કળશ ૩

વિશ્રામ ૨૨

પૂર્વછાયો

દીનદયાળ દિયોરથી, ચાલી ગયા લાકડીયે ગામ;

ચૌટા વચે ત્યાં ચાલિયા, હસતે મુખે ઘનશામ. ૧

ઠક્કર ખોજા પ્રેમજી, હાટે બેઠા હતા તે વાર;

ઘાસની ગૂંથેલી સાદડી, પાથરી હતી ઘણી સાર. ૨

હે નૃપ ઓળખો એહને, કારભારી શ્રીહરિના જાણ;

લાધો ઠક્કર ગઢપુર તણા, ભાઈ પ્રેમજી તેના પ્રમાણ. ૩

તેને હસીને કોઇયે કહ્યું, આપો જોગીને સાદડી એહ;

પ્રેમજી કહે મહાજોગી જો, કોઈ મળે તો આપું તેહ. ૪

હસીને બોલ્યા શ્રીહરિ, જોગી જોઈ વળો સહુ ઠાર;

અમ જેવા જોગી નહિ મળે, કોટિ બ્રહ્માંડની મોઝાર. ૫

એમ કહી હસી ચાલિયા, હરિ ગયા નાને ગોપનાથ;

જળ ચડાવી શંભુને, ગયા પીપરલે મુનિનાથ. ૬

ત્યાં એક દ્વિજ તીર્થવાસીને, નિત્ય આપતો હતો આમાન્ન;1

તેને જઈ હરિએ કહ્યું, આપો અમને તો સિદ્ધાન્ન.2

ત્યારે તે દ્વિજની નારીયે, કર્યો રોટલો હરિને કાજ;

પછી તેમાં ઘી પૂરીને, કહ્યું જમો તમે મહારાજ. ૮

ચોપાઈ

બેઠા જમવાને જીવન જ્યારે, મુખકમળ વિકાસિયું3 ત્યારે;

નર નારીયે નેહે નિહાળ્યું, આખું બ્રહ્માંડ તે મધ્ય ભાળ્યું. ૯

દીઠી નદિયો ને સાગર સાત, દીઠો પર્વત મેરુ પ્રખ્યાત;

સાતે પાતાળ પણ દીઠાં એમાં, દીઠાં કૈલાસ વૈકુંઠ તેમાં. ૧૦

દીઠા સૂર્ય શશી ગ્રહ તારા, દીઠા મેઘ વૃષ્ટિ કરનારા;

દીઠા થાવર જંગમ4 પ્રાણી, દીઠાં વન નગ5 પૃથ્વી અજાણી. ૧૧

એવી રચના નિહાળી અપાર, પામ્યાં અચરજ તે નરનાર;

કર્યું ઉરમાં એવું અનુમાન, નરદેહ ધર્યો ભગવાન. ૧૨

કરી વિનતિ રહેવા બે માસ, તોય ત્યાં કર્યો બે દિન વાસ;

ગયા ત્યાંથી તળાજે ગામ, નાહ્યા શેત્રુંજીમાં ઘનશામ. ૧૩

એક બાવાની જગ્યા નિહાળી, ઉતર્યા જઈ ત્યાં વનમાળી;

એક વાણિયે એ સ્થળ આવી, સીધું શામને આપિયું લાવી. ૧૪

જમ્યા રાંધીને શ્રીજગદીશ, દૈવી જાણીને દીધી આશીષ;

ગગો શેઠ થયા સુત તેના, સદ્‌ગુણ શા વખાણિયે એના. ૧૫

હરિભક્ત થયા અતિ ભારી, જાણે સૌ હરિજન નરનારી;

ચાલ્યા રાત રહીને મુરારી, ગોપનાથ ગયા ગિરધારી. ૧૬

શિવમંદિરે કીધો ઉતારો, હતો ત્યાંનો મહાંત તે સારો;

તેણે સેવા સારી રીતે કરી, રાંધ્યું વિપ્રે જમ્યા તહાં હરી. ૧૭

રાખ્યા પ્રેમ કરી પાંચ રાત, નાહ્યા સિંધુમાં હરિ સાક્ષાત;

નીર ખારા મીઠાના છે કુંડ, નાહ્યા તે વિષે બાલમુકુંદ. ૧૮

એમ તીરથ પાવન કરી, ઝાંઝમેર ગયા પછી હરી;

કરી વિપ્રને ઘેર આહાર, ત્યાંથી કૃષ્ણ ગયા કળસાર. ૧૯

રહ્યા રાત ત્યાં જગજીવન, પણ કોઈએ આપ્યું ન અન્ન;

સુવા દીધા ન નિર્દય થઈ, શામ સૂતા ખળા6 માંહી જઈ. ૨૦

કતપર ગયા ઊઠી સવારે, લીધો મહુવાનોa મારગ ત્યારે;

નદી માળણb ત્યાં જતાં આવી, ભક્તિપુત્ર તણે મન ભાવી. ૨૧

શામે ત્યાં જ કર્યું સ્નાનાદિક, આવ્યો મહુવેથી એક વણિક;

નામ શેઠ પીતાંબર એહ, દશા શ્રીમાળી શ્રાવક તેહ. ૨૨

મહુવામાં એનું ઘરબાર, અધવારું7 હતું કળસાર;

ગાડું એક વસાણાનું8 ભરી, આવ્યો માળણ નદી ઊતરી. ૨૩

તેણે મોટા તપસ્વી તે દીઠા, લાગ્યા અંતરમાં અતિ મીઠાં;

પ્રેમે પદજુગ વંદન કરી, ભેટ ટોપરાં સાકર ધરી. ૨૪

ધરી ઠાકોરને ફળાહાર, જમ્યા તે પછી જગ કરતાર;

શ્યામે શિષ્ટ પ્રસાદી તે દીધી, સ્નેહે શેઠ પીતાંબરે લીધી. ૨૫

કહે કૃષ્ણ રહો કિયે ગામે? કહો જાઓ છો તમે શા કામે?

સુણી શેઠે કર્યો ત્યાં ઉચ્ચાર, મારું છે મહુવે ઘરબાર. ૨૬

હું છું દુર્બળ દીનદયાળ, રહી કળસારે કાઢું છું કાળ;

આવ્યો હતો વસાણું હું ભરવા, કળસારમાં વેપાર કરવા. ૨૭

સુણી બોલિયા જગજીવન, મહુવામાં રહો મહાજન;9

જશે દુર્બળતા તે તમારી, મારું વેણ લેજો શિર ધારી. ૨૮

ઉપજાતિવૃત્ત (કુગ્રામમાં ન વસવા વિષે)

જે ગામમાં લોક વસે ઉદાર, વેપાર ધંધા વળી જ્યાં અપાર;

તહાં રહેવું સુખ જો ચહીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે. ૨૯

જે ગ્રામમાં નિર્દય લોક હોય, સુણે નહીં કૃષ્ણ કથા જ કોય;

તહાં વસ્યાથી કદિ કષ્ટ લીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે. ૩૦

જે ગામમાં પુષ્કળ હોય પાણી, પાળે પ્રજા ભૂપતિ પ્રેમ આણી;

વિચારીને વાસ તહાં વસીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે. ૩૧

જ્યાં આપણા વેરી વિશેષ હોય, સગો નહીં કે નહીં મિત્ર કોય;

તો તે તજીને જવું ગામ બીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે. ૩૨

જે ગ્રામમાં વૈદ્ય વસે ન કોય, વિદ્યાની શાળા પણ જ્યાં ન હોય;

તહાં રહીને સુખ શું લહીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે. ૩૩

જડે ન જ્યાં સજ્જનનો પ્રસંગ, જહાં રહ્યાથી નિજધર્મ ભંગ;

વસ્યા થકી જ્યાં વ્યસની બનીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે. ૩૪

જ્યાં આપણો ઉદ્યમ તો ન થાય, કરે ન કો સંકટમાં સહાય;

નાણું છતાં જ્યાં નહિ વસ્તુ લીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે. ૩૫

કુગ્રામમાં વાસ કુપાત્રસેવા, કુટુંબમાં ક્લેશ કુમિત્ર એવા;

પત્નિ કુભાર્યા10 જડી હોય જેને, પ્રત્યેક પાંચે પરિતાપ તેને. ૩૬

ચોપાઈ

બોલ્યા શેઠ પીતાંબર વેણ, શીર ધારીશ આપનું કેણ;11

મહુવામાં હવેથી વસીશ, કાંઈ વેપાર સારો કરીશ. ૩૭

શેઠ એમ કહીને સિધાવ્યા, મહુવામાં મહાપ્રભુ આવ્યા;

અભેસિંહ બોલ્યા મુદ આણી, અહો વર્ણી સુણો મુજ વાણી. ૩૮

શેઠે આપ્યો પ્રભુને આહાર, એના પુણ્ય તણો નહિ પાર;

પુણ્ય પ્રકટ થયું હોય જેહ, મહારાજ કહો મને તેહ. ૩૯

બોલ્યા વર્ણી થઈ રળિયાત, સુણો ભૂપ અભેસિંહ વાત;

રાખ્યો શ્રીહરિનો વિશ્વાસ, મહુવામાં કર્યો શેઠે વાસ. ૪૦

તેથી દુર્બળતા થઈ દૂર, પામ્યા ધાન્ય ને ધન ભરપૂર;

આપ્યો શ્રીહરિને ફળાહાર, તેનું પ્રગટિયું પુણ્ય અપાર. ૪૧

પુણ્યશાળી પામ્યા ત્રણ પુત્ર, સતસંગી થયું ઘરસૂત્ર;12

પુત્ર એકનું નરસિંહ નામ, બીજા દામજી સદ્ધર્મધામ. ૪૨

ત્રીજા તે તો જેઠોભાઈ જાણું, હવે વાત વિશેષ વખાણું;

સદ્‌ગુરુ પરમાનંદ જેહ, મળ્યા દામજી શેઠને તેહ. ૪૩

સાર ધર્મ તણો ઉર ધર્યો, જૈન મત તજી સતસંગ કર્યો;

ખીમો શેઠ મામો મન ભાવ્યો, તેને પણ સતસંગ કરાવ્યો. ૪૪

સુત મામા તણો ફુલચંદ, ફેડ્યો13 તેનો અજ્ઞાનનો ફંદ;

સગાંવાલાં કર્યાં સતસંગી, બીજા પણ કર્યા ભક્ત અભંગી. ૪૫

નાતીલાએ ઉપદ્રવ કર્યો, તેનો ડર દિલમાં નવ ધર્યો;

આવ્યું ચોમાસું ઉત્તમ જ્યારે, વસ્યા વરતાલમાં શેઠ ત્યારે. ૪૬

એક દિન મહુવા બંદરથી, લખ્યો પત્ર સગાઓએ ઘરથી;

તજ્યાં સગાં તજ્યાં માતતાત, કેમ વરતાલમાં વસ્યા ભ્રાત? ૪૭

એવો કાગળ વાંચિયો જ્યારે, શેઠે ઉત્તર લખિયો ત્યારે;

તે હું ભૂપતિ તમને સુણાવું, અચરજ મનમાં ઉપજાવું. ૪૮

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

લક્ષ્મીનાથ14 પિતા રમા15 જનનિ છે માશી ગણું ગોમતી,

ભ્રાતા વાયુકુમાર16 પુત્ર શિવનો17 એ છે સહાયી અતી;

પુત્રી પુત્ર દુહિત્ર18 નિત્ય નિયમો ભાર્યા સદા સંગ છે,

છે વૃત્તાલયમાં કુટુંબ સઘળું આનંદ ઉત્તંગ19 છે. ૪૯

ચોપાઈ

લખ્યો ઉત્તર તે એવી રીતે, વરતાલ વિષે વસે પ્રીતે;

દામાશેઠે ધર્યો એવો ધર્મ, સારો સમજીને શાસ્ત્રનો મર્મ. ૫૦

શેઠ પીતાંબરે કરી પ્યાર, આપ્યો કૃષ્ણને ફળ આહાર;

તેનું પુણ્ય ઉદય થયું એવું, કોટી જજ્ઞ તણું ફળ જેવું. ૫૧

કોઈ ભાવ ભલો ઉર ધરે, તુળસીપત્ર અર્પણ કરે;

તોય તેને કરે છે નિહાલ, એવા છે હરિ દીનદયાળ. ૫૨

જ્યારે સોનાની લંકા લૂંટાય, ત્યારે ઊંઘ અભાગીને થાય;

નિધિ અમૃતનો ઉભરાય, તોય તરસ્યો અભાગિયો જાય. ૫૩

તેમ હરિએ કરી લીલાલેર, કર્યું કલ્યાણ તો ટકે શેર;20

તોય લેવા ન આવે અભાગી, ન જુવે મોહનિદ્રાથી જાગી. ૫૪

પુષ્પિતાગ્રાવૃત્ત

કરી અતિ કરુણા કૃપાનિધાન, નરતનુ ધારી દીધું સુદર્શ દાન;

પણ જન અતિ જેહ પુણ્યશાળી, નમન કરે પ્રભુને પ્રતાપી ભાળી. ૫૫

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિમહુવાબંદર-પ્રાપ્તનામા દ્વાવિંશતિતમો વિશ્રામઃ ॥૨૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે