વિશ્રામ ૨૫
પૂર્વછાયો
વર્ણી કહે નૃપ સાંભળો, કરું કૃષ્ણકથા ઉચ્ચાર;
પાવન કરવા તીર્થને, ગિરિધારી ગયા ગિરનાર. ૧
ચોપાઈ
ભલી રીતે પ્રથમ ભગવાન, કર્યું કુંડ દામોદરે સ્નાન;
પછી રેવતીકુંડમાં નાહ્યા, કુંડ પાવન કરવા ચહાયા. ૨
દામોદરજીને મંદિર જઈ, કર્યાં દર્શન હર્ષિત થઈ;
ત્યાંના પૂજારીએ કરી સેવા, જાણી હરિને મહાજોગી જેવા. ૩
કહ્યું આંહિ રહો તમે રાત, સુણી બોલ્યા હરિ સાક્ષાત;
આજ તો એવી ઇચ્છા છે મનમાં, વસવું નિશાએ જઈ વનમાં. ૪
ત્યારે પૂજારી કહે પ્રભુપાસ, વનમાં બહુ વાઘનો ત્રાસ;
ઘણા આંહિ અઘોરી1 ફરે છે, તે તો જન તણો ભક્ષ કરે છે. ૫
વળી બોલિયા વિશ્વઆધાર, કોઈ અમને નથી હણનાર;
એમ ઉચ્ચરી ત્યાંથી સિધાવ્યા, મુચકુંદની જગ્યાયે આવ્યા. ૬
વળી ત્યાં થકી પશ્ચિમ પાસ, વસ્યા દેરી વિષે રાત વાસ;
રાત અરધી જતાં વાઘ આવ્યો, પ્રભુમાં તેણે પ્રેમ ઠરાવ્યો. ૭
પ્રભુ પાસે રહ્યો આખી રાત, જન જોવા મળ્યા પરભાત;
વાઘ જોઈ રહે હરિ સામે, જન જોઈને અચરજ પામે. ૮
પછી શ્રીહરિએ સાન કરી, ગયો વનમાં પ્રદક્ષિણા ફરી;
દામોદરજીના પુજારી જેહ, તેણે દીઠો ચમતકાર તેહ. ૯
પ્રભુપદ જઈ કીધો પ્રણામ, તેડી ગયા દામોદરધામ;2
રાખ્યા ત્યાં હરિને ત્રણ રાત, ભાવે સેવા કરી ભલી ભાત. ૧૦
તેને દેવ દામોદરરૂપે, દીધું દર્શન વૃષકુળભૂપે;3
પછી ત્યાં થકી વીદાય થયા, ભગવાન ભવેશ્વરે ગયા. ૧૧
પછી વાવ્ય ચડાની છે જ્યાંય, ગયા તે સમે ત્રીકમ ત્યાંય;
ત્યાંથી આવ્યો ગિરિનો ચડાવ, દીઠો ડુંગર કેરો દેખાવ. ૧૨
ઉપજાતિવૃત્ત
જ્યારે હતો શ્રાવણ શુદ્ધ માસ, પ્રભુ પધાર્યા ગિરનાર પાસ;
શોભા બની તે અતિ શી વખાણું, અપૂર્વ એ ઉત્તમ જોગ જાણું. ૧૩
ગિરિ દિસે છે ઘન શામ4 જેવો, આવ્યો ચડી ત્યાં ઘનશામ5 એવો;
ભલા પધાર્યા ઘનશામ6 ભૂપ, ત્રણે વિરાજે ઘનશામરૂપ. ૧૪
વૈતાલીયવૃત્ત
ગિરિયે ઘનની ઘટા ધરી, વિલસે જેમ શિરે જટા ધરી;
સુરચાપ7 તહાં પસારિયું, જટિલે8 જેમ ત્રિપુંડ ધારિયું. ૧૫
ગિરિમાં વનવૃક્ષ છે ઘણાં, શુભશું રોમ દિસે ગિરિ તણાં;
હરખ્યો હરિને મળી ઘણું, તન રોમાંચ થયું ગિરી તણું. ૧૬
જળનાં ઝરણાં ઘણાં ઝરે, કવિ તેની શુભ કલ્પના કરે;
ગિરિ છે અતિશે ઉમંગમાં, ઊપજ્યો સ્વેદ9 વિશેષ અંગમાં. ૧૭
શિખરે ચડી મોર ઉચ્ચરે, સુણી એવી કવિ કલ્પના કરે;
પ્રભુને અતિ ચિત્ત પ્યારથી, ગિરિ શું આદર દે ઉચારથી. ૧૮
ફળ ફુલ ફળ્યાં અને ફૂલ્યાં, તરુ વલ્લી10 પર તે રહ્યાં ઝુલ્યાં;
ગિરિયે તરુને મિષે કરી, હરિને શું ભલી ભેટ તે ધરી. ૧૯
શિખરે ઘન ગર્જના કરે, અવલોકી કવિ ઉપમા ધરે;
ગણિને અતિ હર્ષની ઘડી, વજડાવે ગિરિ નોબતો વડી. ૨૦
ચળકે ચપળા11 દિશો દિશે, અસિધારા12 ગિરિરાજની હશે;
ખગ13 દાદુર શબ્દ ઉચ્ચરે, ગિરિસેના જયકાર શું કરે. ૨૧
ઘન ડંબર તુલ્ય ત્યાં વળી, હરિને શીશ ઝુકી સુવાદળી;
ત્રિવિધિ ગતિ14 વાયુ સંચરે, પ્રભુને શું ગિરિ પંખવો કરે. ૨૨
રથોદ્ધતાવૃત્ત
રૈવતાખ્ય ગિરિ શૈલરાજ15 છે, જ્યાં વિશેષ સુરનો સમાજ છે;
કૃષ્ણદર્શ તણી ચાહના કરી, શું વસેલ અહિ શંભુનો ગિરી.16 ૨૩
ધાતુ રત્ન તણી ખૂબ ખાણ છે, પેખિ પૂર્ણ નિધિયો પ્રમાણ છે;
જ્યાં હતા જદુકુળેશ17 સંચર્યા, ત્યાં વિશેષ વૃષપુત્ર વિચર્યા. ૨૪
જ્યાં વસે વળી અપાર જોગિયો, ભાળિ શૈલ હરખાય ભોગિયો;
જ્યાં વનસ્પતિ અઢાર ભાર18 છે, સિંહ વાઘ વરુઓ અપાર છે. ૨૫
છે ઘણીક તરુઓ તણી ઘટા, જેવી હોય શુભ શંભુની જટા;
ગૌમુખી સુસરિતા શિરે રહે, જાણિયે પ્રગટ જાહ્નવી વહે. ૨૬
વીંટિયો અધિક વાદળે કરી, શું વિભૂતિ19 તન શંકરે ધરી;
ચંદ્ર હોય શિખરે જ જે સમે, ભાલચંદ્ર20 સમ ભાળતાં ગમે. ૨૭
હસ્તિ તુલ્ય દરસાય પૂનમે, ઘંટ સૂર્ય શશિ સાંજને સમે;21
દેખી દેવગજ22 ક્ષોભ પામિયો, તેથી ભૂમિ તજી સ્વર્ગમાં ગિયો. ૨૮
શૈલ શીશ બહુ છે લિલોતરી, લીલી ઝૂલ શુભ શું ગજે ધરી;
હસ્તિ શીશ ચડનાર ભૂપતિ, તેમ શૈલ શિર સંતના પતિ.23 ૨૯
શ્યામ રંગ ગિરિનો જણાય છે, દેખી એમ અનુમાન થાય છે;
કૃષ્ણ કીર્તિ લખવા ગિરી મિષે, પૂંજ24 કાજળ તણો કર્યો હશે. ૩૦
ચોપાઈ
એવો દેખાવ ગિરિનો નિહાળી, રુદે રાજી થયા વનમાળી;
ગિરિ ઉપર ચડ્યા અવિનાશ, ગયા ગૌમુખી ગંગાની પાસ. ૩૧
તહાં રહેતા હતા બહુ બાવા, તેણે હરિને દીધું નહીં નાવા;
દીધું દર્શન વામન થઈ, ત્યારે સર્વે પગે લાગ્યા જઈ. ૩૨
વળી ગંગા વિષે નવરાવ્યા, ચર્ચિ ચંદન હાર ચડાવ્યા;
રહો આંહિ એવા બોલ કહ્યા, પણ શ્રીહરિ ત્યાં નવ રહ્યા. ૩૩
દત્તાત્રી તણી જગ્યા છે જ્યાંય, ગયા શ્રીહરિ ત્યાં થકી ત્યાંય;
એક તપશી દીઠો તેહ ઠાર, તપ કરતાં વિત્યાં વર્ષ બાર. ૩૪
તેને એમ કહ્યું હરિરાય, કહો શી છે તમારે ઇચ્છાય?
સુણી બોલ્યો તપસ્વી તે ત્યારે, ઇચ્છા એક જ છે ઉર મારે. ૩૫
દત્તાત્રી તણાં દર્શન થાય, નથી બીજી ઇચ્છા ઉરમાંય;
સુણી કરુણા કરી જગભૂપે, દીધું દર્શન દત્તાત્રીરૂપે. ૩૬
નિજરૂપનો નિશ્ચે કરાવ્યો, તેને જન્મ મરણથી મુકાવ્યો;
ગિરિ ઊપર થકી ઊતરી, જૂનાગઢમાં પધાર્યા શ્રીહરી. ૩૭
ગયા નાથ ગોધા વાવ જ્યાં છે, ધર્મદાસ તણી જગ્યા ત્યાં છે;
થતું ત્યાં હતું બ્રહ્મ ભોજન, બેઠા ત્યાં જઈ જગજીવન. ૩૮
ત્યાંથી અન્ન મળ્યું નહિ જ્યારે, હાટકેશ્વરમાં ગયા ત્યારે;
આવ્યો નાગર દર્શન કાજ, તેણે દીઠા તપસ્વીરાજ. ૩૯
જાણ્યા જોગીને વિદ્વાન જેવા, પૂછ્યા પ્રશ્ન પરીક્ષા તે લેવા;
દશ પ્રશ્નના ઉત્તર બે જ, ઉભી પંક્તિ કરી લખ્યા એ જ. ૪૦
શાર્દૂલવિક્રીડિતવૃત્ત – બહિર્લાપિકા
ગિ |
રા |
|
ર |
મા |
કેવું સિંધુ સમીપ હોય સર તે ઝીણી કહો ભૂમિજા;27 |
ના |
નુ |
શું નાણું28 તનને નવીન અરથે કેના પછી દૌ ધરી, |
ર |
જ |
ચોપાઈ
જોઈ ઉત્તર અચરજ પામી, કર્યું વંદન નિજશિર નામી;
અતિ પ્રેમ વધ્યો એને ઉર, જાણ્યું છે મહાપુરુષ જરુર. ૪૨
તેના મુખથી સુણ્યો ઉપદેશ, થયો ધર્મનો મનમાં પ્રવેશ;
ઘેર જૈ શીરોપુરી કરાવી, હેતે હરિને જમાડીયા લાવી. ૪૩
તેને રાત્રિ વિષે મુનિભૂપે,31 દીધું દર્શન શંકરરૂપે;
હાટકેશ્વરમાં રહ્યા રાત, ભૂતનાથે પધાર્યા પ્રભાત. ૪૪
કર્યું દર્શન શંભુનું ભાવે, પીધું જળ જઈ ખેંગાર વાવે;
ગયા ત્યાં થકી વણથળી ગામ, સૂર્યકુંડે નાહ્યા ઘનશ્યામ. ૪૫
જમ્યા ત્યાંથી સદાવ્રત લઈ, રાત વાસો રહ્યા રાજી થઈ;
ગઈ રાત ને ઊગ્યો દિનેશ, પીપળાંણે32 ગયા પરમેશ. ૪૬
ઉનેવાળ જે નરસી મહેતા, પીપળાણામાં તે તો રહેતા;
તેને ઘેર ગયા હરિ જ્યારે, પૂજા કરતા હતા મે’તો ત્યારે. ૪૭
કરતા હતા પાઠ ગીતાનો, આંગણે હતો પુત્ર પોતાનો;
નામ કલ્યાણજી કહેવાય, માંગી ભિક્ષા તહાં હરિરાય. ૪૮
કહે કલ્યાણજી તેહ વાર, નથી ઘરમાં રસોઈ તૈયાર;
આવો બેસો રસોઈ કરાવું, ભલું ભોજન તમને ધરાવું. ૪૯
કહે કૃષ્ણ ખોટી નહિં થાઉં, તીર્થ કરવા ઉતાવાળો જાઉં;
વિપ્રપુત્ર બોલ્યો તેહ ઠામ, બાવા હોય કલ્યાણનું કામ. ૫૦
બીજે તીર્થે જવાનું ન ધારો, લોજમાં મહારાજ પધારો;
રામાનંદસ્વામી તણા ચેલા, મુક્તાનંદજી ત્યાં છે રહેલા. ૫૧
તેની પાસે પચાસ છે સંત, મહાવૈરાગી ને જ્ઞાનવંત;
જેને હોય કલ્યાણની આશ, તેને જાવું એવા સંત પાસ. ૫૨
સુણો ભૂપ અભેસિંહ ભ્રાત, એવામાં બની અદ્ભુત વાત;
મે’તા નરસિંહ તો તેહ ઠામ, પૂજતા હતા શાળગરામ. ૫૩
ઘણું પ્રગટિયું તેમાંથી તેજ, થયું લીન હરિ વિષે એ જ;
એવું અચરજ દેખી નિદાન, એ તો ભૂલ્યા શરીરનું ભાન. ૫૪
ચાલી નીસર્યા સારંગપાણી, વાત તે મે;તા નરસિંહે જાણી;
ત્યારે પુત્ર પ્રત્યે બોલ્યા એમ, મોટા જોગી જાવા દીધા કેમ? ૫૫
પછી પાછળ જઈ ભલી પેર, તેડી લાવ્યા પ્રભુ નિજ ઘેર;
કહ્યું બેસો રસોઈ કરાવું, ભલા ભાવથી થાળ ધરાવું. ૫૬
કહે કૃષ્ણ ન વાર લગાડો, હોય તૈયાર તે જ જમાડો;
તહાં દૂધ જુવારનું ધાન, જમ્યા ભાવથી શ્રી ભગવાન. ૫૭
ત્યાં તો હરિએ ચતુર્ભુજરૂપ, દીધું દર્શન તેને અનૂપ;
પ્રેમે મહેતાએ પ્રણામ કીધો, નિજભાગ્ય ઉદય ગણી લીધો. ૫૮
રામાનંદે કહ્યું હતું જેહ, ત્યારે મહેતાએ સંભાર્યું તેહ;
હું છું ઉદ્ધવનો અવતાર, પ્રભુ છે પછીથી આવનાર. ૫૯
આવ્યા એ જ પ્રભુ સાક્ષાત, એવી અંતરમાં ધારી વાત;
ગિરનારમાં આકાશવાણી, સાંભળી હતી તે સ્મૃતિ આણી. ૬૦
વાણી સુફળ થઈ તે આજ, મારે ઘેર આવ્યા મહારાજ;
કરુણા મુજ ઉપર કીધી, મારી શ્રીહરિએ સાર લીધી. ૬૧
પૂર્વછાયો
ભૂપ કહે વરણીન્દ્રજી, કથા કહો એ તો મુજ પાસ;
ક્યારે અને કેવી રીતે, વાણી થઈ હતી આકાશ? ૬૨
ચોપાઈ
બ્રહ્મચારી કહે સુણો ભ્રાત, મે’તા નરસિંહની કહું વાત;
હતા પૂર્વના મુક્ત તે ભારી, ભાવ ભગવાન ઉપર ધારી. ૬૩
ટેક બાળપણા થકી ધારે, ભગવાનને મળવું છે મારે;
એમ કરતાં વરસ કાંઈ ગયાં, પ્રભુનાં દર્શન નવ થયાં. ૬૪
ત્યારે ત્યાગ કરી ઘરબાર, ચાલ્યા શોધવા વિશ્વ આધાર;
જાણ્યું ગિરનાર ઉપર જાઉં, કોઈ જોગીનો સેવક થાઉં. ૬૫
હોય ભેખ વિષે ભગવાન, ત્યાં હું પામીશ દર્શનદાન;
જો હું દર્શન નહિ પામીશ, તો આ દેહનો ત્યાગ કરીશ. ૬૬
એવું ધારી ગયા ગિરનાર, જોયા સિદ્ધ ને જોગી અપાર;
પરમેશ્વર તો નવ મળિયા, તેથી તાપ હૃદયના ન ટળિયા. ૬૭
પિંડ પાડવા કીધો વિચાર, વાણી આકાશ થૈ ત્રણ વાર;
મે’તા ચિંતા તજો સર્વ પેર, હરિ આવશે તમારે ઘેર. ૬૮
ત્રણ્ય વાર સુણ્યો શબ્દ જ્યારે, આવ્યો અંતરે વિશ્વાસ ત્યારે;
એ જ માટે અહો ભૂમિપાળ, દીધું દર્શન દીનદયાળ. ૬૯
પ્રભુ મળવા કરે શ્રમ ઘણો, શ્રમ વ્યર્થ ન થાય તે તણો;
એવો છે શ્રીહરિનો ઠરાવ, જુવે અંતરનો શુદ્ધ ભાવ. ૭૦
જમીને વિચર્યા સુખરાશી, ગામ આખા ભણી અવિનાશી;
મે’તો ચાલ્યા વળાવવા માટે, જતાં દીઠો ચમત્કાર વાટે. ૭૧
દીઠા હરિ પુરુષોત્તમરૂપ, કરે સ્તુતિ બ્રહ્માંડોના ભૂપ;
ત્યાં તો દીઠા દશે અવતાર, થયા લીન શ્રીહરિ મોઝાર. ૭૨
એથી ઊપજ્યો આનંદ ભારી, જાણ્યા અવતારના અવતારી;
કરી આજ્ઞા તે શામ સુજાણે, મે’તો પાછા ગયા પીપળાણે. ૭૩
આખા ગામે ગયા ગિરધારી, જેનું ધ્યાન ધરે ત્રિપુરારી;
વેદ નેતિ નેતિ ઉચરે છે, પ્રભુ તે ભૂમિમાં વિચરે છે. ૭૪
પુષ્પિતાગ્રાવૃત્ત
દ્વિજવર નરસિંહ જે મહેતા, પ્રગટ ઉપાસનકારી બ્રહ્મવેત્તા;
કહી અતિ શુભ તેની આ કથાય, સુણી નરનારી પવિત્ર સદ્ય થાય. ૭૫
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
પીપળાણાગ્રામે શ્રીહરિ-વિપ્રનરસિંહમહેતામિલનનામા પંચવિંશો વિશ્રામઃ ॥૨૫॥