંભળવાને ચહું છું, કહો વર્ણીજી વિનંતિ કરું છું. ૧૯

બોલ્યા એવું સુણી બ્રહ્મચારી, ધરણીશ સુણો મન ધારી;

થયા મૂળજી જ્યારે જુવાન, દીધું સંતે તેને જ્ઞાનદાન. ૨૦

થયું ભક્તપણું અતિ ભારી, ધન્ય ધન્ય કહે નરનારી;

સારી વસ્તુ જે જે મળી આવે, જૈને સ્વામીને ભેટ ધરાવે. ૨૧

મૂળજીને મળે હરિ જ્યારે, ત્યારે શ્રીમુખે એમ ઉચ્ચારે;

મુક્ત અક્ષરધામના આ છે, અમ સંગે ત્યાંથી જ આવ્યા છે. ૨૨

સુણો ભૂપ અભેસિંહ ભ્રાત, કહું મૂળજી ભક્તની વાત;

એક અવસરે મૂળજીભાઈ, ચાલ્યા ગઢપુર ચિત્ત ચહાઈ. ૨૩

દીઠો રસ્તામાં આંબો રસાળ, ધણી તેનો હતો રખવાળ;

રુપામોર9 એને એક દીધી, મોંઘામાં મોંઘી કેરીઓ લીધી. ૨૪

પ્રભુપાસે જઈ તેણે નેટ,10 કરી ભાવથી કેરીઓ ભેટ;

દાદા ખાચર આદિક જેહ, લાગ્યા કેરી વખાણવા તેહ. ૨૫

ભાવ મૂળજી ભક્તનો ભાળી, બહુ મનમાં રીઝ્યા વનમાળી;

કહે મૂળજીને મહારાજ, મુખે માગો તે આપું હું આજ. ૨૬

કર જોડીને મૂળજી કહે, જહાં સુધી આ કેરીઓ રહે;

જમો નિત્ય તે જનપ્રતિપાળ, એ જ માગું છું દીનદયાળ. ૨૭

આપ્યું એ જ વચન ધરી ટેક, જમ્યા નિત્ય કેરી એની એક;

જમતાં રસ તેનો વખાણે, રસ ભક્તના ભાવમાં જાણે. ૨૮

બોર શબરીનાં સ્વાદિષ્ટ જેવાં, માન્યાં મૂળજીનાં ફળ એવાં;

ભલી લાગી વિદૂરની ભાજી, એમ કેરી જમી થયા રાજી. ૨૯

સ્વાદ ભક્તના ભાવમાં જાણે, વિના ભાવ ન સ્વાદ વખાણે;

આખી સૃષ્ટિ તણા સ્રજનારા, એ જ આંબાનાં ફળ રચનારા. ૩૦

એવી વસ્તુ નથી વિશ્વમાંઈ, જેની શ્રીહરિ જાણે નવાઈ;

દેવા ભક્તને આનંદ ભારી, કોઈ વસ્તુ વખાણે મુરારી. ૩૧

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ ધરીને સ્નેહ;

મૂળજી ભક્તની ભાવના, વળી કહું વરણવી તેહ. ૩૨

ચોપાઈ

ગામ દીયોરમાં વણનારા, વણે બોરીના11 ચોફાળ12 સારા;

દીઠો મૂળજીએ ભલો જ્યારે, ધાર્યું અંતરમાં એમ ત્યારે. ૩૩

સારો ચોફાળ એક વણાવું, છેડે સોનાના તાર મૂકાવું;

પછી ગઢપુર જઈ રુડી રીતે, મારા ઇષ્ટને ઓઢાડું પ્રીતે. ૩૪

કેવું શોભશે વસ્ત્ર રૂપાળું, ઘણા નેહથી મૂર્તિ નિહાળું;

રાખું અંતર માંહી ઉતારી, કોઈ કાળે ન મેલું વિસારી. ૩૫

એવો અંતરમાં ભાવ આણ્યો, પછી સારો જે વણકર જાણ્યો;

તેને જઈને કહ્યું તતકાળ, વણી આપો સરસ ચોફાળ. ૩૬

જેવી જાણો તમે ચતુરાઈ, એવી કારીગરી કરો ભાઈ;

સૂત્ર સારામાં સારુ વાવરજો,13 છેડા કંચન કસબના14 કરજો. ૩૭

કશી ખામી ન રાખશો લેશ, મૂલ માગ્યાથી દૈશ વિશેષ;

મહારાજા અધિરાજ જે છે, તેને ભેટ કર્યા સારુ તે છે. ૩૮

મને મળશે ઇનામ અથાગ, મળશે તને તેમાંથી ભાગ;

તે તો ખાતાં કદી નહીં ખૂટે, કોઈ ચોર લૂંટારા ન લૂંટે. ૩૯

એમ કહીને મરમ સમઝાવ્યો, બહુ સારો ચોફાળ વણાવ્યો;

ગયા ગઢપુર દર્શન કાજ, જહાં રાજે15 રાજાઅધિરાજ. ૪૦

હતો દિવસ સમૈયાનો સારો, મળ્યા હરિજન સંત હજારો;

સભામાં બેઠાં સુંદર શામ, ગયા મૂળજી ભક્ત તે ઠામ. ૪૧

હરિની કરી પૂજા ઉમંગે, પછી ચોફાળ ઓઢાડ્યો અંગે;

પછી આરતી પોતે ઉતારી, છબી અંતરમાં લીધી ધારી. ૪૨

સ્તુતિ ગદગદ સ્વરથી ઉચ્ચરે, આંસુ પ્રેમના આંખથી ખરે;

ભાવ મૂળજી ભક્તનો ભાળી, રહ્યા હરિજન સંત નિહાળી. ૪૩

સભામાં બેઠા રાણા16 ને રાય, જોઈ ચોફાળ વિસ્મિત થાય;

કહે ચોફાળ કેણે બનાવ્યો? કે શું સ્વર્ગપુરી થકી આવ્યો. ૪૪

મૃત્યુલોક સમસ્ત મોઝાર, આવો કોઈ નથી કરનાર;

આની આગળ શાલ દુશાલા, વખાણે તે કહેવાય કાલા.17 ૪૫

એમ ઉચ્ચરે સૌ નરનારી, રીઝ્યા ભક્ત ઉપર ભયહારી;

તેથી દેખાડ્યું દિવ્યસ્વરૂપ, કોટિ સૂર્યશશીથી અનૂપ. ૪૬

હતી ચોફાળે ચોકડી જ્યાં જ્યાં, કોટિ સૂર્ય શશી દીઠા ત્યાં ત્યાં;

તેજ શીતળ ને સુખકારી, જુવે મૂળજી તે ધારી ધારી. ૪૭

રહે અક્ષરધામમાં જેમ, દીઠી મૂર્તિ તે તેજમાં તેમ;

એવું બે ઘડી સુધી જણાવ્યું, પછી તો હતું તેવું દેખાયું. ૪૮

ધર્મસુત નરનાટક ધારી, કરે દિવ્યચરિત્ર મુરારી;

ભક્ત મૂળજીને ભગવાન, દીધું દિવ્ય તે દર્શનદાન. ૪૯

એવા ભક્ત રહે જેહ જાગ્યા, ધન્ય ધન્ય તે ભૂમિનાં ભાગ્ય;

ધન્ય માતાપિતા પરિવાર, ધન્ય કુળ જ્યાં ધર્યો અવતાર. ૫૦

કહે વર્ણી સુણો રાજન, કહ્યું મૂળજીનું આખ્યાન;

સંભળાવે સુણે જન જેહ, પામે ચારે પદારથ18 તેહ. ૫૧

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિ હરિજનની સુણે કથાય, ધરી તનુ ધન્ય બીજા બધા વૃથાય;

મુનિજન પણ તે કથા સુણે છે, અવસર ધન્ય અમૂલ્ય તે ગણે છે. ૫૨

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર–અભયસિંહનૃપસંવાદે

દિયોગરગ્રામનિવાસી ભાવસાર મૂળજી ભક્ત આખ્યાનકથનનામા એકવિંશતિતમો વિશ્રામઃ ॥૨૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે