વિશ્રામ ૨૪
પૂર્વછાયો
શિમરગામથી સંચરી, ગયા શ્રીહરિ તુળસીશામ;
ત્યાં થકી ગુપ્તપ્રયાગ જૈ, કુંડ ઉત્તરે કીધો વિરામ. ૧
ચોપાઈ
ભલી રાયણ તળે શિલા ભાળી, કર્યું આસન શ્રીવનમાળી;
જન જે નિજ આગળ આવે, તેને શાસ્ત્રની વાત સુણાવે. ૨
નિત્ય કુંડ વિષે કરે સ્નાન, તીર્થ પાવન કરવાનું તાન;
વિપ્ર ત્યાં તો હતો એક સારો, દેલવાડા વિષે વસનારો. ૩
હતો નાતે તે નાગર ગોર, ભનો પાઠક દ્વિજ શિરમોર;1
નિત્ય પ્રત્યે પ્રભુ તેને ઘેર, જમી આવે જઈ રુડી પેર. ૪
તેણે પૂછ્યું તમારું શું નામ? ભાવિ નામ કહ્યું તેહ ઠામ;
મારું નામ છે સહજાનંદ, સુણી ઉપજ્યો અધિક આનંદ. ૫
શેષશાયી મંદિર બ્રહ્મચારી, જમાડે હરિને સાધુ ધારી;
તેનું નામ છે નૃસિંહાનંદ, તેની આગળ બોલ્યા મુકુંદ.2 ૬
તીર્થ જગ્યા ને કુંડ છે સારો, જોગ સાધવા જોગ્ય કિનારો;
સુણી બોલ્યા વળી બ્રહ્મચારી, તીર્થ જગ્યા તો છે ઘણી સારી. ૭
પણ જળ નથી રે’તું ઊનાળે, આપ જેવા જો કરુણાથી ભાળે;
કુંડે નીર રહે બારે માસ, સુણી બોલિયા શ્રીઅવિનાશ. ૮
હવે રહેશે ઘણાકાળ પાણી, થઈ સુફળ તે શામની વાણી;
એવી રીતે રહ્યા દોઢ માસ, કીધો આપ પ્રતાપ પ્રકાશ. ૯
ત્યાંથી ઉને ગયા નરવીર, ત્રણ દિવસ વસ્યા સરતીર;
પુરથી વળી પશ્ચિમમાંય, સારી વાવ્ય દીઠી એક ત્યાંય. ૧૦
તેમાં જૈ હરિએ કર્યું સ્નાન, વળી પ્રીતે કર્યું જળપાન;
હંસરાજ ને શેઠ ગણેશ, પ્રીતે સેવ્યા તેણે પરમેશ. ૧૧
તેનો દેખીને પૂરણ પ્યાર, શામે સેવા કરી અંગિકાર;
ત્યાંના લોકોને ચમતકાર, દેખાડ્યો હરિએ એહ વાર. ૧૨
કોઇયે વિરાટરૂપ નિહાળ્યું, કોઇયે રૂપ ચતુર્ભુજ ભાળ્યું;
ધાર્યા કોઇયે પ્રગટ મુરારી, કહે કોઇ પુરુષ અવતારી. ૧૩
પ્રભાતે ઊઠી મારગે ચડ્યા, ખોળતાં જનોને નવ જડ્યા;
ગામ ડોળાહે વાલો વિચરિયા, ભરવાડને ઘેર ઉતરિયા. ૧૪
સીધું આપ્યું તથાપિ ન લીધું, દુધ ગાયનું પ્રેમથી પીધું;
ગુરુ ભરવાડનો એક બાવો, એ જ ભરવાડને ઘેર આવ્યો. ૧૫
રાતે બાવો ને શ્રીઅવિનાશ, સૂતા એક સ્થળે પાસ પાસ;
કહ્યું બાવે સ્વભાવે હે રામ, દીધો હોંકારો શ્રીઘનશ્યામ. ૧૬
એ જ રીતે બીજી ત્રીજી વાર, દીધો હોંકારો ધર્મકુમાર;
કહે બાવો તમે છો શું રામ? કેમ હોંકારો દ્યો છો આ ઠામ? ૧૭
કહે કૃષ્ણ બાવા સુણી લૈયે, નકી જાણો અમે રામ છૈયે;
પછી રામરૂપે ભગવાન, દીધું બાવાને દર્શનદાન. ૧૮
બાવે રામ જથારથ જાણ્યા, હરિકૃષ્ણને હેતે વખાણ્યા;
ત્યાંથી છાંના ચાલ્યા ઘનશામ, ગયા ગોવિંદ લોઢવે ગામ. ૧૯
નાતે ચારણ ત્યાં લખુબાઈ, તેને ઘેર રહ્યા સુખદાઈ;
લખુબાઈ છે સમાધિનિષ્ઠા, જ્ઞાન વૈરાગ્યમાં તે વરિષ્ઠા.3 ૨૦
મત અદ્વૈતને માનનારી, જાણે ઈશ્વરને નિરાકારી;
સાધુઓને સદાવ્રત દેતી, તપની પરીક્ષા કરી લેતી. ૨૧
તેણે મોટા તપસ્વી તે જાણ્યા, સનકાદિક તુલ્ય પ્રમાણ્યા;4
તેથી રાખ્યા પોતા તણે ઘેર, સ્નેહે સેવા સજે સારી પેર. ૨૨
વિઠ્ઠલાનંદ ને બાલાનંદ, બ્રહ્મચારી હતા નિર્દ્વંદ્વ;5
તેની પાસે રસોઈ કરાવે, મહારાજને થાળ ધરાવે. ૨૩
ઘેર ભેંસો તણું ખાડું6 હતું, નિત્ય નિત્ય ઘણું દૂધ થતું;
દૂધની તર સાકર સાથ, જમતા નિત્ય ત્યાં મુનિનાથ. ૨૪
ઘણો ભાવ ભાળી અવિનાશ, ત્રણ માસ રહ્યા ત્યાં નિવાસ;
ત્યાંથી પ્રાચીયે નાવાને કાજ, કોઈ દિવસ જતા મહારાજ. ૨૫
સર્વ જાણે હરિ સાક્ષાત, તોય પૂછી તે બાઈને વાત;
ભક્તિદીક્ષા7 તમે ક્યાંથી ધારી? કહો કોણ છે આ બ્રહ્મચારી? ૨૬
કહે બાઈ ગુરુ તો અમારા, આતમાનંદજી હતા સારા;
આવ્યા આ ગામમાં તેહ જ્યારે, ઘણા શિષ્ય તેના થયા ત્યારે. ૨૭
વિપ્ર વિઠ્ઠલ અહીં રહેનારો, તેનો શિષ્ય થયો ઘણો સારો;
થયો તે દ્વિજનારીનો કાળ,8 મુકિયો ત્રણ માસનો બાળ. ૨૮
આત્માનંદને વિઠ્ઠલે પૂછ્યું, બાળ દેખીને દાઝી મરું છું;
મળતું નથી ધવરાવનારું, એને કેમ કરીને ઉગારું? ૨૯
સુણી કહે આત્માનંદસ્વામી, ધવરાવ તું આનંદ પામી;
જહાં સુધી તે બાળક ધાવે, સ્તન તારા વિષે દૂધ આવે. ૩૦
એવું દીધું એને વરદાન, ધવરાવે તે માત સમાન;
જ્યારે બાળકે ધાવણ મૂક્યું, સ્તનમાંથી ત્યારે દૂધ સૂક્યું. ૩૧
દશ વર્ષનો સુત થયો જ્યારે, ગુરુને કહ્યું વિઠ્ઠલે ત્યારે;
દયાવંત દયા દિલ ધારી, અમો બેને કરો બ્રહ્મચારી. ૩૨
સુણી ગુરુજીએ કરુણા કીધી, દીક્ષા તે જણ બેયને દીધી;
વિઠ્ઠલાનંદ ને બાલાનંદ, એવાં નામ ધર્યાં સુખકંદ. ૩૩
તેઓને ગુરુએ કહ્યું એવું, લખુબાઈની પાસે રહેવું;
વળી ગુરુએ મને કહી વાણી, આ બે રાખજો આપના જાણી. ૩૪
સદાવ્રત વિઠ્ઠલાનંદ દેશે, ભેંશો ચારવા બીજો રહેશે;
કહે બાઈ અહો તપ ધારી! બેય છે એ જ આ બ્રહ્મચારી. ૩૫
આત્માનંદસ્વામી છે જેહ, અમે માનિયે ઈશ્વર તેહ;
તેને ભજીયે છૈયે ભાવ આણી, દાતા કલ્યાણના એ જ જાણી. ૩૬
બીજી વાત કહું એક વળી, તમે સ્નેહથી લેજો સાંભળી;
મોટા સંત રામાનંદ નામ, ગયા શ્રીરંગક્ષેત્રને ઠામ. ૩૭
રામાનુજ થકી દીક્ષા લીધી, પાછી સોરઠમાં ગતિ કીધી;
આત્માનંદ સાથે વાદ ધર્યો, વાદ અદ્વૈત ખંડન કર્યો. ૩૮
સ્વામીએ શિષ્ય સૌને બોલાવી, સારી રીતે કહ્યું સમઝાવી;
રામાનંદસ્વામી કહે જેમ, સર્વે જન તમે વર્તજો તેમ. ૩૯
એની સમઝણ છે ઘણી સારી, માટે જાણજો જનહિતકારી;
એમ કહી આત્માનંદ તેહ, જઈ રામપરે તજ્યો દેહ. ૪૦
તેના શિષ્ય સરવ જે રહ્યા, રામાનંદ તણા શિષ્ય થયા;
મત માને વિશિષ્ટાદ્વૈત, નવ માને કદી તે અદ્વૈત. ૪૧
પણ હું અને આ બ્રહ્મચારી, ત્રણ જણ તો રહ્યાં ટેક ધારી;
આત્માનંદને ઈશ્વર ગણિયે, મત અદ્વૈત તે ભલો ભણિયે. ૪૨
રામાનંદે તો આગ્રહ કર્યો, અમે શબ્દ શ્રવણ નવ ધર્યો;
તેણે અમને કર્યાં છે વિમુખ, તેનું અમને નથી કાંઈ દુઃખ. ૪૩
અહીંના હરિજન નરનારી, તે તો માને છે વાત અમારી;
સંપ્રદાય ગાદીપતિ જેવી, મને માને છે સૌ જન તેવી. ૪૪
ધર્મપુત્ર છે અંતરજામી, તોય વાત પૂછી લીધી સ્વામી;
કરુણાનિધિ કરુણા કરી, લખુબાઈ પ્રત્યે કહે હરી. ૪૫
સત્ય માનો વિશિષ્ટાદ્વૈત, મત સત્ય નથી જ અદ્વૈત;
વ્યાસસૂત્ર તથા જે વેદાંત, સંભળાવી તેની ભાંગી ભ્રાંત. ૪૬
ત્રણ જણને કર્યાં નિજમતનાં, કાઢ્યાં ખોદીને મૂળ અસતનાં;
લખુબાઈને કહે ભગવાન, તમે માગો મુખે વરદાન. ૪૭
કહે બાઈ સુણો તપધામ, મારો પુત્ર જે છે વીરો નામ;
સુત તે અને ભેંશો છે જેહ, સદાકાળ સુખી રહે તેહ. ૪૮
સુણી ભાખે મુખે ભગવંત, તે તો માગ્યું તમે નાશવંત;
વરદાન બીજું મુખે માગો, પશુપુત્રની વાસના ત્યાગો. ૪૯
લખુબાઈ વળી એમ કહે, આ અખંડ સદાવ્રત રહે;
એ જ માગું છું હું વરદાન, આપો એટલું કરુણાનિધાન. ૫૦
સુણી બોલિયા ત્યારે શ્રીહરિ, નાશવંત માગ્યું તમે ફરી;
માગો એવું જે નાશ ન થાય, રહે અક્ષય કાળ સદાય. ૫૧
માગ્યો બાઇએ શ્રીપ્રભુપાસ, અંતે અક્ષરધામમાં વાસ;
વરદાન પછી એ જ આપ્યું, કષ્ટ જન્મમરણ તણું કાપ્યું. ૫૨
કહે વર્ણી સુણો વસુધેશ, લખુની કહું વાત વિશેષ;
રામાનંદને હરિ મળ્યા જ્યારે, કર્યો હરિએ પ્રયત્ન તો ત્યારે. ૫૩
લખુને સતસંગમાં લેવા, જુઓ કૃષ્ણ કૃપાળુ છે કેવા;
પણ માને નહીં લખુબાઈ, સમાધિ તણા ગર્વે ભરાઈ. ૫૪
કહે શિષ્ય થવાથી લજાઉં, રામાનંદની શિષ્ય ન થાઉં;
રામાનંદ રહ્યા સાક્ષાત, તેણે માની ન ત્યાં સુધી વાત. ૫૫
પણ શ્રીહરિને અનુસરી, અંતે અક્ષરધામ વિચરી;
જ્યારે જીવમાં મમત ભરાય, સત્ય વાત ન ત્યારે મનાય. ૫૬
હવે કૃષ્ણ તણી કહું વાત, લોઢવાથી ચાલ્યા જગતાત;
પુર પાટણ નામ પ્રભાસ, ત્રણ રાત્રી કર્યો ત્યાં નિવાસ. ૫૭
નદી હીરણ ને સરસ્વતી, મળે ત્રીજી તહાં મધવતી;
તેથી નામ ત્રિવેણી ગણાય, નાહ્યા તે વિષે ત્રિભુવનરાય. ૫૮
વળી સાગરને તટ જઈ, જમ્યા ત્યાંથી સદાવ્રત લઈ;
પુર પાટણથી પૂર્વ ઠામ, એક ભલકા તળાવડી નામ. ૫૯
ત્યાં છે પીપળાનું ઝાડ જેહ, જહાં કૃષ્ણે તજ્યો હતો દેહ;
કૃષ્ણ સૂતા હતા જેવી રીતે, તેમ શામ સૂતા તહાં પ્રીતે. ૬૦
આવ્યો ત્યાં એક બ્રાહ્મણ કોઈ, બોલ્યો ચરણ વિષે ચિહ્ન જોઈ;
તમે કૃષ્ણ દિસો છોજી આપ, માટે મુજને કરો નિષ્પાપ. ૬૧
કૃષ્ણરૂપે જ દર્શન આપો, મારા મન તણો સંશય કાપો;
સુણી કરુણા કરી મુનિભૂપે, દીધું દર્શન કૃષ્ણસ્વરૂપે. ૬૨
એહ બ્રાહ્મણનું કરી કાજ, આવ્યા પાટણમાં મહારાજ;
એમ પુનીત કરી તેહ સ્થાન, ગયા ભંડુરિયે ભગવાન. ૬૩
ઊતર્યા ત્યાં લુહારને ઘેર, તેણે સેવા કરી સારી પેર;
પછી માળિયે થૈ મહારાજ, શેરગઢ રહ્યા નિજજન કાજ. ૬૪
શીમાશીને ચોરે રહી નીશ,9 જૂનેગઢ ગયા શ્રીજગદીશ;
રૈવતાચળ10 નજરે નિહાળ્યો, પદસ્પર્શે તેનો મળ ટાળ્યો. ૬૫
પુષ્પિતાગ્રાવૃત્ત
ગિરિવર પર પાવ ધારી દીધો, ગિરિ ગિરનાર પવિત્ર આપ કીધો;
પ્રભુપદ પ્રણમ્યાં સુતીર્થ દેવો, અવસર જાણી લીધો અમુલ્ય એવો. ૬૬
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિ રૈવતાચળ-પ્રાપ્તનામા ચતુર્વિંશતિતમો વિશ્રામઃ ॥૨૪॥